હોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / સીતાફળની ખેતી અને તેનું મુલ્યવર્ધન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સીતાફળની ખેતી અને તેનું મુલ્યવર્ધન

સીતાફળની ખેતી અને તેનું મુલ્યવર્ધન વિશેની માહિતી આપવામાં આવી છે

પરિચય

ગુજરાતમાં સિતાફળ એ સૌથી વધુ ઉગાડવામાં આવતી ફળોમાનું એક છે. વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ગુજરાતમાં સિતાફળનું કુલ ઉત્પાદન ૫૫.૦૪ ટન હતું. ભાવનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢ વિગેરે જેવા જિલ્લાઓ સિતાફળનું ઉત્પાદન કરવામાં મોખરે છે.

સિતાફળની જાતો

ભારતમાં સિતાફળની ઘણી જાતો પ્રચલિત છે. તેમાથી મુખ્ય મેમથ, વોશિગ્ટન, સિંધન, લાલ સિતાફળ, બાલાનગર વિગેરે છે તેમાથી સિંધન અને બાલાનગર ગુજરાતની મુખ્ય જાતોમાની એક છે.

જમીન અને આબોહવા

સિતાફળ એ ઊષ્ણ કટીબંધીય આબોહવામાં પાકતું ફળ છે તેમજ સિતાફળના વાવેતર માટે કોઈપણ પ્રકારની જમીન માફક આવે છે. સિતાફળના છોડના વિકાસ તેમજ ફળ બેસવાના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને સમાન્ય ગરમી હોવી જરૂરી છે. પરંતુ સતત પડતો વરસાદ ફળ બેસવાની પ્રક્રિયાને નુકસાન કરી શકે છે.

 

નર્સરીનો ઉછેર

સિતાફળની નર્સરી બનાવવા માટે બીજને ૨.0 સે.મી. ઊંડે જમીનમાં અથવા કુંડામાં રોપી છોડને સારી રીતે ઉછેરી શકાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે નિયમીત પાણી આપવું જરૂરી છે. જ્યારે રોપાની ઉંચાઇ ૩૦ સે.મી. થાય ત્યારે તેને જમીનમાં ખાડો કરી યોગ્ય ખાતર સાથે વાવવું જોઈએ.

જમીનમાં ફેરબદલી અને કાપણી

સિતાફળના રોપાની વાવણી કરતાં પહેલા જમીનમાં ૬૦ x ૬૦ x ૬૦ સે.મી. માપના ખાડા તૈયાર કરી તેના પર એક અઠવાડિયા સુધી સૂર્યની ગરમી પાડવા દેવી. તૈયાર કરેલ ખાડામાં સારી ગુણવતા વાળું ખાતર અને માટીને બરોબર ભેળવીને નાખવું. સિતાફળનાં છોડના ઘેરાવાને તેમજ તેના વિકાસને ધ્યાનમાં રાખીને વાવણી સમયે બે છોડ વચેનું અંતર ૫ x ૫ મીટર રાખવું. સિતાફળના છોડના વિકાસ તેમજ સારું ઉત્પાદન મેળવવા માટે છોડની વધારાની ડાળીઓને  સમયાંતરે કાપણી કરવી જોઈએ.

ખાતર

છોડનું આયુષ્ય વધારવા, છોડના સંવર્ધન અને ગુણવતા સભર ઉત્પાદન મેળવવા માટે છોડમાં પ્રમાણસર ખાતર આપવું જરૂરી છે. સિતાફળ છોડના થડમાં ખાતર આપવાના બદલે થડથી ૩૦ સે.મી ગોળ મારીને ખાતર આપવું હિતાવહ છે. સિતાફળના છોડમાથી વધૂ ઉપજ  મેળવવા માટે પ્રતિ છોડ ૨૫૦ ગ્રામ નાઇટ્રોજન, ૧૨૫ ગ્રામ પોટાશ અને ૧૨૫ ગ્રામ ફૉસ્ફરસનો ડોઝ આપવો જોઇએ.

સિંચાઇ

સિતાફળના છોડમાં ફુલ બેસવાના અને ફળ લાગવાના સમયે પાણી આપવું જરૂરી છે. ઉનાળાની ઋતુ દરમિયાન સિતાફળના છોડમાં ફુલ બેસવાના તેમજ ફળ લાગવાના સમયે ૨ થી ૩ પિયત આપવી. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા પછી ફળ પાકવાના સમયે ફળની ગુણવતા તેમજ વધુ ઉત્પાદન મેળવવા માટે એક પિયત જરૂરી છે. ચોમાસાની ઋતુમાં થયેલ ખેડાણ જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવામાં ઉપયોગી રહે છે.

લણણી

ઉનાળાની અંતમાં અને પાનખર ઋતુમાં ૪ વર્ષની ઉમરના છોડમાં ફળ બેસવાનું ચાલુ થઈ જાય છે. સીતાફળમાં પોલીનેશન કર્યા પછી ૧૫ થી ૧૭ અઠવાડિયામાં પરિપક્વતા આવવાની શરૂઆત થાય છે. એક ઝાડમાં અંદાજે ૫૦ ફળ લાગે છે. સામાન્ય રીતે ૭ વર્ષ જુના વૃક્ષમાં ૧૦૦ થી ૧૫૦ ફળ લાગી શકે છે અને તેનું વજન ૧૨૫ થી ૨૦૦ ગ્રામ જેટલું હોય છે. સિતાફળને ઝાડ પરથી તોડતી વખતે તે જમીન પર ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. આખી સીઝનમાં ૪ થી ૫ વાર ફળોને ચુંટવા પડે છે. પ્રતિ હેક્ટર ૬.૫ ટન જેટલું  ઉત્પાદન મળી શકે છે.

આંતર ખેતી

સીતાફળની બે હાર વચ્ચે ખાલી પડેલ જગ્યાનો ઉપયોગ કરીને તેમાં ભીંડા, વટાણા, ચણા  વિગેરે વાવીને ચોમાસાની ઋતુમાં વધારાની આવક રળી શકાય છે.

પાકની લણણી બાદનું આયોજન

સીતાફળ પાકવાની પ્રક્રિયાની સમજ તેના રંગ અને ફળના કદ પરથી કરી શકાય છે. જ્યારે સિતાફળનો રંગ લીલામાથી પીળાશ પડતો અને તેની આંખ બહારની બાજુએ ખુલવા માંડે ત્યારે તે પાકી ગયેલ છે તેમ કહેવાય. સીતાફળને ઝાડ પરથી તોડ્યા બાદ તેનું સોર્ટિંગ, ગ્રેડીંગ, પૅકિંગ, પરિવહન અને મુલ્ય વર્ધન જેવી પ્રકીયાઑ હાથ ધરવામાં આવે તો બજારમાં તેનો પોષણક્ષમ ભાવ મળી શકે છે.

સોર્ટિંગ અને ગ્રેડીંગ

માર્કેટમાં વેચતા પહેલા ખરાબ થયેલ અને વધુ પાકી ગયેલ સીતાફળને અલગ કરવાથી બીજા સીતાફળ ને નુકસાન થતું નથી. નાની-મોટી સાઇઝ પ્રમાણે તેનું ગ્રેડિંગ કરવામાં આવે તો આપણને સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહે છે.   

પેકીંગ

સોર્ટિંગ અને ગ્રેડીંગ કરેલા સીતાફળને યોગ્ય રીતે પેક કરવામાં આવે તો પરિવહન દરમ્યાન થતાં નુકશાનથી બચાવી શકાય છે. સામાન્ય રીતે સીતાફળને વાંસની ટોપલીઓ, પ્લાસ્ટિક ક્રેટ અને ફાઈબર બોક્સમાં પેક કરવામાં આવે છે જે તેને આકર્ષક બનાવે છે.

પરિવહન

જાડ પરથી ફળને કાપ્યા પછી તે ૩-૪ દિવસમાં પાકી જાય છે. તે નરમ હોવાથી તેને ધ્યાનથી એક જગ્યાથી બીજી જગ્યા પર પરિવહન કરવા પડે છે. પરિવહન દરમ્યાન થતાં નુકશાનથી બચવા માટે સીતાફળને વાંસની ટોપલીમાં સીતાફળના પાંદડાઑની વચ્ચે રાખવામા આવે છે.

મુલ્ય વર્ધન

પરિપક્વ થયેલા સીતાફળનું આયુષ્ય ઘણું જ ઓછું હોવાથી તેને તેજ સ્વરૂપમાં બજારમાં વેચવાને બદલે તેની મૂલ્યવર્ધક વસ્તુઓ જેવી કે સીતાફળનો પલ્પ, પાવડર વિગેરે બનાવીને તેને શરબત, આઈસક્રીમ, સીરપ, કેક વગેરેમાં વાપરી તેની મુલ્યવૃધ્ધિ કરી વધારાની આવક રળી શકાય છે.

 

 

 

 

 

 

લેખક: શ્રી કમલેશ આર. જેઠવા અને શ્રી જગદીશ જે. ચાવડા

કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ રોડ, ધોળકૂવા, ગોધરા-૩૮૯૦૦૧, ગુજરાત

પ્રકાશન: કૃષિ જીવન, ડિસેમ્બર-૧૭, વર્ષ-૫૦, અંક-૫, પેજ નં.: ૨૯-૩૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.18181818182
ધરજીયા સંજયભાઈ Oct 31, 2018 04:15 PM

કૃષિ જીવન સામયિક બંધાવવુ છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top