অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તેલીબિયા પાકોમાં મૂલ્યવર્ધન

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી રાષ્ટ્રની આવકમાં કૃષિ પેદાશોનો મોટો હિસ્સો છે. ઉતરોતર કૃષિ વિકાસને પરીણામે આજે ભારતમાં અનાજનું વાર્ષિક ઉત્પાદન લગભગ ર૭પ મેટ્રીક ટનને સ્પર્શી ગયેલ છે. આમ અનાજની બાબતમાં હવે આપણે સ્વનિર્ભર બની ગયા છીએ. પરતું જો ઉત્પાદન પછીનાં તબકકા ઉપર વિચારીએ તો આ દિશામાં અપુરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના ૧ર થી ૧પ ટકા જેટલું અનાજ વપરાશકાર સુધી પહોચતું  જ નથી. વળી, કૃષિ પેદાશો તેજ સ્વરુપમાં કે, પરંપરાગત પ્રક્રિયા કરી ઉત્પાદિત બજારોમાં રુપાંતરીત કરી બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી. આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજૂ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નાથી શકાયો નથી. અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં પાકની કાપણી પછી તેના પ્રોસેસીંગનું પ્રમાણ ૪ ટકા જેટલું જ છે. વળી, રાયડો, એરંડા, મગફળી જેવા તેલીબીયાના પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં આપણું સ્થાન ખુબ જ ઉંચુ હોવા છતાં વિશ્વની નિકાસ બજારમાં આપણો ફાળો એક ટકા કરતા પણ ઓછો છે. વળી, જયારે નવી આર્થિક નીતિને પરિણામે ખુલ્લી બજાર વ્યવસ્થામાં જો ટકવું હોય તો આપણી કૃષિ પેદાશોને યોગ્ય ગુણવતા વાળી બનાવટોમાં રૂપાંતરીત કરવી પડશે. તથા આ માટે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પ્રોસેસીંગ ધ્વારા મુલ્ય વર્ધક બનાવટોમાં આપણી કૃષિ પેદાશોને રુપાંતરીત કરવી પડશે. પ્રોસેસીંગ ધ્વારા ઉચ્ચ ગુણવતા વાળી પેદાશો મળે છે, આર્થિક વળતર વધુ મળે છે, પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ અટકાવી શકાય છે, પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે, પેદાશો વધુ પોષણક્ષમ સ્વાદીષ્ટ તથા આકર્ષક બને છે, મૂલ્ય વર્ધક યુનિટો ( કૃષિ ઉધોગો) ધ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે, આવી બનાવટો નીકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ શકાય છે,  ખેડુતોને ઉપજના વધારે ભાવો મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે. આમ પ્રોસેસીંગ ધ્વારા મૂલ્ય વૃધ્ધિથી ધણા ફાયદાઓ મેળવી શકાય છે.

સામાન્ય રીતે ખેત પેદાશોના ભૌતિક બંધારણમાં ફેરફાર કરી તેને વધારે કિંમત આપી શકે તેવી સ્થિતિમાં રૂપાંતરીત કરી શકાય છે. જેમ કે, સુકવણી, કલીનીંગ, ગ્રેડીંગ, કયોરીંગ,  છડવું, મસળવું, ભરડવું, ખાંડવું, દળવું, શેકવું, મીકસીંગ, ફોર્ટીફીકેશન,પેકેજીંગ, સંગ્રહ, પરિવહન, વહેંચણી વિગેરે. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રોસેસીંગ પણ કહે છે. ખેત પેદાશો પર પ્રક્રિયા કરી તેમાં પ્રીઝર્વેટીવ ઉમેરી કે થર્મલ પ્રોસેસીંગ ધ્વારા પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેથી સ્વાદીષ્ટ અને પોષણાત્મક બનાવટો મળે છે અને બગાડનુ પ્રમાણ પણ ઓછુ કરી શકાય છે. તેજ રીતે તેલીબીયા પાકો માંથી તેલની સાથે પ્રોટીન તેમજ અન્ય તત્વો છુટા પાડી તેમાંથી વધારાની આવક ઉભી કરી શકાય, મરીમસાલામાંથી ઉડયનશીલ તેલ તેમજ ધંઉ,મકાઈ,ડાંગરનું ભુસુ વગેરેમાંથી પણ તેલ અને બીજા રાસાયણીક તત્વોને છુટા પાડી તેની કિંમત મેળવી શકાય. આવી કૃષિ પેદાશોમાં રાસાયણીક ફેરફાર કરી તેને અન્ય મુલ્યવાન બનાવટોમાં રુપાંતરીત કરી શકાય છે.

તેલીબીયાના પાકોમાં પ્રોસેસીંગઃ

મગફળીઃ

ગુજરાત એના ર૬ લાખ મેટ્રીક ટનના ઉત્પાદન સાથે ભારતમાં મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. જે દેશનાં કુલ ઉત્પાદનમાં લગભગ ર૭%નો હિસ્સો ધરાવે છે. ગુજરાતમાંં મગફળીના પાકનો સરેરાશ ઉતારો (ઉત્પાદકતા) વિશ્વના ઉતારા (ઉત્પાદકતા) જેટલો છે. મગફળીનો ઉપયોગ એમાંથી ખાધ તેલ મેળવવામાં થાય છે. અને તેલ કાઢી લીધા પછીના ખોળનો ઉપયોગ, પશુ આહાર બનાવવામાટે થાય છે. હાથે ચૂંટીને પસંદ કરવામાં આવેલી મગફળીના (હેન્ડ પીકડ એન્ડ સીલકટેડ ગ્રાઉન્ડનટસ, એચ.પી.એસ.) કેટલાક જથ્થાની નિકાસ કરવામાં આવે છે. અને એનું ભારતમાં એક લોકપ્રિય વાનગીના રુપોમાં વેચાણ થાય છે.  મગફળીમાંથી સીંગદાણાનું માખણ(પીનટ બટર), ચરબી રહિત સીંગદાણા, સેકેલા સીંગદાણા અને ખારી સીંગ, ખાસ આવરણ વાળા કોટેડ સીંગ દાણા વગેરે જેવી વેલ્યુએડેડ બનાવટો બનાવવાની તકો રહેલી છે. રસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના વિના લેવામાં આવેલો મગફળીનો પાક નિકાસ બજારમાં દ્યણાં ઉંચા કિંમત મેળવી શકે છે. સેન્ટ્રીય ખાતરના ઉપયોગ ધ્વારા ઉત્પાદીત મગફળી નિકાસ બજારમાં ધણા ઉંચા દામ મેળવી શકે છે.

મગફળીના દાણામાં રહેલ પોષક તત્વોનું પ્રમાણ

  • પાણી

૭ થી ૮ ટકા

  • તેલ

૪પ થી પ૦ ટકા

  • પ્રોટીન

ર૦ થી રપ ટકા

  • કાર્બોહાઈડ્રેટ

૧૦ થી ૧૬ ટકા

  • ફાઈબર(રેસા)

પ ટકા

  • એશ (રાખ)

૩ ટકા

પીનટ બટર

મગફળીના આ પીનટ બટર (મગફળીનું માખણ) માં પૂરતી માત્રામાં ફેટ અને પ્રોટીન બંને હોવા ઉપરાંત અન્ય વિટામીન્સ જેવા કે થાયેમાઈન અને નીયાસીન પણ મળે છે, જે અન્ય માખણમાં ન હોવાથીં નાસ્તામાં બ્રેડ સાથે પીનટ બટર ખાવાની પ્રથા છે. પ્રોસેસ ફલો ચાર્ટ માં દર્શાવ્યા પ્રમાણે પીનટ બટર ઘરઆંગણે તૈયાર કરીે તેની વિકસિત દેશોમાં નિકાસ કરવાની વ્યાપક તકો રહેલ છે.

મગફળીના દાણા

રેતી / માઈક્રોવેવ ઓવન માં

(૧૩૦૦ સે., ૪પ મીનીટ સુધી) શેકવા

શેકેલ દાણાને પંખાની મદદથી ઝડપથી ઠંડા કરી દાણા ઉપરની ફોતરી કાઢવી

દાણાના ફાડા કરી ચાયણીમાં ચાળીને

મીંજ કાઢવા

વધુ શેકાયેલ અને બગડેલા દાણા દૂર કરવા

દાણાના ફાડાને ગ્રાઈન્ડરની ઝારમાં ૧ મિનિટ સુધી ધીમી ગતિથી દળવા

દાણાના ભૂકામાં જરૂરીયાત પ્રમાણે મીઠું અને ખાંડ નાખી ફરીથી ગ્રાઈન્ડરમાં ૩૦ મિનિટ સુધી ઝડપી ગતિથી દળવા

જારનું ઢાંકણુ ખોલીને પંખાની મદદથી

પીનટ બટરને ઝડપથી ઠંડુ કરવું

હવાની અવર–જવર રહિત કાચ / પ્લાસ્ટીકની બરણીમાં ભરવું

પીનટ બટર બનાવવાની પ્રક્રિયા

મગફળીમાંથી દૂધ- દહીં: દૂધની સરખામણીમાં આ મગફળીનું દૂધ બાળકો માટે ખૂબ જ પોષણદાયી હોવા ઉપરાંત તેમાં અન્ય જરૂરી વિટામીન્સ પણ ઉમેરી શકાય છે. મગફળીનું દૂધ તથા દહીં ઘરઆંગણે તૈયાર કરવા માટેની  પ્રક્રિયા  ચાર્ટમાં દર્શાવેલ છે.

 

મગફળીના દાણા

રેતી / માઈક્રોવેવ ઓવન માં

સહેજ શેકવા

શેકેલ દાણાને પંખાની મદદથી ઝડપથી ઠંડા કરી દાણા ઉપરની ફોતરી કાઢવી

દાણાના ફાડા કરી ચાયણીમાં ચાળીને

મીંજ કાઢવા

વધુ શેકાયેલ અને બગડેલા દાણા દૂર કરવા

 

દાણાના ફાડાને ગ્રાઈન્ડરની ઝારમાં ૧૦ મિનિટ સુધી ધીમી ગતિથી દળવા

તૈયાર થયેલ પેસ્ટમાં જરૂરીયાત પ્રમાણે (સાત ગણું) પાણી નાખી ગ્રાઈન્ડરમાં મિશ્ર કરવું

મિશ્રણને ગરણી/કપડાથી ગાળીને

દૂધ અલગ કરવું

(ગરણી ઉપરના મટીરીયલ્સ માંથી હલવો બનાવી શકાય)

દૂધમાં એલચીનો ભૂકો નાખીને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું

તૈયાર થયેલ દૂધ ઠંડુ થયે ઉપયોગમાં લઈ શકાય

દૂધમાં મેળવણ નાખી એક રાત રાખવાથી દહીં થશે

મગફળીમાંથી દૂધદહીં બનાવવાની પ્રક્રિયા

તલ :

દેશમાં ગુજરાત તલના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અને રાજયનું લગભગ ૧.૩૬ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન, દેશમાં તલનાં કુલ ઉત્પાદનો લગભગ ર૭% હિસ્સો ધરાવે છે. ખાધતેલ માટે થતા એના પરંપરાગત ઉપયોગ તથા એના ખોળનો પશુ આહાર માટે ઉપયોગ થાય છે. ઉપરાંત વિવિધ ખાધ ચીજો બનાવવામાં તથા ધણી ભારતીય વાનગીઓમાં પણ તલનો ઉપયોગ થાય છે. ફોતરાં વગરના સારી ગુણવતાના તલની ભારતમાં તથા વિદેશમાં માંગ વધતી જાય છે. ગુજરાતમાં તલના ફોતરા કાઢવા માટેના તલ છડવા (ડીહલીંગ) માટેના અધતન એકમો સ્થાપવા માટેની તકો રહેલી છે.

એરંડા :

ગુજરાત એરંડાનું એક મુખ્ય ઉત્પાદક છે અને વાર્ષિક આશરે ૬ લાખ મેટ્રીક ટનના ઉત્પાદન સાથે એ સમગ્ર વિશ્વના ઉત્પાદનમાં પપ થી ૬૦% હિસ્સો ધરાવે છે. એરંડાની ઉત્પાદકતામાં રાજય સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. એરંડાના પાકની મૃલ્યવૃધ્ધિ (વેલ્ય ુએડીશન) હાલમાં દિવેલ બનાવીને તેમજ પહેલા અને બીજા ''જનરેશન'' ના ડેરીવેટીઝ બનાવીને થાય છે. આ ક્ષેત્રે મુડી રોકાણની ઉજળી શકયતા દિવેલ માંથી હાયર ''જનરેશન'' ના  ડેરીવેટીઝનું ઉત્પાદન કરવાના ક્ષેત્રે રહેલ છે.

કપાસ :

લગભગ ચાર હજાર વર્ષ પહેલા શોધાયેલ   સફેદ સોનું ગણાતો કપાસ પાક એક અગત્યનો રોકડીયો પાક  છે. કપાસ પાક દેશની આર્થિક તેમજ સામાજીક વ્યવસ્થામાં અગત્યનો ભાગ ભજવે છે. કપાસ ઉત્પન્ન કરનારા ૬૦ ઉપરાંત દેશો છે. જેમાં ચીન, ભારત, અને અમેરીકા વગેરે દેશોનો મોટો ફાળો રહેલો છે. કપાસનાં કુલ ઉત્પાદનમાં દુનિયામાં ચીન પછી ભારત બીજા નંબરે આવે છે. કપાસ પકવતા રાજયોમાં મુખ્યત્વે ગુજરાત , મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ મુખ્ય છે. આપણા દેશમાં કપાસની ઉત્પાદકતા લગભગ પર૧ કિગ્રા / હેકટર જેટલી છે. અંદાજે ૯૧.પ૮ લાખ હેકટર જેટલા વિસ્તારમાં આ પાક ઉગાડવામાં આવે છે. વર્ષ  ર૦૦૬૦૭ નાં એક અંદાજ મુજબ કપાસનું ઉત્પાદન ર૮૦ લાખ બેલ નું આપણાં દેશમાં થયેલ છે. સમગ્ર માનવજાતને ૪૦ % ઉપરાંત સેલ્યુલોઝ યુકત કુદરતી રેસા (ફાઈબર / રૂ) તેનાં વિવિધ ઉપયોગ માટે એક માત્ર કપાસ પાક થકી પુરા પડે છે. ટેકસટાઈલ ઉદ્યોગમાં આ રેસા મહત્વની કાચી સામગ્રી છે. કપાસનાં બીજ માં લગભગ ૧પ થી ર૦ % જેટલું તેલ હોય છે. તેમાંથી સારી ગુણવત્તા વાળું ખાદ્યતેલ નિકળે છે. તેલ કાઢી લીધા પછીના ખોળનો ઉપયોગ, પશુ આહાર બનાવવામાટે થાય છે. એજ રીતે અન્ય ખાધ્ય તેલીબીયામાંથી પણ પ્રોટીન, વેજીટેબલ ધી તેમજ અન્ય બનાવટો બનાવવામાં આવે છે. આમ, ઉપરોકત પાકોનું પ્રોસેસીંગ કરી જુદા જુદા વેલ્યુએડેડ પ્રોડકટમાં રુપાતરીત કરી ધર આંગણે વેચાણની તેમજ વિદેશમાં નિકાસ કરવાની ખુબ જ શકયતાઓ રહેલી છે.

સોયાબીન

કઠોળ વર્ગમાં જોઈએ તો જુદાજુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે કઠોળ કરતાં લગભગ બમણી છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાંથી જે પ્રોટીન મળે છે, તે ૧ લીટર દૂધ અથવા ૩૦૦ ગ્રામ ઈંડા અથવા રપ૦ ગ્રામ માંસ માંથી મળતી પ્રોટીનની માત્રા બરાબર છે. તુલનાત્મક દ્રષ્ટીએ જોઈએ તો સોયાબીન માંથી મળતું વનસ્પતિજન્ય પ્રોટીન અન્ય સ્ત્રોતો માથી મળતા પ્રોટીન કરતાં ખુબજ સસ્તુ અને સહેલાઈથી મળતું પ્રોટીન છે. આજનાં બજાર ભાવ પ્રમાણે જોઈએ તો સોયાબીન માંથી ૧ કિલોગ્રામ પ્રોટીન મેળવવા માટે રૂા. ૧૦૦ નો ખર્ચ કરવો પડે છે. જયારે આટલું જ પ્રોટીન મગફળીનાં દાણા ધ્વારા મેળવવા રૂા. રર૦, કઠોળ ધ્વારા  રૂા. ર૪૦, ઈંડા ધ્વારા રૂા. ૩૦૦, દૂધ ધ્વારા રૂા. પ૭પ, માછલી ધ્વારા રૂા. ૭પ૦ અને માંસ ધ્વારા રૂા. ૭૭૦ નો ખર્ચ કરવો પડે છે. આ ઉપરાંત વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ  સોયાબીનનનું પ્રોટીન ઉતમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણકે તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) ધ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે છે. સોયાબીનમાં ૪૦ ટકા  પ્રોટીન ઉપરાંત ર૦ ટકા તેલ,ર૩ ટકા કાર્બોહાઈડ્રેટ તેમજ આવશ્યક ખનિજ,રેસા, ક્ષાર અને વિટામીન રહેલા છે. સોયાબીનમાંથી સારા એવા પ્રમાણમાં સારી ગુણવત્તા વાળું તેલ પ્રાપ્ત થાય છે. વિશ્વની લગભગ ૩૦ ટકા ખાદ્યતેલની આપૂર્તિ સોયાબીનનાં તેલ થકી થાય છે. આપણાં દેશમાં કુલ ખાદ્યતેલની તુલનામાં સોયાબીન તેલનો હિસ્સો અંદાજે ૧ર ટકા જેટલો છે.સોયાબીનાં કુલ ઉત્પાદનમાથી આપણાં દેશમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ૧૦ ટકા બિયારણ માટે, ૭પ થી ૮૦ ટકા તેલ કાઢવા માટે તથા બાકી રહેતો ૧૦ થી ૧પ ટકા હિસ્સો વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવા માટે થાય છે.

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાનટ, સાયાદૂધ, સોયાપનીર(ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાપૌંઆ તથા બેકરી આઈટમ વગેરે.  સોયાબીનની ઉપર મુજબ અનેક ગુણવત્તાપૂર્ણ વાનગીઓ બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછો છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે–સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધી તત્વ શરીરને નુકશાન કરે છે. આથીજ સોયાબીનને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં રહેલા પોષક વિરોધી તત્વને દૂર કરવા આવશ્યક જ નહી પરંતુ ખૂબ જ જરૂરી છે.  આ હાનીકારક તત્વને દૂર કરવા સોયાબીનનું પ્રોસેસીંગ કરવું ખૂબ જ  જરૂરી છે. પ્રોસેસીંગ બાદ જ સોયાબીનનો આહારમાં  વપરાશ કરી શકાય છે.

ઉતમ પ્રોટીનનાં સ્ત્રોત સમાન સોયાબીનનો દેનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે તે હેતુ અહીં માત્ર સંપૂર્ણ સોયાલોટ બનાવવાની સહેલી ઘરગથ્થું સોયાબીન પ્રોસેસીંગ રીત વિશે  માહિતી આપવામાં આવેલી છે.

રીતઃ

બજારમાં મળતાં સારી જાતનાં  સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુધ્ધિ દુર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સુકવણી કરી, પારંપરિક ઘંટી અથવા ઘરઘંટી ધ્વારા ઉપરનાં ફોતરા અલગ કરી તેની દાળ તૈયાર કરવી. આ રીતે તૈયાર થયેલ દાળને ૩ લીટર ઉકળતા પાણીમાં ૧ કિલો ગ્રામનાં પ્રમાણમાં નાખી રપ થી ૩૦ મીનીટ સુધી ઉકાળવી. ઉકાળેલ સોયાદાળને નિતારી સૂર્યના તાપમાં અથવા ડ્રાયરમાં ૬ થી ૮ ટકા ભેજ રહે ત્યા સુધી સુકવી લેવી. આ સુકવેલી પ્રસંસ્કરીત દાળને દળી લઈ પોલીથીન બેગમાં ભરી સીલ કરવુ.

 

ખાદ્ય ઉપયોગ :–

ઉપર મુજબ સોયાબીનનું પ્રસંસ્કરણ કરી સંપૂર્ણ સોયા લોટ તૈયાર કરવામાં આવે છે.આ સંપૂર્ણ સોયા લોટનો દૈનિક આહારમાં ઉપયોગ કરી જરૂરી પ્રોટીનની માત્રા મેળવી શકાય છે. આ રીતે તૈયાર થયેલ સંપૂર્ણ સોયા લોટને ૧૦ ટકાના પ્રમાણમાં અનાજના (ઘઉં, બાજરો, મકાઈ, જુવાર, વિગેરેના ) લોટ સાથે ભેળવી  (એટલે કે,૧કિલોગ્રામ સંપૂર્ણ સોયા લોટ તથા ૯ કિલો અનાજનો લોટ ભેળવી) તેમાંથી રોટલી,ભાખરી, પરોઠા,પુરી તથા બેકરી વ્યંજન તૈયાર કરી રોજીંદા ખોરાકમાં સમાવેશ કરી શકાય છે. વિકલ્પની દ્રષ્ટિએ સંપૂર્ણ સોયા લોટને બેસન સાથે ૧ઃ૧ના પ્રમાણમાં ભેળવી સેવ,ભજીયા,ચકરી,વગેરે બનાવી શકાય છે. ઉપર મુજબ તૈયાર થયેલ સંપૂર્ણ સોયાલોટ પોલીથીન બેગમાં યોગ્ય રીતે પેક થયેલ હોય તો ર મહીના સુધી સંગ્રહી શકાય છે. પેકેટને એકવાર ખોલ્યા બાદ ૧પ દિવસમાં તેમનો ઉપયોગ કરવો હિતાવહ છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate