অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીમાં નુકસાનકારક ગાજર ઘાસ ( Parthenium) માંથી કમ્પોસ્ટ બનાવવાની રીત

ગાજર ઘાસ અથવા કોંગ્રેસ ઘાસ (Parthenium) એક જાતનું નિંદામણ છે જે ખેતી અને જમીન માટે ખુજ નુકસાનકારક છે.  આ ઘાસનો ખુબજ ઝડપથી ફેલાવો થાય છે. કોઇ પણ પશુ આ ઘાસને ખાતું નથી.

ગાજર ઘાસથી (parthenium) થતું નુકસાન

  • આ ઘાસ ચરિયાણમાં પશુઓને ચરવાલાયક ઘાસ જયાં થવાનું હોય, તેવી જગ્યાઓ પાર ફેલાઈને સામાન્ય ઘાસને વધવા દેતું નથી એટલે ચરિયાણ જમીનોમાં ચરવા લાયક ઘાસનો તુટો પડવા લાગ્યો છે.
  • જો દુધાળા પશુઓ જો આ ઘાસને ખાઈલે તો તેના દૂધમાં પાર્થેનીન ઝેરની અસર ભળતાં માનવ શરીરને રોગનું ભોગ બનવું પડે છે.
  • એના સતત સંપર્કમાં રહેનારાને પાર્થીનીનની ઝેરી અસરથી ચામડીના દર્દો, આંખના રોગો, ખસ-ખુજલી ઉપરાંત લાલ ચકામાં અને ચામડી બરછટ થઇ જવાના તથા તેના કુલની રજના પ્રકોપથી એલર્જી અને અસ્થમા જેવા રોગોને આવવાનું સહેલું બનાવી દીધું છે.

કૃષિ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો આ વનસ્પતિના મૂળિયામાં ઝેરી પદાર્થ રહેતો હોવાથી બાજુમાં ઉગેલ ઉભેલ વનસ્પતિને નડતરરૂપ બની તેના વિકાસને અવરોધે છે. વળી પોતે રાક્ષસી રીતે વધતું હોવાથી જમીનમાંથી રસકસ પણ ઝપાટાબંધ ઉપાડી જઇ, ફળદ્રુપતામાં ઓટ ઉભી કરી, જમીનને નીચોવી નાંખે છે.

ગાજર ઘાસનો નિકાલ કેવી રીતે કરવો?

  • જયાં બહુ ફેલાવો થયો નથી, શરૂઆત જ હોય, તેવા વિસ્તારોમાં એકલ દોકલ છોડ દેખાયા ભેળો – દેખો અને ઠાર કરો ની નીતિ અપનાવી કુલ આવતાં પહેલા જ નાશ કરવો.
  • મેદાનો, રસ્તાની કિનારીઓ, રેલ્વે યાર્ડ, તળાવની પાળ, સ્મશાન ભૂમિ વગેરેમાં એટ્રાજીન જેવી દ્વિદળનાશક દવાથી કુલ આવ્યા પહેલા સફાયો કરવો.
  • જે જગ્યાએ રોડ, રસ્તા કે મેદાનોમાં કોંગ્રેસ ઘાસ અડાબીડ ઉગી કેર વર્તાવતું હોય તે જગ્યાઓએ ચોમાસાના વરસાદ પહેલાં કુવાડિયાના બીજને છાણ-માટીમાં મિશ્રણ કરી પુકી દીધા હોય તો વરસાદ થયા ભેળાં બધાં ઉગી નીકળશે. અને એનો વિકાસ ખૂબ ઝડપી થતો હોવાથી, ગાજરિયાને ગાંઠયા વિના પોતે આગળ નીકળી જઇ આ ઘાસને મુંઝવી મારી નિયંત્રણમાં લાવી દેશે.

ગાજર ઘાસનું કંપોસ્ટ બનાવવાની રીત

  1. પાણી ન ભરાઇ રહેતું હોય તેવી છાંયડાવાળી, ઉંચી જગ્યા પર ૩ ફુટ ઉંડી અને ૬ ફુટ પહોળી, ૧૦ ફુટ લંબાઇની ખાડ બનાવવી. જથ્થો વધુ હોય તો લંબાઇ વધુ, પણ ઉડાઇ તો ૩ ફુટ જ રાખવી.
  2. કુલ આવતાં પહેલાં ગાજર ઘાસને મૂળ સમેત ઉખાડી, ખાડમાં તળિયે આશરે પ૦ કિલો મૂળિયાની માટી સહિત પાથરવા.
  3. તેના પર પ-૭ કિલો છાણને ર૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરી, તેના પર પ૦૦ ગ્રામ યુરિયા કે ૩ કિલો રોક ફોફેટ ઉપરાંત ટ્રાયકોડર્મા વીરડી કે ટ્રાઇકોડર્મા હજીનીયમ યુગ ૫૦ ગ્રામ વેરી થોડી માટી ભભરાવવી.
  4. આવી રીતે થર પર થર કરતા રહી, આખી ખાડ ખૂબ દબાણ આપી ભરી દીધા બાદ, છાણ-મુત્ર-માટી અને ભુસા વગેરેનું મિશ્રણ કરી ઉપરના ખુલ્લા ભાગો પર લીંપણ કરી દેવું. ૫ થી ૬ માસમાં ખુબ સારું કોહવાયેલું ગળતિયું ખાતર તૈયાર થઇ જાય છે

ગાજર ઘાસના કમ્પોસ્ટનો ફાયદો

ગાજર ઘાસના કંપોસ્ટમા પોષક તત્વો અન્ય જૈવિક ખાતરો કરતા વધારે હોય છે.

  • ગાજર ઘાસ: નાઇટ્રોજન ૧.0૫%, ફોસ્ફરસ 0.૮૪%, પોટાશ ૧.૧૧%, કેલ્શિયમ  0.૯, મેંગેનીઝ 0.૫૫%
  • વર્મીકંપોસ્ટ: નાઇટ્રોજન ૧.૬૧%, ફોસ્ફરસ 0.૬૮%, પોટાશ ૧.૩૧%, કેલ્શિયમ 0.૬૫%, મેંગેનીઝ 0.૪૩%
  • છાણિયું: નાઇટ્રોજન 0.૪૫%, ફોસ્ફરસ 0.૩%, પોટાશ 0.૫૧%, કેલ્શિયમ 0.૫૯%, મેંગેનીઝ 0.૨૮%

કમ્પોસ્ટ બન્યા પછી જીવતા નિંદામણમાં જોવા મળતું ઝેરી રસાયણ પાર્થેનીનનું સંપૂર્ણ વિઘટન થઇ જાય છે એટલે મનુષ્ય કે પ્રાણીઓ ઉપર ખરાબ અસર થતી નથી. આ કમ્પોસ્ટ ખાતરમાં પોષક તત્વો છાણિયા ખાતરથી પણ વધારે માત્રા હોય છે. ઉપરાંત જૈવિક ખાતર હોવાથી પર્યાવરણ માટે મિત્ર સમાન છે. જમીનની ભૌતિક તથા રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરતા ઉત્પાદન ક્ષમતા ખૂબ ઓછા ખર્ચથી વધારી શકાય. સૌથી મોટી વાત તો એ છે કે આ ખેડૂતોના માથાના દુઃખાવા સમાન નિંદણને જમીનમાં ભંડારી નડતરને બદલે વળતરમાં ફરી જાય છે.

ધ્યાનમાં રાખવાની બાબત

ઢગલા, ખાડા કે નેગેપ પદ્ધતિ દ્વારા જો કંપોસ્ટ બનાવાશે તો ગાજરઘાસના ઝીણાં બીયાં સડયા વિનાના રહી જવાથી વાડીઓમાં ઉલટાનો એનો ફેલાવો અને ઉપદ્રવ વધી જઇ, ઉલમાંથી પડયા ચૂલમાં જેવું થઇ રહેશે. પણ એ માટે ઉપર આપેલ ખાસ પદ્ધતિ અખત્યાર કરાય તો એક પંથ દો કાજ-ગાજર ઘાસનું નિકંદન અને કંપોસ્ટ ખાતરમાં પરિવર્તન થઇ શકે છે.

સ્ત્રોત: સફળ કિસાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate