લીમડામાં રહેલ ‘એઝાડીરેક્ટીન’ તત્વ જીવાત નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. આમ તો લીમડાના દરેક ભાગમાં વત્તા-ઓછા પ્રમાણમાં એઝાડીરેક્ટીન તત્વ રહેલું હોય છે. પરંતુ લીંબોળીના મીજમાં અને તેમાંય ખાસ કરીને લીંબોળીના તેલમાં એઝાડીરેક્ટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. જીવાત નિયંત્રણ માટે લીંબોળીના મીજનો અર્ક, લીંબોળીના પાનનો અર્ક અને લીંબોળીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉનાળામાં લીમડાના ઝાડ પરથી પાકી લીંબોળી નીચે ખરી પડે છે. આવી પાકી ખરી પડેલી લીંબોળીઓને ભેગી કરી પાણીમાં ડૂબાડી તેમાંથી બી (ઠળીયાં) અને છોતરા (છાલ) જુદા કરવા. આવા ઠળિયાને લાકડાના ખોખામાં સંગ્રહ કરવો. પ્લાસ્ટિકની કોથળી કે પીપમાં સંગ્રહ કરતા તેમાં ફૂગ લાગવાની શકયતા રહે છે જે ઠળિયામાં સડો પેદા કરે છે. આવા સૂકાયેલા ઠળિયાઓને ફોડતા તેમાંથી મીજ નીકળે છે. મીજને અધકચરા ખાંડી નાખવા. આવા ૧૦૦ ગ્રામ મીંજના ભૂકાને એક લિટર પાણીમાં નાંખી ૮ થી ૧૦ કલાક રાખી મૂકવા અને ત્યારબાદ હાથથી મસળવું. આમ કરવાથી મીંજમાં રહેલ એઝાડીરેકટીન તત્વ પાણીમાં આવશે જેને લીધે પાણી દૂધીયા સફેદ રંગનું બને છે. આવું પાણી મલમલના કપડાથી ગાળી તેમાં વધારાનું ૯ લિટર ચોખ્ખુ પાણી ઉમેરો. આમ કુલ ૧૦ લિટર પાણી થશે અને જે દ્રાવણ તૈયાર થશે તે ૧% નું દ્રાવણ થશે. જો ૨% નું દ્રાવણ બનાવવું હોય તો ૧૦ લિટર પાણીમાં ૨૦૦ ગ્રામ અને પ% નું દ્રાવણ બનાવવું હોય તો પ૦૦ ગ્રામ લીંબોળીના મીંજના ભૂકાની જરૂર પડે છે. સામાન્ય રીતે જીવાત નિયંત્રણ માટે આવા ૨ થી પ% ની સાંદ્રતાવાળા દ્રાવણનો છટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. લીંબોળીનું તેલ બજારમાં ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે જીવાત નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ૩૦ થી ૫૦ મિ.લિ. તેલ બરાબર મિશ્ર કરી છટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. તે જ રીતે લીમડાના એક કિલો તાજા પાનને ખલ અથવા દસ્તાથી બરાબર કચરી/છુંદીને તેનો અર્ક કાઢવામાં આવે છે. આવા એક કિલો પાનમાંથી કાટેલા અર્કને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી મલમલના કપડાંથી ગાળી તૈયાર કરવું તે ૧૦% નું દ્રાવણ તૈયાર થશે. જેનો ઉપયોગ છટકાવ કરવા માટે કરી શકાય છે.
હાલમાં બજારમાં લગભગ ૪૦ જેટલી લીમડા (એઝાડીરેકટીન) આધારીત કીટનાશક દવાઓ વ્યાપારી ધોરણે ઉપલબ્ધ થયેલ છે. તે જુદા જુદા વ્યાપારી નામે મળે છે. સામાન્ય રીતે આવી કીટનાશક દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ ૩૦૦ પીપીએમ (૦.૦૩%), ૧૫૦૦ પીપીએમ (૦.૧૫%), ૧૦૦૦૦ પીપીએમ (૧%) અને પ૦૦૦૦ પીપીએમ (૫ ઈસી) સુધીનું હોય છે. જે તે પ્રોડક્ટમાં રહેલ સક્રિય તત્વના પ્રમાણને ધ્યાનમાં રાખી તેને વત્તા-ઓછા પ્રમાણમાં પાણીમાં મિશ્ર કરી છટકાવ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૦ લિટર પાણીમાં ૩૦ થી ૫૦ મિ.લિ. દવા મિશ્ર કરી છાંટવાની ભલામણ કરવામાં આવતી હોય છે.
સંગ્રહેલા અનાજને જીવાતથી થતા નુકસાનને અટકાવવા માટે લીમડાના પાનનો ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે. આજે પણ ઘણા ગામડાઓમાં લીમડાના પાનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે લીમડાના પાન, લીંબોળીના મીંજનો ભૂકો (પાઉડર) અને લીંબોળીના તેલનો ઉપયોગ સંગ્રહેલા અનાજને જીવાતથી મુક્ત રાખવા માટે થાય છે. લીમડાના પાનનો ભૂકો ૨% પ્રમાણે મિશ્ર કરવાથી ડાંગરમાં ચોખાના કૂદાં અને ઘઉંમાં વાંતરી (ખાપરા બીટલ) સામે રક્ષણ પૂરુ પાડે છે. લીંબોળીના મીજનો ભૂકો ૧ થી ૨% (૧ થી ૨ કિલો/૧૦૦ કિલો અનાજ) કઠોળમાં મિશ્ર કરતા ભોંટવા સામે અને મકાઈમાં ચાંચવા સામે રક્ષણ પૂરું પાડે છે. તે જ રીતે લીંબોળીના તેલનું મોવણ આપવાથી ઘઉં અને ચોખાને રાતા સરસરીયા (ધનેરા) અને તુવેરના બીજને ભોંટવા સામે રક્ષણ પૂરું પાડે છે. ઘઉં અને ચોખા જેવા અનાજને દિવેલનું મોવણ આપી સંગ્રહ કરવાથી જીવાતથી થતું નુકશાન અટકાવી શકાય છે.
રાસાયણીક દવાઓની સરખામણીમાં વનસ્પતિજન્ય દવાઓના કેટલાક ફાયદાઓ છે જેમ કે
સ્ત્રોત: સફળ કિસાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020