অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિધવા : પ્રથમ તો એક માણસ

વિધવા : પ્રથમ તો એક માણસ

ગઈકાલે એક સબંધીના ત્યાં મળવા જવાનું થયેલું ત્યારે બાજુમાં સફેદ મંડપ બાંધેલો જોઇને અમસ્તુજ પૂછાઈ ગયું કે કોઈ ઘટના ઘટી લાગે છે અને ભાભીએ હા…’ કહ્યું ત્યાં તો બાએ બોલવાનું શરૂ જ કરી દીધું, હા બેન એક ૩૫ વર્ષનો નાનો દીકરો મર્યો છે. ત્રાસ ત્રાસ થઇ ગયો, નાની દીકરીએ છે ૩ વર્ષની પણ વહુને જુઓં તો જરાયે અસર નથી, બારમાની ક્રિયાના દિવસેય બધાની જોડે જમવા બેઠી, બાર આંગણામાં ફરતી હોય તોય માથે છેડો નથી રાખતી, એની છોડી જોડેય કેવી વાતો કરતી હોય છે!.. જરાય લાજ કે દુઃખ જેવું વર્તાતું નથી. આ સાંભળીને ખરેખર દુઃખ થયું. ના, એ વિધવા સ્ત્રી પર નહીં, આ બાની વાતો પર કે જમાનો આટલો આગળ નીકળી ગયો હોવા છતાં હજી સમાજના ઘણા બધા લોકો આવી પ્રથાઓમાં વિશ્વાસ રાખે છે. નક્કી ન કરી શકાયું કે દયા કોની પર ખાવી, આવી જૂની-પુરાણી વિચારસરણી પર કે વિધવા બનેલી સ્ત્રી પર.

વિધવા સ્ત્રીનું પતિ ગુમાવવાનું દુઃખ એના વર્તન, વાણી, આહાર કે પહેરવેશ પરથી કઈ રીતે નક્કી થઈ શકે? જે વાત સાંભળવા માત્રથી જ આપણા શરીરમાં કંપારી છૂટી જાય છે ત્યારે એ વ્યક્તિએ તો એનુ સર્વસ્વ ગુમાવી દેવા જેવી વાત છે, એના મનની પીડા તમારા-મારા જેવા શું જાણી શકવાના?

જેનો પતિ અવસાન પામ્યો હોય, એ સ્ત્રીથી ઘરની બહાર ન નીકળાય, એનાથી સારા ઉઘડતા રંગના કપડા ન પહેરાય, એનાથી હસીને ન બોલાય, એ જાહેરમાં વાત ન કરી શકે, એનાથી સ્વાદિષ્ટ ભોજન ન જમાય, એમાં ગળ્યું તો ખાસ નહીં, એને બધાથી પહેલા ઉઠીને ઠંડા પાણીથી જ નહાઈ લેવાનું અને ક્યાંક તો એવું પણ હોય છે કે વિધવા સ્ત્રી ચપ્પલ પણ ન પહેરી શકે. કેમ? તો કારણ માત્ર એટલું જ કે વર્ષોથી સમાજે વિધવા સ્ત્રીઓ માટે આવા નિયમો બનાવેલા છે અને જો આ નિયમો પાળવામાં સ્ત્રીથી ચૂક થાય તો એને બેશરમ, બિન્દાસ્ત, નફ્ફ્ટ, લાગણીહીન વગેરે જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે. આવા વિશેષણોથી બિરદાવતા પહેલા કોઈ એ નથી કહેતું કે એ સ્ત્રી પણ પ્રથમતો એક માણસ જ છે..!

કોઈ સારા અવસરે વિધવા સ્ત્રી સામે મળવી કે એને કંકુવાળી આંગળી કરાવવી એ અપશુકન ગણાય, એવી અંધશ્રદ્ધા આજે પણ સમાજના ઘણા વર્ગમાં પ્રચલિત છે. કોઈ વિધવાને શુભ પ્રસંગે હાજર રહેતા અટકાવાતી હશે ત્યારે એને ચોક્કસ દુઃખ થતું જ હશે. આવી રૂઢી અને પરંપરાઓની સામે માનવતા હારી જતી દેખાય છે. એક દુઃખી સ્ત્રીને વધુ દુઃખી કરી સમાજ ક્યાં રીવાજો અને પ્રથાઓને ન્યાય આપી શકવાનો?

એક વિધવા સ્ત્રીને માથે એના ઘર પરિવારની જવાબદારી આવી પડે છે, જો એ મજબૂત નહીં બને તો બીજા બધાનું ધ્યાન કેવી રીતે રાખશે?પતિની ગેરહાજરીમાં એને ઘર સાચવવાનું હોય છે, એને બાળકોની માતાની સાથે સાથે એમના પિતા પણ બનવાનું હોય છે, ઘર ચલાવવાની સાથે સાથે દરેકની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય છે જેમાં ક્યારેક એને પારિવારિક સમસ્યાઓ તેમજ નાણાકીય સમસ્યાઓનો સામનો પણ એકલા હાથે કરવો પડતો હોય છે. નાની ઉંમરમાંજ પતિનો સાથ ગુમાવી બેઠેલ સ્ત્રીઓને ક્યારેક શારીરિક સતામણી જેવી સમસ્યાઓ સામે પણ એકલે હાથ લડવું પડતું હોય છે. આવા સમયે એને મજબૂત બનવું જ પડતું હોય છે, પહેલાથી પણ વધુ.. પતિના અવસાન બાદ ક્યાં સુધી લાચાર બિચારી બનીને બેસી રહે. એને કુદરત તરફથી એવા દુઃખની ભેટ મળી છે જે એની જીંદગીમાં એ ક્યારેય ભૂલી શકવાની નથી. પણ જો એ દુઃખને થોડું હળવું કરવાની કોશિશ કરે તો પણ સમાજના લોકોને એ મંજૂર નથી.

જયારે એને ખરેખર લાગણી, હુંફ, સહાનુભુતિ અને સપોર્ટની જરૂર હોય છે તે વખતે લોકો એની ખામીઓ શોધવામાં રસ દાખવે છે. એ વિધવા સ્ત્રીની પણ ઈચ્છાઓ હશે, એની આંખોમાં પણ સપના વસતા હશે, એને પણ ઘણા શોખ થતા હશે, પોતાની આગવી પસંદ નાપસંદ હોતી હશે, પતિના શબને વળાવ્યા બાદ જયારે એને નવડાવવામાં આવે છે ત્યારે સિંદૂર અને શણગારની સાથે સાથે એના ઓરતા અને અભરખાં તેના તન-મનમાંથી આપોઆપ ઉતારી દેવામાં આવે છે. પતિના નામની સાથે સાથે એને હસતી રમતી જિંદગીના નામનું પણ નાહી નાંખવુ પડે છે. એનાથી પણ વધુ દુખની વાત તો એ છે કે એના સાંભળતા જ વાતો થવા લાગે કે એનાજ પગલા ખરાબ હતા કે વર જીવથી ગયો. એક મરેલા માણસની પાછળ એક જીવતું માણસ રોજ મર્યા કરે. એના મનમાં પણ થતું હશે કે પોતે જે સજા ભોગવી રહી છે એમાં એનો દોષ શું છે? એજ ને કે એનો પતિ એના પહેલા અવસાન પામ્યો..

એની સૌથી મોટી ભૂલ કે એ સ્ત્રી છે અને બીજી ભૂલ કે એનો પતિ મૃત્યુ પામ્યો છે? ઘણી જગ્યાએ ક્રિયાકર્મમાં જઈએ તો પરિસ્થિતિ જોઈ પ્રશ્ન થઈ આવે કે ખરેખર મર્યું છે કોણ? ..ફૂલનો હાર ચડાવેલી છબીમાં છે એ માણસ કે છબીની બાજુમાં સફેદ કે કાળા કપડામાં વીંટાળીને લાચાર બનાવીને બેસાડેલી એક જીવતી લાશ?…

સ્વાતિ બારોટ સિલ્હર, અમદાવાદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate