অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નફાકારક પશુપાલન

પ્રસ્તાવના

 • ડેરી અને પશુપાલનનો વ્યવસાય હવે એક ઉધોગના રૂપમાં વિકસી રહ્યો છે. પશુપાલનનો વ્યવસાય નાના તથા સીમાંત ખેડુતો તથા જમીન વિહોણા ખેત મજુરો માટે જીવન નિર્વાહનું અગત્યનું સાધન છે. આ વ્યવસાય થકી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન થાય છે તથા સ્ત્રી સશકિતરણ થાય છે. આ સંજોગામાં પશુપાલકોમાં વૈજ્ઞાનિક પશુપાલન માટે વધુ જાગૃતતા આવે અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય વધુ ને વધુ નફાકારક બને તથા પશુપાલકની આર્થિક પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવે તે અંગેની જરૂરી કેટલીક વિગતો પ્રસ્તુત છે.

પશુઓની પસંદગી

 • સામાન્ય રીતે સારી તંદુરસ્તી ધરાવતી, ચપળતા દર્શાવતી, શાંત સ્વભાવની ગાયો-ભેંસોને પ્રથમ પસંદગી આપવી.
 • ગાય/ભેંસ બીજા વેતરની તાજી વિયાયેલ હોય તથા જેનું દૈનિક દૂધ ઉત્પાદન ૧૦ - ૧૨ લીટર જેટલુ હોય અને આપણી હાજરીમાં જ બે થી ત્રણ ટંકનું દૂધ ઉત્પાદન નોંધી પસંદ કરવી.
 • દેશી ગાય કે ભેંસ ખરીદતી વેળા જે તે ઓલાદ/નસલના તમામ શારીરક લક્ષણો ધરાવતી હોવી જરૂરી છે. સારી દૂધાળ ગાય કે ભેંસનું શરીર ફાચર આકારનું હોવું જોઇએ.
 • શરીરની ચામડી તથા વાળ લીસ્સા, સુંવાળા, ચમકદાર હોવા જોઇએ. ચામડી નીચે ચરબીનો ભરાવો હોવો તે ઓછા દૂધ ઉત્પાદનની નિશાની છે.
 • આઉ/અડાણ સુવિકસિત, કપ આકારનું અને પોચું હોવુ જોઇએ. ચારેય આંચળ એક સમાન કદના, મધ્યમ લંબાઇના તથા સરખા અંતરે આવેલ હોવા જોઇએ. બાવલામાં નિકળતી દૂધ શિરાઓ ઉપસેલી તથા વળાંકવાળી હોવી જોઇએ.
 • પીઠ સપાટ તથા થાપા સમતલ હોવા જોઇએ. પાછલા બે પગ (સાથળ) પહોળા હોવા જોઇએ. છાતીનો તથા પેટનો ધેરાવો મોટો હોય તેમ વધુ સારૂ ગણાય.

ખોરાક – પાણીની વ્યવસ્થા

 • દૂધ ઉત્પાદન વ્યવસાયમાં વધુમાં વધુ ખર્ચ ખોરાકનું આવતુ હોય છે. સારા ખોરાક – પાણી વિના પશુ પોતાની ક્ષમતા મુજબનું દૂધ ઉત્પાદન આપે નહિ. આમ “સફળ પશુપાલન” માં આહારનું અંત્યત મહત્વ છે.
 • દેશી ગાયો, સંકર ગાયો તથા ભેંસોને અનુક્રમે ૧૦ કિ.ગ્રા., ૧૨ થી ૧૪ કિ.ગ્રા. તથા ૧૨ કિ.ગ્રા. સુકો ચારો જોઇએ.
 • દૈનિક ૩૦ થી ૪૦ કિલો લીલો ચારો (ઘાસચારાની તંગી સમયમાં ઓછામાં ઓછો ૧૦ કિલો) આપવો જોઇએ. લીલો ઘાસચારો દૂધ ઉત્પાદનની પડતર કિંમતમાં ઘટાડો કરે છે.  લીલો તથા સૂકા ચારાનું મિશ્રણ કરી ચાફકટરથી ઝીણા ટુકડા કરી ખવડાવવાથી ૧૫ થી ૨૦ ટકા જેટલો ઘાસચારાનો બગાડ થતો અટકાવી શકાય છે.
 • સૂકો ઘાસચારો પશુઓની ભુખ સંતોષવા માટે જરૂરે છે. સૂકા ઘાસચારામાં રેષાવાળો ભાગ તથા સીલીક વધુ હોવાથી તેની પાચકતા ઓછી હોય છે. સૂકાચારાથી જાનવરના દૂધમાં ફેટનું પ્રમાણ વધે છે. નબળાં પ્રકારનાં સૂકા ઘાસ જેવાં કે ડાંગરના પૂળા તથા ઘઉંનુ પરાળ વગેરેને ચાર ટકા યુરીયાની સારવાર આપીને તેની ગુણવતા સુધારી શકાય.
 • પશુને શારીરક વજન પ્રમાણે ૧ થી ૨ કીલો સમતોલ દાણ શરીરના નિભાવ માટે તથા ફેટની ટકાવારી મુજબ દૂધ ઉત્પાદનના ૪૦ થી ૫૦ ટકા દાણ આપવું જોઇએ. પશુઓ માટે સહકારી ડેરી કે અન્ય સારી કંપનીની બનાવટનું સુમિશ્રિત દાણ જ આપવું જોઇએ.
 • દૈનિક ૨૦ લીટર કે તેથી વધારે દૂધ આપતાં જાનવરોનાં દાણ મિશ્રણમાં બાયપાસ પ્રોટીન / ચરબી આપવા જરૂરી છે. ઉચ્ચુ દૂધ ઉત્પાદન કરતાં પશુઓને ૫૦૦ ગ્રામ થી ૧કિ.ગ્રા. ના દરે બાયપાસ પ્રોટીન ખવડાવવાથી આવાં પશુઓમાં ૧ લીટર જેટલું દૂધ ઉત્પાદન તથા ફેટનું પ્રમાણ વધારી શકાય છે.
 • મધ્યમ દૂધ આપતાં જાનવરો (૫ થી ૧૦ લીટર / દિવસ) ના દાણ મિશ્રણમાં ૨ ટકા ક્ષાર મિશ્રણ તથા ૨ ટકા મીઠું તેમજ ઉચ્ચ દૂધ પેદાં કરતાં જાનવરો (દૈનિક ૧૦ લીટરથી વધારે) ના દાણ મિશ્રણમાં ક્ષાર મિશ્રણ તથા મીઠું ૩ ટકા ના  દરે ઉમેરવું જોઇએ.
 • પશુઓમાં ખોરાક જેટલુ જ પોષક તત્વો તરીકે પાણીનું મહત્વ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ૧ લીટર દૂધ ઉત્પાદન માટે ૩ થી ૪ લીટર પાણી આપવું જરૂરી છે. આ ઉપરાંત શરીરના નિભાવ માટે ગાય કે ભેંસ દીઠ ૩૦ થી ૪૦ લીટર પાણી વધારાનું આપવું એટ્લે કે દૈનિક ૧૦ લીટર દૂધ આપતી ગાય કે ભેંસને ૭૦ થી ૮૦ લીટર પાણી આપવું જોઇએ. ઉનાળામાં રાત્રે ખોરાક અને પાણી પીવડાવવું જરૂરી હોય છે. રાત્રે ૧૦.00 વાગ્યે સુતા પહેલાં અને વહેલી સવારે ૫.00 વાગ્યે પાણી આપવું ભૂલાય નહિ.

સંવર્ધન

 • પશુપાલન વ્યવસાયની સફળતામાં યોગ્ય પશુ સંવર્ધન ખૂબ જ અગત્યનું છે કારણ કે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતાનો આધાર તેના આનુવંશિક ગુણો ઉપર નિર્ભર છે. આપણે જાણીએ છીએ કે ડેરી ફાર્મના બધા પશુઓને સરખો ખોરાક અને સરખી માવજત મળતાં હોવા છતાં બધા પશુઓનું દૂધ ઉત્પાદનમાં ઉદભવતા તફાવતનું કારણ બધાં પશુઓને દૂધ ઉત્પાદન આપવાનો વારસો એક સરખો મળ્યો નથી તે છે. વધારે અને ઉંચી ગુણવત્તા વાળું દૂધ મેળવવા પશુઓને યોગ્ય સંવર્ધન થકી ઉત્તમ આનુવંશિક ગુણો મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ.
 • સામાન્ય રીતે પશુપાલકોએ પાડીઓ – વાછરડીઓનો ઉછેર માટે એવી કાર્ય પધ્ધતિ અપનાવી જોઇએ કે જેથી બાળપણનો વિકાસ ઝડપથી થતાં પુખ્તઅવસ્થામાં જાનવર પ્રવેશે ત્યારે તેની ઉંમર ૧૮ થી ૨૪ માસ હોય અને શરીરનું વજન ૨૫૦ થી ૩00 કિલો ઓછામાં ઓછું હોય. ફેળવવા લાયક વજન (૨૫૦ થી ૨૭૫ કિ.ગ્રા.) થયા બાદ સિધ્ધ સાંઢ/પાડાના વિર્ય વડે કૃત્રિમ બીજદાન કરાવવું.
 • આપણી દેશી ગાયો અને ભેંસોની ઓલાદમાં ગરમીમાં આવ્યાના બાર કલાક બાદ તેનું બીજદાન કરાવવું. સંકર ગાયના કિસ્સામાં ગરમીમાં આવ્યાના ચિન્હો બતાવે, તેના બાર કલાક બાદ અથવા તો ગરમીના સમય ગાળાને પૂરો થવાના ૮ થી ૧૦ કલાક પહેલા બીજદાન કરાવવું જોઇએ. વધુમાં વેતરકાળ લંબાય તો ૨૪ કલાકના સમયગાળા બાદ ફેર બીજદાન કરાવવાની પણ ભલામણ કરવામાં આવે છે.
 • ગાય કે ભેંસમાં બે વિયાણ વચ્ચે ૧૩ થી ૧૪ માસનો ગાળો રહે તે યોગ્ય ગણાય. બે વિયાણ વચ્ચે નો આ સમયગાળો જળવી રાખવા, નિયમિત રીતે સવાર સાંજ પશુઓ વેતરમાં છે કે કેમ તેનું ઝીણવટભર્યુ અવલોકન કરવું. પશુ બેચેન જણાય, યોની માર્ગ લાલ થઇ સુજેલો દેખાય, વારંવાર થોડો પેશાબ કરે, વારંવાર ભાંભરે તથા છુટી રાખેલ ગાય/ભેંસ એકબીજા પર ઠેકે અથવા અન્ય ગાય કે ભેંસ ને પોતાના પર ઠેકવા દે, આ તમામ લક્ષણો પશુ વેતરમાં છે તે દર્શાવે છે.
 • પશુઓને વિયાણ બાદ પ્રથમ બે માસ ફેળવવા નહીં અને ત્યારબાદ બીજી કે ત્રીજી વખત વેતરમાં આવે ત્યારે ફેળવી ગાભણ થાય તેમ વ્યવસ્થા ગોઠવવાથી બે વિયાણ વચ્ચેનો ગાળો નિયંત્રિત કરી શકાશે.
 • પશુઓમાં ગૌણ તથા મુખ્ય ક્ષારોની ઉણપ નિવારવા સારી કંપનીનું મીનરલ મીક્ષર દૈનિક ૪૦ ગ્રામ લેખે દાણ સાથે ભેળવી ખવડાવવાથી પ્રજનન લક્ષી ધણી સમસ્યાઓ નિવારી શકાશે.

સ્વાસ્થ્ય સંરક્ષણ

 • પશુપાલનના વ્યવસાયમાં પશુ આરોગ્યનું મહત્વ ખૂબ જ રહેલું છે. સારા તંદુરસ્ત જાનવરો જ વધુ દૂધ ઉત્પાદન આપી શકે. “પહેલુ સુખ તે જાતે નર્યા” તથા સારવાર કરતા રોગ અટકવો વધુ સારૂ છે. આ કહેવત પશુને પણ લાગુ પડે છે. જાનવરોને સંક્રમણ, પ્રજનનને લગતા તેમજ ખોરાકની તથા ચયાપચયની ઉણપના કારણે તથા રોગોથી બચાવવા તેના દર મહિનાના સ્વાસ્થ્ય પ્રોગ્રામને અનુસરવું જોઇએ તથા દરેક જાનવરના સ્વાસ્થ્યનો રેકોર્ડ રાખવો જોઇએ.
 • કેટલીક જીવાણું જન્ય બિમારીમાં પશુ સાજુ થયા બાદ પોતાનું અસલી દૂધ ઉત્પાદન ગુમાવે બેસે છે. આથી આપણી ગાય – ભેંસને રોગ મુક્ત રખવા નિયમિત રીતે ગળસૂંઢો, ખરવા – મોવાસા, કાળીયા તાવ જેવા રોગ સામેની પ્રતિકારક રસીઓ ડોકટરની સલાહ મુજબ મુકાવી જોઇએ. ચોમાસા પહેલા ગળસૂંઢાની તથા ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં ખરવા – મોવાસાની રસી મુકાવવી જોઇએ.
 • નાના વાછરડી/પાડીમાં છ માસની ઉંમર સુધી દર મહીને કૃમિનાશક દવાઓ આપવાથી કૃમિ નાશ થશે અને તેમનો વૃધ્ધિ દર જળવાઇ રહેશે.
 • બાહ્ય કૃમિઓ જેવા કે ઇતરડી, જુ, ચાંચડ, જીંગોડા વગેરેના નાશ માટે બ્યુટોકસ, મેલાથીઓન, પરમેથ્રીન ડેલ્ટામેથ્રીન જેવી જંતુનાશકનો છંટકાવ પશુચિકિત્સકની સલાહ મુજબ કરવો.
 • દૂધાળ ગાય – ભેંસમાં આઉનો સોજો છે કે નહીં તે તપાસવા માટે બજારમાં મળતી “મેસ્ટ્રીપ” ની પટ્ટી દૂધમાં પલાળતા આ રોગ છે કે કેમ તે સત્વરે જાણી, સમયસરની સારવાર કરી ખોટ નિવારી શકાય છે. આઉનો સોજાના રોગ થતો અટકાવવા માટે દોહતાં પહેલા અને પછી આંચળને જંતુનાશક દવાવાળા પાણીથી સાફ કરવા જોઇએ. આ સાફસૂફી માટે પોટેશ્યિમ પરમેંગેનેટ દવાનું આછુ ગુલાબી પાણી અથવા સેવલોન (૧ ભાગ સેવલોન ૫00 ભાગ પાણી) વાપરી શકાય.

ઓછા ખર્ચે આરમદાયક રહેઠાણ

 • પશુ રહેઠાણ સારા હવા ઉજાસવાળું તથા સીધા તાપ – ટાઢ કે વરસાદથી રક્ષણ મળી રહે તેવું હોવું જરૂરી છે.
 • પશુઓને ઓછી જગ્યામાં બાંધી રાખવાથી તેમને ધણી અસુવિધા થાય છે તથા ખોરાકનું પાચન ઓછું થાય છે અને ચામડીના તથા અન્ય રોગો એકબીજામાં સહેલાઇથી પ્રસરે છે.
 • ગાયોને માથાદીઠ ૪૪ (૧૧ X ૪) અને ભેંસોને ૫0 (૧૨.૫ x ૪) ચો. ફૂટ જગ્યા મળી રહેવી જોઇએ.
 • રહેઠાણમાં ગમાણથી મૂત્રનીક સુધી પાકુ ભોંયતળીયું તથા ઢાળ આપેલો હોવો જોઇએ.
 • છાપરું ૧૦ થી ૧૨ ફૂટની ઉંચાઇએ હોવું જોઇએ. ભારતીય માનાંક સંસ્થા, નવી દિલ્હી એ કોઢના છાપરા માટે એસ્બેસ્ટોઝ સિમેન્ટ પતરાં કે ગેલ્વેનાઇઝ પતરાં વાપરવા માટે ભલામણ કરેલ છે. આ પતરાંની ઉપરની બાજુ સફેદ રંગ કરવાથી સૂર્યપ્રકાશ વધુ પરાવર્તિત થાય છે અને જાનવરો વધુ આરામદાયક સ્થિતિ અનુભવે છે અથવા ડાંગરના પૂળાનો થર છાપરાં ઉપર કરવાથી ઉનાળામાં ઘણો જ ફાયદો થાય છે. ઉનાળામાં પંખા – ફુવારાની સવલત આપવી
 • પશુઓને દિવસમાં બે કલાક છુટા કરવાથી કસરત મળી રહેશે અને લોહીનું પરિભ્રમણ વધતા ખોરાકનું પાચન સારી રીતે થશે. સાંધા જકડાઇ જવાના કે ખરીઓ વધવાના પ્રશ્નો અટકાવી શકાશે.

દોહન

 • પશુપાલન વ્યવસાયમાં આવકનું મુખ્ય સાધન દૂધ ઉત્પાદન હોઇ સ્વચ્છ અને સંપૂર્ણ દોહન ધ્વારા ટીપે ટીપું દૂધ મેળવી લેવું જરૂરી છે.
 • દોહન નિયમિત ૧૨ – ૧૩ કલાકના અંતરે થવું જોઇએ.
 • દોહન વેળા ઘોંઘાટ, કુતરાનું ભસવું કે મુલાકાતીઓની હાજરી પશુને તણાવ ઊભો કરે છે તથા પારસો મૂકવાની ક્રિયામાં અવરોધ ઊભો થતા દોહન કરવું કઠીન બની જાય છે. આથી દોહન સમયે વાતાવરણ શાંત રાખી ૭ થી ૮ મિનિટમાં દોહન પુરૂ કરવું.
 • વધુ દૂધ ઉત્પાદન વાળી ગાય – ભેંસો (૧૫ થી ૨0 લીટર દૈનિક) ને માટે દૂધ દોહન મશીનનો ઉપયોગ કરી શકાય અથવા બે દોહનાર બંન્ને બાજુથી એક સાથે દોહન કરે તેવું ગોઠવવું.
 • દોહન પછી દૂધને ઠંડી જગ્યાએ રાખવું તથા સમય બગાડ્યા વિના દૂધ મંડળીમાં પહોંચતું કરવું જોઇએ.
 • વિયાણ પછી સરેરાશ ૧૦ – ૧૧ મહીના દૂધ દોહન કરી પશુને યોગ્ય પધ્ધતિથી વસુકાવવું. આ દરમ્યાન પશુ ૬ – ૭ માસનું ગાભણ થયેલું હોય તેવી રીતે સંવર્ધન કરવું.

નબળા ઢોરોનો નિકાલ

 • ઓછુ દૂધ ઉત્પાદન આપતી નબળી ગાય કે ભેંસ આપણો નફો ખાઇ જાય છે. ઉલ્ટાના તેઓ સારી ગાય – ભેંસ જેટલો જ આહાર લઇ ખર્ચો વધારે છે.
 • ઓછું દૂધ ઉત્પાદન, આંચળ – ખામી, કુટેવો તથા ચેપી રોગોથી પીડાતી ગાય – ભેંસનો સત્વરે ધણમાંથી નિકાલ કરવો.
 • વેતરમાં ન આવતા કે  અનિયમિત વેતરવાળા પશુઓ તથા વારંવાર ફેળવવા છતાં ગાભણ ન થતા (ઉથલા મારતા), માટી ખસી જતા પશુઓને સમય બગાડયા સિવાય વિના વિલંબે ધણમાંથી નિકાલ કરવો.

નોંધપોથીનો નિભાવ

 • સમજદાર પશુપાલક પોતાની ગૌશાળામાં નિયમિત રીતે નોંધપોથી રાખતો હોય છે.
 • પશુઓના દૈનિક – માસિક કે વેતર – વર્ષનું દૂધ ઉત્પાદન, ગરમીમાં આવ્યાની તથા ફેળવવાની તારીખ, બે વિયાણ વચ્ચેનો ગાળો, વિયાણ પછી ફરી ગાભણ થવા માટે લાગેલો સમયગાળો જેવી નોંધ અંત્યંત ઉપયોગી હોય છે.
 • નોંધપોથીના અભ્યાસ પરથી સારા ખરાબ પશુઓને તારવવા સહેલા થઇ પડે છે તથા નબળા ઢોર ઓળખી તેનો નિકાલ કરવો સરળ રહે છે.
 • દૂધ ઉત્પાદનમાં કોઇ આકસ્મિક ધટ જોવા મળે તો સમસ્યા સમજી સમયસરના પગલાં લઇ શકાય છે. આપણી ગૌશાળા નફો કે ખોટ ભણી જઇ રહી છે તેની આગોતરી જાણ થઇ શકે છે.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate