অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હૃદયરોગને મટાડવા કરતાં થતો અટકાવવો વધુ હિતકારી

હૃદયરોગને મટાડવા કરતાં થતો અટકાવવો વધુ હિતકારી

ભારતીયોમાં સીએડી વધુ આક્રમક જોવા મળે છે અને તે નાની વયના લોકોમાં પણ થાય છે.કોઈપણ સીએડીની સ્થિતિ ૪૦ વર્ષની વય અગાઉ સર્જાય તેને યુવાનીમાં સીએડીની સમસ્યા કહે છે. તે વ્યાપક, ઝડપી અને ખૂબ ગંભીર એથેરોસ્કેલેરોસીસની સ્થિતિ દર્શાવે છે
હૃદયરોગ એટલે તમારા હૃદયને અસર કરતી વિવિધ સ્થિતિઓ. હૃદયરોગની સ્થિતિમાં જે રોગો સામેલ છે તેમાં રક્તવાહિનીઓના રોગ જેમકે કોરોનરી આર્ટરી ડિસીઝ, હૃદયના ધબકારાની સમસ્યા (એરિથેમિયા) અને તમારા જન્મ વખતે તમારા હૃદયમાં રહી ગયેલી ક્ષતિઓ (કોનજેનિટલ હાર્ટ ડિફેક્ટ્સ) વગેરે સામેલ હોય છે.
‘હૃદયરોગ' શબ્દ ઘણીવાર ‘કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિસ' શબ્દના સ્થાને પણ વપરાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર રોગ સામાન્ય રીતે એવી સ્થિતિઓને હે છે કે જેમાં રક્તવાહિનીઓ સંકોચાઈ જતી હોય છે અથવા તેમાં અવરોધ આવી જતો હોય છે કે જેનાથી હાર્ટ એટેક, છાતીમાં દુઃખાવો (એન્જિના) અને સ્ટ્રોક જેવી સમસ્યા સર્જાઈ શકે છે જે હૃદયરોગની સમસ્યાઓ નો મોટો હિસ્સો બને છે.
હૃદય એ સ્નાયુથી બનેલો ચાર વિભાગવાળો પમ્પ છે કે જે તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે. જો કે તેનો ત્યાં સુધી ઉપયોગ થતો નથી જ્યાં સુધી તે લોહી હૃદયની પોતાની રક્ત વાહિનીમાં પહોંચતું નથી, જેને કોરોનરી ધમનીઓ કહે છે. તમામ ત્રણ કોરોનરી ધમનીઓ અને તેની શાખાઓ હૃદયના સ્નાયુઓને તે યોગ્ય રીતે કામ કરે એ માટે લોહી પહોંચાડે છે.
પરંતુ જેમ જેમ ઉંમર વધે છે અને અન્ય અનેક રોગો જેમકે હાયપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા, ડિસલિપિડેમીયા (હાઈ કોલેસ્ટ્રોલ) અને જોખમી પરિબળો જેમકે વધુ ચરબીવાળો ખોરાક, ધુમ્રપાન, તમાકુ ખાવી અને આલ્કોહોલનું સેવન વગેરેથી કોરોનરી વેસલ્સ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને તે સંકોચાવા લાગે છે, જે એથેરોસ્કેલેરોસિસ પ્રક્રિયાના કારણે શક્ય બને છે જેમાં લિપિડ આ વેસલ્સના એન્ડોથેલિયલ સ્તર(સહુથી ભીતર નુ સ્તર) નીચે એકત્ર થવા લાગે છે. આ પ્રક્રિયામાં માત્ર મોટી ધમનીઓ જ સામેલ હોતી નથી પણ તેમાં સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ શાખાઓ કે જે કોષો સુધી લોહી પહોંચાડે છે, તે પણ સામેલ છે. આમ લોહીનો પુરવઠો યોગ્ય રીતે ન મળવાના કારણે હૃદયના સ્નાયુઓ નબળા પડે છે અને હાર્ટ ફેલ્યોરની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિ વિવિધ પ્રક્રિયા અને કારણોથી આ સંકોચાયેલી વેસલ્સમાં અચાનક અવરોધ આવી જવાથી ગંભીર રીતે સ્નાયુમાં ઈશેમિયાની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે દર્દીને છાતીમાં સખત દુઃખાવો થાય છે કે માયોકાર્ડિયલ ઈન્ફ્રેક્શનની સ્થિતિ સર્જાયછે જેના કારણે કોષોને કાયમ માટે નુકસાન થાય છે અને તેને સામાન્ય રીતે હાર્ટએટેક કહે છે.
ભારતીય પરિદૃશ્યમાં, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, ખાસ કરીને કોરોનરી હાર્ટ ડિસિસ (સીએચડી) ભારતમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા અનુસાર સીએચડીના કારણે ૨૦૦૫-૨૦૦૬માં થયેલા કુલ ૧૭ ટકા મોત અને તેમાં થયેલા ૨૬ ટકા પુખ્તોનાં મોતની સંખ્યા ૨૦૧૫-૨૦૧૬માં વધીને કુલ મોતની સંખ્યા ૨૩ ટકા અને પુખ્તોનાં મોતની સંખ્યા ૩૨ ટકા સુધી પહોચી છે. આનો ફેલાવો ખૂબ વધુ હોવા ઉપરાંત તેની ગંભીરતા અને ઘાતકતા અન્ય તકલીફદાયક સમસ્યા ભારતીયોમાં જોવા મળે છે . સામાન્ય રીતે ભારતીયોમાં આ રોગ વધુ ગંભીર અને વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આંકડાકીય વિશ્લેષણ જોઈએ તો બમણાથી વધુ સંખ્યામાં ભારતીયો ટ્રીપલ વેસલ ડિસિસ (ટીવીડી)નો સામનો ગોરા લોકોની તુલનામાં વધુ પ્રમાણમાં કરે છે. એક અભ્યાસ પ્રમાણે, ભારતીયોમાં કોકેસિયન્સની તુલનામાં ટીવીડી (ટ્રીપલ વેસલ ડિસિસ)ની સૌથી વધુ ઘટનાઓ જોવા મળે છે.
નોંધપાત્ર રીતે અપૂર્ણ પરિપક્વતા અને વ્યાપક એથેરોસ્કેલેરોસિસ નોંધપાત્ર રીતે ઉચ્ચ પ્રમાણમાં મૃત્યુદર અન્ય એથનિક ગ્રૂપની તુલનામાં યુવા લોકોમાં વધારનાર પરિબળ છે.

હૃદયરોગ થવાના જોખમી પરિબળોમાં સામેલ છેઃ

  • વધતી વય કે જેનાથી ધમનીઓ ક્ષતિગ્રસ્ત થવાનું અને સંકોચાવાનું જોખમ વધે છે અને તે હૃદયના સ્નાયુઓને નબળા કરે છે અથવા તેને જાડા કરે છે.
  • પુરૂષોમાં હૃદય રોગનું જોખમ સામાન્ય રીતે વધુ જોવા મળે છે.
  • ફેમિલી હિસ્ટ્રી કે જેના કારણે પણ કોરોનરી આર્ટરી ડિસિસનું જોખમ વધે છે, ખાસ કરીને ત્યારે, જ્યારે વાલીઓને નાની વયમાં આ સમસ્યા થઈ હોય.
  • ધુમ્રપાન વેસલ્સમાં એથેરોસ્કેલેરોસિસ માટેની સંભાવના વધારે છે.ધુમ્રપાન નહીં કરનારા લોકોની તુલનામાં ધુમ્રપાન કરનારા લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ જોવા મળે છે.
  • અયોગ્ય આહાર કે જેમાં ફેટ, નીમક, ખાંડ અને કોલેસ્ટ્રોલ વધુ હોય તેના કારણે પણ હૃદયરોગનું પ્રમાણ વધે છે.
  • હાઈ બ્લડપ્રેશર કે જેના કારણે તમારી ધમનીઓ કઠણ અને જાડી થાય છે.
  • લોહીમાં કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ પ્લેક અને એથેરોસ્કેલેરોસિસ વધવા માટેનું જોખમ વધારે છે.
  • ડાયાબિટીસ અને સ્થૂળતાના કારણે તમને હૃદયરોગનું જોખમ વધે છે.
  • શારીરિક નિષ્ક્રિયતાના કારણે પણ અનેક પ્રકારના હૃદયરોગ વધી શકે છે અને તેના અન્ય જોખમી પરિબળો પણ વધી શકે છે.
  • આલ્કોહોલનું સેવન અને સ્ટ્રેસ કરવાથી તમારી ધમનીઓને હાનિ પહોંચી શકે છે અને તમારા માટે હૃદયરોગના અન્ય જોખમી પરિબળો વધારે છે. તમાકુ અને ધુમ્રપાન જેવી આદતો છોડવી, હાયપરટેન્શન અને ડાયાબિટીસનું વહેલું નિદાન કરાવવું અને તેની અસરકારક સારવાર કરવામાં આવે તો લાંબા ગાળા સુધી હૃદયરોગને દૂર રાખી શકાય છે અને કોરોનરી ધમનીઓમાં અવરોધ પેદા થતો અટકાવી શકાય છે.હૃદય અંગેની સમસ્યાનું કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન, ઈસીજી, લિપિડ પ્રોફાઈલિંગ, ટીએમટી, એન્જિયોગ્રાફી દ્વારા થાય અને તેની સારવાર કરવામાં આવે તો લાંબા સમય સુધી હાર્ટ એટેક્સના કારણે થતા મોતને તેમજ તેના કારણે આવતી વિકલાંગતાને ટાળી શકાય છે. એક વાર હાર્ટ એટેક આવે અને હૃદયની પમ્પિંગ કામગીરી ધીમી પડે છે તેના કારણે જીવનની ગુણવત્તામાં અસર પહોંચે છે. તેથી હાર્ટ એટેકને ટાળવામાં સક્ષમ બનવું અને હાર્ટએટેક આવે ત્યારે તાત્કાલિક સારવાર એન્જિયોપ્લાસ્ટિ દ્વારા કરાવીને સંપૂર્ણપણે બંધ થયેલી કોરોનરી ધમનીને ખોલવામાં આવે એ અત્યંત આવશ્યક છે. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સારવારનો પ્રથમવાર ઉપયોગ હૃદયરોગની સારવાર માટે થયો હતો. ૧૯૮૦માં, સ્ટેન્ટનો ઉપયોગ શરૂ થયો જેનાથી સંકોચાયેલી ધમનીને ખોલવામાં આવે છે, જે સારવાર આજે સામાન્ય બની છે. આ આધુનિક સારવારના પરિણામે આજે હૃદયરોગનું નિદાન થાય પછી મૃત્યુની જ સ્થિતિ આવે એવું જરૂરી રહ્યું નથી.

હૃદયરોગીને માટે જરૂરી છે કે તેઓ એ માટે જીવનભર જરૂરી દવા લે અને સાવચેતી રાખે. નિયમિત ચેકઅપ, બ્લડ ટેસ્ટ, લોહી પાતળું કરવાની દવા અને અન્ય એવી હૃદયને સુરક્ષિત રાખતી દવાઓ લેવામાં આવે એ ચોક્કસપણે અમલમાં મુકવા જેવી બાબતો છે.

આપણે પ્રતિજ્ઞા લઈએ કે જોખમી પરિબળોને રોકીને અને અસરકારક સારવારથી ઘાતક હાર્ટ એટેક સામે એકસાથે મળીને લડત કરીએ. આજના સમયમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ્સમાં નાની વયથી જ સામેલ થવું જોઈએ, જેની શરૂઆત ૨૦ વર્ષની વયથી કરી દેવાય એ આવશ્યક છે. ૨૦ વર્ષ કે ૩૦ વર્ષની વયમાં પણ હૃદયરોગ થઈ શકે છે, જેથી જેટલું વહેલું નિદાન થાય તે વધુ યોગ્ય છે.

ર્ડા. શરદ જૈન, ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate