હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / હાડકાં અને સાંધાની તકલીફ / સાંધાની ઇજાઓની અક્સીર સારવાર એટલે આર્થ્રોસ્કોપી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાંધાની ઇજાઓની અક્સીર સારવાર એટલે આર્થ્રોસ્કોપી

સાંધાની ઇજાઓની અક્સીર સારવાર એટલે આર્થ્રોસ્કોપી વિશેની માહિતી આપવામાં આવેલ છે

રમેશભાઈ મહેતા, ઉંમર આશરે 60 વર્ષ, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ, રવિવારે લગભગ 6 વાગ્યાની આસપાસ ઘરના વરંડામાં પડેલું છાપું લેવા જતા હતા ત્યાં જ અચાનક પગ લપસતાં અનાયાસે શરીરનું આખું વજન જમણા હાથે આવી ગયું અને પડી ગયા. ક્ષણવારમાં આ શું બની ગયુ અને તેનો તેમને અંદાજ ન રહ્યો. તેમના દીકરા દીપકે તેમને સપોર્ટ આપી ઉભા કર્યા. થોડીકવારમાં કળ વળ્યાં પછી તેમને લાગ્યું કે જમણા ખભામાં દુઃખાવો થઈ રહ્યો છે અને તેઓ જમણો હાથ ઉપર કરી શકતા ન હતા. તાત્કાલિક તેઓ નજીકની હોસ્પિટલમાં ગયા અને ખભાનો એક્સ-રે કરાવ્યો. એક્સ-રેમાં કોઈ ફ્રેકચર જણાયુ નહિ. ડૉક્ટર સાહેબે નિદાન કર્યું કે ખભામાં બેઠો માર વાગ્યો છે. દુઃખાવાની દવા આપીને રમેશભાઈને ઘરે પાછા મોકલ્યા.
અઠવાડિયા – દસ દિવસ પછી રમેશભાઈનો ખભાનો દુઃખાવો થોડો ઓછો થયો. પરંતુ રોજ બરોજના કામમાં જેમ કે કપડાં પહેરવા, વાળ ઓળવામાં જમણો હાથ ઉપર થતો ન હતો અને ઘણી મુશ્કેલી થતી હતી. તેમના પાડોશી મહેન્દ્રભાઈએ સૂચવ્યું કે ફિઝિયોથેરાપીની સારવાર ચાલુ કરો. લગભગ ત્રણથી ચાર અઠવાડિયાની ફિઝિયોથેરાપીની સારવાર પછી પણ બહુ ફરક પડ્યો નહિ. રમેશભાઈને રાત્રે ખાંભામાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. રમેશભાઈને તેમના ફેમિલી ડોક્ટરે આર્થ્રોસ્કોપિક સ્પેશિલિસ્ટ પાસે મોકલ્યા. ડોક્ટરે તેમને તપાસી અને ખભાનો એમ.આર.આઈ. રિપોર્ટ કઢાવ્યો અને તેમાં ખભાના સ્નાયુઓ રોટેટર કફની ઇજાનું નિદાન થયું.
ડોક્ટર સાહેબે રમેશભાઇને આર્થ્રોસ્કોપિથી રોટેટર કફ રીપેર કરવાના ઓપેરશનની સલાહ આપી. રમેશભાઈની આર્થ્રોસ્કોપિક સર્જરી સારી રીતે થઈ ગઈ. કોઈ મોટો વાઢકાપ નહિ થવાને લીધે બીજે દિવસે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ઓપેરશનનો દુઃખાવો પણ નહિવત માત્રામાં હતો. એક અઠવાડિયામાં રમેશભાઈની ઝોળી સાથે તેમની ઓફિસ જતા પણ થઈ ગયા અને બે થી ત્રણ મહિનાના સમયમાં રમેશભાઈ તેમનું લગભગ બધું જ કામ કરતા થઈ ગયા

સાંધાની ઇજાઓની અક્સીર સારવાર એટલે આર્થ્રોસ્કોપી

28 વર્ષનો મનોજ પટેલ વ્યવસાયે કમ્પ્યુટર એન્જીનીયર છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ  છે. એક રવિવારે કંપનીની ક્રિકેટ ટુર્નામેન્ટ રમતી વખતે દોડીને કેચ પકડવા જતા પગ ખાડામાં પડતા - જમણા ઘૂંટણમાં ઈજા થઈ અને મનોજ પડી ગયો. જયારે મનોજ ઉભો થવા ગયો ત્યારે જમણા પગ ઉપર વજન લઈ શકતો ન હતો. અને થોડીવારમાં ઘૂંટણ ઉપર ખુબ સોજો આવી ગયો. તેના મિત્રો તેને નજીકની હોસ્પિટલમા લઈ ગયા ત્યાં પગનો એક્સ-રે કરાવ્યો. એક્સ-રે નોર્મલ આવ્યો. એટલે ડૉક્ટર સાહેબે પાટો અને દવાઓ આપી મનોજને ઘરે મોકલ્યો. લગભગ 10 - 15 દિવસમાં ઘૂંટણનો સોજો ઓછો થઈ ગયો. દુઃખાવો પણ ઓછો થયો અને મનોજ પાછો જોબ ઉપર જવા લાગ્યો.

મનોજને સામાન્ય ચાલવામાં કોઈ તકલીફ હતી નહિ પણ જયારે ખાડા - ટેકરાવાળા રસ્તે ચાલવા જાય ત્યારે ઘૂંટણનું બેલેન્સ રહેતું ન હતું તે દોડી પણ શકતો ન હતો. તેના એક મિત્રની સલાહથી તે આર્થ્રોસ્કોપી સર્જન પાસે ગયો. તેને તપાસી અને એમ.આર.આઈ. રિપોર્ટ કરાવતા ઘુટણનાં લિગામેન્ટની ઈજાનું નિદાન થયું આર્થ્રોસ્કોપીની મદદથી ઘૂંટણની લિગામેન્ટ અને ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપેરશનના 10  દિવસ બાદ મનોજ ઓફિસે જતો થઈ ગયો અને એકાદ મહિનામાં તેનું નિયમિત કામકાજ કરતો, ગાડી ચલાવતો પણ થઈ ગયો.

48 વર્ષના સીમાબેન વ્યવસાયે શિક્ષિકા છે.  સ્કૂલમાં દાદર ઉતરતા અચાનક ડાબા ઘૂંટણમાં કડાકો બોલ્યો અને ડાબા ઘૂંટણમાં સખત દુઃખાવો થયો. સીમાબેન ડાબા પગે વજન પણ લઈ શકતા ન હતા. નજીકના દવાખાને જએક્સ-રે કઢાવતા એક્સ-રે નોર્મલ હતો. સીમાબેન દુઃખાવાની દવાઓ ચાલુ હોય  ત્યાં સુધી સારું લાગતું પણ દવા બંધ કરે એટલે ચાલવામાં ડાબા ઘૂંટણમાં દુઃખાવો ચાલુ થઈ જતો અને ઘૂંટણ વારંવાર લોક થઈ જતો. તેમના ઓર્થોપેડિક સર્જન સાહેબે તેમને ઘૂંટણનો એમ.આર.આઈ.  તપાસ કરાવતાં ગાદીની ઇજા - મેનિસકસની ઇજાનું નિદાન થયું. સીમાબેનને આર્થ્રોસ્કોપીની સલાહ આપવામાં આવી. આર્થ્રોસ્કોપીથી ગાદીની ઈજા રીપેર કરવામાં આવી અને ખુબ ટૂંકા સમયમાં સીમાબેનની તકલીફ દૂર થઈ ગઈ.

ફાયદા

અત્યારના સમયમાં જયારે વિજ્ઞાન અને ટેક્નોલોજી જયારે હરણફાળ ભરી રહે છે ત્યારે આરોગ્ય સેવાઓમાં પણ તેનો લાભ સામાન્ય પ્રજાને મળતો થયો છે. આર્થ્રોસ્કોપી (કી હોલ સર્જરી) સર્જરીના લીધે ઓર્થોપેડિકસ અને ખાસ કરીને સાંધાની સર્જરીના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવેલ છે. તેના ફાયદા ઘણા છે.

  1. દુઃખાવા રહિત શસ્ત્રક્રિયા.
  2. ડે કેર સર્જરી - હોસ્પિટલમાં લાંબુ રોકાણ નિવારી શકાય છે.
  3. ઝડપી રિકવરી - ખુબ ટૂંકા સમયમાં બેક ટુ નોર્મલ લાઈફ.

ઘૂંટણની લિગામેન્ટ, મેનિસકસ અને કાર્ટિલેજની ઈજાની જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે નાની ઉંમરમાં ઘૂંટણના ઘસારાનું કારણ બની શકે છે.

ઘૂંટણની ઈજાની અવગણના કરવી નહીં અને આર્થ્રોસ્કોપી સર્જન પાસે તેની સારવાર કરાવવી જોઈએ.

ખાંભાના સ્નાયુઓ (રોટેટર કફ)ની ઈજા, વારંવાર ખભો ઉતરી જતો હોય, ફ્રોઝન શોલ્ડર, લાંબા ગાળાનો ખભાનો દુઃખાવો તેમજ સ્પોર્ટ્સ ઈન્જરી માટે ખભાની આર્થ્રોસ્કોપી સર્જરીની સલાહ આપવામાં આવે છે.

લેખક : ડો. કલ્પેશ ત્રિવેદી (કન્સલ્ટન્ટ આર્થ્રોસ્કોપી & સ્પોર્ટ્સ મેડિસીન), નવગુરાત હેલ્થ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top