অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ

આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ

આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ - 2013ની ઉજવણી

સામા ફાઉન્ડેશન - બેંગ્લુરુ

વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે એ 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ'ની ઉજવણીનો હેતુ છે. એની સાથેસાથે સમાજ જીવનના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સાથે જોડવાથી થઈ શકતા લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ છે. પહેલાં આ દિવસ 'વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખાતો હતો.

બેંગ્લુરુમાં વિકલાંગતા ધરાવતા લોકો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા 'સામા ફાઉન્ડેશન' દ્વારા રોટરી કલબ-યેલાહાન્કા, અમ્મા ફાઉડેન્શન અને જ્ઞાન જ્યોતિ પ્રિ-યુનિવર્સિટી સાથે મળીને 7મી ડિસેમ્બર 2013ના રોજ વિકલાંગતા દિવસ નિમિત્તે એક 'વૉકેથોન' રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. બે કિલોમિટરની આ 'વૉકેથોન' જ્ઞાન જ્યોતિ પ્રિ-યુનિવર્સિટી-યેલાહાન્કાથી શરૂ થઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રોટરી કલબો, સ્વૈચ્છિક સંસ્થાઓ, કૉર્પોરેટ સંસ્થાઓ જેવા સમાજના વિવિધ વર્ગોમાંથી લગભગ 150 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, વિકલાંગતા ધરાવતી 50 વ્યક્તિઓ પણ તેમાં જોડાઈ હતી.

વૉકેથોનનો પ્રારંભ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વૉર્ડનં. 4ના કૉર્પોરેટર શ્રી એમ.મુનીરાજુ, સ્ટૅન્ડિંગ કમિટીના પ્રમુખ, કૃષિ-બીબીએમપી, વૉર્ડ નં.3ના કૉર્પોરેટર શ્રીમતી ગીતા, રોટરી કલબના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાધાકૃષ્ણ, રોટરી કલબ-યેલાહાન્કાના આસિસ્ટન્ટ ગર્વનરશ્રી વનિતા નારાયણ, જ્ઞાનજ્યોત પ્રિ-યુનિવર્સિટી કૉલેજના પ્રિન્સિપાલશ્રી ચંદ્રશેખર જેવા ઉચ્ચસ્તરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો અને સર્વસમાવેશી સમાજ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમનો હેતુ હતો. આ પ્રસંગે રોટરી કલબ, સામા ફાઉન્ડેશન અને અમ્મા ફાઉન્ડેશને અશ્વિની અંગાડી, એમ. મુનીરાજુ, ગીતા, યશોદા અને આ હેતુ માટે કાર્ય કરતી અન્ય વ્યક્તિઓને સ્મૃતિ ચિહ્નો પ્રદાન કર્યાં હતાં. રોટરી કલબ, અમ્મા ફાઉન્ડેશન અને સામા ફાઉન્ડેશને વિકલાંગ બાળકોને વ્હિલચેરનું વિતરણ કર્યું હતું.

ઍકશન ફોર ડિસેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ, બેંગ્લુરુ

'અન્નાઈ ટેરેસા ડિસેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ' એ તામિલનાડુના ગાંધર્વ કોટ્ટાઈ અને કુન્નાનડકોઈલ તાલુકામાં કામ કરતા વિકલાંગ લોકોનું ફૅડરેશન છે. આ ફૅડરેશન પુધુકોટ્ટાઈ જિલ્લામાં વિકલાંગ વ્યક્તિઓને અધિકારો આપાવવા કામ કરે છે. ફૅડરેશન 2253થી વધારે વિકલાંગ વ્યક્તિઓને સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાંથી પુનર્વસનની યોગ્ય જરૂરિયાતો મેળવવામાં સહાય કરે છે.

'એટીડીડીટી,' સમાજને વિકલાંગતાના મુદ્દા વિશે અને વિકલાંગ વ્યક્તિઓના વિકાસની પ્રક્રિયામાં નાગરિક-સમાજની ભૂમિકા વિશે સંવેદનશીલતા કેળવવા 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ'ની ઉજવણી કરે છે. ઉજવણીનું આ ચોથું વર્ષ છે. વિકલાંગતા દિનની ઉજવણી 21મી ડિસેમ્બર, 2013ના દિવસે અંધ તિરુમાના મહાલ, કીરનુર ખાતે કરવામાં આવી હતી. એ જ દિવસે 'એટીડીડીટી'એ ગાંધી પ્રતિમાથી અંધ તિરુમાના મહાલ, કિરનુર સુધીની માનવ સાંકળ રચી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન લાયન્સ કલબ, કિરનુરના પ્રમુખ શ્રી કે.એલ.મુથુ સુબ્રહ્મણ્યને કર્યું હતું. એક કલાક લાંબી ચાલેલી આ રેલીમાં 600 વિકલાંગ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે 'એટીડીડીટીે'એ સંબંધિત જિલ્લા સત્તાતંત્રને પોતાની માંગ દર્શાવતો પત્ર આપ્યો હતો. આ પત્રમાં નિમ્નલિખિત માગણીઓ રજૂ કરવામાં આવી હતીઃ

  1. વિકલાંગ વ્યક્તિઓ માટે અવરોધમુક્ત વાતાવરણ પૂરું પાડવું.
  2. શિક્ષણ અને રોજગારી જેવા સરકારી વિભાગોમાં વિકલાંગો માટે 3 ટકા અનામતની જોગવાઈ કરવી.
  3. બધાં જ સરકારી પરિવહનનાં જાહેર વાહનોમાં વિકલાંગો અને વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે બેસવાની સગવડો પૂરી પાડવી અને નીચાં પગથિયાવાળાં વાહનોની સુવિધા કરવી.
  4. ભરણપોષણનું અનુદાન મેળવવા પાત્ર થતી વિકલાંગ વ્યક્તિઓને મળતા અનુદાનની રકમ રૂ. 1000થી વધારીને રૂ. 3000 કરવી.
  5. બીજાં રાજ્યોમાં 40 ટકા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને ભરણપોષણનું અનુદાન આપવામાં આવે છે. તે રીતે તામિલનાડુમાં પણ 40 ટકા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને ભરણપોષણનું અનુદાન મળે તેવી જોગવાઈ કરવી.
  6. કુન્નાનડકોઈલ અને ગાંધર્વકોટ્ટાઈ તાલુકામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે કામ કરતી સંસ્થા 'અન્નાઈ ટેરેસા ડિસેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ'ને ઑફિસનું મકાન બનાવવા વિનામૂલ્યે જમીન આપવી.
  7. કુન્નાનડકોઈલ અને ગાંધર્વકોટ્ટાઈ તાલુકામાં રહેતી 600 વિકલાંગ મહિલાઓ ઉપયોગ કરી શકે તેવા ટોઈલેટની જોગવાઈ કરવી.
  8. વિકલાંગ વ્યક્તિઓને વ્યવસાયિક તાલીમ પૂરી પાડવી તથા સરકારી અને બીજી સંસ્થાઓમાં રોજગારીની તકો પૂરી પાડવી.
  9. પુદુકોટ્ટાઈ જિલ્લામાં 'જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ' શરૂ કરવો.

માનવસાંકળના કાર્યક્રમ પછી વિકલાંગ લોકો અંધતિરુમાલા મહાલમાં 'આંતરાષ્ટ્રીય વિકલાંગ દિવસ'નો કાર્યક્રમ કરવા ભેગા થયા. કાર્યક્રમની શરૂઆત 'એટીડીડીટી'ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પી. પોન્ડુરાઈના સ્વાગત પ્રવચનથી થઈ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આદિદ્વવિડાર અને આદિજાતિ કલ્યાણના મંત્રી માનનીય એમ. સુબ્રહ્મણયન હતા.

મંત્રીઓ અને સરકારી અધિકારીઓએ વિકલાંગ વ્યક્તિઓને સહાયરૂપ સાધનોનું વિતરણ કર્યું હતું. સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેનારાં 44 બાળકોને ઈનામો આપવામાં આવ્યાં હતાં. 'ત્રિચીનામનાપુરમ બ્લાઈન્ડ હોમ'નાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં 1200 લોકોએ ભાગ લીધો હતો. 'ઈનોસન્ટ ફાઉન્ડેશન'ની આજીવિકા પહેલ હેઠળ નવ પુખ્ત વયની વિકલાંગ વ્યક્તિઓને કૃષિ આધારિત પ્રવૃત્તિઓ સંબંધિત સ્વતંત્ર આજીવિકા રળવા માટે રૂ. 48,060ના ધિરાણની રકમ વહેંચવામાં આવી હતી.

'ડિસેબિલિટી ઍડવોકસી ગ્રુપ' (ડી.એ.જી.)

વિકલાંગતા જાગૃતિ રેલીઃ અવરોધો તોડો- દરવાજા ખોલો

"દક્ષિણ અને દક્ષિણ પૂર્વ- એશિયાના દેશોની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના જીવનમાં હકારાત્મક બદલાવ માટે હિમાયત" પ્રોજેક્ટ અંતર્ગત હૅન્ડિકેપ ઈન્ટરનેશનલ અને બી.એમ.ઝેડ.ના સહયોગથી 'ડિસેબિલિટી એડવોકસી ગ્રુપ' (ડી.એ.જી.) દ્વારા 3 ડિસેમ્બર, 2013ના રોજ 'વિશ્વ વિકલાંગતા દિન' નિમિત્તે ગુજરાત રાજ્યની વિકલાંગતા જાગૃતિ રેલી ગૂજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી સવારે 9થી બપોરે 1 દરમ્યાન યોજાઈ હતી.

 

આ રેલી 'અવરોધો તોડો - દરવાજા ખોલો' થીમ પર હતી અને તેનો મુખ્ય હેતુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો રોજગારીમાં તેમ જ સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવેશ થાય તથા અવરોધમુક્ત વાતાવરણ ઊભું થાય તે હતો. બીજી ડિસેમ્બરની રાતે ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી આશરે 300 વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ રેલીમાં જોડાવા આવી પહોંચી હતી. રેલીમાં જોડાવા માટે બધા ભારે ઉત્સાહભેર આવ્યા હતા. સૌના ચહેરા પર હર્ષોલ્લાસ જણાતો હતો. બધાને જાણે એવું લાગતું હતું કે, 'આજે મારો દિવસ છે.' આ રેલીમાં નીચેની સંસ્થાઓ જોડાઈ હતીઃ

(1) અંધ જન મંડળ (2)  અપંગ એકતા સમિતિ (3) અપંગ માનવ મંડળ (4) ધી સોસાયટી ફોર ફિજિકલી હૅન્ડિકેપ (5) સદ્વિચાર પરિવાર વિકલાંગ પુનર્વસન કેન્દ્ર (6) ફા. ઈન્ટરનેશનલ (7) અંધ કલ્યાણ કેન્દ્ર (8) અપંગ માનવ સેવા સંઘ (9) મીત ઈન્ટરનેશનલ (10) મધુ વિકાસ સેવા ટ્રસ્ટ (11) સ્વાવલંબન ટ્રસ્ટ (12) બહેરા-મુંગા શાળા (13)   સોપાન (14) કે.એસ. દેઢીયા શાળા (15) નેશનલ સ્કૂલ (16) સાંસ્કૃતિક માનવ સેવા (17) શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ (18) દર્શુકેર ચેરિટેબલ ટ્રસ્ટ (19) યંગ સ્ટાર (20) અંધ-અપંગ કલ્યાણ કેન્દ્ર (21) વી.આર.સી. (22) અમન ડિસેબલ રાઈટ્સ ગ્રુપ (23) અન્ય જિલ્લાઓના ડી.એ.જી. પ્રતિનિધિઓ અને સભ્યો (24) વિકાસ ક્ષેત્રે કાર્યરત અન્ય સંસ્થાઓ.

રેલીમાં અમદાવાદનાં મેયરશ્રી મીનાક્ષીબહેન, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ગુરુપ્રસાદ મહાપાત્ર, સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.એફ. પટેલ, શ્રી નિતિન જોશી, 'અંધ જન મંડળ'ના ડાયરેક્ટર શ્રી ડૉ. ભૂષણ પુનાની,  'ઉન્નતિ' સંસ્થાના ડાયરેક્ટર શ્રી બિનોય આચાર્ય, શ્રી દીપાબહેન સોનપાલ, લાયન્સ કલબના શ્રી ભાનુ પ્રસાદ, દેનાબેંકના શ્રી વ્યાસ સાહેબ, પૂર્વર્ વિકલાંગતા કમિશનર શ્રી ભાસ્કરભાઈ મહેતા, ભારતી ઍરટેલનાં  ભારતીબહેન, સ્વાગત ઈન્ફ્રાસ્ટ્રકચરના ભાવેશભાઈ તેમ જ હૅન્ડિકેપ ઈન્ટરનેશનલનાં પ્રોગ્રામ મેનેજર શ્રી ગાયત્રીબહેન કોલ ખાસ હાજર રહ્યાં હતાં. રેલીમાં અલગ-અલગ પ્રકારની વિકલાંગતા ધરાવતી 1500થી વધુ વ્યક્તિઓ, સંસ્થાઓના વડાઓ, હિતધારકો જોડાયા હતા. રેલીમાં સાત ઊંટ-લારીઓ, ચાર ટ્રૅકટર, વિકલાંગતા ધરાવતી 300 વ્યક્તિઓની બે પૈડાં અને ત્રણ પૈડાંવાળી ગાડીઓ, પાંચ રિક્ષા, મ્યુઝિક બૅન્ડ, ઍમ્બ્યુલન્સ સાથે 600 જેટલી વ્યક્તિઓ પગપાળા જોડાઈ હતી.

મહેમાનોએ આશીર્વચન આપ્યા પછી રેલીને લીલી ઝંડી આપીને ગૂજરાત વિદ્યાપીઠથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીનું સ્વાગત આશ્રમ રોડ પર કાલુપુર કૉમર્શિયલ બેંક, દેના બેંક અને બી.એમ. ઈન્સ્ટિટ્યુટદ્વારા કરવામાં આવ્યું હતું.

સૌ સહભાગીઓએ સૂત્રોચ્ચાર દ્વારા રેલીમાં સૂર પૂર્યા હતા. રેલી તેના સમાપનની જગ્યાએ કૉચરબ આશ્રમમાં પહોંચી હતી. ત્યાં સૌ સહભાગીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. ડી.એ.જી.નાં મંત્રી અને એમ.આઈ.ડબ્લ્યુ. કો-ઑર્ડિનેટર નીતાબહેન પંચાલ અને હૅન્ડિકેપ ઈન્ટરનેશનલના રાજુભાઈ પરમ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. રેલીમાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે હેતુસર 'ડિસેબિલિટી ઍડવોકસી ગ્રુપ' દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. રેલીમાં જોડાવા આવનાર સહભાગીઓ માટે આગળના દિવસે રહેવા-જમવા અને બીજા દિવસે સવારે નાસ્તાની વ્યવસ્થા; રેલી દરમ્યાન રજિસ્ટ્રેશન, પાણી, લીંબુપાણી અને રેલીના અંતે ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

'બ્લાઈન્ડ પર્સન્સ ઍસોસિએશન' દ્વારા આયોજિત કાર્યક્રમોઃ

ઍબિલિટી ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા 'ઍબિલિટી ગુજરાત' નામનો ઈન્ટરનેટ આધારિત ડેટાબેઝનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વિકલાંગ વ્યક્તિઓ વિશેની સર્વગ્રાહી માહિતી તૈયાર થાય તે તેનો હેતુ છે. વિકલાંગતા ધરાવતા લોકોની ગણતરી કરીને તેમને વિકલાંગતા પ્રમાણપત્ર આપવાથી તેઓ તબીબી, શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પુનર્વસન માટેના અધિકારો મેળવે તથા તેમના જીવનની ગુણવત્તા સુધરે એ આ પ્રોજેક્ટનો ધ્યેય છે. આ પ્રોજેક્ટ 10મી જુલાઈ, 2012ના દિવસે વિધિવત રીતે ખુલ્લો મુકાયો છે. (વેબસાઈટઃ દ્વદ્વદ્વ.ટ્ટટ્ઠણ્ત્ણ્દ્દધ્.ડ્ઢદ્ધણુટ્ટદ્રટ્ટદ્દ.ડ્ઢથ્દ્ય.ણ્ત્ત્)

23મી જાન્યુઆરી, 2014ના રોજ 'ઍબિલિટી ગુજરાત' પ્રોજેકટના બધા હિતધારકોની એક મિટિંગ 'બ્લાઈન્ડ પર્સન્સ ઍસોસિએશન' (અંધ જન મંડળ) ખાતે યોજવામાં આવી હતી. આ મિટિંગનું ઉદ્ઘાટન સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી તનેજા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર સચિવ શ્રી સંજય પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રતિનિધિઓ, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 250 વ્યક્તિઓ આ રીતે સૌ પ્રથમવાર મળ્યા હતા. ઍબિલિટી પ્રોજેક્ટને સફળ કેવી રીતે બનાવી શકાય તે વિશે તેમણે સાથે મળીને ચર્ચા કરી હતી. વિકલાંગતા વિશેની માહિતીને અપલોડ કરવા માટે બધાં જ ક્ષેત્રોએ સહકાર આપવાનું નક્કી કર્યું હતું. શ્રી તનેજાએ જણાવ્યું હતું કે વસતિ ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં 13 લાખ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ છે. આ બધાને કાયદાકીય હક મેળવવા માટે પ્રમાણપત્ર મેળવવાની જરૂર રહેશે. સરકારના વિભાગો પાસે ગુજરાત રાજ્યની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ વિશે આવી કશી જ નોંધાયેલી માહિતી ઉપલબ્ધ નથી. 'તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ'ની સ્વૈચ્છિક નાણાકીય સહાયથી વિકલાંગ વ્યક્તિઓની ગણતરી કરવા અને તેમને પ્રમાણપત્ર આપવામાં મદદ કરવા ઓનલાઈન ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. વિકલાંગતા ધરાવતી એક પણ વ્યક્તિ પ્રમાણપત્ર મેળવવામાં રહી ન જાય એ સુનિશ્ચિત કરવાનો આ મિટિંગનો હેતુ હતો.  વિકલાંગ વ્યક્તિઓ માટે અંદાજપત્રમાં નાણાકીય જોગવાઈઓ કરવા અને વિકાસ સંબંધી બીજી પ્રવૃત્તિઓ કરવા માટે સરકારના નીતિનિયોજકોને આવા ડેટા મળે તે આવશ્યક છે. આ મિટિંગમાં ગુજરાતની બધી જ મેડિકલ કૉલેજો અને આરોગ્ય વિભાગ સહિત બધી જ જિલ્લા હૉસ્ટિપટલોના વડા ઉપસ્થિત રહ્યા હતા. સર્વશિક્ષા અભિયાન, જીસીઈઆરટી અને બીજા સરકારી વિભાગોના પ્રતિનિધિઓ પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. 'ડિસેબલ્ડ પર્સન્સ ઑર્ગેનાઈઝેસન્સ (ડીપીઓઝ) અને બીજી બિન-સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સેવાઓ પૂરી પાડનાર અને સેવાઓનો ઉપયોગ કરનારાઓનું આ અનોખું મિલન હતું. આરોગ્ય વિભાગનો પ્રતિભાવ ખૂબ વિધેયાત્મક રહ્યો. વિભાગે જણાવ્યું કે આ પ્રવૃત્તિ કોઈ કલ્યાણ ભાવનાથી કરવામાં આવી નથી, પણ તે તો વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો અધિકાર છે.

પ્રાદેશિક ઍબિલિમ્પિક્સ

'આંતરરાષ્ટ્રીય ઍબિલિમ્પિક્સ ઍસોસિએશન' હેઠળ વિવિધ દેશોમાં યોજવામાં આવતો આંતરરાષ્ટ્રીય  કાર્યક્રમ છે. આ રમત ગમતનો કાર્યક્રમ નથી, પરંતુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનાં કૌશલ્યો અને કળા ઉપર ધ્યાન દોરતો એક કાર્યક્રમ છે. આ પ્રદેશિક કાર્યક્રમનું સંયોજન 'ઍબિલિમ્પિક્સ ઍસોસિએશન-નવી દિલ્લી' દ્વારા કરવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, વિકલાંગોની બાબતોના વિભાગ અને ભારત સરકાર તેના પ્રાયોજકો છે. આ કાર્યક્રમમાં કૃત્રિમ અંગો બનાવવાં, વસ્ત્રો બનાવવાં, લાકડા-કામ, કચરાનો પુનઃઉપયોગ, બાસ્કેટ બનાવવી, ડેટા પ્રોસેસિંગ, વેબ પેજ બનાવવું, ઈંગ્લિશ ટેકસ્ટ પ્રોસેસિંગ, આર્કિટેકચર, મિકેનિકલ ઍસેમ્બલી, માટીકામ, ઈલેક્ટ્રોનિક ઍસેમ્બલી અને ટેસ્ટિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ 'બીપીએ' (અંધ જન મંડળ) ખાતે 21-23 નવેમ્બર, 2013 દરમ્યાન યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 'બીપીએ' ખાતે 21મી નવેમ્બરે ગુજરાત રાજ્યનાં મહામહીમ રાજ્યપાલ ડૉ. શ્રીમતી કમલા બેનીવાલએ કર્યું હતું. એમના વક્તવ્યમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને પણ બિનવિકલાંગ વ્યક્તિઓ જેવા જ અને એટલા જ અધિકારો છે. એનો શક્ય તેટલા વધુ પ્રમાણમાં સ્વીકાર થવો જોઈએ અને મુખ્ય પ્રવાહમાં એમને આણવા જોઈએ.

બઢતે કદમ

'બઢતે કદમ' એ એક રાજ્ય સ્તરનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિઓની સિદ્ધિ વિશે સમાજમાં જાહેર જાગૃતિ આણવાને પ્રોત્સાહન આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 'નેશનલ ટ્રસ્ટ'એ ભારત સરકારના 'સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય' હેઠળ રચાયેલી કાયદાકીય માન્યતા પ્રાપ્ત સંસ્થા છે.
આ સંસ્થા ઑટિઝમ, સેરેબ્રલ પાલ્સી, મંદબુદ્ધિ અને બહુ-વિકલાંગતાના કાનૂન (1999નો કાનૂન 44) હેઠળ સ્થપાઈ છે. 'અંધ જન મંડળ' એ 'નેશનલ ટ્રસ્ટ'નું ગુજરાતનું 'સ્ટેટ નૉડલ એજન્સી સેન્ટર' છે.

આ કાર્યક્રમાં અપવાદરૂપ ક્ષમતાઓ ધરાવતી 360 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. 'નેશનલ ઍબિલિમ્પિકસ ઍસોસિએશન ઑફ ઇન્ડિયા' (એનએઆઈ)ના પ્રમુખ એર માર્શલ શ્રી સતીશ ઈનામદારે કહ્યું હતું કે પ્રાદેશિક ઍબિલિમ્પિક્સને સરકારે એક નિયમિત કાર્યક્રમ તરીકે સ્વીકારવી જોઈએ અને તે ખરેખર લાંબા સમય સુધી ચાલુ રહી શકે તે માટે તેને નાણાકીય સહાય પણ કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમના વિજેતાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભાગ લેવા જશે અને દેશને ગૌરવ અપાવશે. આ કાર્યક્રમમાં 'બીપીએ'ના ટ્રસ્ટીઓ, દાતાઓ, શુભેચ્છકો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના 360 સહભાગીઓ, તેમના સહયોગીઓ, માતા-પિતા અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિકલાંગ વ્યક્તિઓએ નકામી ચીજવસ્તુઓમાંથી કલાત્મક ચીજો બનાવી હતી. તેમણે અભિનય, નૃત્ય, ગાયન જેવી અભિવ્યક્તિ કરી હતી. વિજેતાઓને સુવર્ણ, રજત અને કાસ્ય ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય પ્રકારના 33 એટલે કે કુલ 99 ચંદ્રકો અપાયા હતા. આ વિજેતાઓ ભવિષ્યમાં ચંદીગઢ ખાતે યોજાનારા ઍબિલિમ્પિક્સમાં ભાગ લેશે. ચંદીગઢમાં વિજેતા બનેલા સાધકો 2014માં ફિલિપાઈન્સમાં મનીલા ખાતે યોજાનારા વિશ્વસ્તરના ઍબિલિમ્પિક્સમાં ભાગ લેશે.

'બીપીએ'ની વ્હિલચેર-ટેબલટેનિસ ખેલાડી ભાવિનાએ ઑક્ટોબર-2013માં ચીનમાં યોજાયેલી 'વિશ્વ પેરાલિમ્પિક્સ'માં રજતચંદ્રક જીત્યો હતો. તેમનું પણ આ પ્રસંગે અભિવાદન કરવામાં આવ્યું હતું.

વિકલાંગતા ધરાવતી મહિલાઓ દ્વારા શેરીનાટકની રજૂઆત

'બીપીએ' દ્વારા તૈયાર કરવામાં આવેલા તથા આશિષ અને દક્ષિણ છારા જેવા આંતરરાષ્ટ્રીય નાટ્યકસબીના નિર્દેશન હેઠળ તૈયાર થયેલા એક વિચારપ્રેરક શેરીનાટકની રજૂઆત આખા ગુજરાતમાંથી આવેલી વિકલાંગ મહિલાઓએ કરી હતી. આ નાટકમાં સ્ત્રીઓ પર થતી હિંસા અને જાતીય સતામણી વિશે ચોટદાર રજૂઆત કરાઈ હતી. નેશનલ ઍબિલિમ્પિક્સ અને બઢતે કદમ કાર્યક્રમો દરમ્યાન 21મી નવેમ્બર 2013ના રોજ આ નાટકનું પ્રથમવાર મંચન કરાયું હતું.

'તારે જમીન પર' ફિલ્મના શ્રાવ્ય-વર્ણનની રજૂઆત

'વિશ્વ દૃષ્ટિ દિન-ઑક્ટોબર 10, 2013'ની ઉજવણી નિમિતે 'એસ્સાર કંપની'ના સમાજકાર્ય એકમ 'એસ્સાર ફાઉન્ડેશન'  દ્વારા વિકલાંગતા ધરાવતી વ્યક્તિના સમાજમાં વ્યૂહાત્મક સમાવેશ અને વિસ્તરણ માટેનો કાર્યક્રમ 'ઉન્મુક્ત' શરૂ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે બોલિવુડની વિખ્યાત ફિલ્મ 'તારે જમીન પર'ની રજૂઆત કરવામાં આવી હતી. આ રીતે ફિલ્મના શ્રાવ્ય સ્વરૂપની રજૂઆત સૌ પ્રથમવાર કરાઈ હતી. આ ફિલ્મ બાળકો સહિત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા 250 પ્રેક્ષકોએ નિહાળી હતી.  આ પ્રેક્ષકોમાં 50 વ્યક્તિઓએ દૃષ્ટિક્ષમતા ધરાવતી હોવા છતાં આંખો પર પાટા બાંધીને ફિલ્મ નિહાળી હતી.  તેમને જોઈ ન શકવા છતાં ફિલ્મનો આસ્વાદ માણી શકાય છે તેવો અનુભવ થઈ શકે તે તેનો હેતુ હતો. આ ફિલ્મ દૃષ્ટિહિન માણી શકે તે માટે તેનું ખાસ શ્રાવ્ય-વર્ણન તૈયાર કરવામાં આવ્યું હતું. જે-તે દૃશ્યમાં આવતાં અવાજહીન દૃશ્યોને જોઈ શકતા લોકો માણી શકે, પરંતુ દૃષ્ટિહીન લોકોને એનો અનુભવ ન થઈ શકે, તેવાં દૃશ્યોને અવાજથી ભરવામાં આવ્યાં હતાં. આ કારણે પૂર્ણ કે અંશતઃ દૃષ્ટિહીન પ્રેક્ષકો પણ આ ફિલ્મને જોઈ શકતી વ્યક્તિની મદદ વિના પણ માણી શક્યા હતા.

દિવસના કાર્યક્રમની શરૂઆત 'અંધ જન મંડળ'થી 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન' સુધીની 'સોલિડારિટી વૉક'થી કરવામાં આવી. તેમાં દૃષ્ટિક્ષતિ ધરાવતાં 200 બાળકો, યુવાનો અને વયસ્ક લોકોએ ભાગ લીધો હતો. 'અમદાવાદ મેનેજમેન્ટ ઍસોસિએશન' ખાતે ફિલ્મની રજૂઆત કરવામાં આવી હતી. આ રેલીને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી દિલિપ પરીખે ધ્વજ બતાવીને વિદાય આપી હતી. જૂથે દૃષ્ટિ ધરાવતા લોકોને દૃષ્ટિહીન પરત્વે સહાનૂભૂતિ દર્શાવવા અપીલ કરતા સંદેશા લખેલા બેનરો અને પ્લેકાર્ડો સાથે રેલી કાઢી હતી. એક પ્લેકાર્ડમાં લખ્યું હતું. "આવો અમારી સાથે, અમારા વિશ્વમાં સહભાગી બનો. આ વિશ્વ સ્પર્શ અને અવાજોથી ભર્યું ભર્યું છે."

'એએમએ'ના ઑડિટોરિયમમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર સચિવશ્રી સંજય પ્રસાદે મુખ્ય અતિથિ તરીકે 'ઉન્મુક્ત'ના બેનરનું ઔપચારિક અનાવરણ કર્યું હતું. એમની સાથે રેટિનોપથ અને વિઝન-2020 ગુજરાતના પ્રમુખ ડૉ. પી.એન. નાગપાલ અને 'એસ્સાર ફાઉન્ડેશન'ના સીઈઓ શ્રી દીપક અરોરા ઉપસ્થિત હતા.

નીતાબહેન પંચાલને હેલન કેલર એવોર્ડ

દિલ્લીની રાષ્ટ્રીય સંસ્થા 'નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ પર્સન'- એન.સી.પી.ઈ.ડી.પી. સંસ્થા દ્વારા '15મો શેલ હેલન કેલર એવોર્ડ 2013' અર્પણ કરવામાં આવ્યો. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનાં કેબિનેટ મંત્રીશ્રી કુમારી શૈલજાના વરદ્ હસ્તે શ્રી નીતાબહેન પંચાલને વિકલાંગતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 'શ્રેષ્ઠ રોલ મોડેલ ઈન પર્સન વીથ ડિસેબિલિટી' કેટેગરીમાં આ ઍવોર્ડ પ્રાપ્ત થયો. નીતાબહેન પંચાલ, કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપમાં કમ્મરથી નીચે સંવેદના ગુમાવી પેરાપ્લેજિક બન્યાં છે અને વ્હિલચેર પર જીવન પસાર કરે છે. તેમણે આ પેરાપ્લેજિક અવસ્થામાં પણ હિમ્મત હાર્યા વગર પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. વિકલાંગતા ધરાવતી મહિલાઓના વિકાસ માટે કાયદાઓ અને સરકારી યોજનાઓ ઘડાય તે દિશામાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમણે ર્'વલ્ડ સોશિયલ ફોરમ'માં વિકલાંગ મહિલાઓના વિકાસ માટે પ્રેરણાદાયક પ્રવચન આપી તેમને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે. વ્હિલ ચેર અને જવેલીન થ્રો ની રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં તેમણે ગોલ્ડ મૅડલ પ્રાપ્ત કર્યો છે. નીતાબહેનેે 'ગર્ભથી કબ્ર સુધી - વિકલાંગ સ્ત્રીની સમસ્યા' અને નિયતિને પડકારનારા નામનાં બે પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે. વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં હકારાત્મક બદલાવ માટે ઘનિષ્ઠ પ્રયત્નો થાય અને રોજગારીની તકો ઊભી થાય તે માટે પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેમને આ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. નીતાબહેેન પંચાલ હાલમાં 'ડિસેબિલિટી ઍડવોક્સી ગ્રુપ'નાં મંત્રી અને 'હૅન્ડિકેપ ઈન્ટરનેશનલ'ના પ્રોજેક્ટ અંતર્ગત મેકીંગ ઈટ વર્ક - એમ.આઈ.ડબ્લ્યુ. કોઑર્ડિનેટર તરીકે પોતાની ફરજ બજાવે છે. તેઓ 'ડી.એ.જી.'ના ન્યૂઝલેટર 'અવસર'નાં તંત્રી છે. આ ઍવૉર્ડ ગુજરાતમાં પ્રથમ વાર અને તે પણ વિકલાંગ મહિલાને પ્રાપ્ત થયો છે, જે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે.

પ્રજ્ઞાચક્ષુ લોકોની ઉત્તમ સેવા બદલ પ્રફુલભાઈ વ્યાસને નામદાર રાજ્યપાલશ્રીના વરદ્ હસ્તે એનાયત થયો 'ધરતી રત્ન ઍવૉર્ડ'

ધોરાજી ખાતે આવેલા 'અંધ જન કલ્યાણ ટ્રસ્ટ'ના માનદ્ મંત્રીશ્રી પ્રફુલ એન. વ્યાસને 'આશીર્વાદ ઍજ્યુકેશન ટ્રસ્ટ' દ્વારા નામદાર રાજ્યપાલ ડૉ. શ્રીમતી કમલાજી બેનીવાલના વરદ્ હસ્તે 'ધરતી રત્ન ઍવૉર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. વિકલાંગો અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ લોકો માટેની ટેકનોલૉજી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ તેમને આ ઍવૉર્ડ અર્પણ થયો.

ધોરાજીમાં પ્રફુલભાઈએ નેત્રહીન ભાઈઓ-બહેનોને ટેકનોલૉજીનો ઉપયોગ કરતા શીખવાડ્યો છે. પોરબંદર જિલ્લાના ટૂકડા (ગોસા) ગામમાં જન્મેલા પ્રફુલભાઈએ માત્ર પાંચ વર્ષની નાની વયે ટાઈફોઈડના કારણે દ્રષ્ટી ગુમાવી હતી. ત્યારબાદ એમ.એ.-બી.એડ. સુધીનો અભ્યાસ કરી હાલ તેઓ સરકારી કન્યા વિદ્યાલય-ધોરાજીમાં, ગુજરાતી અને સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત, 'અંધ જન કલ્યાણ ટ્રસ્ટ'ના ભાઈઓ-બહેનોને કૉમ્પ્યુટરનું જ્ઞાન આપીને સ્વાવલંબી બનાવી રહ્યાં છે. ત્યાં મંદબુદ્ધિનાં બાળકો માટે પણ હૉસ્ટેલ તથા શાળા ચલાવવામાં આવે છે. કૉમ્પ્યુટર અને ટેકનોલૉજી ક્ષેત્રે પ્રફુલભાઈ, દ્રષ્ટિવાન લોકોને પણ પ્રેરણા પૂરી પાડે તેવું જ્ઞાન ધરાવે છે. એટલું જ નહીં, ટચ સ્ક્રીન મોબાઈલનો ઉપયોગ કરીને દ્રષ્ટિવાનોને પણ હેરત પમાડે છે.

રાહબર બની અનેકને રોજગારીનું પથ-દર્શન કરાવવા બદલ તેમને વર્ષ 2011માં મુંબઈ ખાતે, મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રીના હસ્તે 'આર. એમ. અલ્પાઈવાલા મેમોરિયલ રાષ્ટ્રીય ઍવૉર્ડ' એનાયત થયો હતો.

પ્રફુલભાઈએ ધોરાજીમાં કૉમ્પ્યુટર તાલીમ કેન્દ્રની સ્થાપના કરીને અંધ જનોને વિનામૂલ્યે રહેવા-જમવા સાથે કૉમ્પ્યુટરની તાલીમ આપી. આ કેન્દ્રની કામગીરી જોઈને ગુજરાત સરકારે એપ્રિલ-2010થી નેત્રહીન તથા અન્ય વિકલાંગતા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે સી.સી.સી. અને સી.સી.સી. પ્લાસની કૉમ્પ્યુટરની તાલીમ તેમ જ 5રીક્ષા કેન્દ્ર તરીકે તેને માન્યતા આપી. આજ દિન સુધી પ્રફુલભાઈએ 325 નેત્રહીન તથા વિકલાંગતા ધરાવતા 125 ભાઈઓ-બહેનોને કૉમ્પ્યુટરની તાલીમ આપીને ટેકનોલૉજી ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. જેમને નેત્રો છે તે જગત જુએ છે, જે જુએ તેમાં ક્યારેક અટવાઈ પણ જાય, જ્યારે નેત્રહીન હોય તે સુદ્રઢ સત્યના માર્ગે જતા સમાજની કલ્પના કરે છે અને તે કલ્પનાને સમાજની સેવામાં અર્પણ કરે છે.

આમ, શ્રી પ્રફુલભાઈ વ્યાસે, અંધ જનો તેમ જ વિકલાંગતા ધરાવતા અન્ય લોકોનાં શિક્ષણ, રોજગાર અને પુનર્વસનનાં કાર્યોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ વિકલાંગતા ક્ષેત્રે વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ, પ્રકલ્પો તથા કાર્યક્રમો આગવી ઢબે ચલાવે છે. વિકલાંગતા ક્ષેત્રે થયેલાં નવાં સંશોધનોને વિકલાંગતા ધરાવતા લોકો સુધી પહોંચાડવા માટે તેઓ હંમેશાં તત્પર રહે છે. ગમે તેવી મુસીબતો આવવા છતાં તેમનાં ઉત્સાહમાં ઓટ આવતી નથી.

યોગ્યજન કલ્યાણ માટે શ્રી ગોવર્ધનલાલ જાટનું સન્માન

રાજસ્થાન સરકાર દ્વારા 'રાજસ્થાન વિકલાંગ મંચ', ટોંકના જિલ્લા અધ્યક્ષ શ્રી ગોવર્ધનલાલ જાટને વિશેષ યોગ્યજનના કલ્યાણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ રૂ. 5,000 રોકડ પુરસ્કાર, સન્માનપત્ર, સ્મૃતિ ચિહ્ન અને શાલ અર્પણ કરીને સન્માન કરવામા આવ્યું. રાજસ્થાન રાજ્ય સ્તરીય પુરસ્કાર વિતરણ સમારંભમાં તા. 28 ફેબ્રુઆરી, 2014ના રોજ, જવાહર કલા કેન્દ્ર, જયપુર ખાતે આ સન્માન થયું હતું.

'મનરેગા' હેઠળ રોજગારીમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ

તા. 27-12-2013ના રોજ, સ્પીપા, અમદાવાદમાં 'મનરેગા પ્રૉગ્રામ ઍડવાઈજરી કમિટી'ની બેઠકમાં 'ડિસેબિલિટી ઍડવોકસી ગ્રુપ' દ્વારા 'મનરેગા' હેઠળ રોજગારીમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના સમાવેશ બાબતે નીચેના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતાઃ

  1. ગ્રામ પંચાયતમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની યાદી તૈયાર કરવી જોઈએ.
  2. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને કામ દરમ્યાન આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ગ્રામ સભામાં મુદ્દાઓ ધ્યાન ઉપર લેવા જોઈએ.
  3. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને અલગથી જોબ કાર્ડ મળવું જોઈએ અને તેમની નોંધણી અલગથી થવી જોઈએ.
  4. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને 150 દિવસની હાજરી મળવી જોઈએ. એટલે કે, તેમના પરિવારને 100 દિવસ અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિને 150 દિવસ, એમ કુલ 250 દિવસની રોજગારી મળવી જોઈએ.
  5. તીવ્ર વિકલાંગતાવાળા વ્યક્તિના પાલકને જોબકાર્ડ મળવું જોઈએ.
  6. દરેક પ્રકારની વિકલાંગતા માટે અલગ-અલગ માપદંડ હોવા જોઈએ. (જેમ કે, હલનચલન, દ્રષ્ટિ ક્ષતિ, શ્રવણ ક્ષતિ, અલ્પ દ્રષ્ટિ, બહુ વિકલાંગતા વગેરે વિકલાંગતાને અનુરૂપ કાર્યો સોંપવા જોઈએ.)
  7. અલગ-અલગ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ નીચે મુજબનાં કાર્યો કરી શકે છેઃ
  • હલનચલન (વ્હિલ ચેરમાં ચાલતા, એક ઘોડીથી ચાલતા, બે ઘોડીથી ચાલતા, એક હાથ કપાયેલા, એક પગે હાથ દઈને ચાલતા, જયપુર બૂટ પહેરીને ચાલતા) પાણી લાવવાનું કામ, જંગલ કટિંગનું કામ, ડ્રેસિંગ (માટીનું લેવલિંગ કામ), ત્રિકમ પાવડા વગેરે બેસાડી આપવાનું મેઈન્ટેનન્સનું કામ, વૃક્ષારોપણ, સુપરવાઈઝરનું કામ, કૉમ્પ્યુટર ઑપરેટર, પરબમાં પાણી પીવડાવવું, 40થી 60 ટકા વિકલાંગતાવાળા વ્યક્તિઓ ચોકડી ખોદવાનું કામ કરી શકે, શૌચાલય બનાવવાનું કામ, બોર ઑપરેટર, રસ્તાઓનું સમારકામ, પ્લમ્બિંગ કાર્ય, બગીચાની સારસંભાળ વગેરે કરી શકે.
  • દ્રષ્ટિ ક્ષતિ (અલ્પ દ્રષ્ટિ)ઃ પાણી લાવવવાનું કામ, જંગલ કટિંગનું કામ, ડ્રેસિંગ, માટીનું લેવલિંગનું કામ, ત્રિકમ-પાવડા વગેરે બેસાડી આપવાનું કામ, મેઈન્ટેનન્સનું કામ, વૃક્ષારોપણ, સુપરવાઈઝરનું કામ, કૉમ્પ્યુટર ઑપરેટર, પરબમાં પાણી પીવડાવવું, ચોકડી ખોદવાનું કામ, શૌચાલય બનાવવાનું કામ, બોર ઑપરેટર, રસ્તાઓનું સમારકામ, પ્લમ્બિંગ કાર્ય, બગીચાની સારસંભાળ.
  • દ્રષ્ટિ ક્ષતિ (અંધત્વ)ઃ પાણી પીવડાવવાનું
  • શ્રવણ ક્ષતિઃ દરેક કાર્ય કરી શકે
  1. બહુ વિકલાંગતા, તીવ્ર વિકલાંગતા, સેરેબલ પાલ્સી, ઑટિઝમ, પેરાપ્લૅજિક, માનસિક બીમાર, મંદબુદ્ધિ વગેર વિકલાંગતાવાળા વ્યક્તિઓની સંભાળનાં કામનો 'મનરેગા'ના કામમાં સમાવેશ કરવો.
  2. જે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ ઘરની બહાર નીકળી શકતી ન હોય તેવી વ્યક્તિઓ માટે ગૃહ-ઉદ્યોગ શરૂ કરાવી 'મનરેગા' યોજના અંતર્ગત રોજગારી આપવી જોઈએ.
સ્ત્રોત: ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate