অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ક્રોનિક લૉ બેક પેઈન મહત્વના સવાલ જવાબ

ક્રોનિક લૉ બેક પેઈન મહત્વના સવાલ જવાબ

ક્રોનિક લૉ બેક પેઈન એટલે લાંબા સમયથી થતા પીઠથી પગ સુધી ફેલાતા દુઃખાવાને સાયાટીકા કહેવાય છે. આ તકલીફથી પીડાતા દર્દીને માટે ઓપરેશન વગર સારવાર સીટી સ્કેન દ્વારા કાયમી રાહત થાય તેવી રીતે થઈ શકે તે બાબત આ લેખમાં ડો. સંદીપ ઝાલા કે જેઓ ઈન્ટરનેશનલ ટ્રીટમેન્ટના નિષ્ણાત, આ પ્રકારની સારવારનો બહોળો અનુભવ ધરાવે છે, તેમનાં મંતવ્યો અહીં આપવામાં આવ્યા છે.

પ્રશ્ન: સાયાટીકા એટલે પીઠથી ફેલાતો પગ સુધીનો દુઃખાવો અથવા માત્ર કમરનો દુખાવો કયા કારણોથી થાય છે?

જવાબ: મેરૂદંડમાંથી નીકળતી પગ અને થાપા તરફ જતી નસો જ્યા મણકા વચ્ચેથી બહાર નીકળતી હોય ત્યાં જ તેના ઉપર ગાદીની, હાડકાંની, પાસે આવેલા નાના સાંધાઓ (ફેસેટ જોઈન્ટ)માં સોજો આવવાથી અથવા હાડકાંની નળી સંકોચાવાથી –આમ આ એક અથવા અનેક કારણોસર નસ દબાઈ જતાં દુઃખાવો ઉપડે છે.

પ્રશ્ન: ઉપરોક્ત કારણોમાંથી કયા કારણો સૌથી વધારે જોવા મળે છે?

જવાબ: મણકાની ગાદીનું ખસી જવું આ કારણ અને સાથે ઘણીવાર નાના મણકા વચ્ચેના સાંધા (ફેસેટ જોઈન્ટ)ના સોજાં હોવાનું કારણ મોટાભાગના 80% સાયાટિકાના દર્દીમાં જોવા મળે છે.

પ્રશ્ન: કયા કારણોસર થતા સાયાટીકાના પીઠથી પગ સુધી ફેલાતા દર્દી માટે વગર ઓપરેશને સીટીસ્કેન દ્વારા સારવાર શક્ય છે?

જવાબ:મણકાના હાડકા વચ્ચે આવેલ ગાદી ખસી જવાથી અને નાના સાંધાઓ (ફેસેટ જોઈન્ટ)ના ઘસારાના લીધે સોજો આવવાથી થનાર નસ ઉપરના દબાણને ઓપરેશન વગર સીટી સ્કેન દ્વારાઃ સીટી ગાઈડેડ ન્યુક્લિઓ-લાઈસિસ (CT GUIDED NUCLEOLYSIS)પદ્ધતિથી કાયમી ધોરણે રાહત થાય તેવો ઈલાજ શક્ય છે..

પ્રશ્ન: કયા પ્રકારના કારણોસર નસ દબાવાની સાયટિકા – પીઠથી પગ સુધીના દુઃખાવા માટે ઓપરેશન વગર સારવાર શક્ય નથી?.

જવાબ: હાડકું ખસી જવાથી અથવા હાડકાંની નળી (સ્પાઈનલ કેનાલ) કે જેમાંથી મેરૂદંડ પસાર થતો હોય તે સાંકડી થવાથી મેરૂદંડ અંદર ફસાઈ જતો હોય અથવા નસો ફસાઈ ગઈ હોય તેવા સંજોગોમાં ઓપરેશન અનિવાર્ય બને છે કારણ કે આ કક્ષામાં દર્દીને પગ ખોટા પડી જવાની, ઝણઝણાટી થવાની અને લાંબુ ચાલી ન શકવાની તથા પડી જવાય તેવી ચાલ થવાની ફરિયાદ ઊભી થતી હોય છે. મણકાનું હાડકું એકબીજા ઉપરથી જો આગળ કે પાછળ ખસી જતું હોય તો પણ માત્ર પીઠનું દર્દ અથવા સાયાટીકા હોય છે છતાં પણ ઓપરેશન અનિવાર્ય છે..

પ્રશ્ન: મોટી ઉંમરના દર્દીમાં સામાન્ય રીતે શું કારણોસર સાયાટીકા અને પીઠથી પગ સુધી દુઃખાવો જોવા મળે છે?.

જવાબ: મોટી ઉંમર થતાં નાના (મણકા વચ્ચેના) સાંધા (ફેસેટ જોઈન્ટ)નો ઘસારો અને સોજો, ગાદીનું ફેલાણ વધવાથી નસ પર દબાણ બનવુ તથા હાડકાની મેરૂદંડની નળી ઉપરની ચામડી અને અન્ય સ્નાયુ (લિગામેન્ટ)ની જાડાઈ વધવાથી નસનો અવરોધ અને દબાણ વધવાની સાથે સાયાટિકા-પીઠથી પગ સુધી દુઃખાવો, બળતરા અથવા વારંવાર ઝણઝણાટી ચડી જવાની ફરિયાદ શરૂ થઈ જાય છે..

પ્રશ્ન: શું આ મોટી ઉંમરના દર્દીઓમાં ઓપરેશન વગર સીટીસ્કેન દ્વારા ઈલાજ કાયમી રાહત માટે શક્ય છે?.

જવાબ: હા, દરેક કેસના અવલોકન અને પરીક્ષણ બાદ 70% આવા કેસોમાં ઓપરેશન વિના ઈલાજ શક્ય હોય છે. પરંતુ સંપૂર્ણપણે આરામ થાય તે શક્યતા 50% દર્દીમાં બને છે. આ પ્રકારના દર્દીને એક નહીં પણ ત્રણથી ચાર મણકાના લેવલ ઉપર ગાદી તથા નાના સાંધાની સારવાર કરવી પડે છે..

પ્રશ્ન: સીટી સ્કેન દ્વારા ઓપરેશનનો ઈલાજ કેવી રીતે થાય? તેને કેટલો સમય લાગે? ઓપરેશન કરતાં કેટલો જોખમી છે?.

જવાબ:સીટી સ્કેન ગાઈડેડ ન્યુક્લિઓલાઈસીસ નામના આ ઈલાજમાં સોયથી મોટા કદની નળી કેન્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. સીટી સ્કેનમાં જોતાં જોતાં દરેક બે-ત્રણ મીમી. ઉપર તેને ધીરે ધીરે ગાદી તરફ એવી રીતે પસાર કરવામાં આવે છે કે કોઈપણ નસને અડ્યા વિના અને મેરૂદંડથી દૂર એવી સુરક્ષિત રીતે ગાદીના મધ્યભાગમાં કેન્યુલા (નળી)ને પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ સીટી સ્કેન કરી તેનું યોગ્ય સ્થળ નક્કી કરીને અને ગાદીના મધ્યભાગમાં ખૂબ નાનો ચીરો કરીને જગ્યા કરવામાં આવે છે. એ સાથે લોકલ એનેસ્થેસિયા એટલે કે ત્યાં ચામડી છેક સુધી બહેરી કરવામાં આવે છે અને ઘણીવાર જગ્યા પહોળી કરવા માટે આઝોનનો ઉપયોગ પણ કરી શકાય છે. આ પ્રક્રિયામાં નહિવત્ દુઃખાવો થાય છે. કોઈ બેભાન કરવાની કે ચામડી ઉપર ટાંકા લેવાની જરૂર પડતી નથી. આ સિવાય સીટી સ્કેનમાં જોઈને સચોટ રીતે જે નાના સાંધા ઉપર સોજો આવ્યો હોય તેમાં ફેસેટ જોઈન્ટ બ્લોક એટલે કે તે સાંધામાં ઈન્જેક્શન વડે રાહત થાય તેવી દવા મૂકવામાં આવે છે..

આ આખી પ્રક્રિયાને દોઢ કલાક જેવો સમય માત્ર એક ગાદી અને એક લેવલના સાંધા રિપેર કરવામાં લાગે છે, જે દરમિયાન દર્દીએ ઊંધા પેટ ઉપર સૂઈ રહેવાનું હોય છે..

આ પ્રોસિજર પૂરી થયા બાદ દર્દી બધુ તરત જ ખાઈ-પી શકે છે. બે કલાક આરામ બાદ બેસી શકે છે અને એક ગાદી અને એક લેવલના સાંધાની સારવાર થઈ હોય તો બીજે દિવસે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે આરામ કરી શકે છે..

પ્રશ્ન: આંતરરાષ્ટ્રીય સ્તરે સીટી સ્કેન દ્વારા ઈલાજનું શું મહત્ત્વ છે અને તેની સફળતા કેવી છે..

જવાબ:આ મણકાની ગાદીનો ઈલાજ સીટી સ્કેન દ્વારા યુરોપ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં એટલા માટે કરવામાં આવે છે કારણ કે સીટી સ્કેનમાં નસ અથવા મેરૂદંડને ઈજા ન થાય તેવી રીતે પ્રત્યેક મી.મી.ની ચોક્સાઈપૂર્વક આ તપાસ થાય છે..

આ પ્રકારની સીટી ગાઈડેડ ન્યુક્લિઓલાઈસીસથી મણકાની ગાદીનો ઈલાજ 85% દર્દીને કાયમી ધોરણે રાહત અપાવે છે અને તેને ઓપરેશન વગર આ સફળતા મળી શકે છે..

પ્રશ્ન: આ પ્રકારની સારવારની આડઅસર શું છે?.

જવાબ:ઓપરેશન પછી દુઃખાવો, લકવાની અસર અથવા ન ચાલી શકવું આ પ્રકારની કોઈપણ આડઅસર સીટી ગાઈડેડ ન્યુક્લિઓલાઈસ પદ્ધતિથી થતા મણકાની ગાદીના ઈલાજમાં કે સાંધાના ઈલાજમાં નથી થતી..

આ સારવાર પછી પણ સર્જરી શક્ય બને છે, પણ સર્જરી થઈ ગયા પછી આ પ્રકારની સારવાર (નોન-સર્જિકલ) શક્ય નથી..

પ્રશ્ન: સીટી સ્કેન દ્વારા લાંબા ગાળાના પીઠથી પગ સુધી થતા દુઃખાવાનો ઈલાજ ક્યા થાય છે?.

જવાબ: યુરોપ, અમેરિકા જેવા દેશોમાં સીટી સ્કેન દ્વારા આ રીતે થતો ઈલાજ અમદાવાદમાં છેલ્લા ૮ વર્ષથી ઉપલબ્ધ છે. અનેક દર્દી કે જેમને આ જાણ છે તેઓ આ ઈલાજ કરાવી ચૂક્યા છે, જેમાં મોટી ઉંમરના દર્દીઓ અને ખૂબ નાની ઉંમરના દર્દીનો સમાવેશ થાય છે..

પ્રશ્ન: સીટી સ્કેન દ્વારા લાંબા ગાળાના કમર, પીઠથી પગ સુધી ફેલાતા દર્દ માટે આ સારવારમાં કેટલો સમય લાગશે અને સારૂં થતાં કેટલો સમય લાગે?.

જવાબ: એકથી દોઢ કલાકમાં ઓપરેશન એટલે કે વાઢકાપ વગર આ પ્રોસીજર પૂરી થાય. ત્રણ દિવસ આરામ સંપૂર્ણપણે લીધા બાદ ઘરમાં હરીફરી શકાય. એક મહિના પછી વાહન ચલાવી શકાય, દાદર ચઢી શકાય. સામાન્ય રીતે દુઃખાવો મટી જાય પણ બે-અઢી મહિના સંપૂર્ણપણે સારૂં થતાં લાગે.

સ્ત્રોત: ફેમિના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/12/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate