વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

‘વા' અંગે જાગૃતિ લાવવા RAGનો સંકલ્પ

‘વા' અંગે જાગૃતિ લાવવા RAGનો સંકલ્પ વિશેની માહિતી આપવામાં આવી છે

રૂમેટોલોજી એસોસિયેશન ગુજરાત (RAG) એ ઈન્ડિયન રૂમેટોલોજી એસોસિયેશનનું ગુજરાત ચેપ્ટર છે. જે વાને લગતી બીમારી વિશે ડૉક્ટર અને સમાજમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે. RAG એ ગુજરાત રાજ્યની મેડિકલ કોલેજોના સહયોગથી તબીબી વિદ્યાર્થીઓને સાંધાના વાના નિદાન તથા ઉપચાર વિશે માહિતગાર કરે છે અને તબીબી વિદ્યાર્થીઓ આ શાખામાં વધારે અભ્યાસ કરવા પ્રેરાય તે માટે પ્રયત્ન કરે છે. વિવિધ સાંધાના વા વિશે આધારભૂત માહિતી સરળ ગુજરાતીમાં મેળવવા માટે વેબસાઈટ – www.ragindia.org પરથી મળી શકે છે.
આર્થરાઈટિસ જેને આપણે વા તરીકે ઓળખીએ છીએ. વામાં ઘણા રોગો ઓટો ઈમ્યુન એટલે કે, પોતાની જ રોગપ્રતિકારક શક્તિને કારણે થતા હોય છે. જેમા શરીર પોતે જ શરીરના અવયવોને નુકસાન કરે છે.

‘રૂમેટોલોજિસ્ટ' એટલે શું?

રૂમેટીક રોગ (વા) ની સારવાર માટે વિશિષ્ટ તાલીમ તથા નિપુણતા લીધેલ તબીબને રૂમેટોલોજિસ્ટ કહેવામાં આવે છે. રૂમેટોલોજિસ્ટનું કાર્ય દર્દીના લક્ષણો તથા જરૂરી તપાસની મદદથી ચોક્કસ નિદાન સુધી પહોંચીને તેની યોગ્ય સારવાર કરવાનું છે.

રૂમેટીક રોગમાં કયા રોગોનો સમાવેશ થાય?

રૂમેટીક રોગના વિવિધ પ્રકારના સાંધાના વાથી માંડીને ઘણા જટિલ તથા શરીરના એકથી વધુ અવયવોને લગતી ગંભીર પ્રકારની બીમારીઓનો સમાવેશ થાય છે. જેમા ખાસ કરીને રૂમેટોઈડ આર્થરાઈટિસ, સ્પોન્ડીલો આર્થરાઈટિસ, ઓસ્ટીઓ આર્થરાઈટિસ, ગાઉટ, લ્યુપસ, સોગ્રન્સ સીન્ડ્રોમ, સ્કેલેરોડરમા, વાસ્ક્યુલાઈટીસ વગેરેનો સમાવેશ થાય છે.

કયા લક્ષણો રૂમેટીક રોગ સૂચવે છે?

રૂમેટીક રોગના વિશેષ લક્ષણોમાં સાંધામાં દુખાવો, સોજો તથા જકડાઈ જવું, સુર્ય પ્રકાશમાં ચામડી પર બળતરા થવી અથવા ચાઠા પડવા, મોઢામાં વારંવાર ચાંદા પડવા, ઠંડીમાં આંગળીના ટેરવાનો રંગ બદલાવો, સ્નાયુનો દુખાવો કે અશક્તિ લાગવી, હિમોગ્લોબીન, ત્રાકકણો કે શ્વેતકણો ઘટવા તેમજ અમુક સામાન્ય લક્ષણો જેમ કે લાંબા સમય સુધી તાવ આવવો, વજન ઘટવું વગેરે પણ હોઈ શકે છે.

રૂમેટીક રોગની સારવાર શા માટે જરૂરી?

રૂમેટીક રોગના 100થી પણ વધુ પ્રકાર છે. યોગ્ય સારવાર માટે સાંધાના વાનો પ્રકાર નક્કી કરવો જરૂરી છે.

રૂમેટીક રોગની યોગ્ય તથા સમયસર સારવારના અભાવે ઘણીવાર સાંધા અથવા અન્ય અવયવોને કાયમી નુકસાન થવાની શક્યતા રહે છે. જેમ કે લાંબા સમય સુધી વાની સારવાર ન કરવાથી લોહીની નળીમાં ચરબી જમા થાય છે. જેના કારણે હૃદય રોગ થવાની શક્યતા વધી જાય છે. સમયસર સારવાર ન કરવાથી હાડકા પણ પોલા થઈ શકે છે.

રૂમેટોલોજિ વિશેની ગેરમાન્યતા અને હકીકતો

પ્રશ્નઃ વાના બધા જ દર્દીના સાંધા નુકસાન પામે. આંગળા વાંકાચૂકા થઈ જાય?

જવાબઃ ના, સામાન્ય રીતે જાણીતા સંધિવાના રોગમાં આંગળા વાંકાચૂકા થવાની શક્યતા રહે છે, પરંતુ મોટા ભાગના દર્દીને સમયસર સારવાર અને સચોટ નિદાનથી વા દ્વારા થતા નુકસાનથી બચાવી શકાય છે.

પ્રશ્નઃ શું સંધિવાના દર્દીને આજીવન દર્દ સહન કરવું પડે?

જવાબઃ વાની યોગ્ય સારવારથી લાંબી અને આરામદાયક જિંદગી જીવી શકાય છે. વાની સારવારમાં વપરાતી દવાઓ DMARDs અને Biological દવાઓની મદદથી વિજ્ઞાનને છેલ્લા બે દાયકાથી વાની સારવારમાં ઘણી સફળતા મળી છે.

પ્રશ્નઃ મારા મિત્ર કે સગાને સારૂં થયું અથવા રોગની તકલીફ વધી તો શું મારી સાથે પણ આવુ જ થશે?

જવાબઃ દરેક વ્યક્તિએ વાની તીવ્રતા અને દવાથી થતો ફાયદો જુદો-જુદો હોય છે. ડૉક્ટર દરેક વ્યક્તિના રોગની તીવ્રતા અને દવાની અસર મુજબ સારવાર નક્કી કરે છે.

પ્રશ્નઃ શુ વા માટે સ્ટીરોઈડ સિવાય કોઈ દવા નથી?

જવાબઃ વા માટે સ્ટીરોઈડ દવાનો ઉપયોગ 50 વર્ષથી વધુ સમયથી થાય છે. સ્ટીરોઈડ વગર અથવા ઓછામાં ઓછા ઉપયોગથી પણ વાની સારવાર શક્ય છે. જે વાના પ્રકાર, તીવ્રતા પર આધાર રાખે છે. સ્ટીરોઈડ ઉપરાંત DMARDs અને Biological દવાઓથી વાની સારવાર થાય છે. બધા જ પ્રકારના વા તથા બધા જ દર્દીને સ્ટીરોઈડ દવા આપવાની જરૂર નથી.

પ્રશ્નઃ સ્ટીરોઈડ લેવાથી કિડની-લીવરને નુકસાન થાય?

જવાબઃ ના, દુખાવાની અમુક દવાઓ ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય માટે લેવામાં આવે તો કિડનીને નુકસાન થઈ શકે છે, પરંતુ સ્ટીરોઈડ લેવાથી આમ થતું નથી. જે દર્દીની કિડની અથવા લીવરને નુકસાન થયેલ હોય, તેમને વાની બીજી ઘણી દવા આપી શકાતી નથી, પરંતુ સ્ટીરોઈડ આપી શકાય છે.

પ્રશ્નઃ સ્ટીરોઈડ દવા લેતા દર્દીએ શી કાળજી રાખવી?

જવાબઃ અમુક દર્દીને શક્ય એટલા ઓછા સમય માટે તથા ઓછી માત્રામા સ્ટીરોઈડ દવા આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સ્ટીરોઈડ દવા લેતા દર્દીએ ડૉક્ટરની સલાહ વગર જાતે દવાની માત્રા બદલવી કે બંધ કરવી જોઈએ નહીં.

પ્રશ્નઃ ખોરાકની પરેજીથી વા કાબૂમાં કરી શકાય?

જવાબઃ કોઈ પણ ચોક્કસ પ્રકારનો ખોરાક વા વધારી શકે અથવા કાબૂમા લઈ શકે એવું વિજ્ઞાનના સંશોધનથી પૂરવાર થયેલ નથી. આથી અમુક ચોક્કસ પ્રકારના વા જેમકે ગાઉટ સિવાયના વામાં ખોરાકની પરેજીની સલાહ આપવામાં આવતી નથી.

પ્રશ્નઃ શુ દવાની આડઅસર દરેક દર્દીને થઈ શકે?

જવાબઃ દવાની અસર તથા આડઅસર દરેક દર્દીની તાસીર પર આધાર રાખે છે. દવાની આડઅસર મોટા ભાગના દર્દીઓને થતી નથી અને સામાન્ય રીતે મોટા ભાગની આડઅસર ગંભીર હોતી નથી.

પ્રશ્નઃ વા થવાનું કારણ શું છે?

જવાબઃ વા થવાનું ચોક્કસ કારણ હજુ વિજ્ઞાનમાં શોધાયુ નથી, પણ એક માન્યતા પ્રમાણે અમુક જીન્સ (રંગસૂત્ર) અને પર્યાવરણના તત્વો (જેમ કે ધુમ્રપાન)ની પ્રતિક્રિયાને પરિણામે વા થઈ જાય છે.

પ્રશ્નઃ શુ રૂમેટોઈડ ફેક્ટર પોઝિટિવ હોય એટલે વા છે?

જવાબઃ ના, માત્ર રૂમેટોઈડ ફેક્ટર પોઝિટિવ આવવું એટલે વા નથી, પરંતુ બીમારીના લક્ષણો સાથે આ તપાસ પોઝિટિવ હોય તો જ વા કહેવાય.

પ્રશ્નઃ શું ‘યુરિક એસિડ' વધારે હોવુ એટલે ગાઉટ છે?

જવાબઃ ના, માત્ર યુરિક એસિડ વધારે આવવાથી જ ગાઉટ ના કહેવાય પણ એની સાથે સાંધામા દુખાવો, સોજો થતો હોય તો જ વા કહેવાય છે.

સ્ત્રોત: રૂમેટોલોજી એસોસિયેશન ગુજરાત (RAG) www.ragindia.org.

2.85714285714
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top