অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગરના બીજની ગુણવત્તા જાળવવા કાપણી પછીની તાંત્રિકતાઓ

બીજની ગુણવત્તા :

ઉચ્ચ ગુણવત્તાયુકત બીજ, ઊંચી ભૌતિક શુદ્ધતા, જાતની શુદ્ધતા, એકરૂપ માપ અને સલામત સંગ્રહ માટે યોગ્ય નીચું ભેજનું પ્રમાણ ધરાવતું તેમજ નીંદામણના બીજ, જીવાતો અને બીજ જન્ય રોગો રહિત હોવું જોઈએ.

ડાંગર બીજ ઉત્પાદનમાં કાપણી પછી મુખ્યત્વે સુકવણી, ઝૂડણી, પ્રોસેસિંગ, બીજ માવજત, પેકેજીંગ, સંગ્રહ અને વહન જેવી પ્રક્રિયાઓ કામગીરી હાથ ધરાતી હોય છે. ધાન્ય પાકોમાં કાપણી પછીનું નુકશાન ૧૦% આસપાસ નોંધાયેલ છે, જયારે બીજની ગુણવત્તા (જૂરસો, જીવંતતા અને ઉગાવો વગેરે) માં થતા ઘટાડાને ધ્યાને લેતા, બીજના જથ્થામાં કાપણી પછી મૂલ્યમાં થતું નુકશાન ૨૫% સુધી થવા જાય છે. વિકસતા દેશોમાં ડાંગર પાકમાં, કાપણીમાં ૧ થી ૩%, ઝૂડણીમાં ૨ થી ૬%, સુકવણી ૧ થી ૭%, હેન્ડલિંગ પ્રોસેસિંગ / પરિવહન દરમ્યાન ૨ થી ૭%, અને સંગ્રહ દરમ્યાન ૨ થી ૧૦% મળી, કુલ ૨૫ થી ૩૩% સુધી નુકશાનના અંદાજો નોંધાયેલ છે.

કાપણી અને નૂડણી :

સામાન્ય રીતે ડાંગરની કાપણી દેહધાર્મિક પરિકપકવતાએ (સંગ્રહ માટેના યોગ્ય ભેજ કરતા ૧-૩ અઠવાડિયા આગળ, ૨૧-૨૩% ભેજ પર) કરવી જોઈએ, જયારે સૂકવણી ૨ થી ૩ તબક્કમાં (ભજ ૨૧૨૩% થી ૨૧-૧૮%, ૨૧-૧૮૮ થી ૧૮-૧૬%, ૧૮૧૬% થી ૧૬-૧૪% વચ્ચે ૮-૮ કલાક ટેમ્પરીંગ), કરવાથી ખેતરમાં થતું નુકશાન માટે છે, ઉતારો ૧૦૧૫ જ વધે છે અને સંગ્રહમાં થતું નુકશાન ઘટે છે પરંતુ, મોટે ભાગે ખેડૂતો ડાંગરની કાપણી ૧૬% ભેજ આસપાસ કરે છે. આ રીતે ખેતરમાં ઊભા છોડ પર સુકવણી કરવાથી ૧૨% જેટલું નુકશાન થાય છે. ઝૂડેલ ડાંગરની સુકવણીમાં પણ દાણામાં વધુ તિરાડો પડી શકે છે. ડાંગરમાં દેહધાર્મિક પરિપકવતાએ કાપણીથી ૦.૭૧% અને દેહધાર્મિક પરિપકવતાથી ચાર અઠવાડીયે કાપણીથી ૧૬.૪૦% નુકશાન નોંધાયેલ છે. સામાન્ય રીતે ડાંગરમાં ફલાવરીંગથી ૩૨ દિવસ આસપાસ પરિપકવતા આવતી હોય છે. કાપણી વખતે લીલા દાણાનું પ્રમાણ ૪ થી ૯ ટકાથી વધારે ન હોવું જોઈએ. ડાંગરમાં પીળાશ પડતી પકવતા (અંદાજે ૨૫% ભેજ, પીળી દાંડી, થોડા લીલાશ પડતા દાણા) મેન્યુઅલ કાપણી યોગ્ય અને પૂર્ણ પકવતા (અંદાજે ૧૮% ભેજ, ઓછી પીળી કરાંઠી અને સખત દાણા) કમ્બાઈન હાર્વેસ્ટરથી કાપણી યોગ્ય માલૂમ પડેલ છે.

કાપણી અને નૂડણી દરમ્યાન ધ્યાનમાં લેવાની બાબતો:

  • હાર્વેસ્ટર થ્રેસર/કમ્બાઈન વગેરેના પ્રકાર, કાપણી અને ઝૂડણીની પદ્ધતિઓ, કાપણી અને ઝૂડણી વચ્ચેના દિવસો, સીલિન્ડરની ઝડપ અને કોન્ટેવ કલીયરન્સ વગેરેની કાપણી અને ઝૂડણીની કાર્યક્ષમતા, સફાઈ કાર્યક્ષમતા, બીજનો ઉગાવો, યાંત્રિક નુકશાન અને બીજના જૂસ્સાના આંક પર અસર પડે છે.
  • પાક સંપૂર્ણ સૂકો ન હોય ત્યારે કાપણી કરવી નહીં. સવારના ઝાકળ સુકાય તે પહેલા કમ્બાઈન ચલાવવું નહી, તેમજ અપરિપકવ પાકની કાપણી કરવી નહી.
  • હાર્વેસ્ટર/કમ્બાઈનથી કાપણી-ઝૂડણી માટે, પાક એકરૂપ અને પરિપકવતાની દ્રષ્ટીએ લગભગ સમાન અવસ્થાએ હોવો ખૂબ જ જરૂરી છે. ભેજ અને પરિપકવતાની વિવિધતા, કાપણી અને ઝડણીની કાર્યક્ષમતા તેમજ કાપણી પછીની બીજની સંગ્રહ ક્ષમતા અને ગુણવત્તાને અસર કરે છે.
  • ઝૂડણી યંત્ર, કમ્બાઈન, ટ્રેઈલર, ઝૂડણી માટેનું ભોયતળિયું, પ્રસંસ્કરણ યંત્રો વગર દરેક જાત દરેક પાક વખતે સંપૂર્ણ સફાઈ કરીને જ વાપરવા.
  • કાપણી કરેલ પાક ખેતરમાં ભીની જમીન પર ન રાખતાં, પાકા ભોંયતળિયા પર રાખવો.
  • ટ્રેકટરના પૈડાથી ઝૂડણી કરવી નહીં. કાચા તળિયા પર તાડપત્રી સિવાય ઝૂડણી કરવી નહી.
  • ઝૂડણી સમયે ભેજ ૨૭% થી શરૂ કરી ૧૫% થાય ત્યારે ઝૂડવાની કાર્યક્ષમતા ૯૬% થી શરૂ કરી ૯૯% સુધી મેળવી શકાય છે.
  • ઝૂડણીની ઝડપ ઓછી રાખવી, જેથી બીજ તુટવાનું પ્રમાણ ઘટે.
  • સૂર્યપ્રકાશની સુકવણી પાતળા થરમાં કરવી, તેમજ આકસ્મિક વરસાદ વગેરે માટે સાવધાની રાખવી.

ડાંગરને કાપણી પછી ખેતરમાં છુટીછવાઈ રાખી, સૂર્યપ્રકાશથી સુકવતા દાણા તુટવાનું પ્રમાણ ૮ થી ૧૭%, ઢગલો કરી સુકવતા, દાણા તુટવાનું પ્રમાણ ૭ થી ૧૦% અને સુકવણી દરમ્યાન વધુ ભેજ સમયે પોલીથીન શીટથી ઢાંકતા, દાણા તુટવાનું પ્રમાણ ૬ થી ૯% માલૂમ પડેલ છે. વળી કમ્બાઈન દ્વારા ઝૂંડણી કરતાં દાણા તુટવાનું પ્રમાણ ટ્રેકટર (૬.૬૭%) અને થ્રેસર (૨.૯૫%) કરતા ઓછું (૧.૬૮%) માલૂમ પડેલ છે. પરંતુ જો કાપણી કરવાના પાકની પરિપકવતા એકસમાન–એકરૂપ ન હોય તો પીળા દાણાનું પ્રમાણ (૫.૩૭%) વધે છે. વળી કમ્બાઈન કાપણી અને ઝૂડણીથી ડાંગરનો ઉગાવો બારમાસના સંગ્રહમાં ૯૧.૩૩% થી ઘટી ૭૬ ૫૧% થયેલ, જે મેન્યુઅલ કાપણી અને ઝૂડણીથી ૯૧.૬૭% થી ઘટી ૮૩.૫૧% થવા પામેલ. ઝડણી યંત્રમાં ડાંગરની ઝડણી માટે, સ્પાઈક ટુથ સીલિન્ડર, ૧૮-૨૩ મી. સે. પેરીફેરલ સ્પીડ અને ૬.૫-૧૨.૫ મિ.મી. કોન્કવ કલીયરન્સની ભલામણ થયેલ છે.

બીજની સુકવણી :

બીજમાંથી ભેજ દૂર કરવાની પ્રક્રિયાને સુકવણી કહે છે. સામાન્ય રીતે દેહધાર્મિક પરિપકવતાએ બીજની ગુણવત્તા મહત્તમ હોય છે ત્યારે જુદા જુદા પાકોમાં ૧૮-૪૫% જેટલો ભેજ હોય છે, એટલે યોગ્ય સુકવણી દ્વારા બીજને સંગ્રહ યોગ્ય ભેજ પર લાવવા જરૂરી છે, વળી પ્રોસેસિંગ યોગ્ય ભેજ માટે પણ સુકવણી જરૂરી છે.

બીજમાં ભેજના ટકા (%)

તબક્કો અને  અસરો

૩૫ – ૮૦

વિકસતું બીજ અપરિપક્વ

૩૩ – ૬૦

સ્ફુરણ થવાનીશરૂઆત

૧૮ – ૪૫

દેહધાર્મિક રીતે પરિપકવ, ઊંચો

૧૩ – ૧૮

શ્વાસોશ્વાસનો ઊંચો દર, મોલ્ડ/ જીવાતો નુકશાન કરી શકે, હીટીંગ થાય, યાંત્રિક નુકશાનનો પ્રતિકાર કરી શકે.

૧૦ – ૧૩

૬-૧૮ માસ ખુલ્લા સંગ્રહ થઈ શકે,

શીત વિસ્તારમાં જીવાતો આવી શકે,

યાત્રિક નુકશાન થઈ શકે.

૮ – ૧૦

૧-૩ વર્ષ ખુલ્લામાં સંગ્રહ થઈ

શકે, ખૂબ ઓછી જીવાતોની પ્રવૃત્તિ, બીજને યાંત્રિક નુકશાનની

ખૂબ શકયતાઓ

૪ – ૮

હવાચુસ્ત-સીલ્ડ સ્ટોરેજ

૦ – ૪

વધુ પડતી સુકવણી નુકશાનકારક

 

સુકવણીની પદ્ધતિઓ :

બીજ સુકવણીની વિવિધ પદ્ધતિઓમાં કુદરતી સૂર્યપ્રકાશ (અને પવનથી) અને સુકવણી યંત્રો દ્વારા યાંત્રિક સુકવણી એ બે મુખ્ય છે. વળી સંગ્રહ સ્થાનોમાં બીજના જથ્થા માટે કુદરતી સાદી હવા કે ગરમ કરેલ હવા દબાણથી પસાર કરી પણ સુકવણી થઈ શકે છે. દરેક પદ્ધતિમાં સુકવણી માટેના હવાનો સાપેક્ષ ભેજ અને સંતુલિત સાપેક્ષ ભેજ ખૂબ અગત્યનો છે. સાપેક્ષ ભેજ એટલે કે જે તે તાપમાને હવાની ભેજ રાખી શકવાની ક્ષમતા. તાપમાન વધે તેમ હવાની ભેજ રાખવાની ક્ષમતા વધે છે. જો આસપાસના વાતાવરણનો કે સુકવણી કરતી હવાનો સાપેક્ષ ભેજ, બીજના ભેજ કરતાં ઓછો હોયતો બીજમાંથી ભેજ દૂર થાય છે, જયારે આસપાસના વાતાવરણનો કે સુકવણી કરતી હવાનો સાપેક્ષ ભેજ, બીજના ભેજ કરતાં વધુ હોય તો બીજ ભેજ મેળવે છે. બન્ને સરખા હોય ત્યારે સમતોલન સ્થપાય છે.

ડાંગરમાં મોટા ભાગે સૂર્યપ્રકાશ (અને પવન) દ્વારા સુકવણી કરવામાં આવે છે જેમાં બે થી ત્રણ દિવસ લાગે છે. અને વાતાવરણ પર સંપૂર્ણ નિયંત્રણ ન હોવાથી વિશેષ કાળજી જરૂરી છે. વાતાવરણમાં ૪૫% કરતાં ઓછો ભેજ હોય ત્યારે ગરમી વગર, સાદી કુદરતી હવા દ્વારા સંગ્રહ માટેના સલામત ભેજ પર બીજને લઈ જઈ શકાય છે ડાંગર બીજ સુકવણી દરમ્યાન ડાંગર ખુલ્લી રાખવી જોઈએ નહી. સંગ્રહ સ્થાનોમાં કુદરતી સાદી હવા, ૧૩% કરતાં ઓછા ભેજ પર હોય ત્યારે વાપરી શકાય છે. જયારે બહારની હવા ૩૦ સે. કરતાં વધુ તાપમાને હોય ત્યારે ગરમ હવાથી કૃત્રિમ સુકવણી મુશ્કેલ બને છે. સુકવતી હવામાં વધુ ભેજ હોય તો ડીહયુમિડીફાઈ કરી, આ હવા સુકવણી માટે વાપરી શકાય છે. ડાંગરમાં મુખ્યત્વે પારબોઈલ ડાંગર મિલિંગમાં સુકવણી યંત્રો વપરાય છે. સુકવણી યંત્રો ઉપલબ્ધ હોય તો યોગ્ય પરિપકવતાએ ડાંગરની કાપણી થઈ શકવાથી ખેતરમાં વેરાવાથી ઉદર પક્ષીઓથી થતું નુકશાન ઘટે છે અને ખેતરમાં થતી સુકવણીમાં વારાફરતી સૂર્યપ્રકાશ અને ઝાકળના કારણે ડાંગરના બીજમાં પડતી આંતરિક તિરાડોનું પ્રમાણ ઘટે છે તેમજ સંગ્રહ શક્તિ વધે છે. પરંતુ કૃત્રિમ યાંત્રિક સુકવણી ખર્ચાળ છે અને સતત નિરિક્ષણની જરૂર ધરાવે છે. ડાંગરના માતૃબીજ કે જર્મ પ્લાઝમ જેવા મોંઘા અને ઓછા જથ્થા માટે સિલિકા જેલ જેવા પદાર્થો સાથે ૧ કિ.ગ્રા. સિલિકા જેલ/૧૦ કિ.ગ્રા.બીજના પ્રમાણમાં, ૨૦-૨૫° સે.તાપમાને, બંધ પાત્રમાં રાખી ૧૩% થી ઓછા બીજના ભેજ પર ૧ થી ૨% જેટલો ભેજ દૂર કરી શકાય છે.

ડાંગર બીજ જો ૧૦% થી ઓછા, ૧૦-૧૮% અને ૧૮-૩૦% ભેજ ધરાવતા હોય તો, સુકવણી કરતી હવાનું તાપમાન અનુક્રમે ૪૩.૩° સે., ૩૭.૫° સે. અને ૩૨.૨ સે. અને સુકવણી માટેના ડાંગરના પડની જાડાઈ ૪૫ સે.મી. ભલામણ થયેલ છે. સુકવણી પહેલાં બીજ વધારે પડતો સમય ન રાખવા, અને સુકવણી બાદ ઉગાવો ૧-૨% થી વધુ ન ઘટવો જોઈએ.

ડાંગર માટે આસપાસની હવાના સાપેક્ષ ભેજ ૬૦% કરતાં ઓછો હોય, તો બીજનો ભેજ ૧૨% આસપાસ જળવાઈ રહે છે.આસપાસની હવાનો ભેજ ૬૦-૭૫% વચ્ચે હોય તો સતત નિરિક્ષણ જરૂરી છે, અને આસપાસની હવાનો ભેજ ૭૫% કરતાં વધુ હોય તો બીજનો ભેજ ૧૪% ઉપર જવાથી નુકશાન થઈ શકે છે.

 

ક્રમ

ભૌતિક ખાસિયત

અનુકુળ યંત્ર

બીજનું માપ (પહોળાઈ, જાડાઈ) નાનાથી મોટું

એરસ્કીન કલીનર કમ ગ્રેડર

બીજની લંબાઈ – નાની, મોટી

ઈન્ડેન્ટેડ સીલિન્ડર સેપરેટર, ડિસ્ક સેપરેટર

બીજનો આકાર-ગોળ, લંબગોળ, ચપટી વગેરે

સ્પાઈરલ સેપરેટર, ડેપર સેપરેટર

બીજનું સપાટીનું ટેક્ષચર (પોત) - લીસુ, ખડબચડું

રોલ મિલ ડોડર મિલ

બીજની ઘનતા વિશિષ્ટ ઘનતા-અપૂર્ણ ભરાયેલ, અપરીપકવ, હલકાથી ભારે

સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર

બીજનો રંગ-ઓછો, ઘાટો

ઈલેકટ્રોનિક કલર સોર્ટર

પાણી સંગ્રહ કરવાની ક્ષમતા-ઓછી, વધુ

મેગ્નેટિક સેપરેટર

ટર્મિનલ વેલોસિટી (એરોડાયનામિક ગુણધર્મ) - વિધુ, ઓછી

ન્યુમેટિક સેપરેટર

બીજનું પ્રોસેસિંગ:

બીજ પ્રોસેસિંગનો મુખ્ય હેતુ બીજના જથ્થામાં ભૌતિક શુદ્ધતા, ઉગાવો વગેરે અને સંગ્રહશક્તિ જેવા વિવિધ ગુણવત્તાદર્શક પરિબળોમાં સુધારો કરવાનો તેમજ જાળવવાનો છે. જે વિવિધ અશુદ્ધિઓ અને અનિચ્છનીય પદાર્થો જેવા કે નીંદામણના બીજ, અન્ય પાના બીજ, ઈનર્ટ પદાર્થો, તુટેલા-અપરિપકવ-રોગ ધરાવતા કે નુકશાન પામેલા બીજ દુર કરીને અને રાસાયણિક પ્રોટેકટન્ટ (રક્ષક) નો બીજ પર ઉપયોગ કરીને મેળવી શકાય છે. લઘુત્તમ બીજ નુકશાન, ઓછામાં ઓછી માનવબળ ઊર્જાની જરૂરિયાત અને પ્રોસેસિંગ યંત્રની વધુ કાર્યક્ષમતા એ બીજ પ્રોસેસિંગના મુખ્ય ધ્યેય છે.

બીજ અને અન્ય અશુદ્ધિઓ-અનિચ્છનીય પદાર્થો વચ્ચે ભૌતિક ખાસિયતો/ગુણધર્મોમાં તફાવત હોય છે. જેમાંથી એક અથવા એકથી વધારે ખાસિયતોના તફાવતનો ઉપયોગ કરી બીજ પ્રોસેસિંગ દ્વારા બીજના જથ્થાનું વૈવિધ્યનું સ્તર નીચે લાવી શકાય છે અને ગુણવત્તાયુકત બીજ ઉત્પાદન કરી શકાય છે.

ડાંગરમાં બીજના પ્રોસેસિંગથી, ધરૂમાં એકસમાન-એકસરખી વાવણી સંભવિત બને છે, અને નીંદામણના બીજનો ફેલાવો અટકે છે. વધુમાં ભૌતિક શુદ્ધતાના કારણે મૂલ્ય અને સંગ્રહ શક્તિમાં વધારો થાય છે, તેમજ દવા વગેરેનો પટ આપવાના કારણે રોગો અને જીવાતો સામે બીજનું રક્ષણ થાય છે. સુકવણીના કારણે થતાં નુકશાનમાં ઘટાડો કરે છે.

ડાંગરના પ્રોસેસિંગમાં મુખ્યત્વે એક સ્ક્રીન કલીનર, ઈન્ડેન્ટેડ સીલિન્ડર સેપરેટર અને સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટરનો ઉપયોગ થાય છે.

(૧) એર સ્કીન કલીનર (હવા-ચારણાયુકત સફાઈ યંત્ર) :

આ બીજ પ્રસંસ્કરણ પ્લાન્ટના હૃદય જેવું મુખ્ય મંત્ર છે. બીજા કોઈપણ વર્ગીકરણ કરતાં પહેલાં લગભગ બધાં જ બીજ આ યંત્ર દ્વારા સાફ કરવામાં આવે છે. આ યંત્રમાં ડાંગરના બીજને સ્થિર અથવા આગળ પાછળ ફરતાં ઢળેલાં ચારણા પર પસાર કરવામાં આવે છે. વળી પંખા-બ્લોઅર દ્વારા હવા પણ આપવામાં આવે છે. આથી ઝીણી અશુદ્ધિઓ ચારણામાંથી પસાર થવા દ્વારા અને મોટી અશુદ્ધિઓ ચારણો પરથી આગળ જઈ અલગ થવા દ્વારા દૂર થાય છે. એકદમ ઝીણા રજકણો, વજનમાં હલકી અશુદ્ધિઓ હવા દ્વારા ખેંચાઈ { ફેલાઈ અલગ થાય છે. અનિચ્છનીય પદાર્થો અને બીજાને શુદ્ધઈચ્છિત બીજથી, તેના માપ, આકાર અને વજનના તફાવતના આધાર પર એરસ્કીન કલીનર દ્વારા દૂર કરવામાં આવે છે. એરસ્ક્રીન કલીનરમાં એસ્પીરેટર, સ્કાધિંગ સ્કીન અને ગ્રેડિંગ સ્કીન હોય છે. વળી ચારણાઓની સંખ્યા પ્રમાણે તેના જુદા જુદા પ્રકારો છે.

એસ્પિરેશન : હલકા બીજ અને ફોતરાં જેવા પદાર્થો બીજમાંથી હવાના પ્રવાહ દ્વારા દૂર કરવામાં આવે છે.

સ્કાલ્પિગ : સારા બીજ આ ચારણાના કાણાંમાથી પસાર થાય છે જયારે બીજથી મોટા પદાર્થો જેવા કે કચરો, માટીના ઢેફા, કાંકરા વગેરે ચારણા પર. આગળ જઈ અલગ નળીમાં જાય છે.

ગ્રેડિંગ : સારા બીજ આ ચારણા પર પસાર થઈ આગળ જાય છે જયારે બીજથી નાના પદાર્થો જેવા કે નાના ખવાયેલા છે તુટેલા બીજ ચારણાના કાણામાંથી પસાર થઈ અલગ નળીમાં જાય છે.

સામાન્ય રીતે સ્કાલ્પિગ ચારણાને કચરો અને નીંદામણના બીજના ઝડપી નિકાલ માટે વધુ ઢાળ જયારે ગ્રેડિંગ ચારણાને બીજ વધુ સમય ચારણા રહી સારૂ અલગીકરણ કરી શકે તે માટે ઓછો ઢાળ રાખવામાં આવે છે. સામાન્ય રીતે ચારણાનો ઢાળ ૪-૧૨૦ વચ્ચે હોય છે.આ યંત્રમાં પ્રથમ એસ્પિરેશન દરમ્યાન ચારણામાં બીજ પહોંચે તે પહેલા અને બીજી વખત ગ્રેડિંગ ચારણામાંથી પસાર થઈ છેલ્લે પહોંચે ત્યારે એમ બે વખત હવાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ સકશન (ખેંચાણ) એસ્પીરેશન એ રીતે ગોઠવવું જોઈએ કે જેથી ફક્ત હલ્કી અશુદ્ધિઓ જેવી કે ચાફ, ફોતરી વગેરે દૂર થાય. ગ્રેડિંગ પછીના હવાના આફટર સકશનને એ રીતે ગોઠવવું જોઈએ કે હલકા બીજ અને અંશતઃ ભરાયેલ બીજ દૂર થઈ શકે. કાર્યક્ષમ સફાઈ માટે આફટર સકશન એ રીતે ગોઠવવું જોઈએ કે જેથી થોડા સારા બીજ પણ દૂર થાય.

આ યંત્રની કાર્યક્ષમતા અને ચોકસાઈ, ચારણાની પસંદગી, ચારણાનો ઢાળ, ચારણાની ઝડપ, હવાના પ્રવાહનો જથ્થો અને ફીડ રેટ જેવા પરિબળો પર આધારિત છે. એર સ્ક્રીન કલીનરની કાર્યક્ષમતાને અસર કરતું સૌથી વધુ અગત્યનું પરિબળ ચારણાની પસંદગી છે. ડાંગરમાં મુખ્યત્વે ગોળ કે લંબગોળ કાંણાવાળા ચારણા વપરાય છે. ગોળ ચારણામાં વ્યાસ દ્વારા તેમજ લંબગોળ ચારણામાં પહોળાઈ x લંબાઈ (મિ.મી.) દ્વારા તેની ઓળખ થાય છે. લંબગોળ કાણામાં કાંણાની દિશા બીજના ચારણા પરના પ્રવાહની દિશામાં હોય છે.

જુદા જુદા પાકોના બીજ માટે તેના આકાર  અને માપ ધ્યાને લઈ રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા તેમજ ભારતીય લઘુત્તમ બીજ પ્રમાણના માપદંડો મુજબ ચારણાના કાંણાના માપો નકકી કરવામાં આવેલ છે. છતાં પાકની જાત, ઉત્પાદનની ઋતુ, ઉત્પાદન દરમ્યાનના વિકાસના પરિબળોની સ્થિતિ વિસ્તાર વગેરેની બીજના ભૌતિક ગુણધમો પર અસર થતી હોય છે. આથી હેન્ડ ટેસ્ટ સીલ દ્વારા લેબોરેટરીમાં બીજ સેમ્પલ પરિક્ષણ કર્યા બાદ ચારણાની પસંદગી કરવી જોઈએ. જુદા જુદા માપ અને આકાર ધરાવતા કાંણાઓમાંથી બીજ મુખ્યત્વે તેની પહોળાઈ અને જાડાઈ મુજબ (બહુ થોડા અંશે લંબાઈ મુજબ) પસાર થાય છે, અથવા ચારણાની ઉપ૨ રહી આગળ વધે છે .

 

બીજ પ્રોસેસિંગ માટેના ક્લીનર અને ગ્રેડર યંત્રમાં ચારણાના માપ (મિ.મી)

બીજનો પ્રકાર

ઉપરનો ચારણો

નીચેનો ચારણો

ડાંગરનું બીજ

ફાઈન જાતો – ૨.૮૦ (લં.)

જાડી જાતો – ૯.૦૦ (ગોળ), ૩.૨૫ (લં.)

૧.૬૦ (લં), ૧.૪૦ (લં)

૧.૮૫ (લં), ૨.૧૦ (લં.)

 

ડાંગર, મગ, સોયાબીન જેવા પાકોમાં ભલામણ કરેલ ચારણા કરતાં નાના છિદ્રોવાળા ચારણા દ્વારા બીજની ગુણવત્તાને અસર કર્યા સિવાય ૮-૧૦% વધુ બીજ રીકવરી મેળવી શકાય છે. સ્ક્રીન નોકર્સ અને ટેપર્સ, બ્રશીસ, રબ્બર અથવા રબ્બર અને સ્ટીલના રોલ વગેરે એસેસરીઝના ઉપયોગથી કાંણા હંમેશા ખુલ્લા રહે તેવી કાળજી રાખવામાં આવે છે.

(ર) ઈન્ડેન્ટેર સીલીન્ડર સેપરેટર (ખાંચ ધરાવતા નળાકાર વાળા વર્ગીકરણ યંત્ર) :

ઈન્ડેન્ટેડ સીલિન્ડર સેપરેટરમાં તેની ધરી આસપાસ ફરતું (સહેજ ઢળતું) અને તેની અંદર મધ્યમાં પરિપથ (ટ્રો) ધરાવતું નળાકાર હોય છે. નળાકારની સમગ્ર પરિધવાળી સપાટીમાં અંદરની બાજુ અર્ધગોળાકાર ખાંચ હોય છે જયારે આ ખાંચવાળુ નિળાકાર તેની ધરી પર ફરે છે, ત્યારે તેમાં દાખલ થતાં અને તળિયે તળિયે આગળ વધતા બીજના જથ્થામાંથી બીજને આ અંદરની સપાટીમાં રહેલ ખાંચમાં ભરાવાની તક આપે છે. ખાંચના માપ કરતાં નાના બીજ ખાંચમાં ભરાય છે અને કેન્દ્રવર્તી દબાણથી તેમાં ભરાયેલ રહે છે. નળાકારમાં ફરતાં જયારે આ ખાંચ ઉપરની તરફ જાય છે ત્યારે ગુરૂત્વાકર્ષણના કારણે બીજ ખાંચમાંથી નીચે પડે છે. જયાં એડજસ્ટેબલ સ્ટ્રોપરીપથમાં પડી, તેમાં ઓગર જેવી રચના દ્વારા બીજા રિસ્તે બહાર આવે છે. જયારે ખાંચ કરતાં મોટા માપના બીજ ખાંચમાં ભરાતા નથી અને ફરતાં નળાકારમાં આિગળ વધી નળાકારના અંતમાં રહેલ અલગ રસ્તે બહાર આવે છે. ખાંચ અને બીજના આકાર, માપ, બીજની સપાટી (લીસી ખરબચડી)નો પ્રકાર, ભેજ, વજન બધા જ પાસાઓ સંયુકત રીતે વર્ગીકરણને અસર કરે છે. જરૂરીયાત મુજબ તેને રાઈટ ગ્રેડિંગ | (ન ઈચ્છલ બીજ વગેરે ખાંચમાં ભરાઈ બહાર આવે તે રીતે) અથવા રીવર્સ ગ્રેડીંગ (ઈસ્કેલ બીજ ખાંચમાં ભરાઈ બહાર આવે તે રીતે) માટે વાપરી શકાય છે. ઘણા પાકોના બીજ માટે એક સાથે બે કે વધારે સીલિન્ડર સેપરેટર ગોઠવી બંને કામગીરી એક સાથે પણ કરી શકાય છે.

આ યંત્રની કાર્યક્ષમતા અને ચોકસાઈ નળાકારની ઝડપ એન તેનો ઢાળ, ખાંચના માપ, ટ્રો (પરિપથ) ની ગોઠવણી, અને રીટાર્ડરની ગોઠવણી, પર આધારિત છે. ડાંગરના તુટેલ દાણા અને નીંદામણના ગોળ બીજ અલગ કરવા ૭.૧ મિ.મી. ખાંચવાળા સીલિન્ડરનો ઉપયોગ કરી શકાય છે.

 

(૩) સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર (બીજની વિશિષ્ટ ઘનતાના આધારે વર્ગીકરણ કરતાં યંત્ર) :

જો એર સ્ક્રીન કલીનર અને ઈન્ડેન્ટેડ સિલિન્ડર ગ્રેડરના ઉપયોગ પછી હજી બીજના ઉગાવાની ક્ષમતા લઘુત્તમ કરતા ઓછી હોય તો અથવા ખુબ ઊંચી ઉગાવા ક્ષમતા મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. વળી સરખા માપવાળી અશુદ્ધિઓ પણ રહેતી હોય છે. આવી સરખા માપવાળી પણ ઘનતા (એકમ કદનું વજન) કે વજનમાં જુદી પડતી અશુદ્ધિઓને સ્પેસિફિક ગ્રેવિટી સેપરેટર દ્વારા અલગ કરી શકાય છે.

આ યંત્રમાં ઘનતાના આધારે ફલોટેશનના (તરવાના) સિદ્ધાંત મુજબ બિયારણ વર્ટિકલ તલમાં જુદા જુદા સ્તરમાં વહેંચાય છે. બીજની હવામાં ઊંચકાવાની ક્ષમતા, બીજના માપ, આકાર, વજન અને સપાટીની બરછટતા છે લીસ્સાપણા પર આધાર રાખે છે. આ યંત્રમાં ત્રિકોણાકાર, બે દિશામાં ઢળતું, કાંણાવાળી જાળીવાળુ ડેક અને તેની નીચેથી હવાનો પ્રવાહ આપવાની વ્યવસ્થા હોય છે. હવાના પ્રવાહનું | નિયંત્રણ ખુબ જ અગત્યનું છે. બીજના સ્તર બનાવતો વિભાગ ડેકની કુલ સપાટીના વિસ્તારના ત્રીજા ભાગ કરતા ક્યારેય વધવો ન જોઈએ. સામાન્ય રીતે ૩ થી ૫ દાણા જેટલી જાડાઈના સ્તરમાં બીજનો પ્રવાહ આ યંત્રને આપવામાં આવતો હોય છે. આગળ-પાછળ ફરતા ડેકના કારણે બીજ ઉપરની તરફ જાય છે. પરંતુ ડેકની નીચેથી હવાનો પ્રવાહ સીધો બીજ પર આવતો હોઈ ફકત હવાથી વધુ ધનતા ધરાવતા ભારે બીજ ડેમની સપાટી પર રહે છે. જયારે હવા કરતાં ઓછી વિશિષ્ટ ઘનતા ધરાવતા બીજ વધતા ઓછા અંશે ભારે બીજની ઉપર રહીને નીચેની તરફ જતા હોય છે.

અહીં ભારે અને હલકા બીજ એમ નહીં, પરંતુ ડેકના ઉપરના છેડે ભારેમાં ભારે અને ડેકના નીચેના છેડે હલકામાં હલકા બીજ એ રીતે ભાગ પડે છે. ગ્રેવિટી સેપરેટરમાં પહોંચતાં પહેલા બીજને માપના આધારે વધુમાં વધુ ચોકસાઈથી વર્ગીકરણ થયેલ હોવું જોઈએ. કોઈપણ પ્રકારના રજકણો પણ ન હોવા જોઈએ. ગોઠવી શકાય તેવા સ્લીટર દ્વારા જુદી જુદી ઘનતાવાળા વર્ગ ભાગ મેળવી શકાય છે. નુકશાન પામેલ, રોગ ધરાવતા કે જીવાતો દ્વારા નુકશાન પામેલ, ખાલી, વ્યંધત્વ ધરાવતા અને બગાડ ધરાવતા બીજ અલગ કરે છે.

બીજની ઈનલેટ બાજુથી નિકાસ તરફ હવાનો પ્રવાહ ક્રમશઃ ઘટવો જોઈએ. નાના બીજ માટે ઝીણી અને મોટા બીજ માટે મોટી જાળી વપરાય છે. | જરૂર પડે સમયાંતરે વજન કદના નમૂના જુદા જુદા  નિકાસ દ્વારો પરથી લેવા જોઈએ. જો બીજમાં માપ અને વજનમાં વધારે વૈવિધ્ય હોય તો ડેકનો ઢાળ વધુ રાખવાથી વધુ ક્ષમતા મેળવી શકાય છે. જયારે માપ અને વજનમાં વધારે તફાવત ન હોય ત્યારે ડેકનો ઢાળ ઓછો રાખવામાં આવે છે અને ઓછી ક્ષમતા મળે છે.

સ્પેસિફિક પ્રવિટી સેપરેટરની કાર્યક્ષમતા હવાના જથ્થા, અંતના અને બાજુના ઢાળ, કંપનની ઝડપ અને ફીડ રેટ જેવા મુદ્દાઓ પર આધાર રાખે છે.

બીજનું પેકિંગ અને સંગ્રહ:

પાક ઉત્પાદનની શૃંખલા જાળવવા, ઉત્પાદન અનામત રાખવા, માતૃ-પિતૃ જાતો જાળવવા અને બ્રીડીગ મટીરિયલને સાચવવા યોગ્ય બીજ સંગ્રહ જરૂરી છે. દેહધાર્મિક પરિપકવતાથી–કાપણીથીફરી વાવણી સુધીના સમયગાળામાં ઊંચી ફુરણશક્તિ અને જુસ્સો જાળવવો એ બીજ સંગ્રહનો મુખ્ય હેતુ છે.

ડાંગર બીજના સંગ્રહ આયુષ્યને અસર કરતાં પરિબળોમાં જાત, કાપણી પહેલાંના પરિબળો જેવા કે જે તે સ્થળની જમીન, હવામાન, બીજ બનવાની અને પરિપકવ થવાની પ્રક્રિયા દરમ્યાન ઋતુ, હવામાન અને તેના ફેરફારો, બીજ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેતી કાર્યો, ખેતરમાં રોગના જીવાણું, ફુગ અને વિષાણું વગેરે દ્વારા થયેલ નુકશાન, જીવાતથી થયેલ નુકશાન, દેહધાર્મિક પરિપકવતાથી કાપણી વચ્ચેનો સમયગાળો તેમજ તે દરમ્યાનના ફેરફારો, પાકની કાપણી સમયે આબોહવાકીય પરિસ્થિતિ વગેરે છે. વળી કાપણી, ઝૂડણી, સૂકવણી અને પ્રોસેસિંગની પદ્ધતિઓ યંત્રો તેમજ બીજની શરૂઆતની ગુણવત્તા અને બીજનો ભેજ, સંગ્રહ દરમ્યાન બીજનું આયુષ્ય નકકી કરે છે. સામાન્ય સંગ્રહ વાતાવરણમાં ડાંગર બીજનું સ્કુરણ ૯૪% થી ઘટી, ૨૪ માસના અંતે ૯૦% અને ૩૦ માસના અંતે ૮૮% નોંધાયેલ છે.

સામાન્ય રીતે બીજના ભેજનો વધારો બીજનું આયુષ્ય ઘટાડે છે. પરંતુ ૪% કરતાં નીચો બીજનો ભેજ, બીજની ગુણવત્તાને નુકશાન પણ કરે છે. પ% થી ૧૪% ભેજની મર્યાદા વચ્ચે, ૧૪ ટકા કરતાં પ્રત્યેક ૧% ભેજનો ઘટાડો ડાંગર બીજનું સંગ્રહ આયુષ્ય બમણું કરે છે. ડાંગર બીજના સામાન્ય પેકિંગમાં સંગ્રહ દરમ્યાન ૧૨% કરતા ઓછો ભેજ અને હવા ચુસ્ત પેકિંગમાં સંગ્રહ દરમ્યાન ૮% કરતા ઓછો ભેજ જાળવી રાખવો જોઈએ, સંગ્રહ સમયે બીજનો ભેજ ૧૪% કરતાં કયારેય વધુ ન હોવો જોઈએ. જયારે લાંબા ગાળાના સંગ્રહ માટે ૯% કરતાં ઓછો ભેજ રાખવો જોઈએ. સંગ્રહ સ્થાન/વાતાવરણમાં નીચો સાપેક્ષ ભેજ હોય ત્યારે કુદરતી રીતે બીજનું નીચુ ભેજ પ્રમાણ મળે છે. બીજનો સમતોલન સમયનો ભેજ સંગ્રહસ્થાન વાતાવરણના સાપેક્ષ ભેજ અને તાપમાન પર સંપૂર્ણ પણે આધારિત છે. તાપમાન ઘટે ત્યારે વાતાવરણનો સાપેક્ષ ભેજ વધે અને બીજનો સમતોલન સમયનો ભેજ વધે, અને તાપમાન વધે ત્યારે વાતાવરણનો સાપેક્ષ ભેજ ઘટે તેમજ બીજનો સમતોલન સમયનો ભેજ ઘટે છે. ૦° સે. થી. ૫૦° સે. તાપમાનની મર્યાદા વચ્ચે દરેક પ સે. સંગ્રહ તાપમાનનો ઘટાડો ડાંગર બીજનું સંગ્રહ આયુષ્ય બમણું કરે છે. આદર્શ બીજ સંગ્રહ માટે પ૦° (૧૦૦ સે.) કરતાં ઓછા તાપમાને સાપેક્ષ ભેજના % + તાપમાન ફેરનહીટ = ૧૦૦ જોઈએ.

પેકિંગ મટીરિયલ્સનો આધાર બીજનો પ્રકાર, બીજનો જથ્થો, બીજની કિંમત, પેકિંગ પદાર્થની કિંમત, પેક કરેલ બીજ જયાં રાખવાના છે તે સંગ્રહ સ્થાનનું વાતાવરણ અને બીજ રક્ષણનું સ્તર વગેરે પર છે. ડાંગરના બીજને પેકિંગ કરવા એચડીપીઈ, નોનવૂવન ફેબ્રિકસ, પોલીપ્રોપલીન કે પોલીથીનના આવરણવાળી બેગ વપરાય છે. ડાંગર માટે કાપડ કે શણના સાદા કોથળા કરતાં અંદર પોલીથીન લાઈનિંગ સાથેના શણના કોથળા, લાકડાના ખોખાં, એલ્યુમિનિયમના પાત્ર, ગેલ્વેનાઈઝ પાત્ર, કાચની શીશીઓ વગેરે સારા માલૂમ પડેલ છે.

બીજ માટે સંગ્રહસ્થાનની શરૂરિયાતો :

  • સૂકુ અને ઠંડુ, જીવાતો અને ઉંદરોથી મુકત, જરૂર હોય ત્યારે ધૂમિકરણની સગવડવાળું હોવું જોઈએ.
  • સંગ્રહ સ્થાનમાં જમીનથી ૯ સે.મી. ઊંચુ તળિયું, ચારે કોર જમીનથી ૯૦ સે.મી. ઊંચાઈએ ૧૫ સે.મી. ની કિનાર, કાઢી શકાય તેવા પગથિયાં, બારણાની નીચેના ભાગમાં ૧૦ સે.મી. ગેલ્વેનાઈઝ પતરું, નિકાલજાળીથી બંધ પાઈપો, કાણાં તિરાડોબારી રહિત દિવાલ, જાળીવાળા વેન્ટિલેટર, યોગ્ય ચુસ્ત બારણા, સારા અવાહક કક્ષ અને પથ્થર કોન્ક્રીટવાળો પાયો હોવો જોઈએ. સંગ્રહ સ્થાનમાં જી.આઈ. કરતા આર.સી.સી. સ્લેબ અને એ.સી. રૂફ વધુ સારા માલૂમ પડેલ છે.
  • એકઝોસ્ટ પંખો વેન્ટિલેટરની સગવડતાવાળુ, સાપેક્ષ ભેજ <૬૫% અને બીજનું તાપમાન <૩૩° સે. હોય ત્યારે વેન્ટિલેટરનો ઉપયોગ કરી શકાય તેવું હોવું જોઈએ.
  • બીજની સાથે દવા અને ખાતરનો, સંગ્રહ કરવો ન જોઈએ.
  • જૂના કોથળા, કાપડની કોથળી, પાત્ર વાપરવાના હોય તો તેનું ધૂમિકરણ કરવું જોઈએ. કોથળા પણ બોળીને સુકવી શકાય.
  • કોથળાને તળિયા પર લાકડાના ડગેજ મુકી, ઊભા અને આડા એમ ઝીગઝાગ પદ્ધતિથી યોગ્ય હવાઉજાસ મળે તે રીતે મુકવા જોઈએ. આસપાસ હવાઉજાસ, નિરીક્ષણ અને ધૂમિકરણ અથવા જાડી પોલીથીન શીટ વગેરે માટે જગ્યા રાખવી જોઈએ.
  • ઉપરથી નીચે ભેજ ન જાય માટે ૬ થી ૮ કોથળાથી વધુની થપ્પી ન કરવી (ધાન્યપાકો <૩ મીટર ઊંચાઈ)
  • વારંવાર ધૂમિકરણથી બીજના જૂસ્સા અને ફુરણશક્તિને અવળી અસર પડે છે.
  • ત્રણ માસે ઓછામાં ઓછી એકવાર કોથળાની અદલબદલ કરવી જોઈએ.
  • કોલ્ડ સ્ટેરોજમાં તાપમાન નિયંત્રિત કરી શકાય છે. ૧૫° સે. થી નીચે જતાં સાપેક્ષ ભેજ ૬૦% થી વધે, માટે ફક્ત તાપમાન નિયંત્રણથી સંગ્રહ યોગ્ય સાપેક્ષ ભેજ ન મળે અને ડીહયુમિડિફાયર વાપરવું પડે અથવા સુકા બીજને ભેજચુસ્ત પાત્રમાં ડેસીસન્ટ સાથે પેક કરી મુકવા પડે, વળી ડીહયુમિડિફાયરના ઉપયોગથી સંગ્રહસ્થાનમાં ૬-૭° સે તાપમાન વધે છે.

ડાંગર બીજ ઉત્પાદનમાં કાપણી પછીની તાંત્રિકતાઓ ધ્યાને લેવી ખૂબ જરૂરી છે. વળી ડાંગરના પાક ઉત્પાદનમાં પણ કાપણી પછીની આ તાંત્રિકતાઓ ધ્યાને લઈ અમલ કરવામાં આવે તો, ડાંગરના પાક વધુ ગુણવત્તા સાથે, વધુ - જથ્થામાં મેળવી શકાય છે.

સ્ત્રોત : શ્રી જે. એસ. દોશી, શ્રી વી. બી. પટેલ, ડૉ. જે, એ, પટેલ, વિભાગીય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ ગોવિદ્યા , ડિસેમ્બર – ૨૦૧૪ વર્ષ : ૬૭ અંક : ૮ અળંગ અંક : ૮૦૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate