অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કપાસ બીજની ડીલીંટીંગની જરૂરીયાત, અગત્યતા અને પધ્ધતિઓ

કપાસ બીજની ડીલીંટીંગની જરૂરીયાત, અગત્યતા અને પધ્ધતિઓ

કપાસ અગત્યનો રોકડીયો પાક છે. વ્હાઈટ ગોલ્ડ તરીકે ઓળખાતાં આ પાકનાં ઉત્પાદનમાં દુનિયામાં ચીન પછી ભારતનું સ્થાન બીજા નંબરે છે.ભારતમાં પણ ગુજરાત કપાસ પાક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કપાસ પાકનું વાવેતર સતત વધતું જાય છે. વાવેતરનાં વ્યાપને જોતાં તેની પ્રોસેસીંગ ટેકનોલોજીમાં પણ સતત સુધારો થતો જોવા મળે છે. કોઈપણ પાકનાં વધુ તેમજ ગુણવત્તા ભર્યા ઉત્પાદન માટે ઘણાં પરીબળો ભાગ ભજવતા હોય છે. જેમ કે જમીનની પ્રત, પિયત પધ્ધતિ, સુધારેલ બિયારણનો ઉપયોગ, સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ, ઉપરાંત આધુનિક ખેતઓજારો વિગેરે મુખ્ય છે. આ બધા જ પરિબળોમાં વિશેષ અગત્યનું પરીબળ  શુધ્ધ તેમજ સુધારેલ બિયારણનો ઉપયોગ છે.

 

કપાસ પાકની રચના જોતા તેમાંથી બીજનું ઉત્પાદન લેવા અથવા બીજને અલગ તારવવા માટે ખૂબ જ કાળજી રાખવી પડે છે. આ માટે કપાસનાં વિવિધ ભાગો તેની ગુણવતા તેમજ વર્ગીકરણથી પરિચીત થવું જરૂરી છે. જે નીચે મુજબ આપવામાં આવેલ છે. કપાસનો પાક ખેતરમાં તૈયાર થયા બાદ કપાસને હાથથી અથવા પીકર મશીન ધ્યારા તેના કાલામાંથી વીણી કરી એકઠો કરવામાં આવે છે. બીજ, લીન્ટર્સ અને રેસા (ફાઈબર,  રૂ) મુખ્ય તેનાં ભાગ છે. કપાસને જીનરન મશીન થકી રેસા અને લીન્ટર્સ યુકત બીજ એમ બે ભાગમાં જુદા પાડવામાં આવે છે. બીજ ઉપર નાના – નાના સેલ્યુલોઝ યુકત રેસા જે જીનરનમાં રહી ગયેલ હોય છે, તેને લીન્ટર્સ અથવા ફઝ કહે છે. લીન્ટર્સ અથવા ફઝ બીજનાં પ્રમાણમાં ૬ થી ૯ %  જેટલાં હોય છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ પ્રોસેસીંગ ઉદ્યોગ આ લીન્ટર્સ અથવા ફઝનો  સેલ્યુલોઝ અને અન્ય સામગ્રી બનાવવા વપરાશ કરે છે. બીજ ને આગળની પ્રોસેસમાં જવા દેતા પહેલા આ લીન્ટર્સને દૂર કરવા અતિ આવશ્યક હોય છે. કપાસ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય પાક હોવાંથી તેની ચોકકસ ગુણવત્તા અને વર્ગીકરણ નાં ધારા ધોરણો સમય સમય પ્રમાણે અપનાવવામાં આવે છે.

ગુણવત્તા માટે ખાસ કરીને કપાસમાં રહેલા ભેજ, નુકશાની, ટ્રેશ મટીરીયલ, ચોખ્ખાઈ, સ્ટે્રન્થ, માઈક્રોનેર વેલ્યુ, લીસ્ટ કાઉન્ટ તથા કલર વગેરેને પ્રાધાન્ય આપવામાં  આવતું હોય છે, જયારે વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે.         કપાસનાં રેસાની (તાર) લંબાઈ મુજબ તેને જુદા–જુદા સ્ટેપલ ગ્રુપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કપાસનાં બીજને ઓઈલ મીલીંગ માટે આઈ એસઃ ૪૬ર૦–૧૯૬૮ મુજબ ગ્રેડ–૧, ગ્રેડ–રતેમજ ગ્રેડ–૩ માં વર્ગીકૃત કરવમાં આવેલ છે. આ વર્ગીકરણમાં બીજમાંનાં ભેજ, તેલની ટકાવારી ઉપરોકત અન્ય બીજા ચારથી પાંચ પાસાને આવરી લેવામાં આવેલ છે. જે બીજમાં ભેજનું પ્રમાણ  ૮ % અને તેલનું પ્રમણ ર૦ % હોય તેને ગ્રેડ–૧ માં, ૧૦ % ભેજ અને ૧૮ % તેલ હોય તે  બીજને ગ્રેડ–રમાં અને ૧ર % ભેજ અને ૧પ % તેલ હોય તે બીજ ને ગ્રેડ–૩ માં વર્ગીકૃત કરવામાં આવેલ છે. લીન્ટર્સને આઈ એસ : ૩પ૧૭–૧૯૭૯ મુજબ તેની ડીલીન્ટીંગ કટ મુજબ પ્રથમ કટ, બીજી કટ અને મીલરન વગેરે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે જે લીન્ટર્સની લંબાઈ ૬ થી ૧ર એમ એમ જેટલી હોય તેમજ પ્રથમ મશીન કટ માંજ મળતી હોય તેને પ્રથમ કટમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. બીજી કટમાં લીન્ટર્સની લંબાઈ ર થી ૬ એમ એમ નકકી કરવામાં આવેલ છે. ત્રીજુ જે વર્ગીકરણ કરવામાં આવેલ છે તે  લીન્ટર્સની લંબાઈ ર થી ૧ર એમ એમ હોય અને પ્રથમ  અથવા બીજા કટ થકી મળતી હોય તેને મીલરન કહે છે.

ડીલીન્ટીંગ :–

જરૂરીયાતઃ– જીનરન મશીનમાં રેસા/ રૂ અને કપાસ બીજ અલગ થયા બાદ કપાસ બીજ ઉપર નાની રૂવાટી જેવા રેસા હોય છે, જેને લીન્ટર્સ અથવા ફઝ કહે છે. આ લીન્ટર્સ અથવા ફઝને દૂર કરવા અતિ આવશ્યક છે.જેથી લીન્ટર્સમુકત બીજ પ્રાપ્ત થાય તેમજ મીલીંગ હેતુ તેલની રીકવરીમાં વધારો થાય. હાલમાં એક અંદાજ મુજબ આપણાં દેશમાં કુલ કપાસ ઉત્પાદનનાં માત્ર ૬% જેટલા જ ડીલીન્ટીંગ થાય છે. ડીલીંન્ટીંગ બાદ લીન્ટર્સનો ઉપયોગ કરન્સી પેપર વિગેરે બનાવવામાં થાય છે. ગુજરાતમાંથી ચીન આ માટે તેની મોટા પાયા ઉપર ખરીદી કરે છે.

અગત્યતાઃ

  • લીન્ટર્સમુકત બીજ પ્રાપ્ત થવાથી યાંત્રિક વાવેતર માટે ખૂબ જ સરળતા રહે છે.
  • ડીલીંટીંગ ધ્વારા પ્રાપ્ત થયેલ બીજનો સારી રીતે સંગ્રહ તેમજ પેકીંગ થઈ શકે છે. જેથી ભેજ અને જંતુઓથી બીજને બચાવી શકાય છે.
  • બીજ ઉપર સરળતાથી કોટીંગ, કલર તેમજ અન્ય પ્રિ–ટ્રીટમેન્ટ થઈ શકે છે.
  • બીજને અલગ તારવ્યા બાદ લીન્ટર્સનો ઉપયોગ સેલ્યુલોઝ, પેપર બનાવવા તેમજ બાયોગેસ અને ખાતરનાં ઉત્પાદનમાં થઈ શકે છે.
  • બાય પ્રોડકટ લીન્ટર્સને વેંચી દેતા તેનાં પ્રતિ કિલોએ રૂા. ર૦ થી ૩૦ મળે છે, જેથી આવકમાં વધારો થઈ શકે છે, તેમજ ડીફે્રટેડ લોટનો ડેરી ઈન્ડસ્ટ્રીઝ વિગેરેમાં ઉપયોગ થઈ શકે  છે.

કપાસની ડીલીંટીંગ પધ્ધતિઓઃ–

૧) ટ્રેડીશનલ ડીલીંટીંગ પધ્ધતિઃ–

આ પધ્ધતિમાં લીન્ટર્સયુકત કપાસ બીજને પાણીનાં ડ્રમમાં નાખી તેમાં છાણ અને માટી ભેળવી હાથથી રગડવામાં આવે છે. ત્યારબાદ બીજને ફરીથી પાણી વડે ધોઈ–સૂર્યના તાપમાં સુકવવામાં આવે છે અથવા વાવેતર માટે તેને સીધા ઉપયોગમાં લઈ શકાય છે. નાના પાયા ઉપર બિયારણનાં ઉપયોગ હેતુ આ પધ્ધતિ અપનાવવામાં આવે છે.

ર) યાંત્રિક ડીલીંટીંગ પધ્ધતિઃ

અ) બ્રશ અને સ્ક્રીન મિકેનિઝમ પધ્ધતિઃ–

આ પ્રકારની ડીલીંન્ટીંગ પો્રસેસમાં ડીલીન્ટર મશીનમાં શાફટ સાથે ચોકકસ સાઈઝનો ડ્રમ સ્ક્રીન ટાઈપનાં કેઈઝમાં ફરતો હોય છે. ડ્રમ અને સ્ક્રીન વચ્ચે બીજની જાત તેમજ આકાર પ્રમાણે ચોકકસ ગેપ સેટીંગ કરવામાં આવે છે. ડ્રમની ફરતે બ્રશ બેસાડેલ હોય છે. બ્રશની જગ્યાએ એબ્રેસીવ મટીરીયલ પણ બેસાડવામાં આવે છે. પરંતુ આમાં બીજનું નુકશાન વધારે પ્રમાણમાં થતું હોય છે. લીન્ટર્સ યુકત બીજને હોપરમાં રેગ્યુલેટર ધ્વારા છોડવામાં આવે છે, જેના ધ્વારા બીજનું નિયમન થઈ તે ચોકકસ ગતિએ ફરતા ડ્રમ અને સ્ટેશનરી સ્ક્રીન વચ્ચે આવતા બ્રશનાં સતત ધસાવાથી લીન્ટર્સ દૂર થાય છે. આમ છુટા પડેલા લીન્ટર્સ દૂર થાય છે. આ છૂટા પડેલા લીન્ટર્સને વેકયુમ ધ્વારા સ્ક્રીન થુ્ર ખેંચી લેવામાં આવે છે અને જુદા આ ઉટલેટથી એકઠા કરવામાં આવે છે. આ પધ્ધતિમાં બીજનો આકાર અગત્યનો ભાગ ભજવે છે. ગોળાકાર આકારનાં બીજ સહેલાઈથી લીનટર્સ મુકત થઈ શકે છે, જયારે ઓબલોંગ અથવા અનિયમિત આકારનાં બીજને લીન્ટર્સ મુકત કરવામાં મુશ્કેલી પડે છે. આ રીતે પ્રથમ રનમાં ૪૦ થી ૬૦ % તેમજ બીજા પાસમાં ૮૦ % સુધી બીજની રીકવરી થઈ શકે છે.

બ) ફલેમ મીકેનીઝમ પધ્ધતિઃ–

આ પધ્ધતિમાં કપાસનાં લીન્ટર્સયુકત બીજને ખૂબ જ સાવચેતી પૂર્વક હોપરમાં ફીડ કરી, મોટા કન્વેયર બેલ્ટમાં પ્રિટ્રીટમેન્ટ આપી આગળ એલીવેટર ધ્વારા ફલેમ ચેમ્બરમાં જવા દેવામાં આવે છે. ફલેમ ચેમ્બરમાં રેગ્યુલેટર ધ્વારા બીજ સહીત સમગ્ર ચેમ્બરનું તાપમાન તેના ક્રિટીકલ લેવલથી કોઈપણ સમય માટે ઓછું રહે તે પ્રમાણે રેગ્યુલેટ કરવામાં આવે છે. સમયાંતરે ફલેમ આપવાથી રોટેટીંગ સ્ક્રીન ઉપરનાં લીન્ટર્સયુકત બીજમાંના ફઝ (લીન્ટર્સ) બળી જાય છે, જેને અલગથી દૂર કરવામાં આવે છે. આ પધ્ધતિમાં બીજનું તાપમાન તેની વાયેબીલીટી ટકાવી રાખવા કોઈપણ સમયે અચાનક વધી ન જાય તે જોવું ખાસ હિતાવહ છે.

૩) રાસાયણિક ડીલીન્ટીંગ પધ્ધતિઃ

બિયારણનાં હેતુસર ખાસ આ પધ્ધતિ અપનાવવામાં આવે છે. જે ને એસીડ ડીલીન્ટીંગ પધ્ધિતિ કહેવામાં આવે છે. કોમર્શીયલ ગ્રેડના કોન્સનટ્રેટેડ સલ્ફયુરીક એસીડ (૯૮.૪ %) સાથે બીજને તેની જાત પ્રમાણે ચોકકસ સમય માટે મિક્ષ કરવમાં આવે છે. આ મિશ્રણને ત્યારબાદ પાણીથી ધોઈ ચુનાનાં પાણીની ર થી ૩ મીનીટ માવજત આપી ફરી બીજને પાણીમાં ડુબાડવામાં આવે છે. સારા બીજ ભારે હોવાથી પાણીમાં તળીયે બેસે છે. જેને અલગ તારવી સુકવણી કરી બિયારણ અને અન્ય ઉપયોગમાં લેવામાં આવે છે. હલકા, અપરીપકવ બીજ પાણીની સપાટી ઉપર તરે છે, જેને દુર કરવામાં આવે છે.

૪) ગેસ ડીલીન્ટીંગ પધ્ધતિઃ–

રાસાયણિક ડીલીન્ટીંગ પધ્ધતિમાં સલ્ફયુરીક એસીડનાં પ્રદૂષણનો પ્રશ્ન મુખ્ય રહે છે. ખાસ કરીને કામ કરતા કારીગરને પણ કયારેક નુકશાન કર્તા બનતો હોય છે. આ ઉપરાંત ડીલીન્ટીંગ બાદનાં દ્રાવણને જયાં ત્યાં ઢોળી દેતા પાણી અને જમીનનો બગાડ પણ થતો હોય છે. આ મુશ્કેલી નિવારવા એએસસીએલ (એનહાઈડ્રસ હાઈડ્રોકલોરીક ગેસ) ધ્વારા કપાસ બીજનું ડીલ્ટીંગ કરી શકાય છે.

આ માટે એએસસીએલ ગેસનાં સીલીન્ડર ૬૩ કિગ્રા/ચો.સેમી દબાણ સાથેનાં જરૂરીયાત રહે છે. જે માર્કેટમાંથી મળી રહે છે. સીલીન્ડરને મેની ફોલ્ડ ધ્વારા ડીલીન્ટીંગ મશીન સાથે જોડવામાં આવે છે.હાઈલી કોરોઝીવ ગેસ હોવાથી તેનાં મેની ફોલ્ડ, પ્રેશર રેગ્યુલેટર, પ્રેશર વાલ્વ, પાઈપ લાઈન વિગેરે સ્પેશીયલ પ્રકારનાં સ્ટીલથી એટલે કે એ આઈ એસ આઈ–૩૧૬ એલ સ્ટેઈનલેસ સ્ટીલમાંથી બનાવેલ હોવાં જોઈએ. સીલીન્ડરને મશીન સાથે જોડયા બાદ તેમાંથી ત્રણ તબ્બકામાં પ્રેશર સ્ટેપવાઈઝ નીચું જાય તે રીતે આપવાનું હોય છે. પ્રથમ તબ્બકામાં ૬પ થી ર૦ કિગ્રા/ચો.સેમી, બીજા તબ્બકામાં ર૦ થી ૧૦ કિગ્રા/ચો.સેમી અને ત્રીજા તબ્બકામાં ૧૦ થી ર કિગ્રા/ચો.સેમી પ્રમાણે લાવવાનું હોય છે. ત્યારબાદ ગેસને ગેસ ફલો મીટર ર કિગ્રા/ચો.સેમી બતાવે તે રીતે રીલીઝ કરવામાં આવે છે. આ પધ્ધતિમાં એક ટન લીનર્સયુકત બીજનું ડીલીન્ટીંગ કરવા માટે ૯ થી ૧૦ કિ.ગ્રા ગેસની જરૂરીયાત રહે છે. ગેસની કિંમત હાલનાં બજાર ભાવ પ્રમાણે અંદાજે ૭પ થી ૮૦ રૂા. પ્રતિ કિલો જેટલી હોય છે. સીલીન્ડરમાંનાં કંપ્રેશ્ડ ગેસનું વજન લગભગ ૩૦ થી ૪ર કિગ્રા. જેટલું હોય છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate