অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓબેસિટીનો આખરી ઉપાય સર્જરી

વધુ વજન ધરાવતા અને તેના લીધે અનેક શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહેલી વ્યક્તિ અવનવા પ્રયોગો દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરતાં હોય છે અને છેલ્લે થાકીને તબીબો પાસે જતાં હોય છે. આ પ્રકારના પ્રયોગો વગર જ તબીબો પાસે સીધા પહોંચી સારવાર કરાવવી જ યોગ્ય ઉપાય માનવામાં આવે છે. તમારી ઓબેસિટી (મેદસ્વીતા)ના આધારે તબીબો સારવાર કરતાં હોય છે અને જરૂર જણાય ત્યાં વેઈટ લોસ સર્જરીનો સહારો પણ લેવામાં આવે છે. તો આવો જાણીએ શું છે આ વેઈટ લોસ સર્જરી.

વેઇટ લોસ સર્જરી શું છે?

વધુ પડતા વજનને કારણે થતી તકલીફોથી બચાવા માટે ઓપરશન દ્વારા વજન ઓછું કરવામાં આવે છે જેને વેઇટ લોસ સર્જરી કહેવાય છે.

વેઇટ લોસ સર્જરી કોણે કરાવવી જોઈએ?

દરેક વ્યક્તિના ઉંચાઈ અને વજન પરથી બી.એમ.આઈ (BMI) નક્કી કરવામાં આવે છે. નોર્મલ BMI ૨૫ થી ઓછી હોય છે. ૨૫-૩૦ ઓવરવેઇટ ગણાય છે. જયારે BMI ૩૫ કરતા વધારે હોય અને વજનના લીધે ડાયાબીટીસ , બ્લડ પ્રેશર , કોલેસ્ટેરોલ, ફેટી લીવર, શ્વાસની તકલીફ, એસીડીટી , કમર નો દુ:ખાવો, ઢીચણનો દુઃખાવો અથવા થાયરોઈડની તકલીફ હોય તો વેઇટ લોસ સર્જરી કરાવવી જોઈએ. ડાયેટિંગ અને કસરતથી જો વજન ઉતારી શકાય તો તે વધારે યોગ્ય ઓપ્શન છે.

વેઇટ લોસ સર્જરી ક્યારે કરાવવી જોઈએ?

વધુ પડતા વજનના લીધે શરીરના જુદા જદા અવયવો ઉપર લાંબા સમયની કાયમી તકલીફ થાય તે પહેલા સમયસર ઓપરશન કરાવવાથી વધારે ફાયદો થાય છે.

વેઇટ લોસ સર્જરી કેવી રીતે કરવામાં આવે છે?

બેરીઆટ્રિક સર્જરી સામાન્યરીતે લેપરોસ્કોપીથી કરવામાં આવે છે જેમાં ૪ થી ૫ નાના કાણા પાડવામાં આવે છે. રીકવરી ૨-૩ દિવસમાં થાય છે. હવે આ સર્જરી રોબોટથી પણ શક્ય છે. અમુક કેસીસમાં એક જ છેદમાંથી ઓપરેશન કરવામાં આવે છે.

વેઇટ લોસ સર્જરીના પ્રકાર કયા છે?

વેઇટ લોસ સર્જરીના મુખ્ય બે પ્રકાર છે. હોઝરી(જઠર) નાની કરવી, નાના આંતરડાના ભાગને બાયપાસ કરવો.
સ્લીવ ગેસ્ટરેકટોમી: આ કાર્યવાહીમાં પાંચ નાના છેદ કરવામાં આવે છે અને લગભગ પોણો કલાક લાગે છે. સ્ટેપલિંગ ડિવાઇસીસનો ઉપયોગ કરીને પેટમાં આશરે 120 સીસીનું નાનું પાઉચ બનાવવામાં આવે છે. બાકીના જઠરને દૂર કરવામાં આવે છે. ઓપરેશન પૂર્ણ કરતાં પહેલાં એક લીક ટેસ્ટ કરવામાં આવે છે. આમ, જઠરનું કદ નાટ્યાત્મક રીતે ઘટાડવામા આવે છે. આ ઓપરેશન પછી ભૂખ ખૂબ ઓછી લાગે છે, થોડું જમ્યા પછી પેટ ભરાઈ જાય છે અને તરત ફરી ભૂખ લાગતી નથી. 
ગેસ્ટ્રીક બાયપાસ: આ પદ્ધતિમાં જઠરનું આશરે ૩૦ સીસીનું નાનું પાઉચ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આંતરડાના શરૂઆતના ભાગને બાયપાસ કરવામાં આવે છે. જેમ જેમ વજન વધારે તેમ તેમ બાયપાસ કરેલા આંતરડાની લંબાઈ પણ વધે છે. સર્જરી પછી એક વર્ષમાં વધારાના વજનમાં 77% જેટલો ઘટાડો થાય છે. 10 થી 14 વર્ષ પછી પણ દર્દીઓના વજનમાં 60% ઘટાડો જળવાયેલ રહે છે. 
મીની ગેસ્ટ્રીક બાયપાસ: આ પદ્ધતિમાં સ્લીવ ની જેમ ટ્યૂબ બનાવીને આંતરડું કાપ્યા વગર બાયપાસ કરાય છે. આજકાલ આ વધારે પ્રચલિત પદ્ધતિ છે. 
રોબોટિક સર્જરી: આ આધુનિક પણ ખર્ચાળ પદ્ધતિ છે જે વધુ પડતા વજનવાળી વ્યક્તિ માટે ફાયદાકારક છે. ૩D (થ્રી.ડી.)કેમેરા શસ્ત્રક્રિયાને સરળ બનાવે છે. ઝડપી આરામ અને સરળતા તેના મુખ્ય ફાયદા છે.
ઇન્ટ્રાગેસ્ટ્રીક બલૂન (હોજરીનો બલૂન): ઇન્ટ્રાગેસ્ટ્રીક બલૂન જઠરમાં એન્ડોસ્કોપીથી મુકવામાં આવે છે અને પછી તે ફૂલાવાય છે. આમ કરવાથી તે જઠરની મોટાભાગની જગ્યા રોકે છે અને તેથી ભૂખ ખૂબ ઓછી લાગે છે. આ બલૂન મહત્તમ 6 મહિના માટે પેટમાં મૂકી શકાય છે અને તે દરમ્યાન 5-9 BMIનું સરેરાશ વજન ઘટાડે છે. ઇન્ટ્રાગેટિક બલૂનનો ઉપયોગ અન્ય બેરીયાટ્રિક શસ્ત્રક્રિયા કરતા પહેલાં થઈ શકે છે. જયારે દર્દી સર્જરી માટે તૈયાર ન હોય ત્યારે બલૂનનો ઉપયોગ કરી શકાય છે.

વેઇટ લોસ સર્જરી પછી ખાવામાં શું કાળજી લેવી?

બેરીઆટ્રિક સર્જરીના છ કલાક પછી તરત જ દર્દીને સ્પષ્ટ પ્રવાહી આહાર આપવામા આવે છે. જેમાં સ્પષ્ટ સૂપ, હળવા ફળના રસ અથવા ખાંડ-મુક્ત પીણાંનો સમાવેશ થાય છે. આ ખોરાક બે અઠવાડિયા ચાલુ રાખવામાં આવે છે જે દરમ્યાન ઓપરેશનની જગ્યાએ રૂઝ આવે છે. આગામી તબક્કામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે વાટેલો મિશ્રિત અથવા શુદ્ધ સાકર મુક્ત ખોરાક અપાય છે. તેમાં વધારે પ્રોટીન, પ્રવાહી અથવા સોફ્ટ ખોરાક અને ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન કાર્બોહાઈડ્રેટ સામાન્ય રીતે ટાળવામાં આવે છે.

પોસ્ટ-સર્જરી પેટની ક્ષમતા ઓછી હોવાને કારણે વધુ પડતું ખાવાની માનાઈ હોય છે, જો તેમ કરવામાં આવે તો તે ઊબકા અને ઊલટી થવાનું કારણ બને છે. આવશ્યક પોષક તત્વોના શોષણમાં ઘટાડાની ભરપાઇ કરવા ઘણા દર્દીઓને રોજ મલ્ટીવિટામીનની ગોળી લેવાની જરૂર પડશે. દર્દીઓ મોટી માત્રામાં ખોરાક ન ખાઈ શકવાના કારણે ખાસ કરીને જે ખોરાકમા પ્રોટિનનું પ્રમાણ ઊંચુ હોય અને ચરબી તથા દારૂની માત્રા ઓછી હોય તેવા ખોરાકની ભલામણ કરવામા આવે છે. બેરીઆટ્રિક સર્જરી કરાવ્યા પછી હંમેશા થોડું થોડું વારેવારે ખાવાની ટેવ પાડવા નો આગ્રહ રાખવામાં આવે છે.સર્જરીના પ્રથમ મહિનામા ડિહાઇડ્રેશન ખૂબ જ સામાન્ય છે. દર્દીઓ તેમના નવા ગેસ્ટ્રિક વોલ્યુમ પ્રમાણે અનુકૂળ થતી વખતે યોગ્ય માત્રામાં પ્રવાહી પીવામાં મુશ્કેલી અનુભવે છે. યોગ્ય માત્રામાં પ્રવાહી લેવાની મર્યાદા, ખોરાકમાં ઓછી કેલરી અને ઉલટી - ઝાડાનું વધુ પ્રમાણ ડિહાઇડ્રેશન માટે નોંધપાત્ર કારણો છે. દર થોડી વારે પ્રવાહીના નાના ઘૂંટડા પીવાથી ડિહાઇડ્રેશન રોકી શકાય છે.

વેઇટ લોસ સર્જરી પછી શું તકલીફ થઇ શકે?

ઓપરશન પછી બ્લીડીંગ, ઇન્ફેકશન અને લીકેજ મુખ્ય કોમ્પ્લીકેશન્સ છે. આ ઉપરાંત પગની નસોમાં લોહી ગંઠાવું અને શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. ઓછા પ્રવાહી અને કેલરી ના લીધે આખે અંધારા પણ આવી શકે. લાંબા સમયે અમુક વિટામિન્સની અને પ્રોટીનની ઊણપ ઉભી થઇ શકે. વધારાનું વજન ઉતરી જવાથી ચામડી ઢીલી પડી શકે. જો દર્દી આપવામાં આવેલા સૂચનોનું પાલન કરે તો આમાની મોટાભાગની તકલીફો અટકાવી શકાય છે.

લેખક : ડો ચિરાગ દેસાઈ. ગેસ્ટ્રો સર્જન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate