પાકમાં આવતી દરેક જીવાતોનું તેના કોઈને કોઈ દુશ્મનો જેવા કે પરભક્ષી–પરજીવી કીટકો કે પરજીવી ફૂગ, જીવાણું કે વિષાણું જીવાતની વસ્તીનું વત્તા–ઓછા પ્રમાણમાં નિયંત્રણ કરતાં હોય છે. આવા કુદરતી દુશ્મનોની પ્રવૃતિ જીવાતની વસ્તીમાત્રા, અવસ્થા અને હવામાન પર આઘારિત હોય છે. હાલમાં જે તે જીવાતના અસરકારક કુદરતી દુશ્મનનું માનવ ધ્વારા સંવર્ધન અને સંરક્ષણ કરી જીવતોનું જૈવિક નિયંત્રણ કરવાના સઘન પ્રયત્નો કરવામાં આવે છે. રાસાયણિક જંતુનાશકોના આડેધડ વપરાશની વિપરીત અસરો જોવા મળતા તેના પર્યાયરૂપે જીવાતના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી અને પરજીવી કીટકોને ઓળખવા અને તેની પ્રવૃતિને ખલેલ ન પહોંચે તેવી કાળજી રાખવી ખૂબ જ અગત્યની બાબત છે.
પરભક્ષી કીટકોની વસ્તી યજમાન કીટકોની વસ્તી કરતાં ઓછી હોય છે, પણ તે કદમાં મોટા હોય છે. તે યજમાન કીટકોને પકડીને તેને ખાય જાય છે અથવા તો તેના શરીરને ચૂસી લે છે. તે ખૂબ જ ચપળ અને રંગ–બેરંગી હોય છે. આવા પરભક્ષીઓની ઓળખ નીચે મુજબ છે.
દાળિયા (લેડીબર્ડ બીટલ) :આપણા વિસ્તારમાં દાળિયાની બાર જાતિઓ નોંધાયેેલ છે. જેમાં પીળા દાળિયા (મેનોચીલસ સેકસમે કયુલેટસ) અને લાલ દાળિયા ( કોકસીનેલા સપ્ટેમકટાટા) સામાન્ય રીતે બધે જ જોવા મળે છે. પુખ્ત દાળિયા તથા તેની ઈયળ અવસ્થા પોચી શરીરવાળી જીવાતો જેવી કે, મોલોમશી, થ્રીપ્સ, લીલા તડતડીયાના બચ્ચાં, સફેદમાખી, ભીંગડાવાળી જીવાત, ચીકટો વગેરે ખાય છે. દાળિયા ઝુમખામાં પીળા રંગના ઈંડા મૂકે છે. તેની વિકસીત ઈયળ કાળાશ પડતા રંગની અને આગળના ભાગે બે ચિપિયા ધરાવે છે. આ ઉપરાંત કાયલોકોરસ નીગ્રીટસ નામના કાળા રંગના દાળિયા જે ખાસ કરીને શેરડી અને નાળિયેરીમાં નુકસાન કરતી ભીંગડાવાળી જીવાત પર નભે છે. આ કાળા દાળિયાના પુખ્ત જયારે ભક્ષણ ન મળે ત્યારે ખોરાક વગર ત્રણ થી ચાર મહિના સુધી જીવી શકે છે. ઘણીવાર વડલાના ઝાડ પર પાનની નીચે આશરો લે છે. પીળા કે લાલ દાળિયા પુખ્ત અને ઈયળ અવસ્થા દરમ્યાન આશરે પ૦૦ કે ૬૦૦ મોલોમશીને ખાય જાય છે. જયારે કાળા દાળિયા એક દિવસમાં ભીંગડાવાળી જીવાતના ૬૦૦ જેટલા નાના બચ્ચાંને ખાય છે.
લીલી ફૂદડી (ક્રાયસોપા) : આપણા વિસ્તારમાં લીલી ફૂદડી (ક્રાયસોપા) ની સાત જાતો નોંધાયેલ છે. આ પરભક્ષી કીટકનું પુખ્ત લીલાશ પડતાં રંગનું, લાંબી મૂછો અથવા સ્પર્શકો તથા પાંખો લીલાશ પડતી પારદર્શક હોય છે. ખેતરમાં વહેલી સવારમાં તે વધારે સક્રિય હોય છે. આની માદા લાંબી દાંડી પર સફેદ રંગના ઈંડા મૂકે છે. તેની ઈયળ અવસ્થા જ પરભક્ષી હોય છે, જયારે પુખ્ત છોડના ગળિયા ભાગ પર કે પરાગકણોને ખાયને નભે છે. ઈયળના મુખાંગોમાં બે ચિપિયા જેવા ભાગ હોય છે. જેનાથી યજમાન કીટકોને પકડી, તેના શરીરમાં પોતાના સોય જેવા મુખાંગો દાખલ કરી અંદરનો રસ ચૂસે છે. ઈયળ અવસ્થા ૪ થી ૬ દિવસની હોય છે અને તે દરમ્યાન આશરે ર૦૦–રપ૦ મોલોમશી કે ૧૦૦ થી ર૦૦ સફેદમાખીના બચ્ચાં ખાય જાય છે. આ પરભક્ષી ઘણી જાતની પોચા શરીરવાળી જીવાતોને તેમજ જીવાતોના ઈંડામાંથી રસ ચૂસી ભક્ષણ કરે છે. આ પરભક્ષી પ્રયોગશાળામાં ચોખાના ફુદાના ઈંડા પર મોટા પાયે ઉછેરી શકાય છે.
સોનેરી માખી (સીર ફીડ ફલાય) : આ પરભક્ષી માખી પીળા રંગની હોય છે. મગફળી અને રાઈનાં પાકમાં મોલોમશીનો ઉપદ્રવ હોય ત્યારે તે જોવા મળે છે. સવારના ઓછો તાપ હોય ત્યારે તે પાક પર સ્થિર રહી ઉડતી જોવા મળે છે. સોનેરી માખી મોલોમશીના બચ્ચાંનો ઝુમખો હોય ત્યાં ઈંડા મૂકે છે. તેની ઈયળો મોલોમશીમાંથી રસ ચૂસી તેનો નાશ કરે છે. ઈયળ પગ વગરની મોઢાનાં ભાગ તરફ પાતળી અને પાછળના ભાગે જાડી, મૂળાના આકારની હોય છે. પુખ્ત સોનેરી માખી પરાગનયનમાં ઉપયોગી છે. વિવિધ પાકોમાં નુકસાન કરતી મોલોમશી જીવાતોનું ભક્ષણ કરે છે.
ખડમાંકડી (મેન્ટીડ) : આ પરભક્ષી કીટક વિવિધ રંગનું હોય છે. પાછળના ચાર પગો લાંબા જયારે આગળના બે પગ ખાસ આકારના હોય છે. જેના વડે તે શિકારને પકડીને ખાય છે. પાછળના ચાર પગો વડે તેના શરીરને જરૂર પડે તેમ નીચે હલાવી શકે છે. આ ખડમાંકડી નાના અને પોચા શરીરવાળી જીવાતો, તીતીઘોડા અને ઈયળોને પકડી ખાય જાય છે. ચોમાસા દરમ્યાન પ્રવૃતિ વધારે જોવા મળે છે.
વાણિયા (ડ્રેગનફલાય) :વાણિયાની ઈયળ અવસ્થા પાણીમાં રહી મચ્છરની ઈયળો તથા અન્ય કીટકો ખાય છે. જે વર્ષે ચોમાસુ સારૂં હોય અને ખાડા ખાબોચિયા પાણીથી ભરાય જાય તે વર્ષે તેની વસ્તી જોવા મળે છે. પુખ્ત વાણિયા ખૂબ જ ચપળ અને ઝડપથી ઉડે છે. વાણિયા હવામાં ઉડતા ઉડતા તેનો શિકાર જેવા કે, મચ્છર, સફેદમાખી, તડતડીયા, નાના ચૂસિયા, નાના ફુદાઓ વગેરેને પકડીને તેને ખાય જાય છે.
શિકારી ઢાલિયાં (ટાઈગર બીટલ) :શિકારી ઢાલિયાં કાળા તથા ચટૃાપટૃાવાળા હોય છે. તેના લાંબા પગ હોવાથી ખૂબ જ ઝડપથી દોડી શકે છે. રાત્રી દરમ્યાન વધારે સક્રિય હોય છે. આ પરભક્ષી ઢાલિયા ખૂબ જ ખાઉધરા હોય છે. ઈયળ તથા પુખ્ત ઢાલિયાં અનેક પ્રકારની જીવાતોને ખાય જાય છે. ઘણીવાર મગફળીમાં જયારે લશ્કરી ઈયળ (પ્રોડેનીયા)નો ઉપદ્રવ હોય ત્યારે ચટૃાપટૃા શિકારી ઢાલિયાંની વસ્તી જોવા મળે છે. જે ટાઈગર બીટલથી ઓળખાય છે.
શિકારી ચૂસિયા :શિકારી ચૂસિયાના પુખ્ત તથા તેના બચ્ચાંઓ જીવાતની નાની ઈયળો, ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલોમશી, તડતડીયા, સફેદમાખી, ફુદાના ઈંડાઓ વગેરેમાંથી રસ ચૂસી તેનો નાશ કરે છે.
કપાસ તથા નાળિયેરી જેવા પાકોમાં શિકારી ચૂસિયાની પ્રવૃતિ વધારે જોવા મળે છે. ઘણીવાર કેટલાક શિકારી ચૂસિયા પ્રતિકૂળ સંજોગોમાં તેની ખોરાકની પસંદગી ફેરવી નાખે છે. જયારે પૂરતા પ્રમાણમાં ખોરાક માટે કીટકો ન મળે ત્યારે તે પાકના છોડમાંથી રસ ચૂસી જીવાત તરીકે જીવે છે.
પરજીવી કીટકો
જીવાતના ઈંડા, ઈયળો, કે બચ્ચાં, કોશેટો અને ઘણીવાર પુખ્ત અવસ્થાઓના અલગ અલગ પરજીવી કોટકો હોય છે. પરજીવી કીટકો યજમાન કીટકોનાં શરીરમાંથી ખોરાક મેળવી પોતાનું ગુજરાન કરે છે. પરજીવી કીટક યજમાનનાં શરીરમાં અથવા તો શરીરની બહાર ઈંડા મૂકે છે અને તેમાંથી સેવાયેલા પરજીવી ઈયળ યજમાન કીટકના શરીરમાંથી અંદરનો ભાગ ચૂસી મારી નાખે છે. પરજીવી કીટકો કાંડર (ભમરી) કે માખી પ્રકારના હોય છે.
ઈંડાના પરજીવી :ઈંડાનું પરજીવી ખૂબ જ નાનું અને નાજુક હોય છે. ખેતરમાં તે નરી આંખે ન જોઈ શકાય તેટલા નાના હોય છે. પુખ્ત પરજીવી પોતાની પસંદગીની જીવાતના ઈંડા શોધી સોય જેવા અંગ વડે પોતાનું ઈંડુ યજમાનના ઈંડાના અંદરના ભાગમાં મૂકે છે અને તેમાંથી સેવાયેલ ઈયળ યજમાન ઈંડામાં અંદરનો ભાગ ખાય મોટી થાય છે અને તે કોશેટામાં ફેરવાય છે ત્યારબાદ તેમાંથી પરજીવી ભમરી નીકળે છે. ઈંડાની પરજીવીની ઘણી જાતો હોય છે. જેમાં લીલી ઈયળ, કાબરી ઈયળ, લશ્કરી ઈયળ, શેરડીના વેધકો વગેરેને પરજીવીકરણ કરતી ટ્રાયકોગ્રામા જાતિની છે. જયારે શેરડીના કૂદ કૂદીયા પર નભતી પરજીવી ટેટ્રાસ્ટીકલ જાતિની છે. પતંગિયાના તથા શેરડીના વેધકોના ઈંડા પર નભતી જાત ટિલેનોમસ મુખ્ય છે. લીલા તડતડીયાના ઈંડાની પરજીવી પણ નોંધાયેલ છે. ટ્રાયકોગ્રામા પરજીવી પ્રયોગશાળામાં ચોખાના ફુદાના ઈંડા પર મોટા પાયે ઉછેરી શકાય છે. ભમરીનો ઘણી જીવાતોના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવેલ છે.
ઈયળની પરજીવી :ઈયળના પરજીવીની ઘણી જાતો છે. તેમાં બે્રકોન, એપનટેલસ, કંપોલીટીસ, ગોનીયોઝસ અને યુકારસેલીયા જાતો અગત્યની છે. જીવાતની ઈયળોને બેભાન બનાવી તેના પર પોતાનું ગુજરાન કરે છે. ઘણી પરજીવીઓ યજમાન શરીરમાં એકલ દોકલ કે ઝુમખામાં સફેદ કોશેટા જોવામાં આવે છે. આવા કોશેટા પરજીવી કીટકોના હોય છે. રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો જેવી કે સફેદમાખી, ચીકટો, ભીંગડાવાળી જીવાત વગેરેના બચ્ચાં પર નભતી પરજીવીઓ પણ હોય છે.
પરભક્ષી અને પરજીવી કીટકો વાતાવરણ સાથે તાલ મેળવી યજમાન જીવાતોને મારી પોતાનું સામ્રાજય ફેલાવતી હોય છે. આવા ઉપયોગી કીટકોની પ્રવૃતિમાં માનવ સર્જીત અવરોધ થાય તો જીવાતનું નિયંત્રણ અવરોધાય છે. પરિણામે જીવાતને મારવા માટે બીજા ઉપાયોનો ખર્ચ વધી જાય છે. દુશ્મનોના દુશ્મન મિત્ર એ સિધ્ધાંતને ધ્યાને લઈ આવી ઉપયોગી જીવાતોનું જતન કરી બચાવવી જોઈએ.
પરભક્ષી અને પરજીવી કીટકો વાતાવરણ સાથે તાલ મેળવી યજમાન જીવાતોને મારી પોતાનું સામ્રાજય ફેલાવતી હોય છે. આવા ઉપયોગી કીટકોની પ્રવૃતિમાં માનવ સર્જીત અવરોધ થાય તો જીવાતનું નિયંત્રણ અવરોધાય છે. પરિણામે જીવાતને મારવા માટે બીજા ઉપાયોનો ખર્ચ વધી જાય છે. દુશ્મનોના દુશ્મન મિત્ર એ સિધ્ધાંતને ધ્યાને લઈ આવી ઉપયોગી જીવાતોનું જતન કરી બચાવવી જોઈએ.
લેખ : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ
સ્ત્રોત : કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020