অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાજરઘાસનું સંકલિત વ્યવસ્થાપન

ગાજરઘાસનું સંકલિત વ્યવસ્થાપન

ગાજરઘાસ કેવી રીતે ફેલાય છે ?

મુખ્યત્વે આ નીંદણ શહેરી વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ, ઔદ્યોગિક વિસ્તાર, રોડ, રેલ્વે લાઈનની આજુબાજુની પડતર જગ્યામાં તથા પાણીની નીક – કેનાલના કિનારે જોવા મળે છે. હવે આ નીંદણનો પગ પેસારો ખેતી લાયક જમીન, બાગ-બગીચા-ફળવાડીમાં થયેલો જોવા મળે છે. આ નીંદણ દરેક પ્રકારના વાતાવરણમાં ઉગવાની અભૂતપૂર્વ ક્ષમતા ધરાવે છે. ગાજરઘાસની ઊંચાઈ એક મીટર સુધી થાય છે અને વર્ષ દરમિયાન ૩ થી ૪ જીવનચક્રો પુરા કરે છે. ઉગાવા બાદ એક માસમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે. જે  ૬ થી ૮ માસ દરમિયાન છોડ દીઠ ૧૫૦૦ થી ૨૨૦૦ બીજ પેદા કરે છે. વધુમાં તેનો ફેલાવો પવન, પાણી, પ્રાણી તથા છાણિયા ખાતર જેવા વાહકો મારફત થતો જોવા મળે છે.

ગાજરઘાસ દ્વારા થતા નુકસાનને જાણો:

માનવ સ્‍વાસ્‍થ્‍ય ઉપર અસર:

આ છોડના દરેક ભાગમાં પાર્થેનીન નામનું ઝેરી રસાયણ હોય છે. જેથી છોડના સતત સંપર્કમાં આવવાથી ચામડીના રોગ થાય છે એલર્જિક અસરમાં આંખના પોપચા, ચહેરા અને ગરદનની આસપાસ ખંજવાળ આવી લાલ ચકામા થતાં ચામડી મગરની ચામડી જેવી બરછટ થઇ જાય છે. છોડના સ્‍પર્શ/સંપર્ક ઉપરાંત ફૂલની પરાગરજ હવાના માધ્‍યમ દ્વારા ફેલાય છે જે શ્વાસમાં જવાથી શ્વસનતંત્રના રોગ, ચિત્રવિચિત્ર પ્રકારની એલર્જિ, અસ્‍થામા તેમજ મૂત્રપિંડ અને યકૃતમાં નેક્રોસીસ જેવા રોગો થાય છે.

પશુ જગત માટે શ્રાપરૂપ:

આ નીંદણ સર્વવ્યાપી હોવાથી ગૌચરો તથા પડતર જમીનમાં થાય છે. આ ઘાસ ઉગતુ હોય ત્‍યાં પશુઓ માટે ઉપયોગી ચરાણ માટેના અન્‍ય ઘાસ કે છોડ ઉગી શકતા ન હોવાથી ધીરે ધીરે પશુઓ માટે ઉપયોગી ગૌચર વિસ્તાર નાશ પામે છે. આ વનસ્‍પતિને ઘેટાં-બકરાં કે અન્‍ય પ્રાણીઓ ખાતા નથી. કયારેક ઘેટાં-બકરાં ખાય તો ઘેટાં-બકરાંના દૂધ દ્વારા પાર્થેનીન ઝેરી તત્‍વ માનવ શરીરમાં આવવાથી લીવરના રોગો થતા જોવા મળે છે. એટલુ જ નહિ પરંતુ ભૂખ્યા જાનવર આ નીંદણને વધુ પ્રમાણમાં ખાય તો પશુનું મૃત્યુ પણ થાય છે. પ્રાણીનાં આ નીંદણ સાથે સતત સંપર્કથી ચામડી ઉપર ડર્મેટાઈટીસ (ચાંદા) ના રોગો થાય છે.

કૃષિ‍ જગત માટે હરકતરૂપ:

આ છોડના મૂળમાં રહેલ ઝેરી પદાર્થ પાર્થેનીન કૃષિપાકોને ઉગવામાં તેમજ વૃદ્ધિ વિકાસમાં નડતર રૂપ બને છે. આ છોડ જમીનમાંથી પુષ્‍કળ પ્રમાણમાં પોષકતત્‍વોનું શોષણ કરવાની શક્તિ ધરાવતું હોવાથી જમીનની ફળદ્રુપતામાં પણ બેહદ ઘટાડો કરે છે. સૂકા ગાજરઘાસના છોડનું પૃથક્કરણ કરતા સામાન્‍ય રીતે ર.૬૭ ટકા નાઇટ્રોજન, ૦.૬૦ ટકા ફોસ્‍ફરસ તથા ૧.૪પ ટકા પોટાશ તત્‍વ જોવા મળે છે. આથી ખેતી પાકોમાં ગાજરઘાસના ઉપદ્રવને કારણે પાક કરતા વધુ પ્રમાણમાં પોષક તત્વોનો ઉપાડ ગાજરઘાસથી થાય છે.

ગાજરઘાસનું નિયંત્રણ કેવી રીતે કરશો?

  • જ્યાં પણ આ છોડ જોવામાં આવે ત્‍યાંથી ફૂલ આવતા પહેલા ઉખાડી બાળીને નાશ કરવો.
  • રોડ, રસ્તા, પડતર જમીનમાં તથા ગૌચર જેવા વિસ્તારોમાં ઉગતી કુદરતી વનસ્પતિ જેવી કે કુંવાડીયા, ગાડર, તાંદળજો, સંગેતરો, સુંદરસેન તથા કાસુન્દ્રાનું જતન કરવું તેથી ગાજરઘાસને ઉગવાની તક ન મળે.
  • જ્યાં ગાજરઘાસ સદાને માટે ઘર કરી ગયેલ હોય તેવા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં પ્રતિ હેકટર ૧૦ થી ૧પ કિ.ગ્રા. કુંવાડિયાનું બીજ પૂંખવું તથા ગાજરઘાસ સિવાય કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્‍પતિ દૂર કરવી નહિ કારણ કે તેમની હાજરીમાં ગાજરઘાસ જલ્‍દી ઉગતું નથી.
  • ઝાયગોગ્રામા બાયકોલોરાટા (Zygogramma bicolorata) નામના કીટક દ્વારા ગાજરઘાસના જૈવિક નિયંત્રણ માટે હાલમાં ડાયરેક્ટોરેટ ઓફ વીડ રીસર્ચ, જબલપુર (મધ્‍યપ્રદેશ) ખાતે સંશોધન ચાલુ છે. ઝાયગોગ્રામા બાયકોલોરાટા નો મુખ્‍ય ખોરાક ગાજરઘાસ હોઇ બિનપાક વિસ્તારમાં આ કીટકોને છોડવાથી કોંગ્રેસઘાસનું જૈવિક નિયંત્રણ કરી શકાય છે.
  • ખેતી વિસ્તારમાં વધુ ઊંચાઇ ધરાવતા મકાઇ, જુવાર અને સૂર્યમુખી જેવા પાકોનું વાવેતર કરવાથી ખેતરમાં ગાજરઘાસનો ઉપદ્રવ ઘટે છે.
  • સૂકાયેલ પરિપક્વ ગાજરઘાસનાં છોડ કાળજીપૂર્વક બીજ ખરે નહિ તેવી રીતે ખેતરમાંથી એકત્રિત કરી બાળી નાખવા.

બિનપાક વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ:

ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારમાં આ નીંદણ પ્રસરી ગયેલ છે, છતાં જે વિસ્તારમાં આ નીંદણનો ફેલાવો થયેલ નથી તેવા વિસ્તારમાં તકેદારીના પગલાં લેવાથી તેનો ફેલાવો અટકાવી શકાય છે.

  • આ પધ્ધતિમાં ગાજરઘાસના છોડ પર ફૂલ આવતા પહેલા છોડ કુમળી અવસ્‍થામાં હોય ત્‍યારે તેના પર ૧પ% મીઠાના દ્રાવણનો છંટકાવ કરવો જેથી છોડ સૂકાઇ જાય છે.
  • એટ્રાઝીન નીંદણનાશક ર.૦ કિ.ગ્રા./હે. અથવા મેટ્રીબ્યુઝીન ૧.૦ કિ.ગ્રા./હે. પ્રમાણે ૫૦૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ચોમાસાની શરૂઆતમાં ભેજવાળી જમીન પર છંટકાવ કરતા ગાજરઘાસના બીજનો જમીનમાંથી થતો ઉગાવો અટકાવી શકાય છે.
  • ર,૪-ડી સોડિયમ સોલ્‍ટ ૩.૦ કિ.ગ્રા./હે. અથવા ગ્લાયફોસેટ ૧ ટકાનું દ્રાવણ અથવા ૨,૪-ડી + પેરાક્વેટ (૨.૦ કિ.ગ્રા./હે. + ૦.૫ કિ.ગ્રા./હે.) મુજબ ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી ગાજરઘાસનાં છોડ પર છંટકાવ કરવો.

ગાજરઘાસનાં કાયદાકીય નિયંત્રણ તેમજ ફેલાવો અટકાવવા માટેના સૂચનો:

કર્ણાટક રાજ્યમાં આ નીંદણના ફેલાવાએ પાક વિસ્તાર તથા બિનપાક વિસ્તારમાં ભયજનક સીમા પાર કરેલ, આ પરિસ્થિતિને ધ્‍યાનમાં લઇ કર્ણાટક રાજય સરકાર દ્વારા આ પરદેશી ખતરનાક નીંદણને નાથવા માટે સને ૧૯૭૫ માં એગ્રિકલ્‍ચરલ પેસ્‍ટ એન્‍ડ ડીસીઝ એકટ (૧૯૬૯) હેઠળ મૂકવામાં આવ્‍યું હતું. આ કાયદાનું પાલન કરવાની સરકારે લોકોને ફરજ પાડી હતી અને આ નીંદણ જે કોઇના ખેતરમાં કે ઘરની આજુબાજુ જોવા મળે તેમને સજા રૂપે રૂ. પ૦૦/-નો દંડ તથા ૬ માસની સજા ફરમાવી હતી. આપણા રાજયમાં પાક તથા બિનપાક વિસ્તારમાં આ નીંદણનો ફેલાવો ખૂબ ઝડપથી વધી રહેલ છે. વિસ્‍તરણ વિભાગ, સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ તથા જનજાગૃતિ દ્વારા આ નીંદણની ભયંકરતા સર્વેને સમજાવી અને સમગ્ર કાર્યને મહાયજ્ઞનું રૂપ આપી પોલીયોની જેમ જ ઝૂંબેશ ચલાવી મહાયજ્ઞના આરંભ રૂપે ગ્રામ પંચાયત, નગર પંચાયત, સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ, ક્લબો, શાળા-મહાશાળાઓ દ્વારા વિધાર્થીઓ મારફતે દર માસે નિશ્ચિત તારીખે એકાદ કલાક સમાજ સેવા કાર્યક્રમ અર્થે ગાજરઘાસના નિયંત્રણ માટે ફાળવવાની જોગવાઇ શિક્ષણ ખાતાના વડા તરફથી કરી શકાય. ભવિષ્યમાં મહારાષ્ટ્ર તથા કર્ણાટક રાજ્યો જેવી કફોડી હાલત ન થાય તેથી યુદ્ધનાં ધોરણે “’જનસેવા એ જ પ્રભુસેવા’” સૂત્ર હેઠળ જ્યાં ગાજરઘાસ દેખાય ત્યાં જ નાશ કરવા કટિબદ્ધ થવું જરૂરી છે.

ગાજરઘાસનાં અસરકારક નિયંત્રણ માટે સામૂદાયિક/ સામૂહિક અભિયાન:

ગાજરઘાસ જેવા ખતરનાક અને ભયાનક નીંદણનાં અસરકારક નિયંત્રણ માટે સામૂહિક પગલાં લેવા ખાસ જરૂરી છે. એકલ-દોકલ ખેડૂતની જાગૃતિથી અસરકારક પરિણામ મળવા મુશ્કેલ છે કારણ કે ગાજરઘાસની બીજ ઉત્પાદન ક્ષમતા ઘણી જ વધારે છે તથા સ્ફુરણશક્તિ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. બીજ વજનમાં હલકા હોવાથી તેનો ફેલાવો પવન તેમજ પાણી દ્વારા ખૂબ જ ઝડપથી થતો હોવાથી ગાજરઘાસના છોડ ફૂલ આવવાની શરૂઆત થાય તે પહેલાં જ જમીનમાંથી ઉપાડી લેવા અને સૂકાયા બાદ સળગાવી દઈને નાશ કરવો ખૂબ જ જરૂરી છે. આગળ જણાવ્યા મુજબ ગાજરઘાસની ભયાનકતાને ધ્યાનમાં લઈને તેનો ભોગ આપ કે આપના પ્રાણીઓ ન બને તે માટે દરેક નાગરિક આ સામૂહિક અભિયાન ચલાવે તો બે કે ત્રણ વર્ષમાં સંપૂર્ણ સફળતા મળી શકે તેમ છે. અગાઉના ઘણા વર્ષોથી ગાજરઘાસનું બીજ પુષ્કળ પ્રમાણમાં પિયતવાળા વિસ્તારમાં જમીનમાં પડેલ હોવાથી સંપૂર્ણ નિયંત્રણ માટે લાંબા સમય સુધી સામૂહિક પ્રયત્નો જરૂરી છે.

નોંધ: સામૂહિક રીતે જ્યારે પણ આ નીંદણને હાથથી ઊપાડી દૂર કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવે ત્યારે અગમચેતીના પગલા રૂપે હાથમોજા પહેરવા જરૂરી છે.

બિનપાક વિસ્તારમાં ગાજરઘાસનો ફેલાવો

ઝાયગોગ્રામા બાયકોલોરાટા: ગાજરઘાસનો કુદરતી દુશ્મન


સ્ત્રોત : આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી

કોલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/10/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate