অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગ વ્યક્તિઓના અધિકારોઃ

વિકલાંગ વ્યક્તિઓના અધિકારોઃ

એક એવો મુદ્દો, જે અંગે કોઈ વાટાઘાટ થઈ શકે તેમ નથી. વિકલાંગ વ્યક્તિઓના હક્કો માટે અવાજ ઉઠાવી રહેલા કાર્યકર્તાઓ માટે છેલ્લાં ત્રણ મહિના ઘણી બધી રીતે ઉચાટભર્યા રહ્યા - પ્રથમ તો, કેબિનેટે મંજૂર કરેલા અને ભારતીય સંસદગૃહ સમક્ષ રજૂ કરવામાં આવેલા 'રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ બિલ-2014'માં સમાવવામાં આવેલા મુદ્દાઓ વિશે જાણકારી મેળવવા માટે રાહ જોવી પડી હતી. શ્રી સંતોષ કુમાર રૂંગટા ('નેશનલ ફૅડરેશન ઑફ ધ બ્લાઈન્ડ'ના પ્રમુખ અને સુપ્રિમ કૉર્ટના વકીલ કે જેઓ પ્રજ્ઞાચક્ષુ છે)ના પ્રયાસોના આધારે આ બિલ જાહેર કરવામાં આવ્યું હતું. 12 ડિસેમ્બર, 2013ના રોજ કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવેલા આ બિલ અને 2012ની આવૃત્તિમાં તેમાં કરવામાં આવેલા ફેરફારો સામે ઘણા કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો. કોઈ પણ વિરોધ વિના આ બિલ પસાર ન થઈ જાય એવા ભય સાથે અમે રાજ્ય સભા ટીવીનું જીવંત પ્રસારણ જોયું હતું. આખરે, જ્યારે અમે વિચાર્યું કે આ મામલો પાર્લામેન્ટરી સ્ટૅન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યો છે અને નવી સરકાર રચાય, ત્યાર બાદ અમે સ્ટૅન્ડિંગ કમિટીને ભલામણો પૂરી પાડવા પર ધ્યાન આપી શકીશું, ત્યારે જ ઑર્ડિનન્સ દ્વારા બિલને કાયદો બનાવવાની વાતો વહેતી થઈ. જ્યારે હજ્જારો દેખાવકારો વિરોધ નોંધાવવા માટે દિલ્લીની સડકો પર ઊતરી આવ્યા અને પોલીસની ક્રૂરતા સહન કરી, ત્યારે રાષ્ટ્રપ્રતિ ઑર્ડિનન્સના સ્વરૂપમાં બિલ પસાર કરવાનો ઈનકાર કર્યો.

2010માં 'સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે' નવું ડિસેબિલિટિઝ બિલ ઘડવા માટે 'યુનાઈટેડ નૅશન્સ કન્વૅન્શન ઓન ધ રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ' (યુએનસીઆરપીડી)ની સંમતિ સાથે સમિતિની રચના કરી હતી. કાયદો ઘડનારી આ નવી સમિતિનાં ચેરમેનપદે ડૉ. સુધા કૌલ (વાઈસ ચેરપર્સન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ સેરેબ્રલ પાલ્સી, કોલકતા) હતાં અને તેમાં વિવિધ વિકલાંગતા ધરાવતા લોકો અને સંગઠનોના પ્રતિનિધિ-સભ્યોનો સમાવેશ થતો હતો. સમિતિના બે સભ્યોએ એ કારણના આધારે અધવચ્ચેથી રાજીનામું આપ્યું કે સમિતિ દ્વારા તમામ વિકલાંગ વ્યક્તિઓના પૂર્ણ કાયદાકીય ક્ષમતાના (અન્ય લોકો સાથે સમાન ધોરણે નિર્ણય લેવા માટે સમાન અધિકારો) અધિકારોની ગંભીરપણે વિચારણા કરવામાં આવી ન હતી. મુખ્ય સંગઠનોનાં ઘણાં જૂથોએ આ અધિકાર સામે વિકલાંગ વ્યક્તિઓ માટે પૂરતી સહાય સાથે અનામતનો મુદ્દો ઊઠાવ્યો હતો. 'સેન્ટર ફોર ડિસેબિલિટી સ્ટડીઝ, નાલસર યુનિવર્સિટી ઑફ લૉ, હૈદરાબાદ' દ્વારા સંકલિત કરવામાં આવેલો આ ડ્રાફ્ટ, સમિતિએ જૂન, 2011માં સુપરત કર્યો હતો.

આ કાયદા પર વિચારણા બાદ મંત્રાલયે સપ્ટેમ્બર, 2012ના રોજ સુધારા સાથેના ડ્રાફ્ટ કાનૂન સાથે પ્રતિભાવ આપ્યો હતો. મંત્રાલયે સત્તાવાર ધોરણે સૂચનો ન મંગાવ્યાં હોવા છતાં ઘણાં જૂથોએ કેટલીક જોગવાઈ વિરૂદ્ધ તેમના વિચારો પ્રગટ કર્યા હતા અને ત્યાર બાદ આ ડ્રાફ્ટને હાલનું સ્વરૂપ આપતાં અગાઉ, એપ્રિલ, 2013માં દેશનાં રાજ્યોમાં અને ઑગસ્ટ, 2013માં અન્ય મંત્રાલયોમાં મોકલવામાં આવ્યો હતો. બિલનો વિરોધ કરી રહેલા કાર્યકરો બિલના વિરોધને વેગ આપવાનો પૂરેપૂરો હક ધરાવતા હતા. 'પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ ઍક્ટ, 1995'માં વિકલાંગ વ્યક્તિઓને ઘણા મર્યાદિત અધિકારો આપવામાં આવ્યા છે.

કૉર્ટે 'પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ ઍક્ટ-1995' અને ભારતીય બંધારણનો આધાર લઈને કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા છે. જેમ કે, બૌદ્ધિક વિકલાંગતા ધરાવતી મહિલાઓના પ્રજોત્પત્તિ અધિકારો વિશે (સુચિતા શ્રીવાસ્તવ વિ. ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન, 2009), સરકારી ક્ષેત્રોમાં ત્રણ ટકા અનામતના નિયમનું અર્થઘટન (યુનિયન ઑફ ઈન્ડિયા વિ. નેશનલ ફૅડરેશન ફોર ધ બ્લાઈન્ડ, 2013) અને રાજકીય સહભાગિતા (ડિસેબલ્ડ રાઈટ્સ ગ્રુપ વિ. મુખ્ય ચૂંટણી કમિશનર, 2007) જેવા ચુકાદાઓ સુપ્રિમ કૉર્ટ કક્ષાએ દ્રષ્ટાંતરૂપ છે. આ સીમાચિહ્નરૂપ ચુકાદાઓને કારણે, સૂચિત બિલ વિકલાંગ વ્યક્તિઓના અધિકારો ક્ષેત્રે થયેલી પ્રગતિને સ્વીકારે છે. 2009માં, બૌદ્ધિક વિકલાંગતા ધરાવનારી એક યુવતી ચંદીગઢ ખાતે નારી નિકેતનમાં આશ્રય હેઠળ હતી, તે દરમિયાન તેના પર બળાત્કાર ગુજારાયો અને તે ગર્ભવતી થઈ. સુપ્રિમ કૉર્ટે તેની ગર્ભાવસ્થા યથાવત્ રાખવાની છૂટ આપી, જેના કારણે  'મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી ઍક્ટ, 1971' હેઠળ 'મેન્ટલ રિટાર્ડેશન' અને 'મેન્ટલ ઇલનેસ' વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો. પર્સન્સ વિથ ડિસેબિલિટી ઍક્ટ, 1995 અધિનિયમ 'માનસિક બિમાર' (મેન્ટલી ઇલ) સ્ત્રીના કિસ્સામાં તે સ્ત્રીની સંમતિ લીધા વિના તેનો ગર્ભપાત કરાવવાની છૂટ આપે છે, જે અનુસાર યુએનસીઆરપીડી ભેદભાવયુક્ત છે. કૉર્ટે ઠરાવ્યું કે તે યુવતી 'મેન્ટલી ઈલ' નહોતી, તે 'મેન્ટલી રિટાર્ડેડ' હતી. તેથી ગર્ભાવસ્થા અંગેનો નિર્ણય કરવાની પોતાની કાયદાકીય ક્ષમતાનો તે અમલ કરી શકતી હતી. પંજાબ અને હરિયાણા હાઈ કૉર્ટે અગાઉ ચૂકાદો આપ્યો હતો કે તે યુવતીના ગાર્ડિયને ગર્ભપાત કરાવવાનો નિર્ણય તે યુવતી વતી લીધો હોવાથી ગર્ભાવસ્થા યથાવત્ રાખવી અસંબદ્ધ હતું.

 

આ પ્રગતિશીલ ચુકાદાથી વિરુદ્ધ, નવા બિલની કલમ-106 (એફ), જો સ્ત્રી 'ગંભીરપણે' વિકલાંગ હોય, તો તે યુવતીના ગાર્ડિયનની સંમતિ અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનર પાસેથી સર્ટિફિકેટ મેળવ્યા બાદ, તે યુવતીની સંમતિ લીધા વિના ગર્ભપાત કરાવવાની છૂટ આપે છે. આ નવા બિલમાં 'ગંભીરપણે' વિકલાંગના અર્થની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો નવું બિલ તેના વર્તમાન સ્વરૂપે પસાર થાય, તો વિકલાંગતા ધરાવનારી તમામ મહિલાઓની પ્રજનનની ઈચ્છા સામે જોખમ ઊભું થશે.

નવું બિલ યુએનસીઆરપીડીની જોગવાઈઓને અમલી બનાવવાનો દાવો કરે છે, પરંતુ તે તેનાં મહત્ત્વનાં મૂલ્યોને સમજવામાં નિષ્ફળ નિવડ્યું છે. વિકલાંગતાની સમજ વિકલાંગતાના મેડિકલ મૉડલથી હટીને શરીર અને મનની ખામી પર સ્થિર થઈ છે, અને તેથી તેને 'સુધારવા' માટે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક અને શારીરિક અવરોધો દૂર કરવા જરૂરી છે. ભારતમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ પ્રત્યે બે પ્રકારના અભિગમ અપનાવવામાં આવતા હતા - કાં તો તેમને સંસ્થાગત કરવામાં આવતા (જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે) અથવા તો વિકલાંગ વ્યક્તિઓને રૉયલ્ટી દ્વારા નિયમિતપણે ગ્રાન્ટ અને દાન આપવામાં આવતાં.

નવા બિલમાં 'નોંધપાત્ર વિકલાંગતા ધરાવનારી મહિલાઓને યોગ્ય પ્રાથમિકતા આપવા સાથે તમામ સંબંધિત યોજનાઓ અને વિકાસ કાર્યક્રમોમાં ખેતીની જમીન તથા આવાસોની ફાળવણીમાં પાંચ ટકા અનામત' એ અધિકાર વિરુદ્ધ સશક્તિકરણનું ઉદાહરણ છે. દાનના દ્રષ્ટિકોણથી આ ઘણી જ લાભદાયી જોગવાઈ છે, પરંતુ સશક્તિકરણના દ્રષ્ટિકોણથી જોતાં4 તે નિરુત્સાહ કરનારી જોગવાઈ છે. જેમને કાનૂની ક્ષમતા ન આપવામાં આવી હોય તેવી વિકલાંગ વ્યક્તિઓ સશક્તિકરણ માટેની વ્યવસ્થા વિના, માલિકીને લગતાં કાર્યો કરી શકતાં નથી. બીજું ઉદાહરણ, વિકલાંગતા ધરાવનારી મહિલાઓનું છે, જેમણે બેવડો ભેદભાવ સહન કરવો પડે છે - જાતિને લગતો અને વિકલાંગતાને લગતો. નવું બિલ વિકલાંગ મહિલાઓએ વેઠવા પડતા ભેદભાવના સ્રોતોને સ્વીકારતું નથી અને નવા બિલ હેઠળ આ ભેદભાવને નાથવા માટેની કે મહિલાઓને સશક્ત કરવા માટેની જોગવાઈઓ નથી.

ત્રીજું ઉદાહરણ, રોજગારની જોગવાઈ સાથે સંકળાયેલું છે. આ બિલ અનુસાર, નિશ્ચિત વિકલાંગતા ધરાવનારી વ્યક્તિ ક્યું કામ કરી શકે તેમ છે તેનો નિર્ણય સરકાર કરશે અને અનામત કવૉટા હેઠળ નિયુક્ત કરવામાં આવેલી વ્યક્તિઓને તે નોકરી આપવામાં આવશે. આ રીતે, તેમની વિકલાંગતા સાથે અનુકૂળ ન હોય તેવી નોકરી કરવા સામે સરકાર તેમને રક્ષણ પૂરું પાડશે. યુએનસીઆરપીડીનો સિદ્ધાંત વધારે પડતો બોજ ન લાદીને જરૂરી અને યોગ્ય સુધારાનું સૂચન કરે છે. રોજગારને લગતી જોગવાઈઓમાં 'નોંધપાત્ર સગવડ'ને વેગ આપવાની જરૂરિયાતને નજર અંદાજ કરવામાં આવી છે. આ પાછળની લાગણી એ છે કે આ ક્વૉટા હેઠળ આવનારી કેટલીક વિકલાંગ વ્યક્તિઓને કેટલીક રોજગારી પૂરી પાડીને સરકાર પોતાની ફરજ બજાવી રહી છે અને આ ઉપરાંતની વ્યવસ્થા કરવી બિનજરૂરી છે. વાસ્તવમાં, લાયકાતના આધારે પોતાની ઈચ્છા મુજબના હોદ્દા પર કામ કરવા માટે સક્ષમ બનવાનો અધિકાર એ સશક્તિકરણ છે.

બિલ હેઠળ, નિશ્ચિત આવક સ્તરો માટે નજીકના વિસ્તારોમાં આરોગ્યની નિ:શુલ્ક સેવા મેળવવાનો, વિના અવરોધે આરોગ્યની માળખાકીય સુવિધાનો લાભ મેળવવાનો  તથા સારવારમાં પ્રાથમિકતાનો અધિકાર છે. આ બિલ ઘણું જ યોગ્ય અને આકર્ષક લાગે છે, પરંતુ યુએનસીઆરપીડીની જોગવાઈઓ સાથે તેની સરખામણી કરતાં માલૂમ પડે છે કે વિકલાંગતા ધરાવનારી  વ્યક્તિઓના અધિકારોમાં હજી ઘણો ઉમેરો કરી શકાયો હોત. હાલમાં, કાનૂની પ્રક્રિયા પહેલાં, દર્દી પાસેથી મેળવવાની રહેતી સંમતિ તેના ગાર્ડિયન પાસેથી માંગવામાં આવે છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને તેઓ સમજી શકે તે સ્વરૂપે માહિતી આપવાનું મેડિકલ વ્યવસાયિકો માટે જરૂરી બનાવવું જોઈએ અને વિકલાંગ વ્યક્તિઓ જાતે નિર્ણય લેવા માટે તે માહિતીનો ઉપયોગ કરી શકે તે લક્ષ્ય હોવું જોઈએ. આરોગ્ય અને જીવન વીમાની જોગવાઈમાં, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સાથે થતા ભેદભાવ માટેની કોઈ જોગવાઈ નથી. આ પ્રકારની જોગવાઈ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને વધુ પડતા નાણાકીય ખર્ચની ચિંતા કર્યા વિના પોતાનો વિકલ્પ પસંદ કરવા સક્ષમ બનાવશે.

યુએનસીઆરપીડીનો એક સિદ્ધાન્ત સમાવેશક નિર્ણય લેવા અંગેનો છે - 'અમારા વિશેની વાતમાં, અમારી સામેલગીરી'. બિલ જાહેર કરવા અને સંસદ સત્ર વચ્ચેનો સમયગાળો બિલ વિશે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓના અભિપ્રાયો એકત્રિત કરવા માટે પૂરતો ન હોવાથી ફક્ત ગણ્યાગાંઠ્યા કાર્યકર્તાઓ મર્યાદિત સુધારાઓની માગણી કરી શક્યા હતા. જોકે, 'સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય' દ્વારા જાહેર કરવામાં આવેલા સુધારાઓ, બિલ બચાવવા માટે પૂરતા નહોતા. ઉદાહરણ તરીકે, બાળકોનાં શિક્ષણના સંદર્ભમાં, બિલ અનુસાર, ફક્ત સરકારી ભંડોળથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ જ સમાવેશક શિક્ષણ પૂરંુ પાડવા માટે બંધાયેલી છે. આમાં અન્ય શાળાઓને પણ સામેલ કરવી જોઈએ. કલમ-30માં 'નોંધપાત્ર વિકલાંગતા'ની કેટેગરીમાં આવતાં અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવનારાં બાળકો માટે આ જોગવાઈ ઉપયોગી નિવડતી નથી. આ પૈકીની એક કલમ 'રાઈટ ટુ ઍજ્યુકેશન ઍક્ટ, 2009'ની જોગવાઈને બાકાત રાખે છે અને સૂચિત કરે છે કે સરકારને (માતા-પિતાને નહીં કે બાળકને પણ નહીં) યોગ્ય જણાય, તો બાળકોને સમાવેશક શિક્ષણનો ઈન્કાર કરવામાં આવી શકે છે અને ખાસ શાળામાં મોકલી શકાય છે, જે યુએનસીઆરપીડી અને યુનિવર્સલ ડિક્લેરેશન ઑફ હ્યુમન રાઇટ્સનો ભંગ છે.

કાર્યકરોએ આ ઉપરાંત પણ અન્ય ઘણી જોગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો - જેમ કે, આદેશાત્મક ઉપલબ્ધતાની જોગવાઈ ફક્ત 'સરકારી સંસ્થાઓ' પર જ લાગુ પડે, ખાનગી સંસ્થાઓને નહીં. નવું બિલ પરિવહનની ઉપલબ્ધતા સામે પણ મર્યાદાઓ ઊભી કરે છે - બિલમાં, તકનિકી રીત શક્ય હોય અને વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ માટે સલામત હોય, આર્થિક દ્રષ્ટિએ વ્યવહારુ હોય અને ડિઝાઈનના માળખામાં મહત્ત્વના ફેરફારો ન કરવા પડે તેમ હોય, ફક્ત તેવા જ ઉપલબ્ધ પરિવહનની હિમાયત કરવામાં આવી છે. પરિવહનને પ્રાપ્ય બનાવવા માટે ખર્ચ કરવો અને ડિઝાઈનમાં માળખાગત ફેરફાર કરવો જરૂરી છે, અને તેથી આ જોગવાઈને કારણે ઉદ્દેશ્ય સિદ્ધ થતો નથી. બિલની કલમ-100 અનુસાર, અન્ય કોઈ કાયદો જે-તે સમયગાળા માટે અમલી હશે તે દરમિયાન સૂચિત અધિનિયમ તેને ઉમેરારૂપ રહેશે, આમ અન્ય ઘણા કાયદાઓ 'સ્ટૅચ્યૂટ બુક્સ'માં યથાવત્ રહેશે, જેમાં ભારતમાં રક્તપિત્તનો શિકાર બનેલા લોકો સામેના ભેદભાવને લગતા 17 રાષ્ટ્રીય અને 40 રાજ્યના કાયદાઓનો પણ સમાવેશ થાય છે.

જોકે, બિલમાં સૌથી વધુ દોષપૂર્ણ બાબત સામાન્ય વસતિમાં 'વિકલાંગતા અટકાવવા' પર ધ્યાન આપવા અંગેની છે. યુએનસીઆરપીડી અગાઉથી વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓમાં રહેલી ગૌણ વિકલાંગતા અટકાવવા વિશે વાત કરે છે. ભારતમાં કુપોષણ અને બીમારીઓને લીધે થતી ઘણી વિકલાંગતાઓને અટકાવી શકાય તેમ છે - પરંતુ રોકવાના પાસાંનો વિશેષ અધિકાર સશક્તિકરણ સાથે સંબંધિત મંત્રાલયનો નહીં, પણ આરોગ્ય મંત્રાલયનો છે. વિકલાંગતા અટકાવવાના લક્ષ્ય સાથે કામ કરતા ઘણા લોકોનો એવો મત છે કે 'વિકલાંગતા અટકાવવા'નું લક્ષ્ય આ કાયદા હેઠળ આરોગ્ય માટેનાં તમામ સંસાધનોની ફાળવણીને 'જન્મ અગાઉના પરીક્ષણ' તરફ વાળી દેશે, કારણ કે વિશ્વને વિકલાંગતા માટે અનુકૂળ બનાવવા કરતાં વિકલાંગતાને દૂર કરવી વધુ સરળ છે.

ગત સંસદ સત્ર વખતે દેખાવો ચાલુ હતા તે દરમિયાન એક દલીલ એવી કરવામાં આવી હતી કે બિલ તેના વર્તમાન સ્વરૂપમાં પસાર થવું જોઈએ, અને સ્વતંત્ર પ્રશ્નોને પછીથી સુધારા દ્વારા હલ કરી શકાય છે. પરંતુ, 'પીડબ્લ્યુડી અધિનિયમ, 1995'નો અનુભવ ખાસ પ્રોત્સાહક નથી રહ્યો. 1996માં સુધારાઓની વિચારણાના એક માત્ર ઉદ્દેશ્યથી જ સમિતિ રચવામાં આવી હોવા છતાં, તે અધિનિયમમાં કશો સુધારો કરવામાં આવ્યો નહીં. ખામીઓની અનુસૂચિ અને વિસ્તૃત વ્યાખ્યા (જેમાં કુલ 18 વિકલાંગતાઓને સમાવવામાં આવી છે, જ્યારે પીડબ્લ્યુડી ઍક્ટ, 1995માં ફક્ત 7 ખામીઓ સામેલ કરવામાં આવી છે), વિકલાંગતા ધરાવનારી અન્ય વ્યક્તિઓને કાયદા હેઠળ આવરી લેશે અને તેમને તેમના હક્કો મેળવવાની પાત્રતા આપશે એ આધાર પર કાર્યકર્તાઓએ બિલ ઘડવાની કામગીરીને ટેકો પણ આપ્યો હતો. આ ખામીઓ તથા આ સહિતની અન્ય ઘણી ખામીઓને માન્યતા મળવી જરૂરી છે, પરંતુ પરિસ્થિતિ રાતોરાત બદલાય તે શક્ય નથી. નવા બિલમાં ઑટિઝમ, સ્પેક્ટ્રમ ડિસોર્ડર, સેરેબ્રલ પાલ્સી, ક્રોનિક ન્યૂરૉલોજિકલ કન્ડિશન, અંધત્વ, બહેરાશ, મલ્ટિપલ સ્કલેરોસિસ, હિમોફિલિયા, બૌદ્ધિક વિકલાંગતા, મસ્ક્યુલર ડાઈસ્ટ્રૉફી, શીખવાને લગતી નિશ્ચિત વિકલાંગતા, બોલવાની તથા ભાષાની વિકલાંગતા, થૅલેસેમિયા, સિકલ સેલ ડિસિઝ તથા ૱૱નશ્ચિત વિકલાંગતા તરીકે એકથી વધુ વિકલાંગતાઓનો સમાવેશ થાય છે.

'નિશ્ચિત વિકલાંગતા'ના લેબલની સાથે-સાથે વિકલાંગતાની ટકાવારી પણ મહત્ત્વની છે - રોજગાર અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અનામતની વધેલી ટકાવારી સહિત, બિલ હેઠળના મોટાભાગના લાભો ફક્ત 'નિશ્ચિત વિકલાંગતા' ધરાવનારા લોકો, જેમની વિકલાંગતાની ટકાવારી 40 ટકા કરતાં વધુ હોવાનું પ્રમાણિત થયું હોય, તેવા લોકોને જ મળે છે. અગાઉ, 1995 ઍક્ટ હેઠળ પ્રમાણિત હોય તેવી વ્યક્તિઓ માટે, આરપીડી બિલની કલમ-117માં  જણાવવામાં આવ્યું છે કે, 1995નો અધિનિયમ રદ કરવામાં આવ્યો છે, ત્યારે 'કથિત અધિનિયમ હેઠળ કોઈ પણ કામગીરી કરવામાં આવી હોય, તો તે અધિનિયમની તદ્અનુરૂપ જોગવાઈઓ હેઠળ કરવામાં આવેલી કામગીરી ગણાશે.' જોકે, પ્રમાણન મંજૂર કરતા અગાઉના કાયદાઓને રદ કરતા અન્ય કાયદાઓ, જેવા કે મોટર વ્હિકલ્સ ઍક્ટ 1989 (કલમ-217 (ર) (બી) અને ધ ટ્રેડમાર્ક્સ ઍક્ટ, 1999 (કલમ-159)થી અલગ, આ કલમ રદ થયેલા અધિનિયમ હેઠળ જારી થયેલાં પ્રમાણપત્રોને સ્પષ્ટપણે કાયદેસરતા નથી બક્ષતી. આ સ્પષ્ટતાની ગેરહાજરીમાં અગાઉ જારી કરવામાં આવેલાં પ્રમાણપત્રોની સ્વીકૃતતા અને પ્રમાણભૂતતા અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. 'પર્સન્સ વિથ ડિસેબિલિટી ઍક્ટ, 1995' હેઠળ જાહેર કરવામાં આવેલી વિકલાંગતાઓના પ્રમાણન અંગેની માર્ગદર્શિકાઓ ઘડવામાં સરકારને છ વર્ષનો સમય લાગ્યો હતો, અને નવા પ્રમાણનને કેટલો સમય લાગશે તે અંગે પણ કોઈ અંદાજ નથી. સંભવિત ગૂંચવણ માટે બે મુદ્દા ખાસ ધ્યાન ખેંચે છે: નવું બિલ 'મેન્ટલ રિટાર્ડેશન'ની સ્થિતિને રદ કરે છે અને 'બધિરતા તથા અંધત્વ'ને એક જ વિકલાંગતા તરીકે જુએ છે, 'એક કરતાં વધુ (મલ્ટિપલ) વિકલાંગતા' તરીકે નહીં. આ ખામીઓના જૂના પ્રમાણન સાથે નવા કાયદા હેઠળ કેવી રીતે આ સ્થિતિ પર ધ્યાન આપવું તેની સ્પષ્ટતાનો સદંતર અભાવ વર્તાય છે. વધુમાં, લાભ આપવાની સાથે-સાથે ગેરલાભ પણ આપનારા કાયદાના છત્ર હેઠળ સેંકડો લોકોને આવરી લેવા યોગ્ય છે કે કેમ તે પ્રશ્ન પણ પેચીદો છે. આ કાયદામાં અધિકારો આપવામાં આવ્યા છે, તો સામે પક્ષે તે મૂળભૂત હક્કો છિનવી લે  છે.

કાર્યકરો અને સંસદ સભ્યોના પ્રયાસો થકી, વર્તમાન સ્થિતિ એ છે કે બિલ રજૂ કરવામાં આવ્યું છે અને ચૂંટણી બાદ તે સ્ટૅન્ડિંગ કમિટીને વિચારણા માટે સુપરત કરવામાં આવશે. સ્ટૅન્ડિંગ કમિટી આ બિલમાં કેટલો ફેરફાર કરે છે તે અટકળનો વિષય છે. એક સમુદાય તરીકે આપણે દેશના વિકલાંગ વ્યક્તિઓની આશાઓ તથા મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સ્ટૅન્ડિંગ કમિટીને એક સમાવેશક દસ્તાવેજ આપી શકીએ. સમાજના આ વર્ગની માગ અને વિકલ્પોને સ્પષ્ટપણે રજૂ કરવા અને તેમની સ્વીકૃતિ માટે નવી સરકાર પર દબાણ લાવવું એ સમુદાય સામેનો પડકાર છે.

આ લેખ શ્રી અંબા સાલેલકર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ ચેન્નાઈ સ્થિત 'ઈન્ક્લુઝિવ પ્લૅનેટ સેન્ટર ફોર ડિસેબિલિટી લૉ એન્ડ પૉલિસી' સાથે સંકળાયેલાં વકીલ છે. ગત સંસદ સત્રમાં રજૂ કરવામાં આવેલા અને વધુ તપાસ માટે સંસદીય સમિતિને સુપરત કરવામાં આવેલા  'રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ બિલ-2014' અંગે તાજેતરમાં હાથ ધરાયેલી ચર્ચા પર પ્રકાશ પાડવાનો આ લેખનો હેતુ છે.

સ્ત્રોત: ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate