વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિરુધ્ધ આહારથી થતા રોગો

વિરુધ્ધ આહારથી થતા રોગો વિશેની માહિતી

કાલ એટલે કે સમય વિરુધ્ધના ભોજન કરવાની બાબતે, વિશેષ કરીને વરસાદના દિવસોમાં, ઠંડો કે વાસી ખોરાક પણ કાલવિરુદ્ધ ભોજન કહેવાય. ચોમાસામાં સૂર્યપ્રકાશની અછત સર્જાતા શાકભાજી અસંખ્ય રોગોત્પાદક જીવોના ઘર બને છે. આવા શાકભાજી ખાવાથી (ઈન્ફેકશન), ફૂડ-પોઇઝનીંગ અને ઝાડા-ઉલટી જેવી સમસ્યા થઇ શકે છે. જેથી ચોમાસામાં શાકભાજીનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. શક્ય હોય તો મેથી, તાંદળજો અને પાલખ જેવી ભાજી તથા કારેલા, ગુવાર અને પાપડી જેવાં શાક ઉનાળાના દિવસોમાં સૂકવીને રાખ્યા હોય તે પછી વાપરવા. ચોમાસાના દિવસોમાં કઠોળ અને ધાન્યનો ઉપયોગ સવિશેષ કરવો. એમાં પણ ચોખા બે વર્ષ જૂના વાપરવા. ચોમાસામાં મંદ પડેલા પાચકરસો સામાન્ય રીતે અરુચિ પેદા કરે છે. કશું ખાવાનું મન થતું નથી, પાણી પીવાથી પણ ઉબકા આવે છે, ઓછું ખાવાથી પણ પેટ ભારે થઇ ફૂલી જાય છે - આવી ફરિયાદો પાછળ પણ ચોમાસુ જવાબદાર છે. વર્ષાકાળમાં આખી જ પચનક્રિયા નબળી પડે છે. આવા વખતે ગરમ - ગરમ ભોજન અને મસાલાઓથી ભરપૂર એવું સ્વાદિષ્ટ ભોજન લેવું હિતકર છે. પોતાની ક્ષમતા ન હોવા છતાં પેટ ભરીને કરેલું ભોજન અયોગ્ય છે. અજીર્ણ કે ખાવાની રુચિ ન હોય તેવા વખતે કરેલું આકંઠ ભોજન રોગો પેદા કરે છે. પચનક્રિયા મંદ હોય ત્યારે તેલ-ઘી યુક્ત તળેલા પદાર્થો ખાવા હિતકર નથી. શરીર અને મનને અનુકૂળ ન હોય તેવી વસ્તુઓ ક્યારેય ન લેવી. જેમકે શાકાહારીઓ માટે માંસાહાર એ સાત્મ્ય વિરુધ્ધ ભોજન કહેવાય. જે તે દેશ અને કાલની સ્થિતિ જાણી કરવામાં આવેલા ભોજનમાં વિવેકબુધ્ધિ રહેલી છે. જેમકે કચ્છ-કાઠિયાવાડ જેવાં ગરમ પ્રદેશમાં ગુણથી ગરમ, રૃક્ષ કે લુખ્ખું ભોજન (તેલ-ઘી વગરનું ભોજન) કરવાથી વાત્ પિતજન્ય વિકારો થઇ શકે. મુંબઇ, મદ્રાસ અને સોમનાથ-વેરાવળ જેવાં દરિયાની નજીકના પ્રદેશોમાં જાવ ત્યારે ખાટો અને આથાવાળો આહાર લેવાથી પિત્ત પ્રકોપ પામે જેથી એસિડીટી - દાહ અને રક્તસ્રાવ જેવી સમસ્યાઓ થઇ શકે. જે તે દેશકાલની સ્થિતિને સમજ્યા વગર કરેલું ભોજન દેશવિરુધ્ધ ભોજન કહેવાય. ભૂખ કરતાં થોડું ઓછું ખાવું, એક ટંકમાં પેટભરીને ખાધેલા ભોજન કરતાં ટુકડે-ટુકડે લીધેલું અલ્પ ભોજન સ્વાસ્થ્યપ્રદ છે. એક સાથે જાતજાતની વાનગીઓ ભેગી ન કરતાં સાદુ અને સાત્વિક ભોજન બળપ્રદ છે. વ્યાયામ કર્યા પછી અને વધુ પડતો પરિશ્રમ કર્યા પછી તરત ઠંડુ પાણી કે અન્ન ન લેવું. આ બધી બાબતોને અવસ્થા વિરુધ્ધનું ભોજન ન કહેવાય અવસ્થા વિરુધ્ધનું ભોજન કરવાથી પણ શરીર અનેક રોગોનું ઘર બને છે. મૂળ-મૂત્રનો ત્યાગ કર્યા વગર ભોજન કરવું, ગંદા વસ્ત્રો પહેરી કે હાથ-પગ ધોયા વગર ભોજન કરવું, ભોજન પછી તરત વધુ પડતું પાણી પીવું, જાહેરમાં ભોજન કરવું, ભોજન પછી તરત સ્નાન કરવું - એ આચાર વિરુધ્ધનું ભોજન કહેવાય. આ રીતે ભોજન કરવાથી શરીરનું બળ ઘટે છે. સ્વાસ્થ્ય કથળે છે આયુષ્ય ટૂંકાય છે. તાંબા કે એલ્યુમિનિયમના પાત્રમાં રાખેલું દહીં ન ખવાય. એલ્યુમિનિયમના બંધ પાત્રમાં લાંબા સમય સુધી રાખેલો ખોરાક ન ખવાય.

કલાઇ ચઢાવેલા પિત્તળના વાસણમાં રાંધેલો ખોરાક ન ખવાય. એમ કરવાથી એને પાત્ર વિરુધ્ધનું ભોજન કહેવાય. જેતે પાત્રની ધાતુઓ ઑક્સીજનના સંયોગથી ઑકસાઇડ્સ જેવાં ઝેરી તત્વો પેદા કરે છે. જે ખોરાકમાં ભળવાથી હોજરી અને આંતરડાના કેન્સર જેવાં ગંભીર રોગો કરી શકે છે.

વાચકમિત્રો કાલવિરુધ્ધ દેશવિરુધ્ધ, અવસ્થાવિરુધ્ધ, સાત્મ્યવિરુધ્ધ, આચારવિરુધ્ધ અને પાત્રવિરુધ્ધ ભોજન ત્યાગવું. ભારતીય આહારશૈલીના અનુભવોથી કેળવાયેલા આ મૂળભૂત સિધ્ધાંતો છે, સચોટ છે અને આધુનિક યુગના રોગગ્રસ્ત-ચેપગ્રસ્ત-વાદગ્રસ્ત માણસના સ્વાસ્ત્યને બચાવી લેવા સક્ષમ છે.
સ્ત્રોત: વિસ્મય ઠાકર ગુજરાત  સમાચાર

2.82608695652
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top