অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

ખેડુતમિત્રો, તમે હમણા મહારાષ્ટ્રમાં જંતુનાશક દવાની ઝેરી અસરથી થોડા ખેડુતોની આકસ્મીક મોતના સમાચાર સાંભળ્યા હશે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરી રોગ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.પરંતુ જે આ દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે અને જે દવાની ઝેરી અસર અને દવા અંગે સામાન્ય જ્ઞાન ન હોય તો ખેડૂતના સ્વાસ્થય સામે જોખમ ઉભું થાય છે અને ઘણી વખત ઝેરના લીધે આકસ્મિક મૃત્યુ થવાના બનાવો જોવામાં આવે છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી અને કઈ કાળજી લેવી (pesticide safety) તે વિશે વિગતવાર માહિતી જોઇએ.

દવાનો સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી

  • દવાના પેકીંગ ઉપર લખેલ લેબલ કાળજીપૂર્વક વાંચી અને તેના ઉપર કંપની તરફથી આપવામાં આવેલ સૂચના પ્રમાણે વર્તવું, જે ખેડૂત અભણ હોય તો ભણેલા પાસે સૂચના વંચાવ્યા અને સૂચના સમજીને પછી જ દવાનો ઉપયોગ કરવો.
  • જે તે દવાને પોતાના અસલ લેબલવાળા પેકીંગમાં જ રાખવી. બહારનું લેબલ જુદુ હોય અને અંદર દવા બીજી હોય તેવું કરવાનું ટાળવું.
  • બાળકો, વૃદ્ધો તથા પરિવારના જે સભ્યો ખેતી કાર્ય સાથે સંકળાયેલ ન હોય અને પાલતું પશુઓના સંપર્કમાં ન આવે તેવી રીતે તાળું મારીને હવા-ઉજાસવાળા સ્ટોરરૂમમાં જંતુનાશક દવાનો સંગ્રહ કરવો હિતાવહ છે.
  • જંતુનાશક દવાનો સંગ્રહ ખોરાક તથા ખાદ્ય પદાર્થથી હંમેશા અલગ સંગ્રહ કરવો.
  • મુદત વિતેલ તારીખની તેમજ લીકેજ થઇ ગયેલ પેકીંગવાળી દવાનો સંગ્રહ ન કરતાં તેને જમીનમાં દાટી નિકાલ કરવો.
  • દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ. તે પહેલાં દર્દીન પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે.
  • દવા કે તેના ખાલી ટીન કોઇપણ સંજોગોમાં ઘરવપરાશના ઉપયોગમાં લેવા નહીં કે નદી- પાણી કે અન્ય સ્થળે ફેંકી ન દેતાં તેને ખાડો ખોદી જમીનમાં દાટી દેવા.
  • કોઇપણ સંજોગોમાં વધારે ભેજવાળી કે ગરમ જગ્યાએ દવાનો સંગ્રહ કરવો નહીં.

પાકમાં દવા છાંટતી વખતે રાખવાની કાળજી

  • મોટાભાગે દવા છાંટતી વખતે અકસ્માત વધારે થાય છે અને દવા છાંટતી વખતે જો બરાબર ધ્યાન ન રાખવામાં આવો તો જાનહાનિ થાય છે. માટે આ અંગે પુરતી તકેદારી રાખવી હિતાવહ છે.
  • દવા છાંટવાના સ્થળે ચોખ્ખ પાણી, સાબુ અને ટુવાલની સગવડતા રાખવી અને ઉપયોગ કરવો.
  • સૂચના મુજબનું પ્રમાણ જાળવવું હિતાવહ છે.
  • શ્વાસોશ્વાસમાં દવા લેવાઇ ન જાય તે અંગે સાવચેતી રાખવી.
  • દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું અને કોઇપણ સંજોગોમાં મોઢાનો ઉપયોગ કરવો નહીં.
  • દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઇ ખાવું-પીવું નહીં, બીડી, તમાકુ કે મસાલો ખાવો નહીં. સાબુથી હાથ ધોઇ પછી જ આ વસ્તુ લેવી હિતાવહ છે.
  • પવન વિરૂદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો.
  • બિમાર, અશક્ત કે દવાની એલર્જીવાળા માણસે દવા છંટકાવ કરવો નહીં.
  • દવા છાંટતી વખતે તેની ઝેરી અસરથી બચવા હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા, આાંખે ચરમા, હાથ મોજા, પગમાં બુટ, નાકે ગેસમાસ્ક પહેરી રાખવા અને કામ પૂરું થયે આ સાધનો પણ ધોઇ નાખવા.
  • કોઇપણ સંજોગોમાં સુતરાઉ કાપડની ટોપી માથા ઉપર પહેરવી નહીં. કારણકે સુતરાઉ કપડુ દવા વધારે રોષતું હોવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.
  • દવાનો પંપ લીકેજ ન થાય તે માટે તપાસ કરતી રહેવી અને લીકેજ પંપથી દવા છાંટવી. નહીં. ખાસ પંપનું ઉપરનું ઢાંકણ બરાબર બંધ કરવું જરૂરી બને છે.
  • દવા ભરેલા પંપનો સંગ્રહ કરવો નહીં. છંટકાવ કાર્ય પુરું થયે પંપ બરાબર સાફ કરીને જ મુકવો.
  • હમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવાનો આગ્રહ રાખવો.
  • ગંધયુક્ત દવાનો છંટકાવ ગરમીના સમયમાં પાકની પાનની ડાળી ઉપર કરવો નહીં.
  • દવા છાંટતી વખતે દવા છાંટનારો અમક સમય સુધી દવા છંટકાવ કર્યા બાદ વિરામ લેવો અને આ સમયમાં ચોખી અને ખુલ્લી તાજી હવા મળે તેમ કરવું.
  • દવાનો છંટકાવ પિયત પાણીમાં ન ભળી જાય તે જેવું.
  • નિંદામણનાશક દવા જે અન્ય જગ્યાએ છાંટવામાં આવે તો પાક બળી જાય છે અથવા વિકૃતિ પેદા કરતી હોય તો નિંદામણનાશક દવા છંટકાવનો પંપ શકય હોય તો અલગ રાખવો અથવા તો સારી રીતે પંપ સાફ કર્યા બાદ ઉપયોગમાં લેવો.
  • દવા છાંટયા પછી સાબુથી બરાબર સ્નાન કરી અને શરીર સ્વચ્છ કરવું.
  • તળાવ, નદી કે સંગ્રહ કરેલા પાણીનાં ટાંકામાં નાહવું નહીં.
  • સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા.
  • દવાનો છંટકાવ કર્યા બાદ ખેતરમાં નકકી કરેલા સમય સુધી કોઇ મનુષ્ય કે પ્રાણી ન જાય તેની કાળજી રાખવી જોઇએ.
  • ફળ-ફૂલ અને શાકભાજીમાં દવા છાંટયા બાદ અઠવાડિયા સુધી તેને ઉતારવા નહીં. દવા છાંટયા બાદ તરત જ શાકભાજી કે ફળ-ફૂલ ઉતારી ઉપયોગમાં લેવા નહીં કે વેચવા નહીં.
  • હંમેશા દવા છાંટનારે ફેમીલી ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું અને પોતાના લોહીની તપાસ કરાવતા રહેવી. વધારે દવા છંટકાવ થતો હોય તેવા સમયે એક કરતાં વધારે વખત ચેકઅપ કરાવવું.
  • દવાની ઝેરી અસરથી બચવા પ્રાથમિક સારવાર સાધનોની પેટી વસાવવી અને તેની જાણકારી રાખવી.

ઝેરી અસર સામે પ્રાથમિક સારવાર

  • પ્રતિકૂળ સંજોગોમાં દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ તે પહેલાં દર્દીને પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે. જેથી જાનહાનિ નિવારી શકાય છે. આવા સમયે વધારે અસર હોય તો ૧૦૮ નંબર પર કોલ કરી શકાય છે.
  • ચામડી ઉપર ઝેરી અસર થઇ હોય તો તાત્કાલીક દર્દીના દવાવાળા કપડી બદલી નાખવા અથવા ધોઇને ફરીથી પહેરાવવા.
  • આાંખમાં ઝેરની અસર જણાય તો ૧૦-૧૫ મિનિટ પાણીનો છંટકાવ કરી આાંખ બરાબર સાફ કરવી અને આવી પરિસ્થિતિમાં ડોકટરની સલાહ વગર કોઇપણ રસાયણ કે દવા આાંખમાં નાખવી નહીં.
  • શ્વાસોશ્વાસમાં ઝેરની અસર જણાય તો દર્દીને તાજી અને ખૂલ્લી હવા મળી રહે તેવી જગ્યાએ રાખવો. દર્દીને તાત્કાલીક આરામ આપવો. શક્ય હોય ત્યાં સુધી ચલાવવો નહીં.
  • દર્દીના કપડા ઢીલા કરી નાખવા. શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા, દર્દીને શાંત રાખવો, માદક પીણા આપવા નહીં.
  • આાંતરિક ઝેરી અસર જણાય તો દર્દીને તાત્કાલીક મીઠાનું ગરમ પાણી પાઇ ઉલ્ટી કરાવવી. એક ચમચી મીઠું એક પ્યાલો ગરમ પાણીમાં ઓગાળીને આપવું. જયાં સુધી ઉલ્ટીમાં ચોખ્યું પાણી ન નીકળે ત્યાં સુધી આમ કરવું.

જે ખેડૂત આટલા મુદ્દા જાણે અને તેને અનુસરે તો જંતુનાશકની હાનિકારક અસરોથી મોટાભાગે બચી શકાય.

વધુ સંપર્ક

  • સફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો
  • તમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.
  • તમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate