હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / ડાયાબિટીસ અને ખભાનો દુ:ખાવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાયાબિટીસ અને ખભાનો દુ:ખાવો

ડાયાબિટીસ અને ખભાનો દુ:ખાવો વિશેની માહિતી આપવામાં આવેલ છે

આજકાલ ઘણા બધા લોકો ખભાના દુ:ખાવાની કમ્પલેન કરતા જોવા મળે છે જેમા ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિની વિશેષ ફરિયાદ હોય છે. ડાયાબિટીસ એ વ્યક્તિના શરીરના જુદાજુદા અંગો પર અસર કરતો રોગ છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, ડાયાબિટીસને લીધે ખભાની તકલીફ ઉદભવે છે. સામાન્ય રીતે 40થી 60 વર્ષ વચ્ચેની ઉંમરના લોકોમાં ડાયાબિટીસને કારણે ખભો જકડાઈ જવાની સમસ્યા વધારે જોવા મળે છે. ખભો જકડાવાની શરૂઆતના સ્ટેજને ‘એડહેસિવ કેપ્સ્યુલાઈટીસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં દર્દીને ખભાની આજુબાજુ દુ:ખાવો થતા તે ખભાનો વપરાશ ઓછો કરી દે છે અને તેના કારણે ખભો જકડાઈ જતો હોય છે.

આમ થવાનું કારણે શું?

ડાયાબિટીસને લીધી ખભાની માંસ-પેશી-કેપ્સ્યુલમાં સોજો આવે છે. જેના કારણે તેની લવચીકતા (ઈલાસ્ટિસિટી) માં ઘટાડો થાય છે અને માંસપેશી સખત બનતા તે જકડાઈ જાય છે. ઘણી વખત ઈજા વગર અને ક્યારેક નાનકડી ઈજા થવાથી પણ ખભાનું હલનચલન થવામાં મુશ્કેલી થાય છે.

કોને સૌથી વધુ જોખમ?

  • ડાયાબિટીસ
  • થાઈરોઈડ
  • ખભાની અગાઉ કરેલી સર્જરી
  • ખભામાં ઈજા
  • હૃદયની બાયપાસ સર્જરી
  • મગજનો સ્ટ્રોક – લકવો
  • ગળાના મણકાની તકલીફ

કેવા લક્ષણો જણાય?

ખભામાં દુ:ખાવો ધીરેધીરે વધતા તેનું હલનચલન ઓછું થાય છે. દર્દી જાતે પોતાના માથાના વાળ ઓળી શકતો નથી જ્યારે સ્ત્રીઓને તો કપડા પહેરવામાં પણ મુશ્કેલી પડે છે. ખભાની મુવમેન્ટ તદ્દન ઓછી થઈ જાય છે. જેને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. પ્રતિદિન કામોમાં અન્ય વ્યક્તિની મદદની જરૂર પડે છે. ઘણા દર્દીઓને રાત્રે ઉંઘતી વખતે પણ અસહ્ય દુ:ખાવો થાય છે.

તકલીફનું નિદાન કેવી રીતે?

એડહેસિવ કેપ્સ્યુલાઈટીસની તકલીફમાં સમયસર નિદાન તથા શરૂના સ્ટેજમાં સારવાર કરવામાં આવે તો ફ્રોઝન શોલ્ડર અટકાવી શકાય છે. ખભાની તકલીફ માટે શોલ્ડર સ્પેશિયાલિસ્ટ (ખભાનાં નિષ્ણાંત) ડૉક્ટર પાસે તપાસ કરાવી યોગ્ય સારવાર લેવી જોઈએ. દર્દીના ખભાની મૂવમેન્ટના આધારે શું સારવાર કરવી તે નક્કી કરતા હોય છે. એક્સ-રે અને એમઆરઆઈથી ચોક્કસ નિદાન મેળવી શકાય છે એટલે કે, ખભાનો ઘસારો, હાડકું વધવું, સ્નાયુઓ તૂટી ગયા હોય તો જાણી શકાય છે. ખભાનો દરેક દુ:ખાવો ફ્રોઝન શોલ્ડર હોતો નથી. સ્નાયુઓ તૂટી ગયા હોય એવા કેસમાં ઘણી વખત કસરત કરવાથી તકલીફ વધી શકે છે. તેથી ડૉક્ટરની સલાહ મુજબ કસરત કરવી જોઈએ.

કઈ સારવાર કરશો?

જકડાઈ ગયેલા ખભાની સારવારમાં મુખ્યત્વે કસરત અને NSAIDS દવાઓનો ઉપયોગ કરતા દુ:ખાવામાં રાહત મળે છે. ઘણી વખત ખભામાં ઈંજેક્શન પણ આપવામાં આવે છે. 5થી 10 ટકા દર્દીઓને જ ખભાના ઓપરેશનની જરૂર પડે છે જે હવે દૂરબીન દ્વારા શક્ય છે. દુરબીનની મદદથી ઓપરેશન કરાવવાથી ઝડપી રીકવરી મળે છે તથા એક જ દિવસમાં દર્દી હોસ્પિટલમાંથી રજા મેળવી ઘરે જઈ શકે છે.

તકલીફને રોકી શકાય?

વધતી ઉંમર સાથે નિયમિત ખભાની કસરત કરવાથી આ તકલીફને મહદઅંશે ટાળી શકાય છે. યોગ્ય આહાર, નિયમિત જીવનશૈલી તથા ડાયાબિટીસના કંટ્રોલથી આ તકલીફને નિવારી શકાય છે.

સ્ત્રોત: ડૉ.ચિરાગ ચુડાસમા(ખભા અને ઢીંચણના નિષ્ણાંત), નવગુજરાત હેલ્થ

2.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top