অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફળ પાકોની જીવાતોનું જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ એટલે શું ?

જૈવિક  નિયંત્રણ એટલે કોઈપણ નુકશાનકારક સજીવના નિયંત્રણ માટે અથવા તો તેની વસ્તી પર કાબુ મેળવવા માટે જયારે અન્ય સજીવનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને '' જૈવિક  નિયંત્રણ'' Biological Control) કહે છે. કુદરતના ''જીવો જીવસ્ય ભોજનમ'' ના સિધ્ધાંત અનુસાર એક જીવ બીજા જીવનો ખોરાક છે. તે મુજબ જૈવિક નિયંત્રણમાં કુદરતમાં રહેલા આવા ઉપયોગી સજીવોનો ઉપયોગ કરી નુકશાનકારક સજીવોની વસ્તી કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.  આવા ઉપયોગી સજીવોને પરજીવી (Parasite) પરભક્ષી (Predator) અને રોગકારકો (Pathogen) તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક નિયંત્રણ માટેના આવા ઉપયોગી જૈવિક પરિબળોને ''જૈવિક નિયંત્રકો'' (Biocontrol agents) કહે છે.

પાક સંરક્ષણમાં જૈવિક નિયંત્રણની અગત્યતાઃ

માનવ અને જીવાત વચ્ચેનો સંઘર્સ ઘણા પુરાણા કાળથી ચાલતો આવ્યો છે. જેમ જેમ માણસ જીવાતને મહાત કરવા માટે નવી નવી આધુનિક પધ્ધતિઓ વિકસાવતો ગયો તેમ તેમ જીવાત તેને નાકામિયાબ બનાવવા માટે સક્ષમ બનતી જાય છે. હાલની વધતી જતી વસ્તીના ખોરાકની જરૂરીયાતને પહોંચી વળવા માટે આજનો ખેડૂત વિવિધ આધુનિક ઢબે ખેતી કરવા લાગ્યો છે.  વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂત સુધારેલ/સંકર જાતોનો ઉપયોગ કરવા માડયો છે. આ જાતો રાસાયણિક ખાતરો સામે વધુ પ્રતિભાવ આપતી જણાઈ તેથી ખેડૂત ખેતીમાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો અવિવેકપણે ઉપયોગ કરવા લાગ્યા પરિણામે કીટકોમાં કીટનાશી દવાઓ સામે પ્રતિકારક શકિત વિકસવી, કુદરતમાં રહેલાં પરભક્ષી અને પરજીવીઓનો નાશ થવો, જીવાતોનો પુનઃપ્રકોપ થવો, કીટનાશી દવાઓના ખાદ્ય પદાર્થો પર ઝેરી અવશેષો રહી જવા, પરાગનયનમાં ઉપયોગી કીટકોનો નાશ થવો અને વાતાવરણનું પ્રદુષણ જેવા જટિલ પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રશ્નોના નિવારણ માટે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે. જેથી ફળ પાકોમાં આવતી જીવાતોના જૈવિક નિયંત્રણની માહિતી આપેલ છે.

આંબો :

મધિયો : મધિયાના નિયંત્રણ માટે મેટારીઝીયમ એનીસોપ્લી ફૂગ ૧ × ૧૦૮ કોલોની ફોર્મીંગ યુનિટ પ્રતિ મી.લી. અથવા બ્યુવેરીયા બાઝીયાના ફૂગ ૧૦૮ કોલોની ફોર્મીંગ યુનિટ પ્રતિ  મી.લી. પ્રમાણે ઓફ સીઝનમાં થડ પર છંટકાવ કરવો. આ ઉપરાંત મધિયા પર એપીરીકેનીયા ફુલીગોનોસા નામનું પરભક્ષી કીટક નોંધાયેલ છે.

ફળમાખી : ફળ માખી પર ઓપીયસ કોમ્પેન્સેટસ અને સ્પાલાન્જીઆ ફીલીપ્પાઈન્સ પરજીવી કીટકો નોંધાયા છે.

ચીકટો : ઓસ્ટ્રેલિયન દાળિયા કીટકો ક્રીપ્ટોલીમસ મોન્ટ્રોઝેરી ઝાડ દીઠ ૧૦ની સંખ્યામાં છોડી શકાય.

પાન કથીરી : પાન કથીરી પર એમ્બલીસીયસ ફીનલેન્ડીકસ નામની પરભક્ષી કથીરીની ઓળખ થયેલ છે.

ચીકુ :

ફળમાખી : ફળ માખી પર ઓપીયસ કોમ્પેન્સેટસ અને સ્પાલાન્જીઆ ફીલીપ્પાઈન્સ પરજીવી કીટકો નોંધાયા છે.

કેળ :

મોલો : ક્રાયસોપર્લા કાર્નિયા તથા પરભક્ષી દાળિયા કીટકોથી મોલોનું નિયંત્રણ થાય છે.

ભીંગડાવાળી જીવાત : પરભક્ષી દાળિયા કીટકો જેવાકે કાયલોકોરસ નીગ્રીટસથી ભીંગડાવાળી જીવાતનું નિયંત્રણ થાય છે.

પપૈયા :

સફેદ માખી : ઓસ્ટ્રેલિયન દાળિયા કીટકો ક્રીપ્ટોલીમસ મોન્ટ્રોઝેરી તથા પરજીવી એન્કાર્સિયા છોડવાથી નિયંત્રણ થાય છે.

મોલો : પરજીવી એફીલીનસ માલી અને પરભક્ષી કોકસીનેલા સેપ્ટમપન્કટાટા છોડવાથી નિયંત્રણ થાય છે.

ચીકટો : પરજીવી એસેરોફેગસ પપૈયી છોડવાથી નિયંત્રણ થાય છે.

લીંબુ :

હગારીયા ઈયળ અને પાન વાળનારી ઈયળ : હગારીયા ઈયળ પર ઈરીસીયા નિમ્ફાલીડોફેગા અને પાન વાળનારી ઈયળ પર યુપેલ્મસ તથા પ્રિસ્ટોમેરસ જાતિના પરજીવી નોંધાયેલ છે.

સાયલા જીવાત : ટામારીકઝીયા રેડીયેટા નામના પરજીવી જોવા મળેલ છે.

ચીકટો : ઓસ્ટ્રેલિયન દાળિયા કીટકો ક્રીપ્ટોલીમસ મોન્ટ્રોઝેરી ઝાડ દીઠ ૧૦ની સંખ્યામાં છોડી શકાય.

મોલો : દાળિયા કીટક અને સીરફીડ માખી કુદરતી રીતે મોલોનું નિયંત્રણ કરે છે.

દાડમ :

દાડમનું પતંગિયુ : દાડમના પતંગિયાની ઈયળ પર એપેન્ટેલીસ જાતિની પરજીવી ભમરીની ઓળખ થયેલ છે.

નાળિયેરી :

કાળા માથાવાળી ઈયળ : નાળિયેરીની કાળામાથાવાળી ઈયળ પર બ્રેકોન બ્રેવીકોર્નીસ, પેરાસીઈરોલા નેફાન્ટીડીસ, ઈલાસ્મસ નેફાન્ટીડીસ અને ગોનીઓઝસ નેફાન્ટીડીસ નામના ઈયળના પરજીવીઓ નોંધાયા છે. આ ઉપરાંત ટ્રાઈકોપ્લસીયા પ્યુપીવોરા, બ્રેકીમેરીયા લાસસ અને ઝેન્થોપીમ્પલા પન્કટાટા નામના પરજીવી કીટકો કોેશેટા પર નોંધાયા છે.

કથીરી :નાળિયેરીની ટેટ્રાનીકીડ કથીરી ઉપર પરભક્ષી કથીરી એમ્બલીસીયસ ટેટ્રાનીકીવોરસ નોંધાયેલ છે.

આમળા :

મોલો અને ચીકટો અને બીજા પોચા શરીરવાળા કીટકો : આમળામાં મોલો અને ચીકટો અને બીજા પોચા શરીરવાળા કીટકો પર બે જાતિના લેડી બર્ડ બીટલ  અને ચાર જાતના પરભક્ષી કરોળિયા નોંધાયેલ છે.

પાન કાપી નાખનાર ઈયળ : આમળાની પાન કાપી નાખનાર ઈયળ પર કોટેસિયા (એપેન્ટેલિસ) રૂફીક્રસ, કેરોપ્સ ઓબ્ટયુસસ અને યુકારસેલિયા ઈલોટા નામના પરજીવી જોવા મળેલ છે.

ગાંઠીયા ઈયળ : આંબળામાં ગાંઠીયા ઈયળ પર બ્રેચીમેરીયા જાતિની પરજીવી ભમરી નોંધાયેલ છે.

સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate