অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેત પેદાશોનું પ્રોસેસીંગ દ્રારા મૂલ્યવૃધ્ધી અને તેનું મહત્વ

ખેત પેદાશોનું પ્રોસેસીંગ દ્રારા મૂલ્યવૃધ્ધી અને તેનું મહત્વ

પરિચય

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી રાષ્ટ્રની આવકમાં કૃષિ પેદાશોનો મોટો હિસ્સો છે. ઉતરોતર કૃષિ વિકાસને પરીણામે આજે ભારતમાં અનાજનું વાર્ષિક ઉત્પાદન લગભગ ૨૫૭ મિલીયન ટનને (૨૦૧૪-૧૫) પહોંચી ગયેલ છે. જો કૃષિ  સંલગ્ર અન્ય પેદાશોને પણ ધ્યાનમાં લઈએ તો, આ આંકડો ૪૦૦ મિલીયન ટન જેટલો થાય. આમ અનાજની બાબતમાં હવે આપણે સ્વનિર્ભર બની ગયા છીએ. પરતું જો ઉત્પાદન પછીનાં તબકકા ઉપર વિચારીએતો આ દિશામાં અપુરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રકિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના ૧ર થી ૧પ ટન જેટલું અનાજ તથા ૩પ થી ૪૦ ટકા જેટલા ફળ, શાકભાજી વપરાશકાર સુધી પંહોચતાજ નથી. વળી, કૃષિ પેદાશોને તેજ સ્વરુપમાંકે પરંપરાગત પ્રકિયા કરી ઉત્પાદીત બજારોમાં રુપાંતરીત કરી બજારમાં વહેંચવાથી તેનું પોષણશમ વળતર મળતું નથી. આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજૂ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રકિયા ન કરવાને કારણે બગાડ રોકી શકાયો નથી અને ખેડુતોને પોષણક્ષમ ભાવો મળતા નથી.
અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં પાકની કાપણી પછી તેના પ્રોસેસીંગનું પ્રમાણ બે ટકા જેટલુ જ છે. વળી, ફળ, શાકભાજી, મસાલા અને ઔષ્ધીય પાકો તથા તેલીબીયાના પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં આપણું સ્થાન ખુબ જ ઉંચુ હોવા છતાં વિશ્વની નીકાસ બજારમાં આપણો ફાળો એક ટકા કરતા પણ ઓછો છે. વળી, જયારે નવી આર્થિક નીતીને પરિણામે ખુલ્લી બજાર વ્યવસ્થામાં ટકવું જ હોય તો આપણી કૃષિ પેદાશોને યોગ્ય ગુણવતા વાળી બનાવટોમાં તબદીલ કરવી પડશે તથા આ માટે આપણે વૈજ્ઞાનિક અભીગમ અપનાવી પ્રોસેસીંગ દ્વારા મુલ્ય વર્ધક બનાવટોમાં આપણી કૃષિ પેદાશોને રૂપાંતરીત કરવી પડશે.

મૂલ્ય વૃધ્ધીના ફાયદાઓ :

 • ઉચ્ચ ગુણવતા વાળી પેદાશો મળે છે.
 • આર્થિક વળતર વધુ મળે છે.
 • પોસ્ટ હારવેસ્ટ લોસીસ અટકાવી શકાય છે.
 • પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે.
 • પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદીષ્ટ તથા આકર્ષક બને છે.
 • મૂલ્ય વર્ધક યુનિટો (કૃષિ ઉધ્યોગો) દ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે.
 • આવી બનાવટો નીકાસ કરી વિદેશી હુંડીયામણ પણ કમાઈ શકાય છે.
 • ખેડુતોને તેઓની ઉપજના વધારે ભાવો મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે.

આમ મૂલ્ય વૃધ્ધીથી ધણા ફાયદાઓ મેળવી શકાય છે. કૃષિ પેદાશો આધારીત મૂલ્ય વૃધ્ધી સામાન્ય રીતે ભૌતિક તથા રસાયણીક સ્તરે કરવામાં આવે છે.

ભૌતિક સ્તરે મૂલ્ય વૃધ્ધી :

સામાન્ય રીતે ખેત પેદાશોના ભૌતિક બંધારણમાં ફેરફાર કરી તેને વધારે કિંમત આપી શકે તેવી સ્થીતીમાં તબદીલ કરી શકાય છે. જેમ કે, સુકવણી, કલીનીંગ, ગ્રેડીંગ, કયોરીંગ, છડવું, મસળવું, ભરડવું, ખાંડવું, દળવું, શેકવું, મીકસીંગ, ફોર્ટિફિકેશન,પેકેજીંગ, સંગ્રહ, પરિવહન, વહેંચણી વિગેરે પ્રકિયાઓને પ્રાથમિક પ્રોસેસીંગ પણ કહે છે.

સુકવણી :

પાકની તૈયારીમાં સુકવણી એક અગત્યની પ્રકિયા છે. પાકની યોગ્ય સુકવણી તેને ઉગતી તેમજ તેના ઉપર થતા ફુગ અને બેકટેરીયાના વિકાસને અટકાવે છે. તેમજ દાણા પરના જીવજંતુના આક્રમણને ધટાડે છે. પાકની કાપણી સમયે જો ભેજનું પ્રમાણ વધુ હોય અને જો યોગ્ય સુકવણી ન થાય તો ફુગ તેમજ જીવજંતુથી પાક બગડે છે. જો ભેજનું પ્રમાણ ઓછું હોય તો ઉભા પાકમાંથી દાણા ખરી પડે છે અને ઉત્પાદનમાં નુકશાન થાય છે. આજ રીતે મસળવાની પ્રકિયા સમયે વધુ ભેજ યોગ્ય પ્રકિયા થવા દેતો નથી. તેમજ ઓછો ભેજ તિરાડ પાડવાની શકયતા ઉભી કરે છે. જેને પરીણામે દાણા તુટી જાય છે. ધાન્ય પાકોની સુકવણી  ખુલ્લા તડકામાં ગરમ હવા દ્વારા કે કુદરતી હવા દ્વારા કરી શકાય છે.

તડકામાં પાકની સુકવણી

મોટાભાગના ખેડૂતો ધાન્યપાકોની સુકવણી તડકામાં ખુલ્લા ખેતરોમાં પાથરીને કરતા હોય છે. આમ પાકને સુકવવા માટે મોટી જગ્યાની જરૂર પડે છે અને મજુરીનો ખર્ચ વધુ ઉંચો આવે છે. આ ઉપરાંત ખુલ્લામાં સુકવવાથી પાકની સુકવણીનાં દર પર નિયંત્રણ ન રહેવાથી દાણાઓમાં તિરાડ પડે છે. તેમજ વરસાદ આવે તો પાક બગડવાનો સંભવ રહે છે. ધૂળ કે કચરો પડવાથી પાકની ગુણવતામાં પણ ધટાડો થાય છે. પાકને પશુ-પક્ષીઓથી નુકશાન પણ થાય છે. આ પધ્ધતિમાં લગભગ પ થી ૧ર ટકા સુધી નુકશાન વેઠવું પડે છે.

ગરમ હવા દ્રારા સુકવણી

આ પ્રકારની સુકવણીમાં હવાને ગરમ કરવામાં આવે છે. ગરમ હવા ધાન્યપાકોના સંપર્કમાં લાવવામાં આવે છે. જેથી પાકનો ભેજ ઉડી જાય છે. આ ગરમ હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર દ્વારા વધુ દબાણે સુકવણી કરવાના પાકના થરમાં દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે હવાને ગરમ કરવા માટે ખનીજતેલ, ખેત ઉપપેદાશો અથવા સૂર્યઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ હવાના ઉષ્ણતામાનનો આધાર પેદાશોના પ્રકાર તથા તેના છેવટના ઉપયોગ પર આધાર રાખે છે.

કુદરતી હવા દ્રારા સુકવણી

આ પધ્ધતીમાં સુકવણીનો દર ઓછો હોય છે. આ પધ્ધતીમાં  કુદરતી હવા (રપ થી ૪૦ સે.) તાપમાને સંગ્રહીત ધાન્યપાકોમાંથી પસાર કરી સુકવણી કરવામાં આવે છે. હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર દ્વારા વધુ દબાણે દાખલ કરવામાં આવે છે. આ પધ્ધતીનાં ફાયદાઓમાં સુકવણી દરમ્યાન બગાડ થવાની શકયતા ઓછી હોય, ધાન્યપાકોની ઉચ્ચ ગુણવતાની જાળવણી, સાધનોની ઓછી ખરીદ કિંમત તેમજ ઉર્જા અને મજુરી ખર્ચ ઓછું વિગેરે ગણી શકાય. પરતું કેટલાક ગેરફાયદાઓ પણ છે, જેમાં સુકવણી હવામાન પર આધારીત હોવાથી અનીયમીતતા તથા સુકવણીનો દર ઓછો હોવાથી સમયનો બગાડ વિગેરે મુખ્ય છે. આ પધ્ધતી દ્વારા અનુકૂળ પરિસ્થિતીમાં લગભગ એક કલાકમાં ૧૦ ટન અનાજમાંથી ૪ ટકા ભેજ દુર કરી શકાય છે.

સુકવણી માટેની પધ્દ્યતિઓ

પાતળા પડમાં સુકવણી

પાકને ર૦ સે.મી.થી ઓછી જાડાઈનાં પડમાં પાથરી સુકવણી કરવામાં આવે છે. પેદાશની સમગ્ર સપાટી સુકવણીના માધ્યમનાં સંપર્કમાં આવે છે અને એક સરખી સુકવણી થાય છે.

જાડા પડમાં સુકવણી

પાકને ર૦ સેમીથી વધારે જાડાઈના થરમાં સુકવવામાં આવે છે. સમગ્ર પાકની સુકવણી એક સરખી ન થતાં જુદા જુદા પડોમાં થાય છે. આથી જે પડ હવાનાં સીધાજ સંપર્કમાં આવે છે. તેની સુકવણી ઝડપથી થાય છે. આથી નીચેના તળીયાના પડની સુકવણી વધુ પડતી થઈ જાય છે. જયારે ઉપરના પડની સુકવણી થતી નથી. આ પ્રકારની અનીયમીતતા દુર કરવા માટે હવાનું તાપમાન ઓછું જોઈએ. તથા પડની જાડાઈ ૪પ સે.મી. કરતા વધુ રાખવી જોઈએ નહી.

સફાઈની પ્રકિયા(કલીનીંગ) :

>ધાન્યપાક માથી દબાણ દ્વારા હવા પસાર કરવાથી ધાન્ય સિવાયની વસ્તુઓ જેવી કે ડાખરાં, પાંદડાં, કાંકરા તેમજ કચરાને દુર કરવાની પ્રકિયાને અનાજ સાફ કરવાની પ્રકિયા કહેવામાં આવે છે. હાલમાં અનાજને સાફ કરવા માટેની નીચેની પધ્ધતીઓ પ્રચલીત છે.

 

 • જુદા જુદા કાણાંવાળી ચારણીમાંથી અનાજને પસાર કરવામાં આવે છે
 • કયારેક અનાજને ઉપણીને હાથ વડે સાફ કરવામાં આવે છે
 • જયારે માટીની કાંકરી વધુ હોય ત્યારે અનાજને ધોઈને સાફ કરવામાં આવે છે

અનાજને સાફ કરવામાં તેમજ સારી ગુણવતાવાળી પેદાશ મેળવવા માટે નીચેની પ્રકિયાઓનો સમાવેશ થાય છે:

સ્ક્રેપીંગ :

અનાજમાંથી શરુઆતની સાફ કરવાની પ્રકિયામાં જયારે મોટા ડાંખરાઓને દૂર કરવામાં આવે છે ત્યારે આ પ્રકિયાને સ્ક્રેપીંગ કહેવામાં આવે છે.

સોર્ટિંગ

સ્ક્રેપીંગની પ્રકિયા બાદ છુટા પાડવામાં આવેલ અનાજને તેની ગુણવતા પ્રમાણે અથવા કલર, સાઈઝ, આકાર, ધનતા, બંધારણ પ્રમાણે જુદી પાડવાની પ્રકિયાને સોર્ટિંગ કહેવામાં આવે છે.

ગ્રેડિંગ :

વ્યાપારીક ધોરણે મુલ્યાંકન અથવા ઉપયોગ માટે અનાજના અલગ અલગ વર્ગ પાડવામાં આવે છે. તેને ગ્રેડીંગ કહેવામાં આવે છે. સોર્ટિંગ અને ગ્રેડિંગ માટે જરુરીયાત મુજબ દાણાના જુદી જુદી વિશિષ્ટ ધનતા વડે અલગ કરવાની પ્રકિયા, હવા ફેકવાથી દાણા અલગ કરવાની પ્રકિયા, ઈલેકટ્રીક ગુણધર્મ વડે દાણા સાફ કરવાની પ્રકિયા તેમજ કલર સોર્ટિંગ જેવી પધ્ધતીઓ અપનાવવામાં આવે છે. પ્રોસેસીંગ તેમજ વ્યાપારીક કક્ષાએ પણ સારી રીતે સાફ કરેલ અનાજની માંગ વધતી જાય છે. પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ જુદા જુદા મીલીંગ મશીનની ક્ષમતાનો આધાર પણ અનાજની સફાઈ પર રાખે છે. દાણા સાફ કરવા આધુનીક સાધન (કલીનર)  હોવુ જોઈએ જે બધાજ પ્રકારનો કચરો એટલે કે બીન જરુરી પદાર્થો, અપરીપકવ દાણા તેમજ કાંકરાને સારી રીતે દુર કરી શકે. ગ્રેઈન કલરની વધુ કાર્યક્ષમતા મેળવવા માટે તેમાં વાઈબ્રેટર સીવ, એરફલો સેપરેટર, મેગ્નેટીક યુનિટ જેવા એકમો પણ હોવા જોઈએ.

સંગ્રહ :

ફળ-શાકભાજીનો સાદા શીતાગૃહ કે નિશચિત વાતાવરણ ઉત્પન્ન  કરી શકે તેવા શીતાગૃહમાં સંગ્રહ કરવાથી બગાડનું પ્રમાણ અટકાવવાની સાથે લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે.

પેકેજીંગ અને પરીવહન :

અસરકારક અને સારા પેકેજીંગ દ્વારા સંગ્રહ, પરીવહન કે અન્ય પ્રકિયા દરમ્યાન થતુ નુકશાન અટકાવવાની સાથે તેમાં થતાં ધટના પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે તથા આકર્ષક દેખાવ હોવાથી વહેચણી પણ ઝડપથી અને ઉચીં કિેંમતે થાય છે.

રસાયણીક સ્તરે મુલ્ય વૃધ્ધી :

ફળ-શાકભાજી પર પ્રકિયા કરી તેમાં પ્રીઝરવેટીવ ઉમેરી કે થર્મલ પ્રોસેસીંગ દ્વારા જામ, જેલી, અથણા, કેચપ, સોસ, મુરબ્બા, જયુસ, પલ્પ અથવા તો કટકા કરી પ્રકિયા આપ્યા બાદ ડબામાં પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેથી સ્વાદીષ્ટ અને પોષ્ણાત્મક બનાવટો મળે છે અને બગાડનુ પ્રમાણ પણ ઓછુ કરી શકાય છે. તેજ રીતે તેલીબીયા પાકો માંથી તેલની સાથે પ્રોટીન તેમજ અન્ય તત્વો છુટા પાડી તેમાંથી વધારાની આવક ઉભી કરી શકાય, મરીમસાલામાંથી ઉડયનશીલ તેલ તેમજ ધંઉ, મકાઈ, ડાંગરનું ભુસું વગેરેમાંથી પણ તેલ અને બીજા રાસાયણીક તત્વોને છુટા પાડી તેની કિંમત મેળવી શકાય. આવા કૃષિ પેદાશોમાં રાસાયણીક ફેરફાર કરી તેને અન્ય મુલ્યવાન બનાવટોમાં રૂપાંતરીત કરી શકાય છે.

લેખક: કમલેશ આર. જેઠવા, જગદીશ ચાવડા એગ્રી. પ્રોસેસ ઈજનેરી વિભાગ, એસઆરએ, આરઇ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિધાલય, આણંદ કૃષિ  યુનિવર્સિટિ, ગોધરા-૩૮૯૦૦૧

પ્રકાશન: કૃષિ જીવન, ડિસેમ્બર-૧૫, વર્ષ-૪૮, અંક-૫, પેજ નં.: ૨૯-૩૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate