অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘઉંના ઘાતક નીંદણ-ગુલ્લીદંડાની ઓળખ અને વ્યવસ્થાપના

ગુજરાત રાજ્યમાં વાવેતરની દ્રષ્ટિએ ધાન્ય વર્ગના પાકો ખૂબ જ અગત્યના છે. ગુજરાત રાજ્યમાં ઘઉંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. કોઈપણ પાકમાં મહત્તમ ઉત્પાદન માટે વિવિધ પરિબળો ભાગ ભજવે છે. આ પરિબળો પૈકી નીંદણ એ અતિ મહત્ત્વનું પરિબળ છે. ધાન્ય વર્ગના પાકોમાં ઉગી નીકળતા નીંદણો પૈકી ઘઉંના પાકમાં એક જટિલ અને ભયજનક નીંદણ છેલ્લા ૧૫ વર્ષથી આપણા રાજ્યમાં જોવા મળે છે. જે સમગ્ર રાજ્યની ખેતી માટે પડકારરૂપ બને તેવું નીંદણ છે. સામાન્ય રીતે આ નીંદણ ગુલ્લીદંડા, બાજરીયું તેમજ કૂસીયુ જેવા વિવિધ નામથી જાણીતું છે. તેનું અંગ્રેજી નામ Canary grass અને વૈજ્ઞાનિક નામ Phalaris minor છે. આ નીંદણ પંજાબ, હરિયાણા તથા ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઘઉંના પાકમાં આતંક મચાવી ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખેલ છે. આ નીંદણ આપણા રાજ્યમાં અન્ય રાજયોથી આયાત કરેલા ઘઉના બિયારણ સાથે અથવા ઘઉની કાપણી માટે ઉત્તરના રાજ્યોમાંથી આવતા હાર્વેસ્ટર મારફતે આવ્યું હોય તેમ લાગે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના આણંદ કેન્દ્ર ખાતે કાર્યરત અખિલ ભારતીય સંકલિત નીંદણ વ્યવસ્થાપન યોજનાના સતત સઘન સર્વેક્ષણ દરમ્યાન ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ખેડા, વડોદરા તથા દાહોદ જીલ્લાના કેટલાક ગામોમાં ઘઉંના પાકમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે.

 

ગુલ્લીદંડા નીંદણ ૧૦° થી ૧૫° સે. ઉષ્ણતામાનના ગાળામાં ઉગી નીકળે છે. ગુલ્લીદંડાનો છોડ શરૂઆતમાં ઘઉંના છોડ જેવા જ દેખાવમાં હોય છે. આથી શરૂઆતની અવસ્થામાં ઓળખવો મુશ્કેલ બને છે. તેમાં જ્યારે મૂંડી નીકળે ત્યારે જ ઘઉંના છોડથી જુદો પડે છે. આ નીંદણ ઘઉં કરતા મોડું ઉગે છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. પરિણામે છેલ્લે તેની ઊંચાઈ ઘઉંના છોડ કરતાં વધારે હોવાને લીધે જૂદુ તરી આવે છે.

ડિસેમ્બર માસમાં વાવવામાં આવતા ઘઉંના પાકમાં તેનો ઉગાવો અને વિકાસ વધુ થતો હોય છે. તેની ટૂંડી નાની તેમજ તેનો આકાર બાજરીના ડૂંડાને મળતો આવે છે. તેનું કદ અને આકાર ગુલ્લી જેવો હોવાથી ગુલ્લીદંડા' તરીકે ઓળખવામાં આવે છે. ગુલ્લીદંડાની એક કંટીમાં આશરે ૪૫૦ જેટલા બીજ હોય છે. ઘઉં પાકતા અગાઉ બે થી ત્રણ અઠવાડિયા પહેલાં ગુલ્લીદંડાના બીજ પરિપક્વ થઈ જમીન ઉપર ખરી પડે છે જે બીજે વર્ષે અનુકૂળ આબોહવા મળતાં ખેતરમાં ઉગી નીકળે છે.

ગુલ્લીદંડાની ઓળખ :

ગુલ્લીદંડા નીંદણ ઘઉંના છોડને મળતું આવતું હોવાથી શરૂઆતની અવસ્થામાં તેને ઓળખવું મુશ્કેલ બને છે, જેથી તેને હાથ નીંદામણ વડે દૂર કરવું ખૂબ જ કઠીન છે. સામાન્ય મજૂર આ છોડને સહેલાઈથી ઓળખી શકતા નથી પરંતુ અનુભવી મજૂર કે ખેડૂત ઓળખવાનો પ્રયાસ કરે તો ગુલ્લીદંડાને જરૂર ઓળખી શકાશે. અનુભવને આધારે નક્કી કરેલા તફાવતથી ગુલ્લીદંડાને સહેલાઈથી ઓળખી શકાય છે.

  1. થડ: ઘઉંના થડનો રંગ પીળાશ પડતો લીલો જ્યારે ગુલ્લીદંડાના થડનો રંગ સહેજ રતાશ પડતો હોય છે.
  2. પાન : ઘઉંના પાનનો રંગ ઘાટો લીલો જોવા મળે છે જ્યારે ગુલ્લીદંડાના પાનનો રંગ આછો લીલો હોય છે.
  3. ફૂટ : ઘઉંના છોડમાં ફૂટ સીધી અને ઓછી જ્યારે ગુલ્લીદંડાના છોડમાં ફૂટ જથ્થામાં અને ફેલાયેલી હોય છે.
  4. ડૂડી : ઘઉંમાં ડૂડી વહેલી આવે છે જયારે ગુલ્લીદંડામાં ઘઉં પછી ટૂંડી મોડી નીકળે છે.
  5. ટૂંડીનો આકાર : ઘઉંનો આકાર સીધો જ્યારે ગુલ્લીદંડામાં આકાર ઈંડા જેવો હોય છે.
  6. બીજનું કદ : ઘઉના બી કદમાં મોટા જયારે ગુલ્લીદંડામાં બીજ કદમાં ઘણા નાના હોય છે.
  7. બીજનો રંગ : ઘઉના બીજનો રંગ આછો બદામી જયારે ગુલ્લીદંડાના બીજનો રંગ ગાઢા બદામીથી કાળો હોય છે.
  8. છોડની ઊંચાઈ: પાકવાની અવસ્થાએ ગુલ્લીદંફાના છોડની ઊંચાઈ ઘઉંના છોડ કરતા વધુ હોય છે.

ગુલ્લીદંડાનો ફેલાવો અટકાવવા માટેના પગલાં :

  1. ગુલ્લીદંડાના બીજમુક્ત બિયારણની પસંદગી કરવી અથવા બીજની વાવણી પહેલાં બિયારણ ચાળવું અને તેમાંથી ગુલ્લીદંડાના બીજ તથા અન્ય કચરો બાળીને નાશ કરવો.
  2. જે ખેતરમાં આ નીંદણ જોવા મળેલ હોય તેવા ખેતરના ઘઉંનો બિયારણ તરીકે ઉપયોગ કરવો નહીં.
  3. ખેતરમાં જો આ નદણ આવી જ ગયું હોય તો બે ત્રણ વર્ષ પાકની ફેરબદલી કરવી. ડાંગર બાદ ઘઉંના પાક ન લેતા શક્ય હોય ત્યાં ચણા, રાઈ, સુવા વગેરે પાકોનું વાવેતર કરવાથી પાક કરતા નીંદણ જૂદુ પડવાથી ફૂલ આવતા પહેલા ઉખાડી તેનો નાશ કરી શકાય.
  4. શેઢા પાળા ઉપર ઉગેલ નદણના છોડને પણ ફૂલ આવતાં પહેલાં નાશ કરવો.
  5. આ નીંદણનો પશુઓના ઘાસચારા તરીકે કોઈપણ સંજોગોમાં ઉપયોગ કરો નહીં.
  6. ગુલ્લીદંડાના અસરકારક નિયંત્રણ માટે આઈસો પ્રોડ્યુરોન ૦.૫૦ કિ./હે. મુજબ પાકની વાવણી બાદ ૨૫ થી ઘ0 દિવસે એટલે કે પ્રથમ પિયત બાદ તુરત જ છંટકાવ કરવો. આ નીંદણનાશકના છંટકાવથી અન્ય નીંદણો જેવો કે ચીલ અને ચીલ-બલાડો પણ કાબૂમાં લઈ શકાય છે.
  7. કોરાટે અથવા વરાપે કરેલ ઘઉંના પાકમાં ગુલ્લીદંડા નદણનો ઉપદ્રવ જણાય તો હેકટરે અનુક્રમે ૧૫ ગ્રામ અને ૨૫ ગ્રામ સેલ્ફોસલ્યુરોન નીંદણનાશક ૨૫૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૩૫ દિવસે છંટકાવ કરવાથી ગુલ્લીદંડાનું અસરકારક નિયંત્રણ થાય છે.
  8. ખેતીના સાધનો એકદમ ચોખ્ખા કરવા ખાસ કરીને કમ્બાઈન હાર્વેસ્ટર કે જે મોટા ભાગે બહારના રાજયોમાંથી આવે છે તેની સંપૂર્ણ રીતે ચકાસણી કરીને સાફ કરી ખેતરમાં દાખલ કરવા.

કૃષિ વિસ્તરણ કાર્યકરો માટે :

  1. ઘઉંના ખેતરો પર રૂબરૂ મુલાકાત લઈ આ નીંદણના નિરાકરણ વિષે ખેડૂતોને સમજ આપવી અને જેવું નીંદણ દેખાય કે તુરંત તેને ઉખાડી, સૂકવી, બાળીને નાશ કરવાની સૂચના આપવી.
  2. સમગ્ર વિસ્તારમાં પ્રવેશતા હાર્વેસ્ટર તથા તેમની સાથે આવતા અન્ય સાધનોની સંપૂર્ણ ચકાસણી અને સફાઈ કરીને પછી ખેતરોમાં કામ કરવા પ્રવેશ આપવો.
  3. દૂરદર્શન તથા આકાશવાણી દ્વારા ખાસ જાહેરાતો દ્વારા તાંત્રિક માર્ગદર્શન આપવું. જરૂર હોય તો ખેડૂત સભાઓ પણ યોજવી.
  4. આ નીંદણની ભયંકરતા સમજાવતા પોસ્ટર તથા ચોપાનિયા છપાવીને ખેડૂતોને વહેંચવા.
  5. સમગ્ર રાજયના ખેડૂત ભાઈઓ તથા વિસ્તરણ કાર્યકરોએ આ નીંદણને અટકાવવા સામૂહિક ઝૂંબેશરૂપે પગલાં લેવાં.

હાલમાં આપણા રાજયમાં તીવ્ર ગતિએ ગુલ્લીદંડા નીંદણ પ્રસરી રહ્યું છે જે ભવિષ્યમાં ખેડૂતો માટે આર્થિક રીતે ઘણું નુકસાનકારક બની જશે. ઘઉંના ખેતરોમાં જયાં આ નીંદણ જોવા મળે કે તુરંત તેને ફૂલ અને બીજ આવે તે પહેલાં ઉખાડી, બાળી કે ઊડે દાટીને નાશ કરવો ખેડૂતોને સજાગ કરવી તથા સતત માર્ગદર્શન આપવું.

વધુમાં ઘઉંના પાકમાં ખેડૂતો દ્વારા વર્ષોથી ૨,૪ ડી અને મેટસલ્ફયુરોન-મિથાઈલ જેવા એકના એક  નીંદણનાશકોનો સતત ઉપયોગ કરવાથી ગુલ્લીદંડા, કુતરીયુ અને ડુંગળો જેવા એકદળી વર્ગના નીંદણોનો ઉપદ્રવ વધતો જાય છે. આથી એ કદળી અને દ્વિદળી તમામ નીંદણોના અસરકારક નિયંત્રણ માટે બજારમાં નીંદણનાશકોના કેટલાક તૈયાર મિશ્રણ સીઆઈબી એન્ડ આરસી હેઠળ રજીસ્ટર્ડ થયેલ છે, જેનો ઉપયોગ ઘઉંના પાકમાં તમામ પ્રકારના નદણના વ્યવસ્થાપન માટે કરી શકાય તેમ છે જેની માહિતી કૌઠામાં દર્શાવેલ છે.

સ્ત્રોત ડૉ. બી. ડી. પટેલ, શ્રી ડી. ડી. ચૌધરી, ડૉ. હિરેન પટેલ - એઆઈસીઆરપી-વીડ મેનેજમેન્ટ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ-૩૮૮૧૧૦

સ્ત્રોતઃ કૃષિગોવિધા, ડિસેમ્બર ૨૦૧૮, વર્ષ : ૭૧, અંક : ૮, સળંગ અંક : ૮૪૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate