অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શીયાળબેટ ગામની કેસસ્ટડી

શીયાળબેટ ગામની કેસસ્ટડી

શીયાળબેટ અમરેલી જીલ્લાના ઝાફરાબાદ તાલુકાનુ ગામ છે. આ ગામ દરીયાની વચ્ચે આવેલુ છે, ગામની કુલ વસ્તી ૮૦૦૦ ની છે આ આખુ ગામ કોળી જ્ઞાતિનુ છે. ગામમાં જવા માટે બોટ નો ઉપયોગ કરવો પડે છે. ગામમાં પીવાનુ પાણી કે વીજળી વિગેરે જેવી પ્રાથમિક સુવીધાઓ નથી. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય મજુરીકામ જેમાં, મીઠા પકવવાનુ કાર્ય અને મચ્છીમારીનુ કામ છે. ગામ લોકો રોજગારી મેળવવા માટે વર્ષમાં ૮ મહિના મજુરીકામ માટે સ્થળાંતર કરે છે. આ ગામ દરીયા વચ્ચે આવ્યુ હોવા છતા આજથી દસ વર્ષ પહેલાં ગામમાં શાકભાજી,બાજરો અને કઠોળ જેવા પાકો થતા હતા જેમાં આજે ઘણુ પરીવર્તન આવ્યુ છે અને પાકો થતા નથી અને ગામમાં પીવા અને વાપરવાના પાણી માટે કુવા હતા તેમાં પાણી મીઠુ હતુ હાલમાં આ કુવામાં પણ પાણી ખારા થઇ ગયા છે.

આજથી ૧૫ વર્ષ પહેલાં શીયાળબેટ ગામનો દરીયાકિનારે રસ્તો હતો ત્યાં આગળ પીપાવાવ શીપયાર્ડ ત્યાં આવ્યુ, તે સમય દરમ્યાન પીપવાવ શીપયાર્ડે  શીયાળબેટ ગ્રામપંચાયત સાથે કરાર કર્યો કે અમે તમને સારો રસ્તો કરી આપીશુ પરંતુ આજે વાસ્તવીકતા જુદી જ છે. ગામલોકોને રસ્તો સારો કરવાની વાત તો એક તરફ પણ ત્યાં ચાલવા માટે અને પોતાના ઘરે આવન જાવન માટે પણ કંપનીના ગેટ પર પરવાનગી મેળવવી પડે છે. આમ છેલ્લા બાર વર્ષથી શીયાળબેટના લોકો પરેશાની ભોગવે છે.

પક્ષ નં.— ૧ ગામલોકો  સંગઠનનાં સભ્યોઃ— કમરબેન,શીયાળ,  નભુબેન બારૈયા, ધુનાબેન બારૈયા, સોનાબેન શીયાળ

પક્ષ નં.— ૨ પીપવાવ શીપયાર્ડ

પક્ષ નં.— ૧ શુ માને છે ?

ગામના લોકો છેલ્લા બાર વર્ષથી પોતાના ઘરે આવવા જવા માટેના રસ્તાની મુશ્કેલી અનુભવી રહયા છે. જેમાં, લોકો એવુ માને છે કે કંપનીએ જે વાયદો કર્યો હતો તે પ્રમાણે રસ્તો થયો નથી અને કંપની રસ્તો બીજી બાજુ કરવા માટે તૈયાર છે પરંતુ તે ગામલોકોને મંજુર નથી.કેમકે આ નવો રસ્તો ચાંમુડા બંદરથી કાઢવા માંગે છે જેમાં જંગલ જેવી જાડી અને ખુબ લાંબો રસ્તો થાય જેથી આર્થિક રીતે પણ પરવડી શકે તેમ નથી અને અસલામતીનો ભય પણ ઉભો રહે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી કંપનીએ લોકોને હેરાન કરવાનુ ચાલુ કર્યુ છે જેમાં પાસ વગર લોકોને ચાલવા દેવુ નહી, નકકી કરેલા સમયે જ નીકળવુ. આ ઉપરાંત એમ્બ્યુલેન્સને પણ આવવા દેતા નથી જેથી વ્યકિતઓને તાત્કાલીક સારવાર ન મળે તો મૃત્યુ પણ પામે છે. કુદરતી સંશાધનો નો ઉપયોગ પણ ગામલોકો પરમીશન વગર કરી શકતા નથી જેમકે, માછીમારી કરવી અથવા તો બાવળ કાપવા વિગેરે. કાંઠા ઉપરથી આવવા જવામાં અસલામતી વધી છે કેમકે રસ્તામાં કંપની ઉપર કામ કરતા ગાર્ડ ગોઠવેલા છે. આ સાથે બંધીયારપણાનો અનુભવ ગામલોકો ને થાય છે. અને પરમીશન મેળવવામાં સમયનો બગાડ પણ થાય છે. ગામમાં પાણી કે લાઇટની સુવીધા પણ નથી. કંપની દવારા ડ્રેજીગ નુ કાર્ય થવાથી કુદરતી સંશાધનોને પણ અસર થઇ છે અને રોજગારી ઉપર પણ અસર થઇ છે. ડ્રેજીગ થવાથી પાણી ખારા થયા છે અને માછીમારી કરતા કુટુંબોને પણ દરીયામાંથી માછલીઓ મળતી નથી, માછલી મેળવવા માટે દુર સુધી જાવુ પડે છે.

પક્ષ નં.— ૨ શુ માને છે ?

આ જમીન અમે ખરીદેલી છે જેથી જમીન અને દરીયો અમારી માલીકીનુ છે. અને કંપનીએ કરેલા કરાર પ્રમાણે તે ગામલોકોને કામ આપશે તેવી વાત હતી પરંતુ આવડતવાળા વ્યકિત અને અક્ષરજ્ઞાન ન હોવાથી સ્થાનીક લોકોને રોજગારી આપી શકાય નહી. આ સિવાય કંપની લોકોને નવો રસ્તો બનાવી આપવા તૈયાર છે.

સંઘર્ષ થવાના કારણો :—

  • સરકારે  શીયાળબેટના લોકોને ધ્યાને લીધા વગર જમીન શીપયાર્ડ ને આપી દીધી.
  • લોકોને પોતાના માનવઅધિકાર જેમાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થતી નથી અને પોતાના ગામમાં જ બંધીયારપણા જેવો અહેસાસ થાય છે.
  • કંપની દવારા લોકો ઉપર દબાણની પ્રક્રિયા વધવાથી લોકો કંટાળી ગયા છે.
  • સુવીધાથી વંચિત રાખવા

કોને શું લાગ્યું ?

પક્ષ નં.— ૧ : બંધારણમાં આપેલા હકકો અમને મળવા જોઇએ જેમાં, પ્રાથમિક સુવિધામાં આરોગ્ય, પાણી,આવાસ વિગેરે.

અમે અમારા હકકો મળે તે માટે રસ્તાની સુવિધા, પ્રાથમિક સુવિધા માટેના લખાણ અમે તાલુકા પંચાયત ઝાફરાબાદ અને જીલ્લામાં કલેકટરશ્રીને આપેલ છે.પણ આ અંગે કોઇ પણ જાતની કાર્યવાહી આગળ વધતી નથી.

ગામમાં રેશનીંગ શોપ નથી રાશન લેવા માટે ઝાફરાબાદ જવુ પડે છે.

લોકો માને છે કે શુ કામ અમે અમારો વર્ષોથી જે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ ત્યાંથી આવવા જવાનુ બંધ કરીએ.

દરીયામાં ડ્રેજીંગના કાર્ય માટે લોકો ના કહેતા હતા પરંતુ કંપનીએ ગામલોકોની એક વાત સાંભળી નહી અને ડ્રેજીંગ કર્યુ જેથી પાણી ખારુ થઇ ગયુ. અને નાના પાયે પગડીયા મચ્છીમારી નો વ્યવસાય બંધ થઇ ગયો.

પક્ષ નં.— ૨

  • આ જમીન અમારી માલીકીમાં આવે છે જેથી ગામલોકો એ પરમીશન તો લેવી જ પડે.
  • જો  કોઇ જાન માલ નુ નુકશાન થાયતો તેમાં કંપની પોતાને જવાબદાર બનાવવા માંગતી નથી.કંપની ગામલોકો ને જુદો રસ્તો કરી આપવા તૈયાર છે.

કોણ કોને જવાબદાર ગણે છે?

ગામલોકો પોતાની જરુરીયાત પુરી કરી શકતા નથી અને સુવિધા થી વંચિત પણ છે તેના લીધે લોકો કંપનીને જવાબદાર ગણે છે.

કંપનીના કારણે લોકો ને પરમીશન પણ લેવી પડે છે.

કંપનીનુ માનવુ એવુ છે કે આ જમીન અને દરીયો અમે ખરીદેલ છે આથી અહીંથી અમે લોકોને આવન જાવન કરવા દઇએ નહી તેમને આ રસ્તાનો ઉપયોગ કરવો હોયતો અમારી પરમીશન લેવી જ પડે.

જે પરમીશન વગર લોકો આમા આવ જા કરે અને કોઇ જાનહાની થાયતો કંપની ની જવાબદારી બને.

માહિતીનું વર્ગીકરણ

કંપની સામે લડવામાં લોકોની શકિત ઓછી પડે છે, અને આખુ ગામ મજુરી સાથે સંકળાયેલુ હોવાથી એક વખત જુસ્સાથી લડવા માટે તૈયાર થઇ જાય પરંતુ સમય જતા લોકો આર્થિક રીતે પણ થાકી જાય છે જેથી ભેગી થયેલી શકિત વિખેરાય જાય છે.

કંપની પાસે સતા અને પાવર અને આર્થિક સધ્ધરતા છે જેથી તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી અને સ્થાનીક રાજકીય પ્રક્રિયા ભળવાથી પણ કોઇ હલ નીકળતો નથી.

સ્થાનીક ધારાસભ્ય પણ કોળી જ્ઞાતિના છે લોકોએ તેમને પણ રજુઆત કરી પણ કોઇ પ્રક્રિયા થતી નથી અને તેમ છતા લોકો તેમને જ વોટ આપે છે કેમકે લોકોની એક માનસિકતા છે કે અંતે તો અમારા જ કેવાય ને બીજા આવે તેના કરતા તો સારા.

કોઇ વ્યકિત અવાઝ ઉઠાવે તો તેને પ્રલોભન આપી ખરીદી લે છે.

ગામલોકોમાં પહેલા એકતા હતી પરંતુ તેમા કંપનીએ દરમ્યાનગીરી કરી અમુક ગામના આગેવાનોને તેમની ફેવરમાં કરી લીધા છે.

વાર્ષિક ૮ માસ રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી લોકોને એવુ લાગે કે કોણ આવી માથાકુટમા પડે. જેના લીધે પણ આ મુદામાં કોઇ સામૂહિક બળ સતત ટકી શકતુ નથી.

આ વિસ્તારમાં શીયાળબેટના દરીયાકિનારાની બાજુમા સ્વાન એનર્જી પાવર પ્લાન્ટ પણ આવી રહયો છે જેની જેટી પણ ત્યાં આગળ પડવાની છે જેના કારણે શીયાળબેટના લોકોને આર્થિક રીતે અને સામાજીક રીતે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.

આ ઉપરાંત રાજુલા ઝાફરાબાદની વચ્ચે અને કોવાયાની બાજુમાં જી.એસ.પી.સી નામની કંપની અને ઇમ્પેકટસ પાવરપ્લાન્ટ આવી રહી છે જેના કારણે પણ મુશ્કેલીઓ ઉભી થાય તેમ છે.

 

મુખ્ય કોની કોની વચ્ચે સંઘર્ષ હતો ? ( સંઘર્ષનું મૂળ— ઝઘડાનું ઉદ્‌ભવસ્થાન અને સંઘર્ષ ના તબકકા અને તે કયાં પાસાંમાં આવે ?)

મુખ્ય સંધર્ષ શીયાળબેટ ગામના લોકો અને પીપાવવા શીપયાર્ડ વચ્ચે છે. આ સંઘર્ષનુ મુળ શીયાળબેટના લોકોને પોતાના ગામમાં આવવા જવાના રસ્તાને લીધે તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેના લીધે અને ભારતના નાગરીક હોવા છતા તેમને જીવનજરુરીયાતની વસ્તુથી વંચિત રહેવુ પડે જેના કારણે પણ સંઘર્ષ છે.

આ શીયાળબેટનો જે સંઘર્ષ છે જે દેખી શકાય તેવો છે તેમાં આપણે સંઘર્ષના પાસાં તપાસીએતો આ સંઘર્ષમાં

  1. સંશાધન સુધીની પહોંચ માં સ્થાનીક લોકો પીપાવાવ શીપયાર્ડના કારણે તેના નાના વ્યવસાય તરીકે તે પગડીયા માછીમારી કરતા તે હવે થઇ શકતી નથી, તેને હવે દરીયામાં અંદર સુધી માછીમારી કરવા જવુ પડે છે. પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવુ પડે છે જેમકે, દવાખાનાની વ્યવસ્થા નહી, પીવાનુ પાણી અને વીજળીની વ્યવસ્થા નથી ગામમાં ૮૦૦૦ વસ્તી હોવા છતા રેશનીગ શોપ નથી. સ્થાનીક કોઇ રોજગારી ના સાધનો ઉપલબ્ધ નથી.
  2. સતા અને પાવર :— પીપાવાવ શીપયાર્ડ પાસે આર્થિક સધ્ધરતા અને સ્થાનીક તેમજ રાજકીય વગ હોવાથી ગામના તમામ પ્રશ્નો વણઉકેલા જ રહે છે,
  3. આત્મગૌરવ અને માનવઅધિકાર :— ભારતીય નાગરીક તરીકે ભારતમા રહેનાર તમામ નાગરીકો ને પ્રાથમિક સુવિધા મેળવવાનો અધિકાર છે તેમ છતા છેલ્લા ઘણા સમયથી શીયાળબેટના લોકોને કંપની દવારા હડધુત કરવામાં આવે છે તેમજ જયારે લોકોને જરુર હોય ત્યારે એમ્બ્યુલન્સ જેવા સાધનોને કંપની અંદર જવા ની પરમીશન આપતી નથી જેથી જાનહાની થાય છે.

ત્રીજી બાજુ અને તેની ભૂમિકા :—

  1. અસીલમંચ જે સામાજીક ન્યાયકેન્દ્ર દવારા કાર્યરત છે અને દરીયાકાંઠાનાં પ્રશ્નો ઉપર કાર્ય કરે છે. તેમનુ મુખ્ય કાર્ય સ્થાનીક પ્રશ્નોને સમજવા અને લોકોને માર્ગદર્શન પુરુ પાડવુ. તેમજ મત્સ્ય પાલન સાથે જોડાયેલા લોકો માટે કાર્ય કરે છે. રોજગારીનો પ્રશ્ન આવતા શીયાળબેટ નો પણ પ્રશ્ન સામે આવ્યો જેથી તેમાં તેમણે સ્થાનીક લોકોને માર્ગદર્શન આપ્યુ કે આ પ્રશ્ન સામે તમે લડી શકો.
  2. પર્યાવરણ મિત્ર જે અમદાવાદની સંસ્થા છે અને પર્યાવરણના પ્રશ્નો માટે કાર્ય કરે છે તેમનુ મુખ્યકાર્ય જે વિસ્તારમાં ઉધોગોને લઇ સુનાવણી થવાની હોય તે ગામના લોકોને અથવા તો સબંધીત વ્યકિતઓને જાણ કરવી. જ્ે અંર્તગત શીયાળબેટના લોકોને જે હમણાં પીપવાવ એકસ્ટેન્શન માટે સુનાવણી હતી તે સંદર્ભે જણાવેલ તેમાં સુનાવણી દરમ્યાન લોકોએ વિરોધ કરેલ તેમ છતાં દોઢ વર્ષ પછી પીપાવાવ એકસ્ટેન્શન માટે પીપાવાવ શીપયાર્ડ ને જુન—૧૨ મંજુરી મળી ગઇ છે. પરંતુ આના માટે લોકો તેને પડકારશે.
  3. ઉત્થાન સંસ્થા અને મહિલા વિકાસ સંગઠન :— આ સંસ્થા શીયાળબેટમાં સ્થાનીક મહિલા મંડળ બનાવી તેની સાથે સામાજીક મુદા અને સામૂહિક બચત નુ કાર્ય કરે છે. જેમાં શીયાળબેટમાં મહિલા મંડળ દવારા આ પ્રશ્ન સામે આવતા તેમાં માર્ગદર્શન નુ કાર્ય કરવામાં આવ્યુ અને તેના લીધે કલેકટર અને ધારાસભ્યને પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે. અને ગાંધીનગર સુધી લોકોએ આ પ્રશ્નને પહોચાડયો છે.

પરીણામ :—

હાલમાં પણ આ પ્રશ્ન ચાલુ છે જેમાં કોઇ પ્રકારનો નિર્ણય આવતો નથી અને શીયાળબેટના માણસો જાણે મુશ્કેલીમાં રહેવા ટેવાઇ ગયા હોય તેમ લાગે છે પરંતુ ગામમાં એવા આગેવાનો અને સંગઠનો છે જે હાલ પણ પોતાની રીતે આ મુદે કાર્ય કરી રહયા છે.

સ્ત્રોત: જાય રાઠોડ, ઉત્થાન ટિમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate