ડાંગરના પાકમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્વનાં પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી ન હોય તો ભાવ ઓછા મળવાના કારણે આર્થિક ફાયદો ઓછો થાય છે. વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા માટે કાપણી અને તે પછીની ક્રિયાઓ ખૂબ જ મહત્વની છે. ડાંગરની કાપણી જયારે વહેલી કરવામાં આવે છે ત્યારે કંટીમાં દાણો ભરાતો નથી જેથી ઉત્પાદન ઓછું મળે છે અને ફોતરી દૂર કરવી મુશ્કેલ બને છે. જયારે ડાંગરની મોડી કાપણી કરવામાં આવે ત્યારે દાણામાં ભેજ ઓછો થઈ જાય છે અને કંટી પરિપકવ બની જતાં દાણા જમીન પર ખરી પડે છે તેમજ પક્ષીઓ, ઉંદર વગેરે પાકને નુકસાન પહોંચાડે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. મોડી કાપવામાં આવેલ ડાંગરમાં દાણામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પીલાણના સમયે દાણા ભાંગવાનું પ્રમાણ વધી જાય છે અને આખા ચોખાનો ઉતારો ઓછો મળે છે. આમ ડાંગરના પાકમાં વધારે ઉત્પાદન મળે તથા આખા ચોખા, કણકી વગેરે શુધ્ધ સ્વરૂપમાં મેળવવા જરૂરી પ્રસંસ્કરણ કાર્યો સારી રીતે થાય અને બજાર કિંમત વધુ મળે તે માટે ચોકકસ સમયે કાપણી કરવી ખૂબ જ જરૂરી બને છે.
ડાંગરના પાકની ગુણવત્તા તેનો દાણાનો દેખાવ, સુગંધ અને બાહય કચરા ઉપર આધારિત હોવાથી યોગ્ય સમયે કાપણી અને તે પછીની પ્રક્રિયાઓનો ખૂબ જ મહત્વનો ફાળો છે. પાક તૈયાર થાય ત્યારે કાપણીનો સમય પાકની પરિપકવતા ધ્યાનમાં રાખી નકકી કરવો જોઈએ. દાણાની પરિપકવતા આધારિત કાપણીની ત્રણ અવસ્થાઓ છે. આ ત્રણેય અવસ્થાઓની પરખ મુખ્યત્વે ડાંગરનો પાકવાનો સમય દાણાનો રંગ અને દેખાવ ઉપરથી કરી શકાય છે.
આ અવસ્થાએ દાણો ઘેરા લીલા રંગનો અને અપરિપકવ હોવાથી તેને દબાવતાં તેમાંથી રસ નીકળે છે અને બે નખ વચ્ચે દબાવતાં સહેલાઈથી કપાઈ જાય છે. આ અવસ્થાએ કાપણી કરવાથી ઉત્પાદન ઓછુ મળે છે સાથે સાથે દાણા હલકી ગુણવત્તાવાળા હોવાથી આર્થિક રીતે નુકશાન જાય છે. અખતરાઓના પરીણામો દર્શાવે છે કે ડાંગરની વહેલી કાપણી કરવામાં આવે ત્યારે દેહધાર્મિક રીતે ડાંગર પરીપકવ ન હોઈ દાણા ભરાતા નથી જેથી ઉત્પાદન ઓછું થાય છે અને પીલાણ વખતે ફોતરી દૂર કરવી મુશ્કેલ બને છે.
દેહધાર્મિક પરિપકવ અવસ્થાએ ચોખાના દાણાનો રંગ લીલાશ પડતો રાખોડી હોય છે. જે પરિપકવ નસોવાળા અને કઠણ જેને દબાવતાં તેમાંથી મીણ જેવો રસ નીકળે છે. આ અવસ્થાએ દાણાનો સંપૂર્ણ વિકાસ થયેલ હોઈ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા તથા યોગ્ય રંગ સાથે મનપસંદ સુગંધવાળા દાણા હોવાથી મહત્તમ આર્થિક ફાયદો મળે છે.
ઉત્પાદન અને પીલાણની ગુણવત્તાપર થતી અસરનો ત્રણ વર્ષના સંશોધનનેા અભ્યાસ : ડાંગરના પાકમાં યોગ્ય કાપણી સમય શોધી કાઢવા ઓરાણ ડાંગર (સાઠી ૩૪–૩૬ અને જી.આર.–પ) માં કાપણી સમયની તેના ઉત્પાદન અને પીલાણની ગુણવત્તા પર અસર એ અખતરો કૃષિ સંશોધન કેન્દ્ર, ગુ.કૃ.યુ., ડેરોલ ખાતે હાથ ધરવામાં આવેલ. ત્રણ વર્ષના સંશોધનના અભ્યાસ પરથી ફલિત થયું કે ઓરાણ ડાંગરમાં કાપણી સમય તેના ઉત્પાદન અને પીલાણની પ્રક્રિયા પર અગત્યનો ભાગ ભજવે છે.
ઓરાણ ડાંગરની પ૦% કંટી નીકળ્યા બાદ ડાંગરની ૩પ દિવસે કાપણી કરવામાં આવેલ ત્યારે ર૮ દિવસે અને ૪ર દિવસે કરેલ કાપણીની સરખામણીએ કાપણી કરતાં ડાંગરના,ચોખાના ઉતારામાં ઉત્પાદનનો વધારો અને કણકીમાં ઘટાડોનેા અભ્યાસ |
|||||||
ડાંગરના પ૦ % કંટી નીકળ્યા બાદ દિવસોએ કાપણી કરતાં |
સાઠી ૩૪–૩૬ |
|
જી.આર.–પ |
||||
ડાંગરની ૩પ દિવસે કાપણી કરવામાં આવેલ ત્યારે ર૮ દિવસે અને ૪ર દિવસે કરેલ કાપણીની સરખામણીએ કાપણી કરતાં ડાંગરના,ચોખાના ઉતારામાં ઉત્પાદનનો વધારો અને કણકીમાં ઘટાડો |
|||||||
ડાંગરના ઉત્પાદનમાં વધારેા |
ચોખાના ઉતારામાં વધારો |
કણકીમાં ઘટાડો |
|
ડાંગરના ઉત્પાદનમાં વધારેા |
ચોખાના ઉતારામાં વધારો |
કણકીમાં ઘટાડો |
|
ર૮ દિવસે કાપણી |
૬.૮ % |
૩.ર% |
૧૦.૯ % |
|
૪ર.૩% |
ર૪.પ % |
૩૩.૧ % |
૪ર દિવસે કાપણી |
૧૬.૬ % |
ર.પ % |
ર.૮ % |
|
૪પ.૧ % |
૮.૩ % |
ર૦.૪ % |
કૃષિ સંશોધન કેન્દ્ર,ગુ.કૃ.યુ.,ડેરોલ ખાતે ત્રણ વર્ષના સંશોધનનેા અભ્યાસ |
ઓરાણ ડાંગરની પ૦% કંટી નીકળ્યા બાદ ડાંગરની ૩પ દિવસે કાપણી કરવાથી દાણાનું ઉત્પાદન વધુ મળે છે અને ૧૪% દાણામાં ભેજ હોવાથી પીલાણ કરવાથી આખા ચોખાનો ઉતારો વધારે મળે છે. ડાંગરમાં પીલાણની ગુણવત્તા દાણામાં રહેલ ભેજના ટકા, કુલ ચોખાનો ઉતારો, આખા ચોખાનો ઉતારો કણકીના પ્રમાણ પરથી નકકી કરવામાં આવે છે. ઓરાણ ડાંગર (સાઠી ૩૪–૩૬ અને જી.આર.–પ)ના કાપણી સમયની પીલાણની ગુણવત્તા પર થયેલ અસરનો અભ્યાસ કરવા માટે ડાંગરનો ચોકકસ નમૂનો લઈ લેબોરેટરીમાં રબરરોલ શેલર ડાંગર પરથી ફોતરી અલગ કરવી, બેટસ ટાઈપ એસ્પીરેટર (ફોતરી ઉડાડવી) અને મેકગીલ ટાઈપ પોલિશર (કુશ્કી મેળવવા), વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવેલ. ડાંગરની પીલાણની પ્રક્રિયામાં દાણામાં રહેલ ભેજ અગત્યનો ભાગ ભજવે છે. જો ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે પીલાણ બરાબર થઈ શકતું નથી અને તરીયાનું પ્રમાણ વધે છે. જયારે ભેજ ઓછો હોય ત્યારે દાણા ભાંગવાનું પ્રમાણ વધતા આખા ચોખાનો ઉતારો ઘટે છે. અખતરાઓ પરથી સિધ્ધ થયેલ કે પીલાણ સમયે દાણામાં ૧૪%ની આજુબાજુ ભેજ હોવો જોઈએ જેથી સારૂ પ્રસંકરણ કરી શકાય.
દાણા સંપૂર્ણ પરિપકવ થયા બાદ છોડપર રહેવા દેવાથી દાણાનો રંગ ફિકકો તથા દાણો કઠણ અને રેસાયુકત થવાથી પાકની ગુણવત્તા ઉપર અવળી અસર થાય છે. પાક પરિપકવ થયા પછી વધુ સમય ઉભો રહે તો કાપણી વખતે દાણા ખરી પડે છે. તથા પક્ષી ,ઉંદર વગેરે નુકશાન કરતાં ઉપજ ઘટે છે. તેમજ વધારે સમય તડકામાં રહેવાથી. દાણામાં તીરાડો પડે છે અને ભેજ ઓછો થાય છે પીલાણ સમયે દાણાને તુટવાનુ પ્રમાણ વધે છે અને ઉતારો ઓછો આવે છે. આમ મોડી કાપણીથી ગુણવત્તા અને ઉત્પાદન બંને દ્રષ્ટિએ નુકશાન થાય છે.
કોઈપણ પાકની કાપણી કરવા માટે દેહધાર્મિક પરિપકવતાની અવસ્થા ઉત્તમ છે. આમ કાપણી સમય ડાંગરના ઉત્પાદન અને પીલાણની પ્રક્રિયામાં અસર કરનાર પરીબળ હોવાથી ડાંગરની કાપણી દેહધાર્મિક પરીપકવતાએ કરવી જેથી ડાંગરના ઉત્પાદનમાં વધારો થાય છે. તેમજ પીલાણ બાદ આખા ચોખાની બજારમાં સારી કિંમત ઉપજ છે. જી.આર.–પ ઓરાણ ડાંગરમાં પ૦% કંટી નીકળ્યા બાદ ૩પ દિવસે કાપણી કરતાં પ૦% કંટી નીકળ્યા બાદ ર૮ દિવસે અને ૪ર દિવસે કાપણી કરવાથી મળતાં ઉત્પાદન કરતાં ૪ર.૩% અને ૪પ.૧ વધારે ઉત્પાદન મળે છે.
યોગ્ય અવસ્થાએ કાપણી બાદ નીચેની બાબતોનો અમલ કરવો.
ડાંગરનું ઉત્પાદન વધારવાના પ્રયત્નોની સાથે ડાંગરની કાપણી અને કાપણી પછીની પ્રકિયાઓ જેવી કે સુકવણી, ઝુડણી,સાફસૂફી, વર્ગીકરણ, પેકિંગ અને સંગ્રહ માલવહન અને સંગ્રહ દરમ્યાન થતા વ્યયને લધુતમ બનાવવો પણ અત્યંત આવશ્યક છે. એક અંદાજ પ્રમાણે લગભગ ૧૦ % ડાંગરનો વ્યય ઉપરોકત પ્રકિયાઓ દરમ્યાન થાય છે. ચોખા ઉત્પાદનમાં, યાંત્રિક સુકવણી દ્વારા ર%, બાફીને યાંત્રિક સુકવણી દ્રારા ૧–ર% અને સુધારેલ પીલાણ યંત્રો દ્વારા ર–૩% વધારો મેળવી શકાય છે.
ડાંગરના પાકની કાપણી બાદ દાણામાં વધુ પડતો ભેજ ન રહે તેમજ દાણાનો મૂળ રંગ જળવાઈ રહે તે ગુણવત્તા માટે ખૂબ જ આવશ્યક છે. ભારતમાં મોટા ભાગે સુકવણી સૂર્યતાપથી કરવામાં આવે છે. આના કારણે ઘણી વખત દાણામાં વધુ ભેજના લીધે ફૂગ લાગવાથી માલ શ્યામ પડે છે અને જલદી સડી જાય છે. જો વધુ પડતી સુકવણી થાય તો રંગ ઉડી જવાથી માલ ફિકકો પડે છે. દાણા વધુ બરડ થઈ જવાથી ભાંગી જાય છે. તથા સુગંધિત/બિન સુગંધિત તેલ તથા પ્રજીવકો નાશ પામે છે. આ બધી મુશ્કેલીઓ નિવારવા હંમેશાં ડાંગરની સુકવણી હવાની અવરજવર રહે તે રીંતે કરવી યોગ્ય છે. સુકવણી વખતે દિવસમાં એકવાર ઉપર નીચે ઉથલાવવું. જેથી જલ્દીથી સુકાઈ જાય તથા બધા જ માલમાં એક સરખો રંગ જળવાઈ રહે છે.
આ એક પરંપરાગત સૂર્યપ્રકાશ પર આધારિત પ્રકિયા છે. જેની ખાસિયતો નીચે મુજબ છે.
બાફેલ ડાંગરના પીલાણ માટે પણ ભારતમાં મુખ્યત્વે સૂર્યપ્રકાશથી સુકવણી કરવામાં આવે છે. રોડના, સિમેન્ટથી અસ્તર કરેલા ખળા પર બાફેલ ડાંગરને ૧ થી ૩ સે.મી. ના સ્તરમાં વારંવાર ઉપર–નીચે કરવામાં આવે છે. વચ્ચે–વચ્ચે ડાંગરનો ઢગલો કરી ર થી ૩ કલાક ભેજ એકસમાન રહે તે માટે રહેવા દેવામાં આવે છે. આ રીતે બાફેલ ડાંગરને ૩પ% થી ૧૩% ભેજ પર લાવવામાં આવે છે.
સામાન્ય રીતે ડાંગરના લાંબા ગાળાના સંગ્રહ માટે ૧ર% અને ટૂંકા ગાળાના સંગ્રહ માટે ૧૪% ભેજ જરૂરી છે. જયારે ડાંગર કાપવામાં આવે ત્યારે ૧૬% કે તેથી વધારે ભેજનુ પ્રમાણ હોય છે. સૂર્યપ્રકાશમાં ખુલ્લામાં દિવસે સુકવણી કરવામાં આવે ત્યારે રાત્રે ડાંગર ભેજ શોષતી હોઈ, સુકાવા–ભીજાવાનું ચક્ર વારંવાર ચાલે છે. જેથી ડાંગરનાં દાણામાં તિરાડ ૮કગ્દ્યઢહચ્બ્'ૠ૯ ઉત્પન્ન થાય છે, જેથી પીલાણ દરમ્યાન ભાંગવાનું પ્રમાણ વધુ રહે છે અને આખા ચોખા ઉતારો ઓછો મળે છે. સંશોધન દ્વારા પ્રમાણિત થયેલ છે કે ડાંગરની સુકવણી એકસમાન, ધીમા દરે કરવી જોઈએ જેથી ધીરે ધીરે ભેજ ઘટે.
વધારે ભેજવાળી ડાંગરમાં જલદીથી બગાડ થાય છે. આથી તેમાં એક કરતા વધુ તબકકામાં સુકવણી કરવી જોઈએ. વધુ ભેજ ધરાવતી ડાંગરના સંગ્રહ દરમ્યાન, ચોખાનું ચાંચવું જેવા સ્ટોરગ્રેઈન જીંવાતનું પ્રમાણ વધે છે અને દાણાની ગુણવત્તા તેમજ ઉગાવો ઘટાડે છે અને સંગ્રહના ૬ મહિના પછી ડાંગરનો ભેજના ર% ઘટે છે. માટે સંગ્રહ માટે રૂમમાં ૭૮% સાપેક્ષ ભેજ અને દાણામાં ૧૪ થી ૧૪.પ% હોવો જોઈએ. ડાંગર સંગ્રહ માટે યોગ્ય બને તે પહેલાં ૧–૩ અઠવાડિયા વહેલાં પરિપકવ બનતી હોય છે. આથી જો ડાંગરની કાપણીની દેહધાર્મિક પરિપકવતા અવસ્થાએ કરવામાં આવે તો હવામાનના કારણે થતું નુકસાન અટકાવી શકાય છે તેમજ ખેતરમાં થતાં અન્ય વ્યય પણ ઘટાડી શકાય છે.સામાન્ય રીતે ર૧ % થી ર૩ % ભેજ ધરાવતી ડાંગરને કાપવા ભલામણ છે. જેથી ઉત્પાદનમાં ૧૦ % થી ૧પ % વધારો મેળવી શકાય છે.
સ્ત્રોત: ર્ડા.ડી.બી.પ્રજાપતિ,પ્રો.ડી.જે.કાચા,ર્ડા.એસ.જી.પટેલ અને ર્ડા.એમ.બી.પરમાર, મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦તા. જી.ખેડા, ફોન નં. ૦ર૬૯૪ ર૮૪ર૭૮
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020