સામાન્ય રીતે ખેડુતો તેમજ ખેતી સાથે સંકળાયેલ લોકો ખેતી ખર્ચની ગણતરી પોતપોતાની સમજણ મુજબ કરતા હોય છે. જેમાં મુખ્ય ખર્ચ જેવાં કે બિયારણ, ખાતર, જંતુનાશક દવા કે જે બજારમાંથી ખરીધા હોય અને ભાડાના મજુર કે ટ્રેકટર કે થ્રેશર નું ભાડુ વગેરે રોકડ ખર્ચ જ ગણતરી કરતા હોય છે. અર્થશાસ્ત્રની દ્ધષ્ટીએ કે વૈજ્ઞાનીક દ્ધષ્ટિએ આ ભુલ – ભરેલી અને ખામિયુકત પદ્ધતિ ગણાય. રોકડ ખર્ચ સિવાય જેમકે ઘસારા ખર્ચ, મુડી રોકાણનું વ્યાજ , જમીનનું ભાડુ, કુટુંબના સભ્યોને કરેલ ખેતી કાર્યનું મજુરી ખર્ચ અને વ્યવ્સ્થાપન ખર્ચને પણ ગણતરીમાં લેવુ જ જોઈએ. આ બધુ ગણતરી માં લીધા પછી આવક – જાવક ની બાદબાકી કરતા ખરેખર નફો કેટલો તે નક્કી થઈ શકે.
ખેતી ખર્ચની ગણતરીમાં એક સુત્રતા લાવવા માટે અને અર્થશાસ્ત્રની દ્ધષ્ટીએ સ્વીકૃત હોય એવી પદ્ધતિ કમિશન ઓન એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈઝ ( સીએસીપી - CACP ) દ્ધારા તૈયાર કરીને સમગ્ર દેશમાં અમલમાં મુકવામાં આવી છે.
સીએસીપી એ ભારત સરકારની સંસ્થા છે. ભારત સરકારે સને ૧૯૬૫માં કૃષિ ભાવ પંચની રચના કરી હતી. જેનો હેતુ સરકારને ખેતીની મુખ્ય પેદાશોના ભાવ સબંધિત નિતી નિર્ધારણ કરવામાં સલાહ આપવાનો હતો. આ માટે દેશના સમગ્ર અર્થતંત્રની જરૂરીયાત ઉપરાંત ખેડુત જે ઉત્પાદન છે અને તેના વપરાશકર્તા એટલે કે ગ્રાહક એમ બન્નેનું હિત જળવાય એ રીતે ખેતી ખર્ચનું એક સમતોલ અને સંકલીત માળખુ નક્કી કરવામાં આવ્યું. સન ૧૯૮૫ થી આ સંસ્થા હવે નવા નામે એટલે કે કમિશન ઓન એગ્રિકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ ટુંકમાં સીએસીપી તરીકે ઓળખાય છે. આ સંસ્થા સમગ્ર દેશમાંથી મુખ્ય ખેતી પાકોના ખેતી ખર્ચની માહિતી દર વર્ષે એકત્રીત કરી, ગણતરી કરીને જે તે પાક માટે લધુતમ ટેકાના ભાવ ( MSP ) નક્કી કરવા સરકારને ભલામણ કરે છે. સીએસીપી દ્ધારા નક્કી કરાયેલ અને અમલમાં મુકાયેલ ખેતી ખર્ચની ગણતરી વૈજ્ઞાનિક પદ્ધતિ કે જેમાં કુલ ખર્ચને ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧ અને ખર્ચ-સી૨ એમ ચાર તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેથી ખર્ચની માહીતી જુદા-જુદા હેતુ માટે ઉપયોગમાં લેવાની હોય ત્યારે જરૂરીયાતને અનુરૂપ તબક્કા પ્રમાણે ખેતી ખર્ચ ધ્યાને લઈ શકાય.
એકમ વિસ્તાર દીઠ ( પ્રતિ એકર અથવા પ્રતિ હેકટર ) પ્રમાણે ખેતી ખર્ચની ગણતરીની રીત
ખર્ચ |
સમાવિષ્ટ ખર્ચની વિગત |
ખર્ચની ગણતરી કરવાની રીત |
ખર્ચ – એ |
ભાડાના મજુર ( માનવ મજુરી ) |
રોકડ ઉપરાંત ચા-નાસ્તો લે વસ્તુના રૂપમાં કરેલ ચુકવણીની બજાર કિંમત ગણતરી માં લઈને થયેલ ખર્ચ |
|
+ બળદ ખર્ચ ( પોતાના / ભાડાના ) |
ખરેખર ખર્ચ ( પોતાના બળદનું ખર્ચ પ્રવર્તમાન બજારભાવ પ્રમાણે ગણતરીમાં લેવું ) |
|
+ બિયારણ ખર્ચ ( પોતાનુ / ખરીદેલુ ) |
ખરેખર ખર્ચ ( પોતાના બિયારણનું ખર્ચ પ્રવર્તમાન બજારભાવ પ્રમાણે ગણતરીમાં લેવું ) |
|
+ છાણીયું ખાતર (પોતાનુ / ખરીદેલુ) |
ખરેખર ખર્ચ ( પોતાના છાણીયું ખાતર નું ખર્ચ પ્રવર્તમાન બજારભાવ પ્રમાણે ગણતરીમાં લેવું ) |
|
+ રાસાયણીક ખાતર |
ખરેખર ખર્ચ |
|
+ પિયત ( પોતાનું / ભાડાનુ ) |
ખરેખર ખર્ચ ( પોતાના પાણી નું ખર્ચ પ્રવર્તમાન બજારભાવ પ્રમાણે ગણતરીમાં લેવું ) |
|
+ જંતુ / રોગનાશક દવા |
ખરેખર ખર્ચ |
|
+ પરચુરણ ખર્ચ ( ટ્રેકટર / ટ્રેલર જેવી મશીનરીનુ ભાડૂ, દોરી / દોરડા જેવી પરચુરણ વસ્તુનું ખર્ચ તેમજ જમીન મહેસુલ / ટેક્ષ વગેરે ) |
ખરેખર ચુકવેલ ખર્ચ |
|
+ ઘસારા ખર્ચ ( ખેતીકામ માટે વપરાતુ મકાન, બળદગાડું તેમજ પાવડા-કોદાળા જેવા નાના ઓજારોનો ઘસારા ખર્ચ ) |
કાચુ મકાન @ ૫% વાર્ષિક પાકુ મકાન @ ૨% વાર્ષિક બળદગાડુ @ ૧૦% વાર્ષિક નાના ઓજારો @ ૨૦% વાર્ષિક ( કુલ વિસ્તાર પૈકી પાક હેઠળ વિસ્તારના સપ્રમાણમાં ) |
|
+ ચાલુ મુડી ( ઉપર દર્શાવેલ તમામ ખર્ચના સરવાળો )નુ વ્યાજ |
વાર્ષિક ૧૨% પ્રમાણે ( પાકના સમયગાળા પુરતુ ) |
|
જમીનનું ભાડું ( ભાડાની જમીન હોય તો ) |
ખરેખર ચુકવેલ રકમ |
ખર્ચ – બી |
ખર્ચ – એ |
આગળની ગણતરી મુજબ |
|
+ પોતાની જમીનનું ભાડુ |
ખરેખર ભાડુ |
|
+ સ્થાયી મુડીનું વ્યાજ ( ખેતી કાર્ય માટે વપરાતુ મકાન, બળદગાડુ, નાના ઓજારો માટે કરેલ મુડી રોકાણ ) ( જમીન, ટેકટર, કુવો કે પિયત પંપ વગેરેનું ખર્ચ બજાર ભાવે ગણતરી કરેલ હોઈ સ્થાયી મુડીમાં ઘસારાની ગણતરી માં તેનો સમાવેશ થતો નથી ) |
વાર્ષિક ૧૦% પ્રમાણે ( કુલ વિસ્તાર પૈકી પાક હેઠળના વિસ્તાર અને પાકના સમયગાળાના સમપ્રમાણ ) |
ખર્ચ – સી૧ |
ખર્ચ – બી |
આગળની ગણતરી મુજબ |
|
+ ખેતી કાર્ય માટે વપરાયેલ ઘરના માનવ મજુરીનું ખર્ચ |
બજારમાં પ્રવર્તમાન માનવ મજુરીના દર પ્રમાણે ગણતરી કરીને |
ખર્ચ – સી૨ |
ખર્ચ – સી૧ |
આગળની ગણતરી મુજબ |
|
+ વ્યવ્સ્થાપન ખર્ચ ( ખેતીનું સમગ્ર સંચાલન વ્યવસ્થાપન કરવા બદલ ) |
ખર્ચ – સી૧ ૧૦% પ્રમાણે |
કુલ આવક = મુખ્ય ઉત્પાદનની આવક +ગૌણ ઉત્પાદનની આવક=( મુખ્ય ઉત્પાદન જથ્થો X બજારભાવ ) + ( ગૌણ ઉત્પાદન જથ્થો X બજારભાવ )
ઉત્પાદન ખર્ચ ( $ / કિવન્ટલ ) ની ગણતરી :ખેતીમાં સામાન્ય રીતે મુખ્ય ઉત્પાદન તેમજ ગૌણ ઉત્પાદન એમ બે પ્રકારે ઉત્પાદન મળે છે. જે પૈકી ઉત્પાદન ખર્ચ પ્રતિ કિવન્ટલની ગણતરી માત્ર મુખ્ય ઉત્પાદન માટે જ ગણવામાં આવે છે. મુખ્ય ઉત્પાદનનું ખર્ચ ( $ / કિવન્ટલ ) અને પ્રવર્તમાન બજારભાવ ( $ / કિવન્ટલ ) સરખાવવાથી નફા / નુકશાનનો અંદાજ ત્વરીત આવી જાય છે. ઉત્પાદન ખર્ચ ( $ / કિવન્ટલ ) ની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે.
જો ગૌણ ઉત્પાદનની આવક્ આવકના ૧૦% કે તેનાથી ઓછી હોય ત્યારે મુખ્ય ઉત્પાદન ખર્ચ ( $ / કિવન્ટલ ) = ખર્ચ સી ૨ – ગૌણ ઉત્પાદનની આવક / મુખ્ય ઉત્પાદન જથ્થો ( કિવન્ટલ )
જો ગૌણ ઉત્પાદનની આવક કુલ આવકના ૧૦% કરતા વધારે હોય ત્યારે >મુખ્ય ઉત્પાદન ખર્ચ ( $ / કિવન્ટલ ) = ખર્ચ સી૨ / મુખ્ય ઉત્પાદન જથ્થો X મુખ્ય ઉત્પાદનની આવક / કુલ આવક
ચોખ્ખો નફો : નફો = કુલ આવક – થયેલ ખર્ચ
ખર્ચના વિવિધ તબક્કે નફાની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે.
ખર્ચ– એ ઉપર નફો = કુલ આવક – ખર્ચ – એ |
ખર્ચ – બી ઉપર નફો = કુલ આવક – ખર્ચ – બી |
ખર્ચ સી૧ ઉપર નફો = કુલ આવક – ખર્ચ સી૧ |
ખર્ચસી૨ ઉપર નફો = કુલ આવક – ખર્ચ – સી૨ |
આવક જાવકનો ગુણોતર :
આવક જાવક ગુણોતર પ્રતિ $ના ખર્ચ સામે કેટલી આવક થઈ તે દર્શાવે છે. આ ગુણોતર ૧ કરતા વધારે હોય તો નફો દર્શાવે છે. અને ૧ કરતા ઓછો નફો હોય તો ખોટ દર્શાવે છે. આવક જાવક ગુણોતર પણ ખર્ચના વિવિધ તબક્કે ગણતરી કરવામાં આવે છે.
ખર્ચ – એ ઉપર = કુલ આવક / ખર્ચ – એ |
ખર્ચ – બી ઉપર = કુલ આવક / ખર્ચ – બી |
ખર્ચ – સી૧ ઉપર = કુલ આવક / ખર્ચ – સી૧ |
ખર્ચ– એ ઉપર = કુલ આવક / ખર્ચ – સી૨ |
સ્ત્રોત :
ડો. એ. એસ. શેખ , પ્રો. રચના કુમારી બંસલ , ડો. વી. કે ગોંડલીયા , ડો. કે. એસ. જાદવ , ડૉ. એન. વી. સોની
- કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : ( ૦૨૬૯૨ ) ૨૬૪૯૫૦
પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦
ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ , ઓક્ટોબર – ૨૦૧૬
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020