অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર

વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા/પોશીના અને વિજયનગર તાલુકામાં વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર ન ધરાવતી વિકલાંગ વ્યક્તિઓની સંખ્યા ઘણી વધારે છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેની સરકારી યોજનાઓનો લાભ મેળવવા, સ્પષ્ટ દેખાતી વિકલાંગતા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી)માંથી અથવા તો જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન કે રેસિડેન્ટ મેડિકલ ઑફિસર (આરએમઓ) પાસેથી કે પછી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (સીએચસી) ખાતે સમયાંતરે યોજાતા ખાસ કૅમ્પ્સ ખાતેથી વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. ડોક્ટર કે અધિકૃત સ્પેશ્યાલિસ્ટ વ્યક્તિને ઓછામાં ઓછી 40 ટકા વિકલાંગતા હોવાનું પ્રમાણિત કરે તે જરૂરી છે. એક વખત આ થઈ ગયા બાદ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓએ સોશ્યલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ (સામાજિક સુરક્ષા વિભાગ) દ્વારા જારી કરવામાં આવેલું ઓળખ કાર્ડ મેળવવું જરૂરી છે, ત્યાર બાદ તેઓ યોજનાનો લાભ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે.

સામાન્યપણે, પ્રમાણનનો દર પ્રત્યેક કૅમ્પદીઠ 5-10 પ્રમાણપત્રોનો હોય છે. તાજેતરમાં જે બે કૅમ્પ યોજાયા, તેમાં વિજયનગર ખાતે 31 વ્યક્તિઓને પ્રમાણિત કરવામાં આવ્યાં હતાં અને પોશીનામાં 48 વ્યક્તિઓને પ્રમાણિત કરવામાં આવ્યાં હતાં. વિકલાંગતા ધરાવતી વધુ 15 વ્યક્તિઓની આકારણી કરવામાં આવી હતી અને દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ તેમનાં માતા-પિતાને હિંમતનગરથી પ્રમાણપત્રો મેળવી લેવાનું જણાવવામાં આવ્યું હતું. કૅમ્પ યોજાયો તે અગાઉ ગ્રામ કક્ષાએ નક્કી કરવામાં આવેલા નાગરિક આગેવાનો (સિટિઝન લીડર્સ - સીએલ) તથા આરોગ્ય સેવા પૂરી પાડનારાઓ દ્વારા સામુદાયિક કક્ષાએ કૅમ્પ અંગેની માહિતીનો પ્રસાર કરવામાં આવ્યો હતો.

કૅમ્પનું આયોજન કરવા માટે જિલ્લા સિવિલ હૉસ્પિટલ સમયાંતરે જિલ્લા કક્ષાએ દરેક તાલુકા માટેની તારીખો જાહેર કરતી હોય છે અને ડૉક્ટરોની ટીમ મોકલતી હોય છે. આ ટીમમાં ઑપ્થેમોલૉજિસ્ટ, ઇએનટી, સાઇકિયાટ્રિસ્ટ અને ઑર્થોપેડિક જેવા સ્પેશ્યાલિસ્ટ્સનો સમાવેશ થતો હોય છે, જેથી વિકલાંગતા ધરાવતી તમામ વ્યક્તિઓને પ્રમાણિત કરી શકાય. ઓનલાઇન જારી કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રો બનાવવા માટેની જવાબદારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર સ્થિત એબિલિટી ગુજરાતના અધિકારીઓની રહે છે. કૅમ્પ માટેની સાધન-સામગ્રીની ગોઠવણ કરવાની જવાબદારી સીએચસી ખાતેના રેસિડેન્ટ ડૉક્ટરની અથવા તો બ્લૉક હૅલ્થ ઑફિસર (બીએચઓ)ની રહે છે. આ કૅમ્પ્સમાં જોવા મળ્યું હતું કે પીએચસી ખાતેના ડૉક્ટર વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ તથા તેમની સાથે આવેલી વ્યક્તિઓને પીએચસીથી સીએચસી સુધી લાવવા-લઈ જવાની સેવા પૂરી પાડી શકે છે. આ માટે પીએચસીનાં વાહનનો ઉપયોગ કરી શકાય અથવા તો ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (સંજીવની સમિતિ) કે રોગી કલ્યાણ સમિતિના ઉપલબ્ધ ભંડોળનો ઉપયોગ કરીને વાહન ભાડે કરી શકાય. સર્જનો તથા નિષ્ણાતો સવારના ઓપીડીમાં હાજર રહ્યા બાદ કૅમ્પમાં આવ્યા હોય છે અને પરત ફરીને તેમણે સાંજે ઓપીડીમાં હાજર રહેવાનું હોવાથી કૅમ્પ ખાતે પોતાનાં કાર્યો ઝડપથી પૂરાં કરવાની તેમને ઊતાવળ હોય છે.

પ્રમાણપત્ર ધરાવતાં હોવા છતાં પણ કૅમ્પ પર નોંધણી કરાવવા માટે આવનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે હતી, કારણ કે પ્રમાણપત્ર અંગેની પ્રક્રિયા વિશે અપૂરતી માહિતી ધરાવનાર આશા અને ફિમેલ હૅલ્થ વર્કર્સ (એફએચડબલ્યુ)એ તેમને આમ કરવા માટે જણાવ્યું હતું. વિકલાંગતા ધરાવતાં અન્ય ઘણાં લોકો સાચી માહિતીના અભાવને કારણે જરૂરી દસ્તાવેજો લાવ્યા નહોતા. તેઓ મૂળ રેશન કાર્ડ સાથે ન લાવ્યા હોવાથી તેમને પ્રમાણપત્ર મળ્યું ન હતું. પ્રમાણન સમયે મૂળ રેશન કાર્ડ રજૂ કરવું જરૂરી હોય છે તે માહિતી કોઈ પણ દસ્તાવેજ, જીઆર, સરક્યુલર, આદેશો કે વેબસાઇટ્સ પર મૂકવામાં આવી નથી.

કૅમ્પના સ્થળે હાજર ડૉક્ટરોની ટીમે માનસિક રીતે અસ્થિર, લોકોમોટર ડિસેબિલિટી ધરાવતી તથા દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓનું મૂલ્યાંકન કર્યું હતું. સાંભળવાની ખામી ધરાવતી વ્યક્તિઓને ઑડિયોગ્રામ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ મોકલવાની ભલામણ કરી હતી.

વિકલાંગતા અંગેના પ્રમાણપત્ર માટેના કૅમ્પ દરમિયાન પ્રમાણન માટે અસરકારક કૅમ્પ યોજવા માટેના ઘણા મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા હતા.

  1. કૅમ્પની તારીખ અને સ્થળનો મોટાપાયે પ્રચાર કરવો જરૂરી છે. કૅમ્પમાં યથાર્થતાની ચકાસણી માટે રજૂ કરવાના રહેતા જરૂરી દસ્તાવેજો અને ઓળખના પુરાવા વિશે વિકલાંગ વ્યક્તિઓ તથા તેમના પરિવારજનોને માહિતી પૂરી પાડવામાં આવે તે જરૂરી છે. જરૂરી દસ્તાવેજો આ પ્રમાણે છે - મૂળ રેશન કાર્ડ તથા તેની બે નકલો અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ, યથાર્થતા (ખરાઈ)ની ચકાસણી સમયે રેશન કાર્ડમાં વિકલાંગ વ્યક્તિનું નામ સામેલ હોય તે જરૂરી છે. કૅમ્પની તારીખ, સ્થળ તેમજ કૅમ્પમાં રજૂ કરવાના દસ્તાવેજો અંગેની વિગતો દર્શાવતી લેખિત જાહેરાત ગ્રામ પંચાયતની કચેરી, પીએચસી, સબ-સેન્ટર, આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળામાં લગાવી શકાય. વિવિધ સરકારી કર્મચારીઓ તથા પંચાયત, ગ્રામ, તાલુકા કક્ષાના આગેવાનો તેની વધુ જાહેરાત કરી શકે છે.
  2. કૅમ્પ અંગે ગામનાં લોકોને માહિતી પૂરી પાડતા ફિમેલ હૅલ્થ વર્કર (એફએચડબલ્યુ), આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ અને શાળાના શિક્ષકોને વિકલાંગતા વિશે, અને ખાસ કરીને શરૂઆતના તબક્કે વિકલાંગ વ્યક્તિને ઓળખવા અંગે તથા પ્રમાણનની પ્રક્રિયા અંગે તાલીમ પૂરી પાડવામાં આવે તે જરૂરી છે.
  3. વિકલાંગતા ધરાવતનારી વ્યક્તિઓને નજીકના સીએચસી સુધી પહોંચાડવાની ગોઠવણ કરવા માટે પીએચસીની સહાય મળવી જરૂરી હોવાથી, વીએચએસએનસી અને રોગી કલ્યાણ સમિતિમાં ઉપલબ્ધ ભંડોળનો ઉપયોગ કરવા માટે સીએચસી, પીએચસી મેડિકલ ઑફિસરને જણાવી શકાય. (સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર આ અંગેનો પરિપત્ર જારી કરવા સંમત થયા છે)
  4. વિકલાંગતા પ્રમાણન કૅમ્પ અંગેનો પ્રોટોકોલ (નિયમો, ખરડો) વિકસાવી શકાય, જેમાં, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને કેવી રીતે સીએચસી ખાતે એકત્ર કરવી જોઈએ અને કેવી રીતે તેમની નોંધણી કરવી જોઈએ તે અંગેની વિગતો આપવામાં આવશે. (પ્રમાણપત્રની પ્રક્રિયા ઝડપી બને તે માટે સ્પેશ્યાલિસ્ટ્સની ટીમ આવી પહોંચે તે અગાઉ આ કામગીરી થઈ ચૂકી હોવી જોઈએ). સીએચસીની ભૂમિકા વધુ સ્પષ્ટ કરવી જરૂરી છે - મૂલ્યાંકનમાં સ્પેશ્યાલિસ્ટને મદદ કરવા માટે સીએચસી ખાતે સ્થાનિક સ્ટાફની સહાય મળે તે જરૂરી છે. સ્પેશ્યાલિસ્ટનો સમય સાધન-સામગ્રીની ગોઠવણ કરવામાં, નોંધણીની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવામાં, લાઇન બરાબર છે કે કેમ તેના પર નજર રાખવામાં અને દર્દીને સંબંધિત સ્પેશ્યાલિસ્ટ પાસે મોકલવામાં વપરાવાને બદલે દર્દીઓનું મૂલ્યાંકન કરવામાં વપરાવો જોઈએ.
  5. કૅમ્પ માટે દર્દીઓની નોંધણી કરવાની કામગીરીમાં તથા દર્દીઓને સંબંધિત સ્પેશ્યાલિસ્ટને મળવાનું માર્ગદર્શન પૂરૂં પાડવામાં સીએચસી સ્તરના સ્ટાફને સામેલ કરવો જરૂરી છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ ડૉક્ટરને મળે, તે પહેલાં કોઈ કર્મચારી તેમના દસ્તાવેજોની ખરાઈ કરે તે જરૂરી છે. પ્રમાણન થઈ ગયા બાદ પ્રમાણિત ન થયેલી વ્યક્તિઓની જે-તે કિસ્સા મુજબ સર્જરી કે સારવાર સુનિશ્ચિત કરવા માટે આવી વ્યક્તિઓની અલાયદી યાદી બનાવવી જરૂરી છે.
  6. સાંભળવાની ખામી ધરાવતી વ્યક્તિનું ઑડિયોગ્રામ વિના પ્રમાણન કરવું શક્ય નથી અને ઓડિયોગ્રામ ફક્ત અમદાવાદ સ્થિત સિવિલ હૉસ્પિટલ ખાતે જ ઉપલબ્ધ છે. એક વખત આ અહેવાલ ઉપલબ્ધ બનાવવામાં આવે, ત્યાર બાદ ઇએનટી સ્પેશ્યાલિસ્ટ પ્રમાણપત્ર જારી કરી શકે છે. સાંભળવાની ખામી ધરાવતી વ્યક્તિ કૅમ્પ પર આવે, તો પણ ફક્ત પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવે છે. જો હિંમતનગરની જિલ્લા સિવિલ હૉસ્પિટલમાં ઑડિયોલોજિસ્ટથી સજ્જ ઓડિયોમેટ્રિક રૂમ ઊભો કરવામાં આવે, તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. અન્યથા, વિકલાંગ વ્યક્તિ તથા તેમની સંભાળ રાખનાર વ્યક્તિને અમદાવાદ સુધીના પરિવહનની ગોઠવણ કરી આપીને અથવા તો પ્રવાસ ભથ્થું પૂરું પાડીને ઑડિયોમેટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
  7. પ્રમાણન એ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમના અધિકારોનો લાભ અપાવવાની પ્રક્રિયાનું પ્રથમ પગલું છે. ત્યાર બાદ તેમણે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ ઍક્ટ, 1995 અનુસાર ત્રણ ટકા અનામત હેઠળ રોજગારીની તકોની ખાસ સુવિધા, વિના મૂલ્યે બસ પાસ, સહાય અને સ્કૉલરશિપ મેળવવા માટે ઓળખ કાર્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવાની રહે છે. આ માટે તેમણે સોશ્યલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવતું ઓળખ કાર્ડ મેળવવાનું રહે છે, જે અલાયદી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં તલાટી પાસેથી મેળવેલું આવકનું પ્રમાણપત્ર સુપરત કરવાનું રહે છે અને ત્યાર બાદ મામલતદારની કચેરીથી વીસ રૂપિયાના સ્ટૅમ્પ પેપર પર મૂળ દસ્તાવેજો સાથેની ખરાઈ, ફુલ બોડી (આખો) પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો અને બે સ્ટૅમ્પ સાઇઝ ફોટો સુપરત કરવાના રહે છે. આ યોજના રૂ. 2.50 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવનાર માટે લાગુ છે, પરંતુ 2007માં સરકારે ઠરાવ પસાર કર્યો હતો, જે મુજબ ગરીબીની રેખા હેઠળના (બીપીએલ) પરિવારોએ આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી. જિલ્લા કક્ષાના અધિકારીઓને આ ઠરાવ અંગેની જાણકારી નથી તથા ઓળખ કાર્ડ મેળવવા માટેના ફોર્મમાં પણ તે અંગેની સ્પષ્ટતા નથી. ગાંધીનગર ખાતે સોશ્યલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા દરમિયાન આ પ્રશ્ન પ્રકાશમાં આવ્યો હતો.
  8. વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ - એમ બે પ્રકારના કાર્ડ મેળવવાની આ પ્રક્રિયા બિનજરૂરી છે અને એકસામટું જ સર્વિસ કાર્ડ મેળવવા માટે આ પ્રક્રિયાને સંયોજિત કરી દેવી જરૂરી છે. સ્વાભાવિક રીતે જ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ ઍમ્પાવરમેન્ટ - એમએસજેઇ) આ મામલે તથા વિવિધ રાજ્યોમાં વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની માન્યતા સુનિશ્ચિત કરવા અંગે કામ કરી રહ્યું છે. આ અંગેની ડ્રાફ્ટ પૉલિસી, પ્રતિભાવ માટે મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
  9. જે વ્યક્તિઓને પ્રમાણપત્ર જારી ન કરવામાં આવ્યા હોય, અને જેમની વિકલાંગતાની સ્થિતિમાં સુધારો લાવવા માટે ખાસ સારવારની જરૂર હોય તેવી વ્યક્તિઓની સ્થિતિ અંગે પીએચસી/સીએચસી દ્વારા જાણકારી મેળવવામાં આવે તે જરૂરી છે. જે વ્યક્તિઓને સર્જરીની ભલામણ કરવામાં આવી હોય, તેમની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવવી તથા જરૂરી મદદ પૂરી પાડવી જરૂરી છે. (જેમ કે, તાજેતરમાં યોજાયેલા કેમ્પમાં ઑપ્થેમોલોજિસ્ટે એક દર્દીને શામળાજી જનરલ હૉસ્પિટલ ખાતે સર્જરી કરાવવાનું જણાવ્યું હતું અને ડૉક્ટરનું નામ પણ જણાવ્યું હતું તથા ત્યાંના તેમના મિત્ર એવા ઑપ્થેમોલોજિસ્ટના સંપર્કની વિગતો પણ આપી હતી).
  10. કૅમ્પ ખાતે હાજર સ્પેશ્યાલિસ્ટ કૅમ્પના દિવસે ફક્ત એક સમયે જ ઓપીડી હાથ ધરે તેવી ગોઠવણ હોવી જોઈએ, જેથી તેઓ કૅમ્પ પર પૂરતું ધ્યાન આપી શકે. આ ઉપરાંત વિકલાંગતાને લગતા સામાજિક પ્રશ્નો વિશે પણ તેમને માહિતગાર કરવામાં આવે તે જરૂરી છે. કૅમ્પ ખાતે ડૉક્ટરો દ્વારા અપાતી સેવા તથા વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર જારી કરવાની કામગીરીને પણ ડૉક્ટરોના કાર્ય દેખાવ (પર્ફોર્મન્સ) માટેના માપદંડ તરીકે સામેલ કરવી જોઈએ.
  11. હાલની વ્યવસ્થા પ્રમાણે, વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર મેળવી લીધા બાદ, વ્યક્તિએ ઓળખ કાર્ડ મેળવવા માટે જિલ્લા સ્તરની સોશ્યલ ડિફેન્સ ઑફિસ પર જવું પડે છે (સાબરકાંઠાના સોશ્યલ ડિફેન્સ ઑફિસરે ઓળખ કાર્ડ જારી કરવા માટે અધિકારીને તાલુકા ઑફિસ કે પીએચસી ખાતે મોકલવાની સંમતિ દર્શાવી છે). આદર્શ સ્થિતિ જોતાં, જો વિકલાંગતા અંગેના પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ મેળવવા માટે લાવવાના રહેતા જરૂરી દસ્તાવેજો અંગે પૂરતી જાગૃતિ ફેલાવવામાં આવે, તો આ કામગીરી કૅમ્પ ખાતે જ સંપન્ન થવી જોઈએ. ઓળખ કાર્ડ માટે ફુલ બોડી (વ્યક્તિનો આખો ફોટો) ફોટોગ્રાફ જરૂરી છે, તે પાછળનું કારણ - ફોટામાં વિકલાંગતા જોઈ શકાય - એવું હોઈ શકે છે. જોકે, ઘણી વિકલાંગતાઓ સ્પષ્ટ રીતે નજરે ચઢતી હોતી નથી, તેથી ફુલ બોડી ફોટોગ્રાફની જરૂરિયાત દૂર કરી શકાય. વિકલાંગતા અંગેના પ્રમાણપત્રમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પ્રમાણભૂતતા માટે પૂરતો સ્વીકાર્ય છે. સોશ્યલ જસ્ટિસ એન્ડ ઍમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ (સામાજિક ન્યાય તથા સશક્તિકરણ વિભાગ) આ મામલે વિચારણા કરી શકે છે. કૅમ્પ ખાતે જ ફોટોગ્રાફ લેવા માટે વેબ-કેમનો ઉપયોગ કરવામાં આવે તે વધુ યોગ્ય બની રહે છે, કારણ કે તેમ કરવાથી વિકલાંગતા ધરાવતી વ્યક્તિને વિવિધ સાઇઝના ફોટા મેળવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.
  12. જે-તે પ્રદેશમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની ઓળખ કરવાની તથા તેમને પ્રમાણિત કરવાની પ્રક્રિયા માટે આરોગ્ય ખાતું - કલેક્ટર, ડીડીઓ, સીડીએચઓ, સિવિલ હૉસ્પિટલ, તાલુકા આરોગ્ય અધિકારી, પીએચસી/સીએચસી, એફએચડબલ્યુ/આશા કાર્યકર્તાઓ, સંજીવની સમિતિ અને રોગી કલ્યાણ સમિતિ, બીઆરસી/સીઆરસી, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો અને શાળા વ્યવસ્થાપન સમિતિઓ (સ્કૂલ મેનેજમેન્ટ કમિટિઝ), પંચાયતો અને તેની વિવિધ સમિતિઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, નાગરિક આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ, એસએસએ હેઠળ સંસાધન શિક્ષકો, સામાજિક સંરક્ષણ વિભાગ વચ્ચે સમગ્રતયા સહનિર્દેશન સજાર્ય તે જરૂરી છે. (ડીડીઓએ તાલુકા કક્ષાએ પ્રાથમિક સ્તરે સેવા પૂરી પાડનારાઓ, ખાસ કરીને આંગણવાડી કાર્યકરો અને આશા કાર્યકરો માટે વિકલાંગતાની પ્રારંભિક ઓળખ અંગે તાલીમ હાથ ધરવાની સંમતિ દર્શાવી છે.)

સાબરકાંઠા જિલ્લા સિવિલ હોસ્પિટલ દ્વારા ગુજરાતના વિજયનગર અને ખેડબ્રહ્મા/પોશીના તાલુકાઓના સીએચસી ખાતે યોજાયેલા વિકલાંગતા પ્રમાણન કૅમ્પ અંગેના અનુભવોના આધારે 'ઉન્નતિ'નાં સુશ્રી દીપા સોનપાલ, સુશ્રી નેહા પંડ્યા, સુશ્રી ગીતા ડોડિયા, શ્રી થેપા પરમાર અને શ્રી ભાવિન મેક્વાન દ્વારા આ લેખ લખાયો છે. આ કૅમ્પ્સને વધુ અસરકારક બનાવવા માટે વિભાગીય કક્ષાએ કેટલાક ફેરફારો કરવાની ભલામણ કરવામાં આવી છે. જાહેર કાર્યક્રમોને અસરકારક બનાવવામાં સતત સહકાર આપવા બદલ અમે સીડીએમઓ, ડીડીઓ અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓનો આભાર માનીએ છીએ.

સ્ત્રોત: વિચાર, ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/16/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate