સીતાફળના ત્રણ કિલો પરિપકવ બીજને વાટીને ભૂકો કરવો. ભૂકાને મલમલના કાપડમાં બાંધીને પોટલી બનાવવી. ત્યારબાદ તેને ૧૦ લિટર પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી રહે તે રીતે ૨૪ કલાક માટે રાખવી. ત્યારબાદ પોટલીને કાઢ્યા બાદ તેને દબાવીને નીચોવવી. આ ૧૦ લિટર પાણીમાં બીજુ ૯૦ લિટર પાણી ઉમેરીને ૧૦૦ લિટરનું દ્રાવણ બનાવવું. દ્રાવણને ખેતરમાં ઉપયોગ કરતા પહેલાં તેમાં કપડા ધોવાના પાઉડરને ૫ મિ.લિ. પ્રતિ એક લિટર પાણી પ્રમાણે ઉમેરીને છંટકાવ કરવો. સીતાફળના પાંદડામાં ટ્રીલીન અને કેટલાક આઈસોક્વીનોલીન આલ્કલોઈડ હોય છે જે કીટનાશક છે અને જંતુઓમાં ખાવામાં અરુચિ પેદા કરી અસર કરે છે.
સીતાફળના પરિપકવ ૨ કિલો પાંદડાંને ૧૦ લિટર પાણીમાં અડધા કલાક સુધી ઉકાળવા. તે સમયે સમયે હલાવતા રહેવું, ત્યારબાદ અર્કને ઠંડુ પડવા દેવું અને કાપડ વડે ગાળી દેવું. જે અર્ક નીકળ્યો હોય તેમાં ૧૦૦ ગ્રામ પ્રમાણે કપડા ધોવાનો પાઉડર ઉમેરવો. આ પ્રક્રિયા કરતી સમયે મોઢે માસ્ક પહેરવો હિતાવહ છે. આ ૧૦ લિટરના દ્રાવણમાં બીજુ ૯૦ લિટર પાણી ઉમેરી ૧૦૦ લિટરનું દ્રાવણ તૈયાર કરવું અને સાંજના સમયે એક એકરમાં છંટકાવ કરવો. દ્રાવણ બનાવ્યા બાદ તુરત જ ઉપયોગ કરવો. દ્રાવણને સંગ્રહ કરવાનું ટાળવું.
સીતાફળને કીટનાશક તરીકે ઉપયોગ કરતા તે સંગહિત અનાજની જીવાતો ચોખાનું ચાચવું, રાતા સરસરીયા, ચોખાનું ફૂદુ, ઘઉંની વાતરી અને કઠોળના ભોટવા વગેરે અને ખેતરની જીવાતો, પાન કોરી ખનાર ઈયળ, લીલી ઈયળ, કાતરા, મોલો, હીરા ફૂદું વગેરે. એમ બન્ને ઉપર ખૂબજ સારી ઝેરી અસર જોવા મળી છે.
સ્ત્રોત : સફળ કિશાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020