অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતમાં થતા મુખ્ય હઠીલા નીંદણો

ગુજરાતમાં થતા મુખ્ય હઠીલા નીંદણો

નીંદણોને પોતાના વિકાસ માટે પુરતી તકો મળે પછી તે કુદરતી હોય કે માનવસર્જીત હોય ત્‍યારે પશ્ન ઘણો જટીલ બને છે. ગુજરાત રાજ્યમાં જુદી જુદી ખેત-આબોહવાકીય પરિસ્થિતિ આ હાનિકારક નીંદણોની વૃધ્ધિને પ્રોત્‍સાહિત કરે છે. ભારે વરસાદ, સઘન સિંચાઇ વ્‍યવસ્‍થા તથા સઘન ખેતી જેવા એકત્રિત પરિબળો હઠીલા નીંદણની વૃધ્ધિ ઝડપથી વધારે છે. આવા હાનિકારક વર્ષાયુ, દ્વિવર્ષાયુ તેમજ બહુવર્ષાયુ નીંદણોની માહિતી તેમજ તેમને કાબુમાં લેવા માટેના ઉપાયોની વિસ્‍તૃત છણાવટ અત્રે કરવામાં આવેલ છે.

ચીઢો

અંગ્રેજી નામ :Purple nut sedge Nut grass

વૈજ્ઞાનિક નામ :Cyperus  rotundus

ખેડૂતોને અકળાવનારા અને પારાવાર નુકશાનકર્તા નીંદણોમાં ચીઢો પ્રથમ ક્રમે આવે છે. ચીઢાને ચીયો અથવા મોથ તરીકે ઓળખવામાં આવે છે. ચીઢો બહુવર્ષાયુ નીંદણ છે અને તેનો ફેલાવો મુખ્‍યત્‍વે (૯૦-૯પ%) ગાંઠ દ્વારા, જ્યારે ૫-૧૦% બીજ દ્વારા થાય છે. જ્યાં પિયતની સગવડતા છે ત્‍યાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ખુલ્‍લા ખેતરમાં ચીઢાને વિકાસ માટે મોકળુ મેદાન મળી જાય છે. ચીઢાનો વિકાસ છાંયડાવાળી જગ્‍યાએ પ્રમાણમાં ધીમો થાય છે. જમીનમાં ચીઢાની ગાંઠોનું પ્રમાણ જમીનની ઉંડાઇ પ્રમાણે જુદુ જુદુ જોવા મળે છે. જમીનની ઉપરની સપાટી એટલે કે પ થી ૧૦ સે.મી. સુધીની ઉંડાઇએ લગભગ ૭૦ ટકા જેટલી ગાંઠોનું પ્રમાણ જોવા મળે છે ત્‍યારબાદ ઉંડાઇ વધતા તેનું પ્રમાણ ઘટતું જાય છે. ચીઢાની ગાંઠોમાં ૪૦ ટકા ભેજ હોય ત્‍યાં સુધી તેની જીવંતશક્તિ ૧૦૦ ટકા જોવા મળે છે. ગાંઠોમાં ભેજનું પ્રમાણ ઓછું થતા જીવંતશક્તિ ઓછી થતી જાય છે.

સામાન્‍ય રીતે ચીઢામાં ગાંઠોનું સ્‍ફૂરણ ર૦સે. થી ઓછા તાપમાને થતું નથી પરંતુ સુષુપ્‍ત ગાંઠોનો વિકાસ તથા વર્ધન રપ સે. થી ૩૦સે તાપમાનના ગાળામાં મહત્તમ થાય છે. આથી જ ઉનાળામાં ભેજવાળા ખેતરમાં ચીઢાને નાથવો મુશ્‍કેલ અને કઠીન છે. ચીઢાને સાનુકૂળ ખુલ્‍લુ વાતાવરણ મળે તો વર્ષ દરમ્‍યાન એક ચોરસ ફૂટ વિસ્તારની જમીનમાંથી પ૬ નવા છોડ અને ર૬૦ નવી ગાંઠો પેદા થઇ શકે છે. આથી ઉનાળામાં ખુલ્‍લી જગ્‍યામાં કે ખેતરમાં ચીઢાનું પ્રમાણ અટકાવવું ખૂબ જ જરૂરી છે.

ચીઢાને અંકુશમાં રાખવાના ઉપાય:

ઉનાળામાં ખુલ્‍લા ખેતર હોય તો ખેડ કરી જમીન તપાવવી: ચીઢાની ગાંઠને સૂર્યના ૩પ-૪૦ સે તાપમાને ર૦-રપ દિવસ સુધી તપાવવામાં આવે તો ગાંઠમાં રહેલ ભેજનું પ્રમાણ ઘટવાથી ચીઢાની ગાંઠ સ્‍ફૂરણશક્તિ ગુમાવે છે. ગુજરાતમાં એપ્રિલ-મે માસમાં ઉષ્‍ણતામાન ઉંચુ હોવાથી આ માસ દરમ્‍યાન અવાર નવાર જમીન ફાજલ પાડી ઊંડી ખેડ કરી ગાંઠોને સૂકવવા પગલાં લેવાં. આ રસ્‍તો સરળ તથા ઉત્તમ ઉપાય છે. અવાર નવાર ખેડ કર્યા બાદ છૂટા છવાયા ચીઢાની ગાંઠમાંથી સ્ફૂરણ થતા છોડ ખેતરમાં દેખાય તો તુરંત જ કોદાળી વડે ચીઢાનો છોડ ગાંઠ સહિત ખોદી કાઢવો જેથી ચીઢાની નવી ગાંઠો વધતી અટકી જાય.

યોગ્‍ય પાકની ફેરબદલી તથા યાંત્રિક પધ્‍ધતિનો ઉપયોગ

ચીઢો છાંયાને સંવેદશનીલ હોઇ છાયડાવાળા પાકોમાં ચીઢાનો વિકાસ પ્રમાણમાં ખૂબ જ ધીમો અને નહિવત થાય છે. આથી છાંયડાવાળા પાકો જેવા કે રજકો, ચોળા, જુવાર, તુવેર તથા ઘાસચારાના પાકોનું વાવેતર કરવું જાઇએ. ઉભા પાકમાં શક્ય હોય તો સમયાંતરે કરબની ખેડ કરવી તથા યાંત્રિક પધ્ધતિ અપનાવવી. પિયતવાળા વિસ્તારમાં પિયત આપ્‍યા બાદ ખેતરને વાવણી કે પાક સિવાય છોડી દેવામાં આવે તો ચીઢાને વધવા સાનુકૂળ વાતાવરણ મળી રહે તેથી આવી સ્થિતિ અટકાવવી.

નીંદણનાશકોનો ઉપયોગ

ગ્‍યાયફોસેટ:

ગ્‍યાયફોસેટ એ નીંદણ ઉગ્‍યા બાદ વપરાતી શોષક પ્રકારની નીંદણનાશક છે. બજારમાં રાઉન્‍ડઅપ, ગ્‍યાયસેલ, વિનાશ નોવીડ, ગ્લાયટાફ કે વીડોફના નામે ઉપલબ્‍ધ છે. જેમાં ૪૧ % SL સક્રિય તત્‍વ ગ્‍યાયફોસેટ હોય છે. આ નીંદણનાશક કોઇપણ લીલી કુમળી વનસ્પતિ પર છાંટવાથી વનસ્‍પતિનો નાશ થાય છે. આથી ઉભા પાકમાં છંટકાવ કરવો હિતાવહ નથી. ચીઢાનું નિયંત્રણ કરવા ગ્‍યાયફોસેટ ૧% નું દ્રાવણ (૧૦ લિટર પાણીમાં રપ૦ મિ.લિ. ગ્‍યાયફોસેટ સક્રિય તત્‍વ ધરાવતી બજારૂ નીંદણનાશક તથા ૧પ૦ થી ર૦૦ ગ્રામ એમોનિયમ સલ્‍ફેટ ખાતર) ફ્લડજેટ અથવા ફ્લેટફેન પ્રકારની નોઝલ દ્વારા ચીઢો સંપૂર્ણ ભીંજાય તે રીતે છાંટવું. આ નીંદણનાશકના છંટકાવથી ૧૦ દિવસે ચીઢાના પાન પીળા પડવાની શરુઆત થઇ સૂકાઇ જાય છે. છંટકાવ દરમ્‍યાન જમીનમાં રહેલ કેટલીક ગાંઠો પાન ધરાવતી હોઇ જ્યારે જમીન બહાર પાન દેખાય ત્‍યારે ફરીવાર આ પ્રમાણે છંટકાવ કરવો.

ચીઢો તેની ઝડપી વાનસ્‍પતિક વિકાસ અવસ્‍થાએ હોય અને છંટકાવ સમયે જમીનમાં તથા વાતાવરણમાં ભેજ હોય તો નીંદણનાશકના છંટકાવથી ચીઢાના નિયંત્રણમાં અસરકારક પરિણામ મળી શકે. આથી જુલાઇ - સપ્‍ટેમ્‍બર માસના ગાળામાં શક્ય હોય તો આ રાસાયણિક પધ્‍ધતિનો ઉપયોગ કરવો. બાગાયતી કે પહોળા ગાળે વવાતા પાકોમાં પાક કે ઝાડના પાન તથા થડ પર નીંદણનાશક ન પડે તે પ્રમાણે નિર્દિષ્ટ છંટકાવ કરવો હિતાવહ છે. ગ્‍યાયફોસેટ પાન દ્વારા શોષાતી નીંદણનાશક હોઇ તેની જમીન પર સામાન્‍ય રીતે આડ અસર જોવા મળતી નથી. નીંદણનાશકના છંટકાવ બાદ ર૦ દિવસ સુધી તેમાં કોઇ ખેતી કાર્યો કરવા નહીં.

હેલોસલ્ફ્યુરોન મિથાઇલ:

શેરડીના પાકમાં ચીઢાના અસરકારક નિયંત્રણ માટે હેલોસલ્ફ્યુરોન મિથાઇલ ૭૫% WG (સેમ્પ્રા ૯૦ ગ્રામ/હે) ચીઢાના ૩ થી ૬ પાનની અવસ્થાએ છાંટવાની ભલામણ જુદી જુદી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે

ટૂંકમાં, ખેતરમાં ચીઢાનું અસરકારક નિયંત્રણ કરવા એપ્રિલ-મે માસમાં અવારનવાર ખેડ કરી જમીનને તપાવવી, ચોમાસુ ઋતુમાં યોગ્ય પાક પધ્ધતિ અપનાવવી તથા ભલામણ કરેલ ગ્લાયફોસેટ નીંદણનાશક પાક પર ન પડે તે રીતે નિર્દિષ્ટ છંટકાવ કે શેરડીના પાકમાં હેલોસલ્ફ્યુરોન મિથાઇલનો છંટકાવ કરવાથી પજવતા ચીઢાને ખેતરમાંથી નાબૂદ કરી શકાય છે.

ચીઢો (ડીલો):

અંગ્રેજી નામ

Yellow nut sedge
વૈજ્ઞાનિક નામ :Cyperus esculentus

 

ચીઢાની આ જાત પણ બહુવર્ષાયુ નીંદણ છે  તેની ટોચ ઉપર ચપટા પીળાશ પડતા કથ્‍થાઇ રંગના છત્રી આકારના પુષ્‍પગૂચ્‍છથી તે અન્‍ય ચીઢાની જાતોથી અલગ પડે છે. સતત પાણી ભરાઇ રહે તેવી જગ્‍યાએ, સઘન સિંચાઇવાળા પાકોમાં, નદી કિનારાવાળી જગ્‍યાએ કે જ્યાં પાણી ભરાઇ રહેતુ હોય તેવી જગ્‍યાઓએ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ચીઢાની અન્‍ય જાતો કરતા આ જાત જમીનનો ભેજ વધુ પ્રમાણમાં શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. બધાજ પ્રકારની જમીનમાં તેનું વર્ધન ખૂબ જ સારી રીતે થાય છે. પ થી ૭ પીએચ વાળી જમીન ચીઢાના વિકાસ માટે સાનુકૂળ રહે છે. છાંયડાવાળી જગ્‍યાએ ડીલાનો વિકાસ બિલકુલ થતો નથી.
નિયંત્રણ ઉપાયો: ચીઢામાં દર્શાવેલ ઉપાયો પ્રમાણે નિયંત્રણ કરી શકાય.

 

બરૂ :

અંગ્રેજી નામ : Johnson grass

વૈજ્ઞાનિક નામ : Sorghum halepense

બરૂ એ વર્ષાયુ પ્રકારનું નીંદણ છે અને પુષ્‍કળ પ્રમાણમાં બી ઉત્‍પન્‍ન કરે છે. તે બીજા છોડ સાથે હરિફાઇ કરવામાં પણ સર્વોપરી છે. જમીનમાં તેની મૂળ રચના ખૂબ જ પૂર્ણ રીતે વિકસિત થયેલી હોય છે. સ્‍ટેમ્‍પર (૧૯પ૭) ના અંદાજ પ્રમાણે એક હેકટર જમીનમાંથી આ મૂળ રચના ભેગી કરીને લંબાવવામાં આવે તો તેની લંબાઇ ૬૦૦ કિ.મી. જેટલી અને વજન ૩૩ મેટ્રીક ટન જેટલું થાય. એક ઋતુ દરમ્‍યાન એક છોડ પ૦૦૦ જેટલી ગાંઠો ઉત્‍પન્ન કરી શકે છે.

નિયંત્રણના ઉપાયો:

(૧) બરૂનો છોડ જ્યારે ૩૦-૪૦ સે.મી. ઉંચાઇનો થાય ત્યારે ૭-૧૦ દિવસે ઉંડી ખેડ કરવી અને દર બે અઠવાડિયે કરબથી ખેડ કરવી.

(ર) છોડને ફૂલ અને બીજ આવતા પહેલા નાશ કરવો જેથી તેના બીજ ખેતરમાં આવી શકે નહી.

દાભ

અંગ્રેજી નામ : Tiger grass

વૈજ્ઞાનિક    : Saccharum spontaneum

દાભને દર્ભ અથવા દાભડો તરીકે ઓળખવામાં આવે છે. તે બહુવર્ષાયુ પ્રકારનું નીંદણ છે એટલે કે તેનું જીવનચક્ર બે વર્ષ કરતા વધારે વર્ષોનું હોય છે. આ નીંદણનો ફેલાવો તેના મૂળની વૃધ્ધિ તેમજ બી દ્વારા થાય છે.

નિયંત્રણના ઉપાયો:

યાંત્રિક પધ્‍ધતિ:

ટ્રેકટર દ્વારા ઊંડી ખેડ કરી તેના મૂળીયા ભેગા કરી નાશ કરવો. દાભ થોડા વિસ્તારમાં હોય તો કોદાળીથી ખોદીને નાશ કરવો. તેના મૂળ જમીનમાં ખૂબ ઉંડે સુધી પ્રસરેલા હોઇ રહી ગયેલા મૂળ ફરીવાર ફૂટી નીકળે છે તેથી આ પધ્‍ધતિ વારંવાર અપનાવવાથી વધુ ખર્ચાળ બને છે.

રાસાયણિક પધ્‍ધતિ:

યાંત્રિક પધ્‍ધતિના વિકલ્‍પરૂપે રાસાયણિક પધ્‍ધતિ ઘણી અસરકારક છે. શરુઆતમાં આ પધ્‍ધતિ ખર્ચાળ છે પરંતુ લાંબાગાળે ફાયદાકારક છે. દાભના નિયંત્રણ માટે ગ્‍યાયફોસેટ કે જે બજારમાં ગ્‍યાયસેલ, વિનાશ, વીડોફ કે રાઉન્‍ડઅપ જેવા બજારૂ નામે મળે છે અને ઉપયોગી છે. આ નીંદણનાશક શોષક પ્રકારની હોઇ છોડના દરેક ભાગમાં પ્રસરે છે. ગ્‍યાયફોસેટ ૧.૦% નું દ્રાવણ (૧૦ લિટર પાણીમાં રપ૦ મિ.લિ. ગ્‍યાયફોસેટ સક્રિય તત્‍વ ધરાવતી બજારૂ નીંદણનાશક તથા ૧પ૦ થી ર૦૦ ગ્રામ એમોનિયમ સલ્‍ફેટ ખાતર ઉમેરી) ફ્લડ જેટ કે ફ્લેટ ફેન નોઝલ દ્વારા છંટકાવ કરવો. નીચે દર્શાવેલ મુદ્દાઓ ધ્‍યાનમાં રાખવાથી દાભનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય છે.

 1. જૂન મહિનામાં દાભના છોડને જમીનની સપાટીએથી કાપી નાખવા
 2. દાભને કાપ્‍યા બાદ નવો ફૂટેલો દાભ ૩૦ સે.મી. ઉંચાઇનો થાય ત્‍યારે ઉપરોક્ત નીંદણનાશકનો  છંટકાવ માટે ઉપયોગ કરવો
 3. વરસાદ પડવાની શક્યતા હોય અથવા ચાલુ વરસાદ હોય ત્‍યાં આ નીંદણનાશકનો છંટકાવ કરવો નહીં
 4. ફલડ જેટ અથવા ફલેટ ફેન નોઝલ વાપરવી
 5. છોડ સંપૂર્ણ પલળે તે રીતે છંટકાવ કરવો
 6. નીંદણનાશકની અસર ૮-૧૦ દિવસ પછી જણાશે તે દરમ્‍યાન અને ત્‍યારબાદ ૮-૧૦ દિવસ સુધી તેમાં કોઇ ખેતી કાર્ય કરવા નહીં.

આ નીંદણનાશક શોષક પ્રકારની હોવાથી તેના છંટકાવ વખતે અન્‍ય ઉપયોગી પાક, છોડ ઉપર પડે નહી તેની ખાસ કાળજી રાખવી. બે વર્ષ સુધી આ પ્રયોગ કરવાથી દાભનો સંપૂર્ણ નિકાલ કરી શકાય છે.

નાળી :

અંગ્રેજી નામ   : Morning glory

વૈજ્ઞાનિક નામ : Convolvulus arvensis

નાળી બહુવર્ષાયુ પ્રકારનું નીંદણ છે. જમીન ઉપર પથરાયેલી અથવા વેલ પ્રકારની અન્‍ય છોડ ઉપર ચઢતી/વીંટળાતી જોવા મળે છે. તેની મૂળ રચના વિશિષ્‍ટ પ્રકારની હોય છે. જે ૫ મીટર સુધી પથરાયેલી અને ૬ મીટર ઉંડે સુધી વિસ્‍તરેલી જોવા મળે છે. તેનું મૂળ વનત યુરોપ ખંડ છે, પરંતુ તે દુનિયામાં દરેક જગ્‍યાએ જોવા મળે છે. ઉષ્‍ણકટિબંધના ધાન્‍યપાકોમાં તે ખૂબ જ પજવતું માથાના દુખાવા સમાન નીંદણ છે. છોડનું પ્રસર્જન બી દ્વારા થાય છે. જમીનમાં ઊંડે સુધી ગયેલા મૂળમાંથી નવો છોડ ઉગી નીકળે છે. ટીમોન્‍સે (૧૯૪૯) ખેતરમાં લીધેલા અખતરાઓ પરથી સાબિત કર્યું કે નાળીનું બી જમીનમાં ર૦ કરતાં પણ વધારે વર્ષ સુધી જીવંત રહી શકે છે. એક વખત જ્યાં નાળી સંપૂર્ણ વિકસિત થઇ ગઇ હોય ત્‍યાંથી તેને દૂર કરવી ખૂબ કઠીન છે. જમીનમાં રહેલા તેના બી ખૂબ જ લાંબા સમય સુધી સ્‍ફૂરણશક્તિ ધરાવે છે.

નિયંત્રણના ઉપાયો:

 1. દર વર્ષે તેના બી આવતા પહેલા નાશ કરવાથી ક્રમશ: તેનું પ્રમાણ ઘટાડી શકાય
 2. ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન ઉલટ સુલટ કરવી
 3. શિયાળામાં ધાન્‍ય પાકોમાં ફૂટ અવસ્‍થાએ કે પોંક અવસ્‍થાએ અને કાપણી બાદ ર, ૪-ડી નીંદણનાશકનો ૧.૦ થી ૧.ર૫ કિ/હે મુજબ છંટકાવ કરવો

નોંધ: ધાન્‍ય પાકોની નજીક કપાસ, ટામેટા કે રાઇ જેવા સંવેદનશીલ પાકો વાવેલા હોય ત્યારે ૨, ૪-ડી નો છંટકાવ ખૂબ જ કાળજીપૂર્વક કરવો. પવન હોય ત્‍યારે છંટકાવ કરવો નહીં. નીંદણનાશકના ઝીણા રજકણો પવન સાથે ઉડીને નજીકના સંવેદનશીલ પાકને નુકશાન કરવાની પૂરેપૂરી શક્યતા છે.

(૪) ખુલ્‍લા ખેતરમાં પાક ન હોય અને નાળીનો વિકાસ થયેલ હોય તો ગ્‍લાયફોસેટ નીંદણનાશકનો છંટકાવ કરવાથી અસરકારક રીતે નાળીનું નિયંત્રણ કરી શકાય છે

જળકુંભી (કાનફુટી) :

અંગ્રેજી નામ : Water hyacinth

વૈજ્ઞાનિક નામ : Eichhornia crassipes

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્‍પતિ છે. તેનું મૂળ વતન દક્ષિ‍ણ અમેરિકાનો એમેઝોન પ્રદેશ છે. દુનિયાની મોટાભાગની નદીઓમાં આ વનસ્‍પતિ જોવા મળે છે. કેનાલોમાં અવરોધ ઉભા કરીને પાણીને અટકાવીને ખેતીને નુકશાનકર્તા બને છે. મોટી નદીઓમાં પ્રવાહને અટકાવીને માનવ સ્‍વાસ્થ્ય, જળવિધુત અને વહાણવટામાં નડતરરૂપ બને છે.

આ નીંદણના છોડ સમૂહ કે જથ્‍થામાં જ જોવા મળે છે. પાણી ઉપર તરતા રહીને લીલા આવરણ જેવું પડ બનાવે છે. મધ્‍યમ કદના છોડની સંખ્‍યા હેકટરે ર૦ લાખ જેટલી હોય છે. જેનું કુલ વજન ર૭૦ થી ૪૦૦ મેટ્રિક ટન જેટલું હોય છે. આ નીંદણના મૂળ લાંબા અને તંતુમય હોય છે અને થડ નાનું હોય છે. થડમાંથી નીકળતા લાંબા અને વાદળી જેવા પોચા ભાગને કારણે અને લાંબા પત્રદંડને કારણે છોડ પાણીમાં તરતો રહે છે. તેના બીજ પાણીને તળિયે ર૦ વર્ષ સુધી જીવંત અવસ્‍થામાં પડી રહે છે. પવનની જોરદાર ઝાપટોથી પત્રદંડ છૂટા પડવાથી અને પાણી સાથે ઢસડાઇને દૂર સુધી ફેલાય છે. પાણીની સપાટી ઉપરના બાષ્પીભવન આંક કરતા જળકુંભીના છોડ ઊપરથી ઉનાળાની ઋતુમાં લગભગ ૩ થી ૫ ઘણુ વધારે પાણી ઉડી જાય છે, જેથી જળકુંભીથી ઉપદ્રવીત તળાવો ઝડપથી સુકાઇ જાય છે.

નિયંત્રણના ઉપાયો:

 1. પાણીની કેનાલ, નદી કે તળાવમાંથી આવા છોડ ખેંચાવી સૂકવીને બાળી નાખવા
 2. જે પાણીનો ઉપયોગ ઢોરને પીવાના કે અન્ય ઉપયોગ માટે કરવાનો ન હોય ત્‍યાં ર, ૪-ડી નીંદણનાશકનો ૧.૦ કિ/હે સક્રિયતત્વનો ઉપયોગ કરવો
 3. ર, ૪-ડી સોડીયમ સોલ્‍ટ ર.૦ કિ.ગ્રા.+ ગ્‍લાયફોસેટ ૦.પ કિ.ગ્રા. પ્રતિ હેકટરે વાપરવાથી પણ જળકુંભીનું નિયંત્રણ થઇ શકે છે

જળકુંભીનું જૈવિક નિયંત્રણ:

જળકુંભીના જૈવિક નિયંત્રણ માટે નિયોચેટીના ઇકોર્ની અને નિયોચેટીના બ્રુચી નામના કીટકોનો ઉપયોગ કરવામાં આવે છે. જળકુંભીના પર્ણદંડ અને પાનની નીચેની તરફ આ કીટકો પોતાના ઇંડા મૂકે છે. એક અઠવાડિયા પછી તેમાંથી ઇયળ નીકળે છે. ઇયળ પર્ણદંડ અને ક્રાઉનમાં ભૂંગળી જેવો ભાગ બનાવી નુકશાન કરે છે. વિકસીત ઇયળ કોશેટો બનાવી જળકુંભીના મૂળમાં રહે છે. કોશેટા અવસ્‍થા બે મહિનાની હોય છે ત્‍યારબાદ પુખ્‍ત કીટક બહાર આવે છે. આ કીટક પાન અને પર્ણદંડને છોલીને નુકશાન કરે છે તેથી છોડ ચિમડાઇ અને સુકાઇ જાય છે. પાણીની સપાટી ઉપર છોડનું કદ અને છોડની ગીચતા ઘટી જાય છે. આમ આ કીટકથી જળકુંભીના નિયંત્રણમાં ૮૦ થી ૯૦% સફળતા મળે છે. આ કીટકો જે જગ્‍યાએ છોડ્યા હોય ત્‍યાંથી રપ કિ.મી. સુધી ઉડીને જઇ શકે છે.

આ ઉપરાંત પાનકથીરી દ્વારા પણ જળકુંભીનું નિયંત્રણ કરી શકાય છે. ૧૯૬૮ માં દક્ષિણ અમેરિકામાં આયોગેલ્યુંના ટેરેબેન્ટીસ નામની પાનકથીરીથી જળકુંભીમાં નુકસાન કરતી નોંધવામાં આવી છે. બેંગલોર ખાતે પાનકથરીથી જળકુંભીના નિયંત્રણના સફળ પરિક્ષણો જોવા મળેલ છે.

ડુંગળો :

અંગ્રેજી નામ : Wild onion

વૈજ્ઞાનિક નામ : Asphodelus tenuifolius

ડુંગળીના છોડ જેવો આકાર ધરાવતો ડુંગળો શિયાળુ પાકોમાં પજવતું નીંદણ છે. તેનું પ્રસર્જન બીજથી થાય છે. સામાન્‍ય રીતે ડુંગળો ર૦ થી પ૦ સે.મી. ઉંચાઇ ધરાવતો વર્ષાયુ છોડ છે. ડુંગળાના છોડના મૂળ ૧૩ થી ર૦ સે.મી. લંબાઇ ધરાવે છે.

નિયંત્રણના ઉપાયો :

 1. શિયાળુ ઋતુમાં ખેતરમાં પાક ન હોય તો મેટ્રીબ્‍યુઝીન કે એટ્રાઝીન ૦.પ૦ કિ/હે સક્રિય તત્વ મુજબ પ્રિઇમરજન્સ તરીકે ભેજ હોય ત્‍યારે છંટકાવ કરવાથી ડુંગળાના બીજની સ્‍ફૂરણશક્તિ નાશ પામે છે અને ઉગતા નથી
 2. ખેતરમાં ડુંગળાના છોડ ઉગેલ દેખાય તો બીજ પરિપકવ થતાં પહેલા ઉખાડી નાખવા
 3. બીજ આવતા પહેલા ઉભા પાકમાંથી અવાર નવાર ઉખાડી દૂર કરવાથી લાંબાગાળે ખેતરમાં ડુંગળાને વધતો અટકાવી શકાય છે

ઘાબાજરીયું :

અંગ્રેજી નામ : Cat tails

વૈજ્ઞાનિક નામ : Typha angustifolia

ઘાબાજરીયું ર થી ૪ મીટર સુધીની ઉંચાઇ ધરાવતો બહુવર્ષાયુ પ્રકારનો છીછરા પાણીમાં થતો છોડ છે. તેનું પસર્જન બી, પ્રકાંડ અને કંદ દ્વારા થાય છે. તેના પ્રકાંડ ખૂબ વિકાસ પામે છે. એક ઋતુ દરમ્‍યાન દરેક પ્રકાંડ ૩ મીટર જેટલો વિકાસ પામે છે અને નવા ૧૦૦ થી પણ વધુ ધાબાજરીયાના છોડ પેદા કરે છે.

નિયંત્રણના ઉપાયો:

 1. પેરાક્વોટ ર.૦ કિ/હે સક્રિય તત્વ મુજબ છંટકાવ કરવાની ભલામણ છે
 2. ઉપરોકત છંટકાવ કરવા છતાં ફરીથી નવી ફુટ આવે તો ર, ૪-ડી ઇથાઇલ એસ્‍ટર ર.૦ કિ.ગ્રા. + પેરાક્વોટ ર.૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છંટકાવ કરવાની ભલામણ છે

ઘરો :

અંગ્રેજી નામ : Bermuda grass

વૈજ્ઞાનિક નામ : Cynodon dactylon

આ બહુવર્ષાયુ પ્રકારનું સમગ્ર દુનિયામાં ફેલાયેલું નીંદણ છે. તેને દરેક પ્રકારની જમીન તેમજ પાક પરિસ્થિતિ માફક આવે છે. તેના બી ખૂબ જ સૂક્ષ્‍મ હોય છે. તેનું પ્રસર્જન મુખ્‍યત્‍વે પ્રકાંડ દ્વારા થાય છે.

નિયંત્રણના ઉપાયો:

 1. ઊંડી ખેડ કરી ધરોના ટુકડા સૂર્યના તાપમાં બરાબર તપવા દેવા
 2. ડાયુંરોન, ગ્લાયફોસેટ કે પેરાક્વોટ જેવા નિંદણનાશકનો ઉપયોગ કરવો
 3. ઉનાળામાં ઉંડી ખેડ કરતા અગાઉ એક અઠવાડિયાના અંતરે પેરાક્વોટના ઓછીમાત્રાના ડોઝનો બે વખત છંટકાવ કરવો
 4. ધરોથી ઉપદ્રવિત જગ્યા ઉપર અથવા સમગ્ર વિસ્તારમાં ગ્‍લાયફોસેટ ૧% ના દ્રાવણનો છંટકાવ કરવો

નોંધ: ગ્‍લાયફોસેટ તથા પેરાક્વોટ જેવી નીંદણનાશકોનો છંટકાવ ધરો સિવાય અન્‍ય છોડ કે પાક ઉપર પડે નહિ તે રીતે કરવો

લૂણી :

અંગ્રેજી નામ : Purslane

વૈજ્ઞાનિક નામ : Portulaca oleracea

લૂણી દ્વિદળી નીંદણ છે.

મોટી લૂણીનું વૈજ્ઞાનિક નામ Portulaca oleracea અને

નાની લૂણીનું વૈજ્ઞાનિક નામ Portulaca quadrifida છે.

મોટી લૂણી માંસલ, ભ્રૂપ્રસારી કે ટટ્ટાર, એકવર્ષાયુ વનસ્‍પતિ છે. પ્રકાંડ લીલું અને જાંબલી રંગનું તથા પ૦ સે.મી. જેટલી ઉંચાઇ ધરાવે છે. નાની લૂણીને જંગલી ગોલિકા અને મોટી લૂણીને રાજ ગોલિકા કહે છે. નાની લૂણીના પર્ણો રંગે રાતા અને મોટી લૂણી કરતા નાના પરંતુ ખરબચડા હોય છે. લૂણી પાણીનું વધુ પડતુ શોષણ કરે છે તથા વધુ પાણીની જરૂરીયાત વાળા ફળપાકો તથા છાંયાવાળા પાકોમાં ખૂબ જ પજવતું નીંદણ છે.

નિયંત્રણના ઉપાયો:

 1. લૂણીના નિયંત્રણ માટે ૧.૦ થી ર.૦ કિ.ગ્રા પ્રતિ હેકટર મુજબ ડાયુરોનનો છંટકાવ જમીન પર કરતાં લૂણી ઉગતી નથી. ઉગેલી લૂણી પર આ નીંદણનાશક છાંટવાથી લૂણીનું નિયંત્રણ થતું નથી જેથી ઉગેલી લૂણી દૂર કરી જમીનમાં ભેજ હોય ત્‍યારે આ નીંદણનાશક છાંટવાથી ભવિષ્‍યમાં લૂણી ઉગવાનું પ્રમાણ ઘટે છે
 2. ડાયુરાન નીંદણનાશક કપાસ તથા કેળ જેવા પાકમાં ભલામણ થયેલ હોઇ આ બે પાકોમાં લૂણીનું નિયંત્રણ અસરકારક રીતે થઇ શકે છે. હાથ વડે લૂણીને ખેતરમાંથી દૂર કરતા જો ટુકડા જમીન પર પડે તો ફરી નવો છોડ વિકાસ પામે છે.


સ્ત્રોત : આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ   

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/30/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate