অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓઝોનેશન ટેકનોલોજી

હાલના સમયમાં તાજા ફળ-શાકભાજી તથા આરોગ્યપ્રદ ખોરાકની બજારમાં ખૂબ જ માંગ છે. લોકોની ખોરાક પ્રત્યેની રૂચિ અને ટેવ તદન બદલાયા છે. ખેતરમાં ફળ-શાકભાજીની પાક વ્યવસ્થા દરમ્યાન જંતુનાશક દવાનાં વધુ પડતા ઉપયોગથી તેમના અંશો રહી જાય છે તેમજ કાપણી, પ્રોસેસિંગ અને વહેંચણી દરમ્યાન પ્રદૂષિત થાય છે. આ પ્રક્રિયા દરમ્યાન થાય છે. આ પ્રક્રિયા દરમ્યાન રોગજન્ય જીવાણુઓનો ખતરો ઘણો વધે છે. આ ફળશાકભાજીની બાહ્ય સપાટી પર બેકટેરીયા, વાયરસ, ફૂગ, યીસ્ટ, પ્રોટોઝોઆ, એન્જાઈ, ઝેરી જંતુનાશક દવા, રસાયણ, કલર તથા વેકસના અંશો મહદ અંશે રહેલા હોય છે. આ રોગજન્ય જીવાણુઓને લીધે અને રોગો થવાની શક્યતા રહે છે. આ જ રીતે ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા ખરાબ પાણીમાં બી.ઓ.ડી.ની વધુ માત્રાને લીધે પીવાલાયક પાણી પ્રદૂષિત થાય છે અને પર્યાવરણને નુકસાન થાય છે. આ માટે ફળ-શાકભાજીની યોગ્ય સાફસફાઈની પ્રક્રિયા તેમજ જંતુમુક્ત બનાવવાની | ખૂબ જ જરૂરિયાત છે. ફળ શાકભાજી અને ખોરાકમાં રહેલા રોગજન્ય જીવાણુનું નિયંત્રણ કરવા માટે ઘણા પ્રકારના રસાયણો સેનેટાઈઝર તેમજ બ્લિચિંગ એજન્ટનો ઉપયોગ થાય છે. હાલના સમયમાં પર્યાવરણ, આરોગ્ય તથા ખર્ચને ધ્યાનમાં લઈને ઘણા રસાયણોનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવેલ છે અથવા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ઓઝોન વાયુ, વાતાવરણમાં સૂર્યના અલટ્રાવાયોલેટ કિરણો અને પ્રકાશમાંથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીની સપાટીથી ૬-૧૦ માઈલ ઉપર તેનું ૧૦ પીપીએમની માત્રામાં સંરક્ષણાતષ્ક આવરણ બનેલ છે જે પૃથ્વીનું નુકસાનકારક અસ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ કરે છે અને પૃથ્વીની સપાટી પરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. ઓઝોન કૃત્રિમ રીતે કોરોના ડીસ્ચાર્જ અથવા અસ્ટ્રાવાયોલેટ કિરણો (૧૮૫ નેનોમીટર) થી પેદા થાય છે. ખાસ કરીને ૧-૩ ટકા હવા અને ૨-૧૨ ટકા પ્રાણવાયુનું ઊંચા વોલ્ટેજે મિશ્રણ કરવાથી તેને ઉત્પન્ન કરી શકાય છે અને થોડા સમયમાં જ તેનું પ્રાણવાયુમાં વિઘટન થાય છે.

ઓઝોનેશન એક પર્યાવરણ મિત્ર (ઈકો ફ્રેન્ડલી), રસાયણ મુક્ત અને આરોગ્યપ્રદ ટેકનોલોજી છે જે એક જીવાણુનાશક અને ઓકસીડાઈજિંગ એજન્ટ છે. ઓઝોન કલોરીન કરતા દોઢ ગણુ શક્તિશાળી અને અસરકારક છે જે ઈકોલી, લીસ્ટેરીયા તેમજ અન્ય રોગજન્ય જીવાણુને ખૂબ જ ઝડપથી મારી શકે છે. આ ઉપરાંત અન્ય નુકસાનકારક રસાયણો તેમજ જંતુનાશક દવાનો નાશ કરે છે. ઓઝોનની, રૂમ તાપમાને, પાણીમાં ૨૦ મિનિટ સુધી પ્રક્રિયા કરવાની અડધી આવરદા હોય છે. તેનું ઝડપથી સાદા પ્રાણવાયુમાં રૂપાંતર થાય છે જેથી આ પ્રક્રિયા કરેલા ખોરાકમાં તેના કોઈ અવશેષો રહેતા ન હોવાથી આ ખોરાક અંશતઃ સલામત રહે છે.

આ પ્રક્રિયા ઓઝોન વાયુને પાણીમાં ૦.૨ થી ૦.૫ પીપીએમના પ્રમાણમાં દ્રાવ્ય કરીને આપવાથી અથવા વાયુ સ્વરૂપમાં શીતગૃહમાં રાખેલા ફળ-શાકભાજી પર કરવામાં આવે છે. આ પ્રક્રિયા સંગ્રહ દરમ્યાન રાખેલા ફળમાંથી ઉત્પન્ન થતા ઈથીલીન ગેસની અસર ઓછી કરે છે અને તેની સંગ્રહશક્તિમાં ઘણો વધારો થાય છે. જેથી ફળની પાકવાની પ્રક્રિયા ઘણી ધીમી પડે છે અને ફળને લાંબો સમય સુધી તરોતાજા અને સ્વચ્છ રાખે છે.

ઉપયોગ :

  1. ફળ શાકભાજીની સાફસફાઈમાં: ઓઝોનને પાણી અથવા હવા સાથે ટ્રીટમેન્ટ આપવાથી ખાદ્યપદાર્થની સપાટી પર રહેલા જંતુનાશક દવાઓના અવશેષો દૂર થાય છે. આ ઉપરાંત ઈ.કોલી બેકટેરીયા અને અન્ય રોગકારક જંતુઓનો પણ નાશ પામે છે. આમ, ઓઝોન પ્રક્રિયા આપ્યા બાદ ફળ-શાકભાજી કે ખોરાક ખાવા લાયક બને છે.
  2. ફળ-શાકભાજીના સંગ્રહમાં : શીતગૃહમાં સંગ્રહ કરેલ ફળ શાકભાજીને ફૂગ અને જીવાણુથી રક્ષણ આપવા ઓઝોન ઉપયોગી છે. જે શીતગૃહમાંથી દુર્ગધ દૂર કરે છે અને ફળ શાકભાજીની સંગ્રહશક્તિ વધારે છે. ફળ શાકભાજીની કાપણી બાદ પ્રી-કુલિંગની સાથે આ ટ્રીટમેન્ટ આપવાથી રસાયણો તથા સેન્દ્રિય પદાર્થો દૂર થાય છે.
  3. પાણીના શુદ્ધિકરણમાં : ઓઝોન દ્વારા પાણીનું રીસાયકલિંગ ઘણું સસ્તુ અને સરળ પડે છે. આ ઉપરાંત ઓઝોન ઝેરી સેન્દ્રિય પદાર્થો તેમજ જંતુનાશક રસાયણોના અવશેષોને દૂર કરે છે. પાણીની બોટલિંગના શુદ્ધિકરણ માટે ૧ થી ૨ મિ.ગ્રા.લિ. ઓઝોનનું પ્રમાણ ૪ થી ૧૦ મિનિટ સુધી સંપર્ક સમય રાખવામાં આવે છે.જે બોટલિંગ સમયે ૦.૧ થી ૦૪ પીપીએમ ઓઝોનનું પ્રમાણ જાળવવા મદદરૂપ થાય છે. આથી પ્રોડકટને બોટલમાં ભરતા સમયે બોટલ દૂષિત થવાની તક ન રહે જે બોટલને સલામતી બક્ષે છે.

ઓઝોનના ફાયદાઓ :

  1. ખોરાકને શુદ્ધ કરવા કલોરીન કરતા વધુ અસરકારક છે.
  2. ખોરાકમાંથી રાસાયણિક તથા જંતુનાશક દવાઓના અવશેષોને ઓછા અથવા નાબૂદ કરે છે અને ખોરાકની શુદ્ધતામાં વધારો કરે છે.
  3. ખોરાકમાંથી કેન્સરજન્ય ઘટકોનો નાશ કરે છે.
  4. ઓઝોન દ્વારા ખોરાકને ખૂબ જ ઝડપથી શુદ્ધ કરી શકાય છે. આ પ્રોસેસમાં ફક્ત ૧૦-૩૦ મિનિટ જેટલો ખૂબજ ઓછો સમય લાગે છે.
  5. ઓઝોનાઈઝેશન કરવાથી ખોરાકની એન્ટિઓકસીડન્ટ ક્ષમતા વધે છે.
  6. પ્રોસેસ દરમ્યાન ઓઝોનના અવશેષો ખોરાકમાં રહેતા નથી કારણ કે તેનું ઝડપથી વિઘટન થઈ લુપ્ત થઈ જાય છે.
  7. ઉપયોગ કરવાના સ્થળ પર સહેલાઈથી આ ગેસ નતો હોવાથી હેરફેર-પરિવહનની સમસ્યા રહેતી નથી.
  8. ઓઝોન, ફળ-શાકભાજી તથા ખોરાકનું શુદ્ધિકરણ, વિવર્ગીકરણ તેમજ દુર્ગધ દૂર કરવા ઉપયોગી છે.
  9. ફૂડ અને બીવરેજ, મેડિકેટેડ સાધનો તેમજ પેકેજિંગ મટીરિયલ્સનું ઓઝોન દ્વારા શુદ્ધિકરણ થાય છે.

મુદ્દાઓ

  1. આ પ્રોસેસ થોડી જટીલ છે.
  2. કાટ ન લાગે તેવા સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવો જરૂરી છે.
  3. અન્ય માવજત કરતા થોડો ખર્ચ થાય છે.

ઓઝોન ટ્રીટમેન્ટ એક અદ્વિતીય અને મૂલ્યવાન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા બાદ કોઈપણ પ્રકારની વાસ કે રસાયણનાં અંશ રહેતા નથી અને કાર્ય બાદ લુપ્ત થઈ જાય છે.

પેટ્રોલિયમ પ્રોટકટસની ટ્રીટમેન્ટ માટે હાઈડ્રોપેરોકસાઈડ કોટેડ ઓઝોન માઈક્રોબબલ્સ, કલોરીન સોલવન્ટ તથા (PAHs - પોલીસાયકલીક એરોમેટિક હાઈડ્રોકાર્બન કમ્પાઉન્ડસ) કરતા ખૂબ જ સસ્તી પડે છે. આ પ્રક્રિયા દ્વારા ખર્ચ તેમજ સમયની બચત થાય છે. યુએસડીએ (USDA-યુનાઈટેડ સ્ટેટસ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર), ફૂડ સેફટી એન્ડ ઈન્સ્પેકશન સર્વિસ(FSIS) વિભાગ દ્વારા ફૂડ પ્રોડકસને પેકેજિંગ પહેલા શુદ્ધિકરણ કરવા આ ટ્રીટમેન્ટને માન્યતા આપેલ છે. આજકાલ લોકો આરોગ્યપ્રદ તાજા ફળશાકભાજીનો ઉપયોગ કરવા વધુ સભાન થયા છે. બજારમાં ઓઝોનેશન કરેલા ફળ-શાકભાજી વેચાતા થયા છે તેમજ પાણીના શુદ્ધિકરણમાં જે રીતે ઘરગથ્થુ આર. ઓ. સીસ્ટમનો વપરાશ વધ્યો છે તે રીતે આવતા સમયમાં ઘરે ઉપયોગ કરતા પહેલા ફળ-શાકભાજીને શુદ્ધ કરી શકાય તેવા સાધનો ઉપલબ્ધ થવા લાગ્યા છે.

સ્ત્રોત : જુલાઈ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૧, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate