অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખોરાકમાં થતી ભેળસેળથી બચીએ

આપણે રોજીંદા જીવનમાં શરીરને કાર્યક્ષમ અને તંદુરસ્ત રાખવા માટે આહાર લઈએ છીએ. જો આપણે યોગ્ય આહાર ન લઈએ તો આપણી તંદુરસ્તી બગડે અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ પણ થવું પડે. આમ ન બને તે માટે આપણે શું ખાવું અને શું ન ખાવું તે બાબતની જાણકારી હોવી જરૂરી છે. આજકાલ ધંધાદારી વેપારીઓ દ્વારા ખાધ્યપદાર્થોમાં ભેળસેળ કરાતી જોવા મળે છે તેથી આપણે તથા આપણાં કુટુંબીજનોએ આ ધીમા ઝેરથી બચવું જરૂરી છે. જેથી ખોરાકની ગુણવતાની ચકાસણી કરવી મહત્વની છે.

 

ખોરાકની શુધ્ધતા માટે મહત્વની બાબત તમે તમે શું ખાઓ છો તેના પરથી નક્કી થાય છે. જો તમને ખાધ્યપદાર્થમાં કોઈ શંકાશીલ ભેળસેળ લાગે તો તરત જ તમારી નજીકના વિસ્તારના સિવિલ સર્જનને રિપોર્ટ કરો. હમેશા બ્રાન્ડેડ અને સારા પેકિંગવાળા પદાર્થો ખરીદવા જોઈએ. જો કે તેનાથી ખર્ચ વધુ થાય છે, પરંતુ તેમાં ભેળસેળની શક્યતા નહિવત હોય છે. આજકાલ ખાધ્યપદાર્થ સાથે સંકળાયેલ વેપારીઓએ પોતાના નૈતિક મૂલ્યો ગુમાવેલ છે. તે ધ્યાને લઈ ભેળસેળ અંગેની જાગૃતિ માટે કેટલીક સામાન્ય વિગતો અત્રે દર્શાવેલ છે.

સ્વાસ્થ્યને નુકશાનકર્તા રસાયણો

ભારત સરકારના પ્રિઝર્વેશન ઓફ ફુડ એડલ્ટરેશન એક્ટ (પીએફએ), ૧૯૫૪ ના કાયદાની કલમ નં ૨૮ મુજબ ખોરાકની વિવિધ બનાવટોમાં ચોક્કસ પ્રકારના કલ્ટાર કલર શેડ (લાલ, પીળો, વાદળી અને લીલો રંગ) નો ઉપયોગ થાય છે.  જો અન્ય કોઈ રંગ ખાધ્યપદાર્થમાં ઉમેરેલ હોય તો લેબલ પર કૃત્રિમ રીતે રંગેલ, નિયમ નં. ૨૪ મુજબ દર્શાવવું ફરજીયાત છે.      આ અંગે થયેલ સંશોધનથી જાણવા મળ્યું છે કે અમાન્ય ખાધ્ય રંગોનો વપરાશ કરતાં તેની ઝેરી અસર થતાં ચામડી, આંખ, ફેફસા, બરોળ વગેરેમાં વિકૃતિ આવે છે, શરીરની વિવિધ પેશીઓને તેમજ યકૃત, આંતરડા અને મૂત્રાશય જેવા અવયવોને નુકશાન થાય છે, લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટે છે, શરીરની દેહધાર્મિક ક્રિયાઓમાં અવરોધ પેદા થાય છે તેમજ કેન્સરની ગાંઠ પણ થવાની શક્યતા રહે છે.

બેકરીની બનાવટો:

કેટલીક બેકરીઓવાળા હલકા ખનીજ તેલનો ઉપયોગ કરી બેકરીની ચીજવસ્તુઓ બનાવી ઓછી કીમતે વેચે છે અને આર્થિક નફો મેળવે છે. બેકરીની બનાવટોમાં બગડેલા ઈંડા તેમજ હલકા ખનીજ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી વસ્તુઓ બનાવતી વખતે કારીગરોનો પરસેવો ભળવાથી આહાર બગડે છે અને આપણી તંદુરસ્તીને નુકશાન કરે છે.

દૂધ અને દૂધની બનાવટો:

આજકાલ સમાચાર પત્રોમાં કૃત્રિમ દૂધ વિષે ઘણું બધુ આવતું હોય છે. આવું કૃત્રિમ દૂધ યુરિયા, કોસ્ટિક સોડા, ડિટરજન્ટ અને સોડિયમ સલ્ફેટમાંથી બનાવાય છે. જો ૨૦ ટકા કૃત્રિમ દૂધ સામાન્ય દૂધમાં ભેળવવામાં આવે તો તેને ચકાસવું ઘણું મુશ્કેલ બને છે. તે દૂધ જેવુ જ દેખાય છે પણ તેનો સ્વાદ કડવો હોય છે અને તે સાબુ વાળું લાગે છે. તેની ચકાસણી કરવાનો સહેલો રસ્તો દૂધને બે હથેળી વચ્ચે અંગૂઠાને આંગળી વચ્ચે ઘસવું. જો તેમ ઘસતા દૂધ સાબુવાળું લાગે અથવા સાબુની ગંધ આવે તો તરત જ કહી શકાય કે દૂધ કૃત્રિમ રીતે બનાવેલ છે. આવું કૃત્રિમ દૂધ ખોરાકમાં લેવાથી અંધાપો આવે, આંખે દેખાતું નથી અને મૂત્રપિંડને નુકશાન થાય છે.

જો આવા કૃત્રિમ દૂધમાથી પનીર અને ખોયા બનાવાય અને તેનો ઉપયોગ મીઠાઇ કે નાસ્તા બનાવવામાં હલવાઈ દ્વારા થાય તો તેવી બનાવટો ખાનારની તંદુરસ્તી ઉપર ગંભીર અસર કરે છે. કેટલીક વાર મોંઘા દૂધના પાઉડરની સાથે સસ્તો સોપસ્ટોન પાઉડર પણ ભેળવવામાં આવે છે.

કૃત્રિમ દૂધ અને કુદરતી દૂધની સરખામણી

ક્રમ

લક્ષણ

કૃત્રિમ દૂધ

કુદરતી દુધ

(૧)

સ્વાદ

ઘણો કડવો

સ્વાદુ, રોચક

(૨)

રંગ

સફેદ

સફેદ

(૩)

પી. એચ.

૯.૦ થી ૧૦.૫

૬.૬ થી ૬.૮

(૪)

બાંધો

બે આંગળી વચ્ચે ઘસતા સાબુવાળું લાગે

સાબુવાળું લાગે નહીં

(૫)

ગંધ

સાબુવાળા દૂધને ઉકાળતા સ્પષ્ટ ગંધ આવે

દુધ જેવી

(૬)

યુરિયા ટેસ્ટ

પોજીટીવ

કુદરતી હોવાને લીધે અસ્પષ્ટ બતાવે

રંગની ભેળસેળ:

રંગ દ્વારા કરવામાં આવતી ભેળસેળ એ વારંવાર કરાતી ભેળસેળનો એક પ્રકાર છે. રંગ પોતે કોઈ ખોરાક નથી અને તે ખોરાકના પોષણમૂલ્યમાં કોઈ વધારો કરતો નથી. તે ખોરાકમાં રહેલી ખામીને ઢાંકી દે છે. પરિણામે હલકા પ્રકારનો ખોરાક ઉતમ પ્રકાર જેવો દેખાય છે. કૃત્રિમ રીતે ખોરાકને રંગ આપવાથી કોઈપણ ચીજવસ્તુ સલામત રહેતી નથી. વળી બાળકો માટેના ખોરાકને રંગ આપવામાં ઘણા જોખમો રહેલા છે. ઉપરાંત રંગની ભેળસેળથી ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન પહોચે છે. રંગ આપવાથી ખોરાકમાં અવળી પ્રતિક્રિયા થાય અને શરીરમાં રહેલ વિષમાં તે પરીવર્તન લાવે છે જેના પરિણામે વિકૃતિ, કેન્સર કે અન્ય વિષજન્ય અસરો પેદા થાય છે.

રંગની ભેળસેળમાં નીચેની બાબતો પર ધ્યાન રાખવું:

  1. કોઈપણ પ્રકારના ખોરાક કે પાણીમાં પ્રતિબંધ કરાયો હોય તેવા રંગનો ઉપયોગ ન કરવો.
  2. આઈ.એસ.આઈ. માર્કા વગરના બજારમાં વેચાતા ગમે તેવા રંગનો ઉપયોગ ન કરવો.
  3. કૃત્રિમ રીતે ખોરાકને રંગ આપવાની મનાઈ ફરમાવેલ હોય તેવા ચા, કોફી, મરીમસાલા,કઠોળ વગેરેમાં રંગનો ઉપયોગ ન કરવો.
  4. એક કીલો ખોરાક કે પાણીમાં ૦.૨ ગ્રામ જેટલો રંગ ઉમેરવાની પરવાનગીની મર્યાદા છે.તેનાથી વધારે પ્રમાણમાં રંગનો ઉપયોગ ન કરવો.

ઉપરોક્ત વિગતો ધ્યાનમાં લઈ રંગની ભેળસેળથી બચવા માટે પેક કરેલ અને સીલ કરેલા આઈ.એસ.આઈ. કે એગમાર્કવાળો ખોરાક ખરીદવો જોઈએ.

અન્ય પદાર્થોમાં ભેળસેળ જાણવાની રીત

અત્રે બજારમાં વેચાતા કેટલાક પદાર્થો અને તેમાં થતી ભેળસેળની વિગતો જાણવા માટેની પધ્ધતિ વિષે ટૂંકમાં કોઠામાં માહિતી દર્શાવેલ છે;

 

ક્રમ

પદાર્થ

ભેળસેળ

ચકાસણી

૧.

ચાની ભૂકી

ચાના પાનને સુક્વી, દળી, કૃત્રિમ રંગ કરેલ હોય.

ભીના પેપર ની સપાટી પર મુક્તા પીળા, ગુલાબી કે લાલ રંગના ડાઘા જોવા મળે તો તેમાં કૃત્રિમ રંગ ઉમેરેલ છે.

૨.

કઠોળ અને દાળ

પૉલિશ માટે કોલટાર ડાય

કઠોળમાં ઉકળતું પાણી નાખી હલાવતા પાણી રંગવાળું બને છે.

૩.

ખાધતેલ

તીવ્ર ઝેરી

હાઈડ્રોક્લોરિક એસિડમાં ફેરિક ઓઇલ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા લાલાશ કે કથ્થાય રંગ દેખાય છે.

૪.

જીરૂ

ઘાસના બી જેને ચારકોલ ડસ્ટથી રંગ કરેલ હોય છે.

હાથ પર ઘસતા આંગળીઓ કાળી થાય છે.

૫.

ધાણાનો પાવડર

ઘોડાની લાડ અને લાકડાનો પાવડર ભેળવેલ હોય છે.

સાવચેતીરૂપે આખા ધાણા ખરીદી ઘેર પાવડર બનાવવો હિતાવહ છે.

૬.

હળદર

૧) ઘઉં, ચોખા કે જુવારનો લોટ

૨) ટેલકમ પાવડર, ઇંટોનો ભૂકો, લેડ

સાંદ્રિત હાયડ્રોક્લોરિક ઍસિડ હળદરના દ્રાવણમાં ઉમેરતા સાથે ગુલાબી રંગ આપે છે. જો હળદર એકલી હોય તો ગુલાબી રંગ મળતો નથી.

 

૭.

મરચાની ભૂકકી

લાકડાનો વહેર અને રંગ

પાણી ભરેલા ગ્લાસમાં મરચું છાટતા લાકડાનો વહેર ઉપર તરશે અને પાણીમાં રંગ ઓગળશે.

૮.

હિંગ

સુગંધિત અને રંગ કરેલ રેજિન કે ગુંદર

શુદ્ધ હિંગને પાણીમાં ઓગાળતા દૂધિયું સફેદ દ્રાવણ મળે છે.

૯.

કેસર

રંગ અને સુગંધિત કરેલ મકાઈનાં સૂકા તાંતણા

કુદરતી કેસર કઠણ હોય છે. જયારે કુત્રિમ તાંતણા બરડ અને જલ્દીથી ભાંગી જાય છે.

૧૦.

રવો

વજન વધારવા માટે લોહના રજકણો

રવામાં લોહચુંબક ફેરવતા લોહના રજકણો ચોંટે છે.

૧૧.

ખાંડ

વોશિંગ સોડા

હાઈડ્રોક્લોરિક એસિડ સાથે ઉભરો આપે છે.

૧૨.

ગોળ

મેટાનીલ યલો ગોળમાં

હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરતા મેજેન્ટા રેડ રંગ આપે છે.

૧૩.

સાબુદાણા

રેતી, ટેલ્કમ પાવડર

મોંમાં મૂકતાં રેતી હોય તો કરકર લાગે છે.

ગ્રાહક અદાલતો ગ્રાહકોને ખરાબ માલ સામે રંક્ષણ આપે છે. જો તમારી પાસે માલની ખરીદીનું બીલ હોય અને તેમાં તમોને ભેળસેળ મૂલમ પડે તો તમે ગ્રાહક અદાલતમાં ખોરાકનો નમૂનો અને ખરીદીના બિલની નકલ આપી તમે તેની સામે યોગ્ય નાણાકીય વળતર મેળવી શકો છો. સરકારી કાયદા અનુસાર કોઈપણ  વેપારી કે દુકાનદાર ઝેરી અને ભેળસેળ વાળો ખોરાક કે માલ વેંચી શકે નહીં.

લેખક: શ્રી કમલેશ આર. જેઠવા (ગ્રાહક ન.-૫૨૧૧), શ્રી જગદીશ જે. ચાવડાએગ્રી. પ્રોસેસ ઈજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિધાલય, આણંદ કૃષિ  યુનિવર્સિટિ, ગોધરા-૩૮૯૦૦૧

પ્રકાશન: કૃષિ ગોવિદ્યા, એપ્રીલ-૧૬, વર્ષ-૬૮, અંક-૯, પેજ નં.: ૪૭-૪૯

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ખોરાકમાં થતી ભેળસેળથી બચીએ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate