অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વારંવાર ડોક જકડાઈ જાય છે?

ડોક જકડાઈ જવાની તકલીફ વારંવાર થવા લાગે ત્યારે માત્ર પેઈન કિલરથી દુખાવો મટાડવાથી કામ ચાલતું નથી. કેમકે નાના-મોટી શારીરિક પ્રવૃત્તિ દરમ્યાન ડાબે-જમણે જોવા કે વળવા માટે ડોકનું હલન-ચલન જરૂરી હોય છે. ડોકમાં જકડાહટને કારણે માથાનો ભાર સહન ન થાય, ડોકનું હલન-ચલન પીડાદાયક બને ત્યારે આવું કેમ વારંવાર થઇ જાય છે તેવો પ્રશ્ન અને ચિંતા લઈને દર્દીઓ કાયમી ઈલાજની શોધમાં આવતાં હોય છે.

મન્યાસ્તંભ

ડોકની જકડાહટનાં કારણો અને ઉપચારનું વર્ણન આયુર્વેદમાં વાતવ્યાધિ ‘મન્યાસ્તંભ' રોગ અંતર્ગત કરાયું છે.

મન્યા એટલે ડોક અને સ્તંભ એટલે જકડાઈ જવું. મન્યાસ્તંભ – ડોકમાં જકડાહટનાં કારણો આ મુજબ છે

  • નિયમિત દિવસની ઊંઘ
  • માથા નીચે હાથ રાખી સુવું
  • ઓશિકા નીચે હાથ રાખી માથું ટેકવી સુવું
  • માથા પર ખૂબ ભારે વજન ઉપાડવું
  • વધુ લાંબો સમય હાથ ઉપરની તરફ રાખી કામ કરવું, વજન ઉચકવું, એક્સરસાઈઝ કરવી
  • પુલઅપ્સ, શોલ્ડર પ્રેસ જેવી કસરત દરમ્યાન ઉપાડવામાં આવતાં વજન કે રિપિટેશન ક્રમશઃ વધારવાને બદલે ક્ષમતાથી વધુ શ્રમ પડવો
  • લાંબા સમયગાળા સુધી દૂરની વસ્તુ જોયા કરવી. આવા ડોકના સ્નાયુ, નાડીઓ, સાંધાઓને શ્રમ પડે તેવી શારીરિક પ્રવૃત્તિ સાથે આયુર્વેદનાં સિદ્ધાંતાનુસાર
  • પાણી ઓછું પીવાથી શરીરમાં રૂક્ષતા વધુ હોય
  • કફ-વાયુ વધારે તેવા ખાન-પાન
  • ઠંડા પીણા, ફ્રોઝન ફુડ, પચવામાં ભારે ખોરાક, વધુ ખારા-ખાટા ખોરાક
  • પાચન ક્ષમતાથી વધુ પૌષ્ટિક અને ભારે ખોરાક
  • સતત ભેજવાળા, ઠંડા, ભીના વાતાવરણમાં રહેવું

આવા શારીરિક પ્રવૃત્તિ, જીવનશૈલી-ખોરાક જેવા કારણોનો વારંવાર સામનો કરતાં હોય તેઓને ડોકમાં જકડાહટ-બોચી અટકી જવાની તકલીફ થતી હોય છે

ઉપાય એટલે કારણો વિશેની સમજ

નાના-મોટા શારીરિક શ્રમ, અયોગ્ય પ્રવૃત્તિ, ખોરાકની અનિયમિતતાને પરિણામે શરીરનાં અંગોના રક્તસંચાર અને સુચારૂ સંચાલનમાં થતી આડઅસર વિશે સમજવાથી નુકશાન થતાં પહેલાં અટકાવવું શક્ય બને.

સતત ભરતકામ કરવું, હાથમાં વજનદાર પુસ્તક પકડી લાંબો સમય વાંચવું, હાથ ઉંચા કરી પ્લેટફોર્મની સામેની ટાઈલ્સને સાબુ-કૂચાથી ઘસવી જેવી ખૂબ સામાન્ય લાગતી પ્રવૃત્તિઓ છે. પરંતુ આવી પ્રવૃત્તિ દરમ્યાન શરીરનાં અંગો પર અયોગ્ય ખેંચાણ, શ્રમ લાંબા સમય દરમ્યાન પહોંચવાની આડઅસર થતી હોય છે. આથી શારીરિક શ્રમ, વ્યવસાય કે અન્ય પ્રવૃત્તિ દરમ્યાન શરીરની સ્થિતિ-અલાઇનમેન્ટનું ધ્યાન રાખવું જરૂરી છે. પથારી સમતલ હોવી, ઓશિકાની ઊંચાઈ વધારે ન હોવી જોઈએ. માથા નીચે હાથ મૂકી સૂવાની ટેવ બદલવી જરૂરી છે. જો વ્યક્તિગત કારણો જાણી તે દૂર કરી શકાય તો વારંવાર બોચીમાં દુખાવો, જકડાહટ અટકાવી શકાય.સામાન્ય ઉપચારથી ટૂંકા ગાળામાં ફરક ન જણાય તો X-ray અને MRI જેવા પરિક્ષણથી નિદાન-કારણ વિશે જાણવું જરૂરી છે.

આયુર્વેદિય ઉપચાર

  • વાયુ-કફકારક ખોરાક બંધ કરવા
  • પૌષ્ટિક, તાજા ખોરાક-પીણા લેવા.
  • જકડાહટ-દુખાવા દરમ્યાન ડોકને આરામ આપવો.
  • મહાનારાયણ તેલ, વિષગર્ભ તેલ જેવા વાયુનાશક તેલનું હલકા હાથે માલિશ કરી, હુંફાળા પાણીથી સ્નાન કરવું.
  • ષડબિંદુ તેલ, ક્ષીરબલા તેલ, તલનું તેલ પૈકી તેલથી વિધિવત્ નસ્ય કરાવવું.
  • રાસ્ના, બલા, ગોખરૂ, હળદર જેવા દુઃખાવો-સોજો દૂર કરતાં ઔષધો ૩ ગ્રામ માત્રામાં દિવસમાં બે વખત નવશેકા પાણી સાથે લઇ શકાય.
  • ખોરાકમાં તલનું તેલ, લસણ, આદું, અજમો, હિંગ જેવા વાતનાશક દ્રવ્યો વિશેષ વાપરવા તે સાથે આથાવાળા, ખાટા ખોરાક ન ખાવા.

અનુભવ સિદ્ધ

સમયાભાવને પરિણામે માથું ધોઈ ભીના વાળ બાંધી નોકરી, વ્યવસાય, શાળા-કોલેજ જવાની ઉતાવળને પરિણામે ભીના વાળને પરિણામે ભેજ, વાહનમાં ખુલ્લી હવા અથવા એરકન્ડીશન્ડ વાતાવરણની ઠંડકનો સામનો થવાથી માથાનો-ડોકનો દુખાવો, શરદી, માઇગ્રેન, સાયનોસાયટીસ જેવા કફ-વાયુ સબંધિત રોગની સંભાવના વધી શકે છે.

સ્ત્રોત : યુવા ઐયર, ફેમિના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/19/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate