অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સમાવેશકતાની વાસ્તવિકતા

સમાવેશકતાની વાસ્તવિકતા

  1. બહિષ્કાર/ભેદભાવનો ઉદ્ભવ
    1. ભેદભાવના ઉદ્ભવ પાછળનાં કારણો નીચે મુજબ હોઈ શકેઃ
  2. બહિષ્કાર/ભેદભાવનો આધાર
    1. જ્ઞાતિ અને વર્ગઃ
    2. જાતિ (સ્ત્રી કે પુરુષ) આધારિત પરંપરાગત ભૂમિકાઃ
    3. જાતિ (વંશ)
    4. નૃવંશતાઃ
    5. રાજકીય જોડાણ/અભિપ્રાયઃ
    6. શારિરીક, માનસિક કે ઈન્દ્રિયને લગતી વિકલાંગતાઃ
  3. બહિષ્કાર/ભેદભાવથી પીડાતાં જૂથો
  4. બહિષ્કાર/ભેદભાવના સૂચકો
  5. બહિષ્કાર/ભેદભાવની અસરો
  6. બહિષ્કાર/ભેદભાવ અને વિકલાંગતા
  7. સમાવેશકતા વિરુદ્ધ બહિષ્કાર
    1. સમાવેશકતા
    2. બહિષ્કાર વિશેની કેટલીક ધારણાઓ આ પ્રમાણે છેઃ
  8. ભેદભાવ
  9. સમાવેશકતા એટલે શું?
  10. સમાવેશકતા એટલે પરિવર્તન
  11. સમાવેશકતા આડેના સંભવિત અવરોધો
    1. અભિગમને લગતા અવરોધોઃ
    2. સંસ્થાકીય અવરોધોઃ
    3. ભૌતિક કે માહોલને લગતા અવરોધોઃ
    4. કાનૂની અવરોધોઃ
  12. સમાવેશક્તાનાં પાસાં
  13. ઉપસંહાર

જ્યાં સુધી સમાજના વંચિત, અવાજવિહોણા, ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો ભેદભાવનો અને બહિષ્કારના રાજકારણનો શિકાર બનતા રહેશે, ત્યાં સુધી ન્યાયપૂર્ણ અને વાજબી સામાજિક વ્યવસ્થા કે વિશ્વમાં સમતાવાદી સમાજના સર્જનનું સ્વપ્ન સાકાર થવું અશક્ય છે. આવો ભેદભાવ/બહિષ્કાર એ ગરીબીની જટિલ પ્રક્રિયાનો આલોચનાત્મક ઘટક છે. ભેદભાવને કારણે બહિષ્કાર જન્મે છે. જોકે, જૂથો અને સમુદાયોને બહિષ્કૃત કરવા પાછળનું કારણ સંકુચિતતા અને તેમની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સ્થિતિના મૂળમાં રહેલું છે. બહિષ્કાર/ભેદભાવ વિશેની સમજ અહીં આપવામાં આવી છે

બહિષ્કાર/ભેદભાવનો ઉદ્ભવ

ભેદભાવના ઉદ્ભવ પાછળનાં કારણો નીચે મુજબ હોઈ શકેઃ

  1. સમાજનાં વર્ચસ્વ ધરાવનારાં જૂથોએ તેમને ઐતિહાસિક કારણોસર મળેલા લાભો (જેની ચર્ચા અહીં સંક્ષિપ્તમાં કરવી શક્ય નથી)ને કારણે સમાજમાં પ્રભાવક દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. પરિણામે, તેમણે તેમનાં મૂલ્યો અને સંસ્કૃતિ, તેમના તાબા હેઠળનાં જૂથો પર લાદયાં. ઉપરાંત અન્ય બાબતોની સાથે-સાથે નિર્ણય લેવાની પ્રક્રિયા તેમ જ સંસાધનો પરની માલિકી અને ઉપલબ્ધતા અંગે તેમના પર નિયંત્રણો મૂકયાં.
  2. વર્ચસ્વ ધરાવનારાં જૂથોમાં, તાબા હેઠળનાં જૂથો કરતાં પોતે ચઢિયાતી હોવાની લાગણી સમાજના વિભાજનમાં પરિણમે છે, જેના કારણે તાબા હેઠળનાં જૂથો વંચિતતાની સ્થિતિમાં આવી જાય છે.
  3. તાબા હેઠળનાં જૂથો વિશે શંકાઓ રાખવી, પૂર્વગ્રહો બાંધવા અને પૂર્વધારણાઓ બાંધી લેવી, તેમ જ તાબા હેઠળનાં જૂથો પોતાના આશ્રય તથા મહેરબાની હેઠળ છે તેવી લાગણી વર્ચસ્વ ધરાવનારાં જૂથોમાં પ્રવર્તવી.

બહિષ્કાર/ભેદભાવનો આધાર

જ્ઞાતિ અને વર્ગઃ

અત્યંત નિમ્ન જ્ઞાતિઓ, એટલે કે કહેવાતી અસ્પૃશ્ય જ્ઞાતિઓ (અનુસૂચિત જાતિઓ કે દલિતો) વિરુદ્ધ આચરવામાં આવતો ભેદભાવ ભારતીય સંદર્ભમાં સૌથી તીવ્ર રહ્યો છે. મોટાભાગના દક્ષિણ એશિયામાં તેઓ ગુલામો હતા, તેમ કહેવું પણ અતિશયોક્તિ નહીં ગણાય. આ ઐતિહાસિક સંદર્ભથી ઊલટું, એ પણ સાચું છે કે પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે. ખાસ કરીને ભેદભાવ પડકારવા માંગતી અનુસૂચિત જાતિઓની રાજકીય પ્રવૃત્તિઓ વધવાને કારણે જ્ઞાતિ આધારિત ભેદભાવનું પ્રમાણ ઘટી રહ્યું છે. એ સ્પષ્ટ છે કે આર્થિક વૃદ્ધિની સાથે એકંદરે સામાજિક દરજ્જા માટે આર્થિક વર્ગનું મહત્ત્વ વધ્યું છે અને જ્ઞાતિની ઓળખ કદાચ ધીમે ધીમે મહત્ત્વ ગુમાવી રહી છે. ચોક્કસપણે કહીએ તો, સ્વયં જ્ઞાતિમાં જ પરિવર્તન આવ્યું છે. શહેરી વિસ્તારોમાં, જ્ઞાતિ વિશે વાસ્તવમાં જે અભિપ્રાય પ્રવર્તે છે, તે બે દાયકા પહેલાંના અભિપ્રાય કરતાં ઘણો જ જુદો છે. 'ધાર્મિક શુદ્ધિ'ના ક્રમની દ્રષ્ટિએ જ્ઞાતિનું મહત્ત્વ ઘણું ઘટી ગયું છે, અને નવી રાજકીય લૉબી તથા નવા રાજકીય પક્ષોની દ્રષ્ટિએ તે મહત્ત્વનું પરિબળ બની રહે છે.

જાતિ (સ્ત્રી કે પુરુષ) આધારિત પરંપરાગત ભૂમિકાઃ

જાતિગત ભેદભાવ હેઠળ દક્ષિણ એશિયામાં મહિલાઓનો, જીવનના અધિકાર (રાઈટ ટુ લાઈફ - અત્યંત ક્રૂર કિસ્સા, જેમાં બાળકીની હત્યા કે સ્ત્રીભ્રૂણ હત્યા કરવામાં આવે છે) થી માંડીને ખોરાક, શિક્ષણ અને સમાન ગતિશીલતાની સમાન પ્રાપ્યતા વગેરે જેવાં વિવિધ સ્તરે બહિષ્કાર કરવામાં આવે છે. તેનો અર્થ એ કે મહિલાઓ તુલનાત્મક શિક્ષણથી વંચિત રહેતી હોવાથી તેમને નોકરીની સમાન તકો મળતી નથી. આ પાછળનું કારણ કદાચ પ્રભુત્વ ધરાવનારી ઉચ્ચ જ્ઞાતિઓના મૂળભૂત હિંદુત્વવાદી વિચારોમાં રહેલું છે, જેમ કે, વૃદ્ધ માતા-પિતાની કાળજી ફક્ત પુત્રોએ જ રાખવી જોઈએ, પુત્રીઓએ નહીં, એવું પ્રબળ સામાજિક ધોરણ. પાછલી અવસ્થાએ પુત્ર પર નિર્ભર રહેવાનું હોવાથી વસતિના અમુક વર્ગોમાં પુત્રીઓ પાછળ નહીં, બલકે પુત્રો પાછળ રોકાણ કરવાનું પ્રબળ વલણ જોવા મળે છે. અર્થાત્, આ જૂથોમાં, આર્થિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ મહિલાઓનું મૂલ્ય પુરુષો કરતાં ઓછું આંકવામાં આવે છે, પરિણામે તેમને પ્રાપ્ય થતી તકો પર તેનો સીધો પ્રભાવ વર્તાય છે.

જાતિ (વંશ)

વિશ્વના ઘણા દેશોમાં જાતિ એ બહિષ્કારનો પાયો છે. બહિષ્કારનું આ સ્વરૂપ અમેરિકા તથા વિશ્વના અન્ય દેશોમાં સામાન્ય હતું.

નૃવંશતાઃ

નૃવંશીય લઘુમતીઓના બહિષ્કારમાં નૃવંશતાનું નોંધપાત્ર પ્રદાન છે. ફકત નૃવંશીય લઘુમતીઓ જ નહીં, પણ અન્ય ઘણા લોકોને તેમની નૃવંશતાના આધારે બહિષ્કૃત કરવામાં આવે છે.

રાજકીય જોડાણ/અભિપ્રાયઃ

વિશ્વની કેટલીક રાજકીય વ્યવસ્થાઓ ફકત વ્યક્તિઓના રાજકીય જોડાણને કારણે તે વ્યક્તિઓનો બહિષ્કાર કરતી જોવા મળે છે.

શારિરીક, માનસિક કે ઈન્દ્રિયને લગતી વિકલાંગતાઃ

વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને તેમની વિકલાંગતાના આધારે બહિષ્કૃત કરવામાં આવે છે તથા તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે.

બહિષ્કાર/ભેદભાવથી પીડાતાં જૂથો

સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ, આર્થિક અને રાજકીય દરજ્જો તેમ જ શારીરિક, માનસિક કે ઈન્દ્રિયને લગતી વિકલાંગતાના આધારે ભેદભાવ/બહિષ્કારનો સામનો કરતાં જૂથો કે વ્યક્તિઓની દ્રષ્ટાંતરૂપ (સમાવેશક નહીં) યાદી આ પ્રમાણે છે.

  • અસ્તિત્વ અને ઓળખ ટકાવી રાખવા માટે મથતા મૂળ નિવાસીઓ (આદિવાસીઓ)
  • વિસ્થાપિત મૂળનિવાસીઓ અને દલિતો
  • વિસ્થાપિત લોકો
  • લાંછનરૂપ વ્યવસાયો સાથે સંકળાયેલી વ્યક્તિઓ
  • મહિલાઓ
  • એચઆઈવી અને એઈડ્ઝ તથા અન્ય લાંછનરૂપ બીમારીઓથી પીડાતા દર્દીઓ
  • વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ
  • મુશ્કેલી ભરેલી પરિસ્થિતિમાં જીવતાં બાળકો
  • લઘુમતી જૂથો
  • કાળો વર્ણ ધરાવનારા લોકો

બહિષ્કાર/ભેદભાવના સૂચકો

ભેદભાવ અને બહિષ્કારના સ્પષ્ટ સૂચકોની વ્યાપક યાદી આ પ્રમાણે છેઃ

  1. નબળું આરોગ્ય, શિક્ષણ, આવક અને સામાજિક તકો.
  2. અસલામતી, અને તેમની સ્થિતિમાં સુધારો લાવવાની ઓછી શક્યતાઓ.
  3. મુખ્ય પ્રવાહની ઔપચારિક સંસ્થાઓ અને વ્યવસ્થાઓ સાથે નબળાં જોડાણો તથા વ્યવસ્થાઓ પર નહિવત્ પ્રભાવ.
  4. પ્રભાવશાળી જૂથોનાં હિતોને સાચવવા માટે રાજ્યના પક્ષે જરૂરી ઈચ્છાશક્તિનો અભાવ તેમ જ હિતોનાં વર્ચસ્વ ખાળવા માટે રાજ્યની અક્ષમતા.
  5. પ્રભાવિત થયેલાં જૂથોએ સતત અન્યાયનો સામનો કરવો પડે છે.

બહિષ્કાર/ભેદભાવની અસરો

વિકાસલક્ષી સંસ્થાઓનું કાર્ય મુખ્યત્વે અત્યંત ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર કેન્દ્રિત હોય છે. તેથી, સંસ્થાઓ બહિષ્કાર અને ભેદભાવથી પીડિત સમાજના આ વર્ગો તરફ અન્ય લોકોનું ધ્યાન દોરે છે. આ વર્ગો સાથેનું જોડાણ મજબૂત, પરિપૂર્ણ અને વિસ્તૃત બને તે જરૂરી છે, જેથી માળખાગત સુધારણા તરફના તેમના સંઘર્ષને સક્રિય સામેલગીરી અને સહભાગિતા થકી આગળ ધપાવી શકાય.

વિપરિત સામાજિક અને આર્થિક પરિણામો પાછળનાં કારણો સમજવાં પણ જરૂરી છે. તે ઉપરાંત, તેમના પર લાદવામાં આવેલાં બંધનો અને તેમણે ભજવવાની ભૂમિકા વિશે તેઓ જાણકારી મેળવે એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. તે ઉપરાંત, બહિષ્કૃત જૂથોના સભ્યોએ, સમાજ જે રીતે તેમને જૂએ છે તેનો કેવી રીતે સ્વીકાર કર્યો છે કે તે વિરુદ્ધ કેવી રીતે બળવો પોકાર્યો છે તેની જાણકારી મેળવવી જરૂરી છે.

બહિષ્કાર/ભેદભાવ અને વિકલાંગતા

કહેવાતી વિકાસલક્ષી સંસ્થાઓ દ્વારા વિકલાંગતા વિશેના પ્રશ્નો વિશે ઓછી ચર્ચા કરવામાં આવે છે અને તે પ્રશ્નો પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. ભેદભાવ, માનભંગ, વંચિતતા, ઈનકાર, અમાનવીયકરણ વગેરે જેવી પરિસ્થિતિઓ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓએ વિવિધ વૃત્તિજન્ય, પરિસ્થિતિજન્ય અને સંસ્થાકીય અવરોધો  સ્વરૂપે ડગલેને પગલે સહન કરવી પડે છે. વિકલાંગ મહિલાઓ તથા બાળકો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેનારી તેમજ ઉપલબ્ધતા મળવી મુશ્કેલ હોય તેવા વિસ્તારોમાં રહેતી વિકલાંગ વ્યક્તિઓએ સૌથી વધુ મુશ્કેલી સહન કરવી પડે છે. એ સાચે જ શરમજનક બાબત છે કે ભારત સહિતના ઘણા દક્ષિણ એશિયન દેશોમાં, સરકારને નીતિઓ ઘડવામાં અને કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં મદદરૂપ બની શકે તેવા વિકલાંગતા વિશેના આધારભૂત આંકડાઓ તથા વિગતો જ પ્રાપ્ય નથી. પરિણામે, સરકાર તેમ જ નાગરિક-સમાજ સંગઠનો, માનવજાતિના વિકાસ માટે પ્રદાન આપવાની વિપુલ સંભાવના ધરાવતા એક નોંધપાત્ર વર્ગ માટે સામાન્ય અભિગમ અપનાવીને સંતોષ માને છે. નામશેષ થવાને આરે આવીને ઊભેલી પ્રજાતિઓની સંખ્યા વિશેના આંકડાઓ ઉપલબ્ધ છે, પરંતુ માનવજાતિના જ એક નોંધપાત્ર વસતિના સમુદાય વિશે હજી એવી આધારભૂત આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી તે સાચે જ દયનીય બાબત છે. ભારત સહિતના કેટલાક દક્ષિણ એશિયન દેશોમાં વિકલાંગતા ધરાવનારી વ્યકિતઓના હક્કોનું રક્ષણ કરતા કેટલાક કાયદાઓ અસ્તિત્વ ધરાવતા હોવા છતાં, અનુભવના આધારે એમ કહી શકાય કે આ કાયદાઓ ન્યાય મેળવવા માટે ચાવીરૂપ અને વાસ્તવિક હોવા કરતાં પ્રતીકાત્મક વધુ છે.

સમાવેશકતા વિરુદ્ધ બહિષ્કાર

સમાવેશકતા

બહિષ્કૃત થવાથી કેવી લાગણી અનુભવાય છે ? જો કોઈને બહિષ્કૃત થયા હોવાની લાગણીની કલ્પના કરવાનું કહેવામાં આવે, તો કયા શબ્દો મોઢે આવે છે ? લોકોની તાત્કાલિક પ્રતિક્રિયા કંઈક આવા શબ્દોરૂપે વ્યક્ત થતી હોય છેઃ 'ડરામણી લાગણી અનુભવાય, એકાકી, એકલવાયાપણું લાગે, ભય પામી જવાય, દુઃખી થઈ જવાય; પાગલ, નિરાશ, હતાશ થઈ જવાય,' વગેરે. જ્યારે વ્યક્તિને આવકાર મળતો હોય, સમાવેશ થતો હોય, ત્યારે કેવી લાગણી અનુભવાય છે? તેવું પૂછાતાં જવાબ હોય છેઃ 'ઘણું સારંુ લાગે છે, ખૂબ ગમે છે, રોમાંચિત થઈ જવાય, મારંુ મહત્ત્વ હોવાની લાગણી થાય, હૂંફ લાગે, તુદરસ્ત,' વગેરે. આ પ્રતિભાવો સાર્વત્રિક છે. કોઈ પણ વયનાં બાળકોમાં, તમામ દેશોના લોકોમાં, યુવાનો, સ્ત્રીઓ, પુરુષોમાં આ જવાબો સમાન રહે છે. જ્યારે લોકોનો સમાવેશ કરવામાં આવે, તેમને આવકાર આપવામાં આવે, ત્યારે તેઓ સારી લાગણી અનુભવે છે. સમાવેશકતા એ શિક્ષણ મેળવવા માટેની પૂર્વશરત છે, જયારે બહિષ્કાર એ દુઃખ, એકાકીપણા અને સંઘર્ષ માટેની પૂર્વશરત છે. સ્વામિત્વભાવ એ પ્રાસંગિક નહીં, બલકે અસ્તિત્વ માટેની પ્રાથમિકતા છે. આમ, બહિષ્કાર વ્યક્તિને મારી નાખે છે. - શારીરિક રીતે અને/અથવા માનસિક રીતે. બહિષ્કારની પીડાને 'મારવી'એ શીખીને મેળવેલું કૌશલ્ય છે. પુખ્ત વયની વ્યક્તિઓ ઘણી વખત દારૂ, નશીલાં દ્રવ્યો અને વળગણનો આશરો લઈને દુઃખ ભૂલવાનો વિકલ્પ પસંદ કરે છે.

સમાવેશકતા એ ઘરનો પાયો છે. તે માનવીના પૂર્ણ અને તંદુરસ્ત વિકાસ તથા વૃદ્ધિની બાંયધરી નહીં, બલકે પૂર્વશરત છે. રૅન્ડમ હાઉસ કૉલેજ ડિક્શનરીમાં 'સમાવેશક્તા'ને વિશેષણ તરીકે દર્શાવીને તેનો અર્થ આપવામાં આવ્યો છે. - 'સમાવવું, અપનાવવું, સ્વીકારવું'. રોગેટના સમાનાર્થક શબ્દકોશ (ચોથી આવૃત્તિ)માં 'સમાવેશક'નો અર્થ થાય છે 'સાથે'.

બહિષ્કાર વિશેની કેટલીક ધારણાઓ આ પ્રમાણે છેઃ

  • દરેક વ્યક્તિનાં ક્ષમતા કે મૂલ્ય એકસમાન નથી હોતાં.
  • સમાન તક આપવી વ્યવહારુ રીતે શક્ય નથી.
  • જે શ્રેષ્ઠ હોય તેની પસંદગી કરવી જોઈએ અને તાલીમ પૂરી પાડવી જોઈએ, જે બાકીના લોકોની કાળજી લઈ શકે.
  • સમાવેશ એ વિરુદ્ધ છે અને તે વિરોધી ધારણાઓથી કામ કરે છેઃ
  • મૂલ્યની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ વિશિષ્ટ છે, જોકે, દરેક વ્યક્તિ આગવી ક્ષમતા ધરાવે છે.
  • તમામ લોકો શીખવાની ક્ષમતા ધરાવે છે અને પ્રદાન કરી શકે છે.
  • દરેક વ્યક્તિને કંઈક પ્રદાન કરવાની તક આપવાની બધાની જવાબદારી છે.

સમાવેશકતા માટેનો માપદંડ, આઈક્યુ, આવક, રંગ, વંશ, લિંગ કે ભાષા નહીં, પરંતુ જીવિત હોવું એ છે. સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો છેદ ઉડાવી દેવો એ અનૈતિક, વિસંગત અને રાજકીય રીતે અસ્વીકૃત છે.

ભેદભાવ

જ્યારે અન્ય લોકો કે જૂથો વિશે કારણ વિના અભિપ્રાય બાંધી લેવામાં આવે, ત્યારે ઘણી વખત તે અન્યાયી ભેદભાવ તરફ દોરે છે. પૂર્વગ્રહ અને ભેદભાવ ઘણાં પરિબળો દ્વારા સર્જવામાં આવે છે, જે પૈકીનાં કેટલાંક પરિબળો વધુ તીવ્ર અને ઊંડી નુક્સાનકારક અસરો ઉપજાવે છે. ઘણી વખત, જો પૂર્વગ્રહ આઘાતજનક અનુભવ દ્વારા ન ઉદ્ભવ્યો હોય, તો તે સહેલાઈથી ભૂલી શકાય છે. ભય, અપરાધભાવ, શરમ, સંકોચ, નૈતિકતા વગેરે જેવાં પરિબળો પૂર્વગ્રહ કે પક્ષપાતને મજબૂત કરે છે. ફ્રોડના સિદ્ધાંત અનુસાર પૂર્વગ્રહને ધ્યેય અને હેતુ હોય છે. પોતાની જ સંસ્કૃતિમાં લોકોને નિમ્ન સ્થાન ધરાવનાર ગણાવવા એ પૂર્વગ્રહનો હેતુ હોય છે. જ્યારે પૂર્વગ્રહયુક્ત વર્તન અને વલણનું ધ્યેય દુઃખના અનુભવોમાંથી ઉદ્ભવતા ક્રોધાવેશમાંથી છૂટકારો મેળવવાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આપણી જાતને શક્તિહીન અને અપૂરતા અનુભવીએ છીએ એટલે જ આપણે બીજા સાથે ભેદભાવ કરીએ છીએ. ભેદભાવ સાબિત કરવો ઘણી વખત મુશ્કેલ હોય છે, ખાસ કરીને જ્યારે તે નિશ્ચિત કાયદામાં વ્યક્ત ન કરવામાં આવ્યો હોય અથવા તો જ્યારે મુશ્કેલી વિશે જાણકારી મેળવવા માટે વર્ચસ્વ ધરાવનારાં જૂથોમાં પ્રતિબદ્ધતાનો અભાવ વર્તાતો હોય. આ માટે ભેદભાવનાં સ્પષ્ટ લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. ભેદભાવના સ્પષ્ટ નજરે ચઢતાં સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ એ હકીકતમાં પ્રતિબિંબિત થાય છે કે વિકાસશીલ અને ઔદ્યોગિક દેશોમાં દલિતો, મહિલાઓ, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ તથા વૃદ્ધ વયના લોકો ગરીબ હોવાની ટકાવારી ઘણી ઊંચી છે. ભેદભાવનું વધુ એક દેખીતું સ્વરૂપ એ છે કે ચાવીરૂપ સામાજિક, રાજકીય અને આર્થિક સંસ્થાઓમાં દલિતો, લઘુમતીઓ, મૂળનિવાસીઓ, મહિલાઓ અને વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને સામેલ કરવામાં આવતાં નથી. ગરીબી અને બહિષ્કાર પાછળનું મુખ્ય કારણ ભેદભાવ છે, એ સિદ્ધ કરવું મુશ્કેલ હોવા છતાં, ગરીબી અને બહિષ્કારનાં અન્ય સ્વરૂપો હાંસિયામાં ધકેલાઈ ગયેલાં જૂથોમાં વધુ પ્રચલન
ધરાવે છે તે હકીકત સૂચવે છે કે ભેદભાવ એ મુખ્ય પરિબળ હોઈ શકે છે.

માહિતીની મર્યાદાઓને કારણે પણ ભેદભાવમાંથી બહિષ્કાર જન્મતો હોવાની હકીકત સિદ્ધ કરવી વધુ મુશ્કેલ બને છે. પરંતુ, ઘણા કિસ્સાઓમાં ભેદભાવ એ લઘુમતીઓ, મૂળનિવાસીઓ, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ વગેરેનો બહિષ્કાર કરવા પાછળનું મુખ્ય પરિબળ હોવાની પૂરતી સાબિતી મળી રહે છે. ગરીબી અને અસમાનતા ઘટાડવાનો ઉદ્દેશ્ય ધરાવતી વિકાસ નીતિ પર તેની ગંભીર અસરો ઉપજે છે. આર્થિક બહિષ્કારને ખાળવા માટેની નીતિગત વ્યૂહરચનાઓને મજબૂત કરવા માટે વિકલાંગતા, નૃવંશ, ધાર્મિક કે ભાષાકીય જૂથના આધારે રાખવામાં આવતા ભેદભાવની તપાસ થવી જોઈએ. વિકલાંગતા ધરાવતા બાળકને શાળા કે વર્ગમાં દાખલ કરાવી દેવાથી સમાવેશ થઈ ગયો એમ ન કહેવાય. એ તો એક નાનકડું પગલું છે. ખરેખર તો વૈવિધ્ય, ભેદ વગેરે બાબતે કઈ રીતે વ્યવહાર કરવામાં આવે છે એ જોવાનું છે. સમાવેશકતાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ સમાન છે. તેનો અર્થ એ નથી કે સૌ એકમત ધરાવે છે. ઊલટું, સમાવેશકતા વૈવિધ્યને આદર સાથે આવકારે છે. વૈવિધ્ય જેટલું વિશાળ બને, નવા ધ્યેયનું સર્જન કરવાની વ્યક્તિની ક્ષમતા પણ એટલી જ સમૃદ્ધ બને છે. સમાવેશકતા એ વંશવાદ અને જાતિવાદનું મારણ છે, કારણ કે તે આ વિભિન્નતાઓને આવકારે છે અને તેને ઊણપ તરીકે નહીં, બલકે ક્ષમતા તરીકે મૂલવે છે. ઉજળા, તેજસ્વી અને મધ્યમ વર્ગને સમાવેશકમાં ગણવામાં આવે ત્યારે તે હાસ્યાસ્પદ બની જાય છે. અન્ય (સામાન્ય) વ્યક્તિઓ કરતાં જુદી દેખાતી, જુદું વર્તન કરતી કે જુદું વિચારતી વ્યક્તિઓને કેવા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, તે બાબત સમાવેશકતા સાથે સંબંધિત છે. આંતરિક મૂલ્યો ક્રિયા અને પ્રતિક્રિયામાં વ્યક્ત થતાં હોય છે. તે પૈકીની કેટલીક ક્રિયા-પ્રતિક્રિયાઓ આઘાતજનક પણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ચાલવા, બોલવા કે હલન-ચલન કરવા માટે સક્ષમ ન હોય, તો તે કેવી લાગણી અનુભવશે? જો કોઈ વ્યક્તિ અકસ્માતવશ વિકલાંગ થઈ ગઈ હોય, તો તે કેવી લાગણી અનુભવશે? અને હવે એક એવો સવાલ, જેનો દરેક વ્યક્તિએ સામનો કરવો પડે છે, ઉંમર વધવા સાથે કેવી લાગણી અનુભવાતી હોય છે? તેઓ ક્યાં રહેશે? જ્યારે તેમને જરૂર હશે, ત્યારે શું લોકો (તેમનો પરિવાર તથા મિત્રો) તેમને મદદ કરશે, કે પછી તેમને હાંસિયામાં ધકેલી દેશે? શું મૃત્યુની રાહ જોતાં - જોતાં તેઓ નિઃસહાય અને નિરાશાની અવસ્થામાં હૉસ્પિટલના બિછાને જીવન પૂરું કરશે? તેઓ જ્યારે ઘરડાં થશે ત્યારે તેમનું શું થશે? આવા પ્રશ્નો કષ્ટદાયી હોઈ શકે છે, પણ આવી તપાસ નવા વ્યક્તિગત ભવિષ્યના ઘડતરની શરૂઆત હોઈ શકે છે. આ કક્ષાના પડકારો સાથે જીવતા લોકો માટે માનવતા દાખવવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણે બંધાયેલા છીએ.

સમાવેશકતા એટલે શું?

•  સમાવેશકતા દરેક વ્યક્તિ સાથે સંબંધિત છે.

•  સમાવેશકતા એટલે સાથે મળીને શીખીને પૂર્ણ જિંદગી જીવવી.

•  સમાવેશકતા વિશ્વને જીવનભર માટે વર્ગખંડમાં રૂપાંતરિત કરે છે.

•  સમાવેશકતા વૈવિધ્યને સ્વીકારે છે અને સમુદાયનું ઘડતર કરે છે.

•  સમાવેશકતા ભેટરૂપી 'ક્ષમતાઓ' સાથે અને તેનું આદાન-પ્રદાન કેવી રીતે કરવું તેની સાથે સંબંધિત હોય છે.

•  સમાવેશકતા એ કેવળ 'વિકલાંગતા'નો મુદ્દો નથી.

1955માં રોઝા પાર્ક્સ નામની નિડર મહિલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. તે પૂર્ણપણે સમાજમાં સામેલ થવા માંગતી હતી, પરંતુ 'કાળા લોકો' (બ્લૅક, નિગ્રો) તરીકે ઓળખાતાં લોકો સાથે ઘણો ભેદભાવપૂર્ણ વ્યવહાર થતો હતો. રોઝા બ્લૅક હતી. એક વખત રોઝા બસમાં 'ગોરા' લોકો માટે આરક્ષિત રાખવામાં આવેલી સીટ પર બેસી ગઈ. જ્યારે, કાળા લોકો માટેની સીટ બસની પાછળના ભાગમાં હતી. રોઝાને સીટ ખાલી કરીને 'કાળા' લોકો માટેની સીટ પર જવાનું કહેવામાં આવ્યું. રોઝાએ તે સીટ છોડવાનો ઈન્કાર કર્યો. તેની ધરપકડ થઈ. આમ, ઈતિહાસને પડકારવામાં આવ્યો અને ઈતિહાસ બદલાયો. આ શક્ય બન્યું, કારણ કે રોઝા પાર્ક્સે આ ભેદભાવભર્યા વ્યવહારનો વિરોધ કર્યો. તેણે સમાવેશકતા માટે અવાજ ઉઠાવ્યો હતો.

'સમાવેશકતા' માટેનો આવો જ અવાજ હાલના સમયમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. જેમની ક્ષમતાઓને નજરઅંદાજ કરવામાં આવી હોય તેવા લોકો એવી લાગણી અનુભવે છે કે સમાજમાં પૂર્ણપણે સામેલ થવાના તેમના અધિકારનું સમુદાય દ્વારા ગૌરવ જાળવવામાં આવતું નથી. તેના ભાગરૂપે વ્હિલચેર માટેના રૅમ્પની સંખ્યા વધારવાની, બ્રેઈલમાં વધુ સંકેતો અને સામગ્રીઓ ઉમેરવાની, સામુદાયિક આવાસ વગેરે માટેની માગણી કરવામાં આવે છે. અમેરિકન્સ વિથ ડિસેબિલિટિઝ ઍક્ટ 'સમાવેશકતા'ના અવાજને સાંભળવાના પ્રયાસનું પ્રતિનિધત્વ કરે છે. જોકે, સ્વીકૃત વ્યાખ્યાની શોધ અને સમાવેશકતા એટલે જેમને સામેલ ન થવા દેવાયા હોય તે લોકોને આવકારવા. આ અર્થને વુધુ મજબૂત કરવો જોઈએ. આ વ્યાખ્યાની નબળાઈ સ્પષ્ટ નજરે ચઢે છે. અન્ય લોકોને સામેલ કરવાની સત્તા કે અધિકાર કોને છે? અને સામેલ કરનારા લોકો સ્વયં કેવી રીતે સામેલ થયા? અને બહિષ્કાર કોણ કરે છે? હવે, દરેક વ્યક્તિ જન્મથી જ સમાવિષ્ટ છે તે સ્વીકારવાનો સમય આવી ગયો છે. અન્ય લોકોને સામેલ કરવાનો અધિકાર કોઈને ન હોવાથી, બહિષ્કારનું સમર્થન કરનારા તમામ અવરોધો દૂર કરવાની, સમાજના દરેક વ્યક્તિની જવાબદારી છે. સમાવેશકતા એટલે શું? સમાવેશકતા એટલે એ સ્વીકારવું કે કોઈ પણ વ્યક્તિ એકસમાન ન હોવા છતાં, દરેક વ્યક્તિ આગવાપણું ધરાવે છે. સમાવેશક્તાનો અમલ એટલે બહિષ્કારનો, તેમ જ બહિષ્કાર થકી જન્મતાં તમામ સામાજિક દુષણો (જેમ કે, વંશવાદ, જાતિવાદ વગેરે) નો સમાવેશ કરવો. સમાવેશકતા માટેની લડાઈમાં, સહાય મેળવવા માંગનારા તમામ લોકોને આવી સહાય-વ્યવસ્થાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો પણ સમાવેશ થાય છે. સહાય-વ્યવસ્થા પૂરી પાડવી તેમ જ તેની જાળવણી કરવી એ તરફેણ નહીં, બલકે નાગરિક જવાબદારી છે. સૌ સમાવિષ્ટ છે - એ સત્યનો સ્વીકાર થશે, ત્યારે સમાજમાં તાત્કાલિક સુધારણા હાથ ધરાશે.

સમાવેશકતા એટલે પરિવર્તન

સમાવેશકતા એટલે પરિવર્તન! એવું મનાય છે કે સમાવેશકતા અને પરિવર્તન એ બંને અનિવાર્ય છે. સામાવેશકતા વિશેની સેંકડો મિટિંગમાં ભાગ લેવો બોધપ્રદ બની રહે છે., ત્યારે ગણતરીની મિનિટોમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે સમાવેશકતા એ કેવળ મુદ્દો જ છે. વાસ્તવિક મુદ્દો છે - પરિવર્તનનો ભય! શિક્ષણ અને માનવ સેવા સાથે સંકળાયેલી ઘણી વ્યક્તિઓને પોતાની નોકરી ગુમાવી દેવાનો ભય સતાવે છે, નવી જવાબદારીઓનો ભય સતાવે છે, જે વિષયની સમજ ન હોય તે વિષયનો ભય સતાવે છે. પોતાના બચાવમાં તેઓ કહે છે, પણ અમારી પાસે પૂરતા પૈસા નથી. "પણ, અમને એ લોકોની કાળજી લેવાની તાલીમ નથી મળી! પણ મેં વિશિષ્ટ શિક્ષણની પસંદગી નહોતી કરી! પણ મારી પાસે અભ્યાસક્રમની માર્ગદર્શિકાઓ નથી અને તેમના માટે વિશેષ અભ્યાસક્રમ તૈયાર કરવાનો મારી પાસે સમય નથી. બાકીના બાળકોએ સહન કરવું પડશે!" આ તમામ વાક્યપ્રયોગો જાણીતા છે. તેમને ધ્યાનપૂર્વક સાંભળશો, તો જણાશે કે, મોટાભાગનાં 'પરંત'ુ 'હું' કે 'મારા' વિશે છે. અન્ય બાળકો વંચિત રહી જવાના સંદર્ભમાં વપરાયેલાં 'પરંતુ', સહકારી શિક્ષણ અને સહાધ્યાયી પાસેથી શીખવા વિશેનું અજ્ઞાન છતું કરે છે. આ વાક્યપ્રયોગો વાપરવા પાછળનો ગર્ભિત અર્થ કંઈક આવો હોય છે - 'મને એવી બીક સતાવે છે કે મને બધું નથી આવડતું એ લોકો જાણી જશે. મારે આ નથી કરવું'. 'મને બીક લાગે છે'. લોકો તેમની નૈતિકતા, ખામીઓનો સામનો કરવાથી ડરતા હોય છે. ઊંડે-ઊંડે ધરબાયેલો આ ભય સંસ્કૃતિની ઉપજ છે. તે લોકોને દૂર રાખવાનું આપણને શીખવવામાં આવ્યું છે, પણ હવે સૌ જાણે છે કે લોકોને દૂર હડસેલવાનો નિર્ણય એ વિનાશ તરફનું પગલું છે. આ ભયનો આપણે સામનો કરવો જોઈએ, અને સૌને સામેલ કરવા જોઈએ. આ કરવાથી અસ્વસ્થતા અનુભવાશે, અને થોડી ક્ષણો માટે આ કામગીરી અત્યંત કપરી પણ બની રહેશે પણ ભય શમી જશે.

સમાવેશકતા આડેના સંભવિત અવરોધો

વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને નીચેની પ્રવૃત્તિઓ કરવામાં અવરોધરૂપ બનનારાં સંભવિત અંતરાયોની ચર્ચા  સતત થતી રહે છે.

• સમુદાય, સમાજ અને રાષ્ટ્રના એકસમાન સભ્યો અને નાગરિકો તરીકે કહેવાતા વિકલાંગતા ન ધરાવનારા સાથી-સભ્યો સાથે જીવનનાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃત્તિક, ધાર્મિક તેમ જ અન્ય બાબતોમાં ભાગ લેવો.

• સ્વ, પરિવાર, સમાજ, સમુદાય, દેશ અને વિશ્વના વિકાસમાં યોગદાન આપવું.

• સ્વમાનભેર જીવવા માટેનાં તેમનાં વ્યક્તિગત લક્ષ્યો, સ્વપ્નો અને મહત્ત્વકાંક્ષાઓ જાણવાં.

• સ્વમાનભેર જીવવા માટેના તેમના અધિકારો જાણવા, તેનું રક્ષણ કરવું અને તે મેળવવા.

સંભવિત અંતરાયોને વ્યાપકપણે આ રીતે વર્ગીકૃત કરી શકાય છેઃ

અભિગમને લગતા અવરોધોઃ

અવરોધોઃ વિશાળ સમુદાયના, વિકલાંગ વ્યક્તિઓ તરફના નકારાત્મક અભિગમો તે વ્યક્તિને વધુ વંચિત અને દયનીય સ્થિતિમાં લાવી મૂકે છે. આ અભિગમો ગેરસમજ અને માન્યતાઓ દ્વારા મજબૂત થાય છે. વિશાળ સમુદાયના દિમાગમાં આ કલ્પનાઓ અને ગેરસમજોનાં મૂળ ઘણે ઊંડે સુધી ઘર કરી ગયાં હોય છે. સમુદાય હંમેશાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને નિઃસહાય, દાન-દયાને પાત્ર, આશ્રિત, ભિખારી, નબળા, વંચિત અને પોતાના કરતાં ઊતરતા ગણે છે. આ પરંપરાગત અને નકારાત્મક અભિગમો કદી પણ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને તેમની ક્ષમતા પુરવાર કરવાની તથા તેમને સ્વાવલંબી બનાવવાની તક નથી આપતા. નકારાત્મક અભિગમોને સહાનુભૂતિ, દયા, અનુકંપા, ઉપેક્ષા, વધુ પડતું રક્ષણ, દાન અને બાકાત રાખવાના સ્વરૂપ તરીકે જોઈ શકાય. અભિગમને લગતા આ અવરોધો અજ્ઞાનને કારણે પણ હોઈ શકે. સમુદાય કે સમાજ, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓના પ્રશ્નોથી અજાણ હોય છે, જેના કારણે તેઓ કદી પણ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની લાગણીઓને સમજી શકતાં નથી. ભેદભાવ, બહિષ્કાર, દાન, લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિની લાગણી, તકોથી વંચિતતા વગેરે નકારાત્મક અભિગમો સ્વરૂપે વ્યક્ત થાય છે.

સંસ્થાકીય અવરોધોઃ

સંસ્થાકીય અવરોધોમાં નીતિઓ, પ્રક્રિયાઓ, કાયદાઓ, ધોરણો, નિયમો, યોજનાઓ, કાર્યક્રમો, કાયદાઓ તેમ જ સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અન્ય લેખિત કે બિન-લેખિત  એવાં બંધારણીય માળખાંઓનો સમાવેશ થાય છે, જે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તે સમાજના સમાન નાગરિકો તરીકે બાકાત રાખતાં હોય અને તે સંસ્થાઓ, યોજનાઓ, કાર્યક્રમો, નીતિઓ, કાયદાઓની સેવાઓની ઉપલબ્ધતા આડે અવરોધરૂપ બનતાં હોય. આ સંસ્થાકીય અવરોધો વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને દૂર રાખે છે એટલું જ નહીં, સાથે-સાથે તે સમાજના આ વંચિત વર્ગના માનવ અધિકારોનું પણ રક્ષણ નથી કરતા. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે આ સંસ્થાઓ પ્રાપ્ય હોતી નથી, બીજું કે નીતિઓ તથા પ્રક્રિયાઓ તેમને બહિષ્કૃત કરે છે. સૌથી મોટો ગેરફાયદો એ રહે છે કે, આ પ્રક્રિયાઓ વિશેની માહિતી વિકલાંગ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ હોતી નથી. વિકલાંગતાની વિભાવનાનો અભાવ આ સંસ્થાકીય માળખાંઓને વિકલાંગતા-વિરોધી બનાવે છે અને વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ માટે તે અવરોધરૂપ બને છે.

ભૌતિક કે માહોલને લગતા અવરોધોઃ

ભૌતિક કે માહોલને લગતા અવરોધોમાં ઈમારતો, માર્ગો, પરિવહન સુવિધાઓ જેવાં માળખાકીય અવરોધો, બગીચાઓ, સ્ટેડિયમ, રમત-ગમતનાં મેદાનો, ધાર્મિક સ્થળો, મનોરંજનનાં સ્થળો, કાયદાકીય સ્થળો, રાજ્ય અને કેન્દ્રીય ધારાસભાઓ જેવાં જાહેર સ્થળો તથા વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને આ માળખાંઓની સેવાઓનો લાભ લેતાં અટકાવતાં કે તેમાં પ્રવેશતાં અટકાવતાં, અન્ય કુદરતી માનવ સર્જિત માળખાંઓનો સમાવેશ થાય છે.  માહિતીની ઉપલબ્ધતા એ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ માટે મૂળભૂત પ્રશ્ન છે. વર્તમાન માહિતી ઉપલબ્ધ નથી કારણ કે, તે ઉપલબ્ધ થઈ શકે તેવા સ્વરૂપમાં નથી. જાહેર સ્થળોએ સાંભળવાની સૂચનાઓ કે સંકેતો, સાંભળવા માટે સક્ષમ ન હોય તેવી વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નથી હોતાં. જોઈ શકાય તેવી નિશાનીઓ તેમ જ સંકેતો, દ્રષ્ટિની ખામી ધરાવનારી વ્યક્તિઓ માટે કામની નથી. લેખિત કે મુદ્રિત સ્વરૂપની માહિતી, દ્રષ્ટિની ખામી ધરાવનારી વ્યક્તિઓ માટે ઉપલબ્ધ હોતી નથી. ઉપલબ્ધતામાં સ્થળો, માળખાંઓ, ઈમારતો સુધીની પહોંચ, માહિતી સુધીની પહોંચ, સેવા તથા સમાજની અન્ય તકો સુધીની પહોંચનો સમાવેશ થાય છે.

કાનૂની અવરોધોઃ

કાનૂની અવરોધોને વ્યાપકપણે ચાર પ્રકારે વર્ગીકૃત કરી શકાય, જે નીચે મુજબ છેઃ

1. વિકલાંગતા વિરોધી કાયદાઓ, નીતિઓ તથા આદેશોઃ

લગભગ તમામ કાયદાઓ, નીતિઓ અને આદેશો, વિકલાંગતા વિરોધી સ્વરૂપ ધરાવે છે. આ કાયદાઓમાં વ્યક્ત થયેલી અભિવ્યક્તિઓ વિકલાંગતા વિરોધી છે અને તે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓના માનવ હક્કો તથા હિતોનું રક્ષણ કરવાને બદલે આવી વ્યક્તિઓનો બહિષ્કાર કરે છે. કેટલાક વિકલાંગતા વિરોધી કાયદાઓ અને નીતિઓ ભારતના મુખ્ય રાજકીય પક્ષોનાં જાહેરનામા (2004) છે અને તેમાં દેશના ફક્ત સક્ષમ (વિકલાંગતા ન ધરાવનારા ) લોકોને જ આજીવિકાની તકોનું સર્જન કરવાનું જણાવવામાં આવ્યું છે. ભારત સરકારના 2004ના કોમન મિનિમમ પ્રૉગ્રામમાં પણ તેનો જ પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. આજીવિકા કાર્યક્રમમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રોજગાર બાંયધરી અધિનિયમ પરના બિલમાં આજીવિકાની તકોમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સામેલ કરવામાં આવી નથી. 1972નો મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સી ઍક્ટ, દંપતીને વિકલાંગ ગર્ભનો ગર્ભપાત કરાવી નાંખવાની છૂટ આપે છે, જે વિકલાંગતા વિરોધી છે.

2. સામાન્ય કાયદાઓ, નીતિઓ અને આદેશોમાં 'વિકલાંગતા' શબ્દની ગેરહાજરીઃ

લગભગ તમામ નીતિઓ અને કાયદાઓ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને બાકાત રાખે છે. માનવ અધિકારોને લગતા મોટાભાગના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં વિકલાંગતાની અભિવ્યક્તિ કરવામાં આવી નથી, પરંતુ જાતિ, વંશ, જ્ઞાતિ, વર્ગ, વર્ણ(રંગ) તથા અન્ય પ્રકારોની અભિવ્યક્તિ કરવામાં આવી છે. માનવ હક્કોના આંતરરાષ્ટ્રીય દસ્તાવેજોમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ વિશે કોઈ ઉલ્લેખ નથી. આ દસ્તાવેજોમાં હક્કોના ઘોષણાપત્રો, લઘુમતીઓના હક્કો તથા અન્ય સમજૂતીઓ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે પૈકી કોઈમાં વિકલાંગતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભારતના બંધારણના ભેદભાવ વિરોધી કાનૂનમાં પણ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને બાકાત રાખવામાં આવી છે. દેશના વંચિત વર્ગોના રક્ષણ માટેના કાયદામાં વિકલાંગતાનો કોઈ ઉલ્લેખ નથી. વિકલાંગ વ્યક્તિઓના રક્ષણ માટેના સામાન્ય કાનૂનો અને નીતિઓના અમલ વિશે ન્યાયતંત્ર પાસે કોઈ જાણકારી નથી. આ દેશનો કાનૂન વિકલાંગ વ્યક્તિઓ પર પણ સમાન ધોરણે લાગુ પડે છે તે હકીકત અવગણીને દરેક વખતે ન્યાયતંત્રએ વિકલાંગ વ્યક્તિઓનાં હિતોનું રક્ષણ કરવા માટે વિશિષ્ટ કાયદાઓની માગણી કરવી પડે છે.

3. કાયદાકીય રક્ષણનાં પગલાંઓની ગેરહાજરીઃ

વિકલાંગ વ્યક્તિઓના હિતોનું રક્ષણ કરવા માટે સામાન્ય કાયદાઓની અંદર ખાસ કાયદાઓ અને જોગવાઈઓ હોવાં જોઈએ, પરંતુ હકીકત એ છે કે તમામ પાસાંઓને આવરતા કોઈ ખાસ કાયદાઓ નથી. કેટલાક વિશિષ્ટ કાયદાઓ છે, પરંતુ તે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનનાં તમામ પાસાંઓમાં વારસાનો અધિકાર, લગ્નનો અધિકાર, છૂટાછેડાનો અધિકાર, પ્રાપ્યતાનો અધિકાર તથા અન્ય અધિકારનો સમાવેશ થાય છે.

4. કાયદાઓ, નીતિઓ તથા આદેશોનો અલ્પ કે નહિવત્ અમલઃ

વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓના વિકાસ માટે ગણ્યાગાંઠ્યા કાયદાઓ, નીતિઓ તથા આદેશો ઘડવામાં આવ્યા છે, પરંતુ તેમનો અમલ થતો નથી. જો કાયદાઓમાં જણાવવામાં આવેલી ફકત 10 ટકા જોગવાઈઓનો પણ અમલ કરવામાં આવે, તો પણ લાખો વિકલાંગ વ્યક્તિઓને તેનાથી લાભ થશે અને તેમના જીવનમાં પરિવર્તન આવશે. વિકલાંગ વ્યક્તિઓના માનવ હક્કો અને હિતોને વેગ આપવાની તથા તેનું રક્ષણ કરવાની રાજકીય પક્ષો  અને સરકારની ઈચ્છાશક્તિના અભાવને કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે.

. સાંસ્કૃતિક અવરોધોઃ

ધાર્મિક મૂલ્યો તથા માન્યતાઓ એ વિકલાંગ વ્યક્તિઓ સાથે થતા ભેદભાવ અને નકારાત્મક અભિગમો પાછળનાં મૂળ કારણો છે. આ નકારાત્મક અભિગમો, ભેદભાવ, બહિષ્કાર અને પૂર્વગ્રહો, ગેરસમજ, માન્યતાઓ, અંધશ્રદ્ધા અને અજ્ઞાનના કારણે મજબૂત બને છે.  આ નકારાત્મક અભિગમો, પૂર્વગ્રહો અને માન્યતાઓનાં મૂળ પ્રાચીન ધાર્મિક મૂલ્યોમાં રહેલાં હોવાથી તેમને બદલવાં મુશ્કેલ છે. વિકલાંગતા એ પૂર્વજન્મમાં કરેલાં પાપોનું ફળ છે તે મુજબનું મનુનું કથન, વંશવાદની ભવ્યતાનાં ગુણગાન, રક્તપિત્તના દર્દીઓનો બહિષ્કાર અને બાઈબલના નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે રક્તપિત્તનાં દર્દીઓને ગામમાં પ્રવેશવાની મનાઈ વગેરે સાંસ્કૃતિક અવરોધોનાં કેટલાંક ઉદાહરણો છે, જે વિકલાંગ વ્યક્તિઓને સમાજના એકસમાન સભ્ય બનવા આડે અવરોધ ઊભા કરે છે.

. આર્થિક અવરોધોઃ

મુખ્ય પ્રવાહની આજીવિકાની તકોથી વિકલાંગ વ્યક્તિઓ વંચિત રહે છે. જ્યારે વિકલાંગ વ્યક્તિઓની આજીવિકાના વિકલ્પોનો પ્રશ્ન ઉદ્ભવે, તે સાથે જ લોકો બીબાંઢાળ વિકલ્પો વિશે વિચારે છે, જેમ કે, ટેલિફોન બૂથ ચલાવવું, મીણબત્તી બનાવવી, અગરબત્તી બનાવવી, ગ્રીંટિંગ કાર્ડ્ઝ બનાવવાં, ફાઈલ બનાવવી, સંગીત તથા વિકલાંગ વ્યક્તિઓના સાથે જોડાયેલા અન્ય વ્યવસાયો.  પરંતુ, વાસ્તવમાં વિકલાંગ વ્યક્તિઓની તેમની વિકલાંગતાના પ્રકાર, વિકલાંગતાની તીવ્રતા અને તે વ્યક્તિના રસ અને પાત્રતાના આધારે તમામ પ્રકારના અર્થપૂર્ણ અને નફાકારક વ્યવસાયોમાં જોડી શકાય છે, પરંતુ આ મામલે સમાજમાં તદ્દન અજ્ઞાન પ્રવર્તે છે. વિકલાંગ વ્યક્તિઓએે વિવિધ વ્યવસાયોનું અસરકારક વ્યવસ્થાપન કરીને આ હકીકત ઉજાગર કરી છે. આમ, કેટલાક બીબાંઢાળ વ્યવસાયો સૂચિબદ્ધ કરવા એ વિકલાંગ વ્યક્તિને અર્થપૂર્ણ અને લાભકારક વ્યવસાયોમાં સાંકળવા આડેના અંતરાયો છે.

 

આ દેશના કાર્ય-બળ (વર્કફોર્સ)માં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓનું પ્રમાણ 1 ટકા કરતાં ઓછું છે, જયારે તેની સરખાણમીએ અન્ય દેશોનાં કાર્ય-બળમાં વિકલાંગ વ્યક્તિઓનું પ્રમાણ જોઈએ તો જર્મનીમાં 6 ટકા, બ્રિટનમાં 3 ટકા, જાપાનમાં 1.9 ટકા અને બાંગ્લાદેશમાં 1 ટકા છે. વળી, ભારતમાં 1 ટકા કરતાં પણ ઓછા પ્રમાણમાંથી જાહેર ક્ષેત્રમાં 0.5 ટકા, ખાનગી ક્ષેત્રમાં 0.4 ટકા અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં 0.002 ટકા જેટલું ઓછું છે.  આ ભેદભાવ પાછળ કાર્ય સ્થળ સુધીની પહોંચનો અભાવ, નોકરીએ રાખનારાના નકારાત્મક અભિગમો, માનવસસાંધનની નીતિઓ દ્વારા બહિષ્કાર, વ્યવસાયિક તાલીમ માટે તકોનો અભાવ, ઉચ્ચશિક્ષણ માટે તકોનો અભાવ, પાયાનું શિક્ષણ મેળવવાની તકોનો અભાવ અને વિકલાંગ વ્યક્તિઓ વિરુદ્ધના પૂર્વગ્રહો વગેરે જેવાં કારણો જવાબદાર છે. ભેદભાવ અને બહિષ્કારના કારણે તેમને ભીખ માંગવા જેવા બિન-ગૌરવપ્રદ વ્યવસાયમાં જોડાવાની ફરજ પડે છે.

વિકલાંગ વ્યક્તિઓનું આર્થિક સશક્તિકરણ, તેમનામાં આત્મવિશ્વાસ, આદર, ગૌરવ, સ્વાભિમાનની લાગણીનો સંચાર કરે છે અને તેઓ સમાજમાં યોગદાન પૂરું પાડવા માટે સક્ષમ બને છે. વિકલાંગ વ્યક્તિઓ સાથે કામ કરનારી લગભગ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રોજેક્ટસ, સરકારી વિભાગો અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પુનર્વસવાટના આ મહત્ત્વના ભાગની ઉપેક્ષા કરે છે તેમ જ સર્ટિફિકેટ, સર્જરી, સારવાર, સહાયક ઉપકરણો અને ઉપચાર જેવી દાકતરી સેવાઓ પૂરી પાડે છે.

. રાજકીય અવરોધોઃ

રાજકીય અવરોધોમાં પરિવાર, ગામ, સમુદાય, સમાજ વગેરેમાં નિર્ણય લેવા, મતદાન કરવું, ચૂંટણીમાં ભાગ લેવો, સમુદાય અને સમાજમાં નિર્ણય લેનારી સંસ્થાઓ, રાજકીય પક્ષો, રાજકીય પક્ષોના કોમન મિનિમમ પ્રૉગ્રામ  અને દેશની લોકશાહી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરવાનો સમાવેશ થાય છે. ભારતનું બંધારણ અન્ય પછાત વર્ગોના પ્રશ્નો પર ધ્યાન આપવા માટે, નિર્ણય લેનારી સંસ્થાઓમાં આ પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા પૂરી પાડે છે. અન્ય પછાત વર્ગો માટે રાજ્યસભા અને સંસદમાં અનામતની જોગવાઈ છે. આ ઉપરાંત પંચાયતી રાજ સંસ્થાઓ, ગામ તથા શહેરની મહાનગર-પાલિકાઓમાં પણ અનામતની જોગાવાઈ છે, પરંતુ વિકલાંગ વ્યક્તિઓ માટે આવી કોઈ જોગવાઈ નથી. આ ભેદભાવ પાછળનું મુખ્ય કારણ એ છે કે વિકલાંગ વ્યક્તિઓ દેશભરમાં વિખરાયેલાં હોવાથી તેઓ નોંધપાત્ર સંખ્યામાં વોટ બૅન્ક ઊભી કરતા ન હોવાથી રાજકીય પક્ષોને આકર્ષી શકતા નથી. મતદાન કેન્દ્રો ઘણી વખત વિકલાંગ વ્યક્તિઓની પહોંચથી ઘણાં દૂર હોય છે અને મતદાન મથકમાં બેસનારા લોકો વિકલાંગ વ્યક્તિઓની જરૂરિયાતોને સમજી શકે તેટલા સંવેદનશીલ હોતા નથી. ઊલટું, ઘણી વખત તેમનો વ્યવહાર અપમાનજનક હોય છે.

. ધાર્મિક અવરોધોઃ

વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ વિરુદ્ધના નકારાત્મક અભિગમો, ભેદભાવ, બહિષ્કાર અને પૂર્વગ્રહોનાં મૂળ, મૂલ્યો અને માન્યતાની વ્યવસ્થામાં રહેલાં છે. મૂલ્યો અને માન્યતાની વ્યવસ્થા ધાર્મિક મૂલ્યો દ્વારા પ્રભાવિત હોય છે. નકારાત્મક અભિગમો અને માન્યતાઓ ધાર્મિક લખાણોમાં અને ધર્મગ્રંથોમાંથી ઊતરી આવ્યાં છે. ધાર્મિક લખાણોમાં વિકલાંગ વ્યક્તિઓને દાન અને દયાને પાત્ર ગણવામાં આવે છે. વિકલાંગતાને પૂર્વજન્મનાં કુકર્મોનું પરિણામ અને ઈશ્વરનો શાપ ગણવામાં આવે છે, તેથી, ધાર્મિક વિધિઓ તથા ક્રિયાઓમાં વિકલાંગ વ્યક્તિઓને મહત્ત્વ આપવામાં આવતું નથી. ચર્ચ, મસ્જિદ, મંદિર, ગુરુદ્વારા, વિહાર વગેરે જેવાં ધાર્મિક સ્થળો વિકલાંગતા ધરાવનારી વ્યકિતઓ માટે ઉપલબ્ધ હોતાં નથી. કેલિપર્સ જેવાં સહાયક સાધનો ધરાવનારાં લોકોને પવિત્રતાનું બહાનું આગળ ધરીને પ્રવેશવા દેવાતા નથી. ધાર્મિક વિધિઓમાંથી પણ વિકલાંગ વ્યક્તિઓને બાકાત રાખવામાં આવે છે. વિકલાંગ વ્યક્તિઓની હાજરીને કારણે પવિત્રતતા જળવાશે નહીં તેવા કારણસર વિકલાંગોને આવી વિધિઓમાં ભાગ લેવાની છૂટ નથી આપવામાં આવતી. તેમને આવી વિધિ કરવાની તક પણ નથી મળતી. તેમના પર ઘણાં ધાર્મિક અને સાંસ્કૃતિક નિયંત્રણો લાદવામાં આવે છે.

સમાવેશક્તાનાં પાસાં

સમાવેશકતાની વિભાવના ઘણી વ્યાપક છે. સમગ્ર વિશ્વએ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને જીવનનાં તમામ પાસાંઓમાં સામેલ કરવી જરૂરી છે. સમાવેશક્તાની વિભાવના વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક હોવાથી, સમાવેશક્તાના માટેનાં પાસાં સૂચિબદ્ધ કરવાં મુશ્કેલ છે. ઉપરાંત, સમાવેશક્તાની વિભાવના વ્યાપક, વૈવિધ્યકૃત અને વ્યક્તિગત હોવાથી સમાવેશકતાનાં પાસાં સૂચિબદ્ધ કરવાં સૈદ્ધાંતિક રીતે અયોગ્ય હોઈ શકે છે. બીજું કે સમાજની વિભાવના જે-તે સમુદાયની સંસ્કૃતિના આધારે વિભિન્ન હોઈ શકે છે. બહિષ્કારનાં પાસાં તરફ સૌનું ધ્યાન દોરવા તરફનો આ ગંભીર પ્રયાસ છે, જે બહિષ્કારનું પરિમાણ સમજવામાં મદદરૂપ બનશે અને આમ, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને ભેદભાવ વિના તમામ પાસાંઓમાં સામેલ કરવા માટેના પ્રયત્નો કરી શકાશે.

ઉપસંહાર

આ સંશોધનમાં સમાવેશક્તાની વિભાવના સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બહિષ્કારનાં વિવિધ સ્વરૂપો સમજાય ત્યારે સમાવેશક્તાને વધુ સારી રીતે સમજી શકાય છે. બહિષ્કાર એ ભેદભાવનાં વિવિધ સ્વરૂપોનાં મુખ્ય પરિણામો પૈકીનું એક છે. આમ, ભેદભાવ એ મુખ્ય પ્રશ્ન છે, જેના કારણે વિકલાંગ વ્યક્તિઓનો, જીવનના તમામ તબક્કાઓમાં બહિષ્કાર કરવામાં આવે છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓએ રોજિંદા જીવનમાં, દરેકે દરેક સ્તરે બહિષ્કારનો સામનો કરવો પડે છે. તેમને પરિવારમાંથી, રમત-ગમતમાંથી, સમકક્ષ જૂથોમાંથી, શૈક્ષણિક સંસ્થાઓમાંથી, યોજનાઓમાંથી કાર્યક્રમોમાંથી, નીતિઓમાંથી, કાયદાઓમાંથી, ધાર્મિક વિધિઓમાંથી, સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓમાંથી, રાજકારણમાંથી, કુટુંબ જીવનમાંથી વગેરેમાંથી બાકાત રાખવામાં આવે છે.

અહીં સમાવેશકતા માટેના વિવિધ પાસાંઓ દ્વારા સમાવેશક્તાની વિભાવના સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા વિકલાંગ વ્યક્તિઓ માટે ગૌરવપ્રદ જીવન કેટલું મહત્ત્વ ધરાવે છે તે સમજવું જરૂરી છે. તેમને પણ તેમના વિકલાંગતા ન ધરાવનારા સાથીઓની માફક ગૌરવપદ જીવન જીવવાનો અધિકાર છે. તેઓ તેમના પરિવારમાં, રમત-ગમતમાં, શાળામાં, કાર્ય સ્થળોએ, પ્રવૃત્તિઓમાં, જાહેર સ્થળોએ, મિત્રોનાં જૂથોમાં, બેઠકોમાં, કાર્યક્રમોમાં, યોજનાઓમાં, કાયદાઓમાં, નીતિઓમાં, સંસ્થાઓમાં, ધાર્મિક સ્થળોએ, વિધિઓમાં, જાહેર મેળાવડાઓમાં તથા નિર્ણય લેનારી સંસ્થાઓમાં સામેલ થવા માંગે છે.

સ્ત્રોત:ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/22/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate