অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વાઈન ફ્લુથી બચવા આટલું ધ્યાનમાં રાખો

સ્વાઈન ફ્લુથી બચવા આટલું ધ્યાનમાં રાખો

સ્વાઈન શબ્દનો અર્થ થાય છે ભૂંડ. પ્રથમ ભૂંડને ઇન્ફ્લુએન્ઝા નામના સુક્ષ્મ વાઈરસથી આ રોગ લાગુ પડે છે. આ રોગના અલગ-અલગ ત્રણ પ્રકારના વાઈરસ હોય છે. આ વાઈરસ કોઈપણ પ્રકારે ભૂંડમાંથી મનુષ્યમાં પ્રવેશી અને રોગ પેદા કરે છે

સ્વાઈન ફ્લુ:

સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાઈન ફ્લુના સમાચાર ભય અને ચિંતાનો માહોલ સર્જી રહ્યા છે. અત્યાર સુધી સૌથી વધુ કેસ નોંધાયેલ રાજ્યોમાં રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, હરિયાણા તેલંગાનાનો સમાવેશ થાય છે.

છેલ્લા કેટલાક સમયમાં ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં આ રોગનો ઉપદ્રવ સૌથી વધુ હોવાનું નોંધાયેલ છે.

ખાસ કરીને વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ઉતર ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કેસ વધુ નોંધાય છે.

સ્વાઈન ફ્લુ એટલે શું?

સ્વાઈન શબ્દનો અર્થ થાય છે ભૂંડ.

પ્રથમ ભૂંડને ઇન્ફ્લુએન્ઝા નામના સુક્ષ્મ વાઈરસથી આ રોગ લાગુ પડે છે. આ રોગના અલગ-અલગ ત્રણ પ્રકારના વાઈરસ હોય છે. આ વાઈરસ કોઈપણ પ્રકારે ભૂંડમાંથી મનુષ્યમાં પ્રવેશી અને રોગ પેદા કરે છે. અત્યારે સૌથી વધારે ફેલાવો એચ-૧ એન-૧ પ્રકારના વાઈરસનો છે. આ વાઈરસ ધ્વારા અત્યાર સુધીમાં અનેક રાજ્યોમાં સ્વાઈન ફ્લુ ફેલાઈ ચુક્યો છે.

સ્વાઈન ફ્લુ થવાનું જોખમ કોને છે?

  • સ્વાઈન ફ્લુ કોઈપણ વ્યક્તિને થઇ શકે છે પરંતુ નીચેના સંજોગોમાં તેની શક્યતા વધી જાય છે.
  • ૫ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી મોટા વ્યક્તિઓને
  • ગર્ભવતી મહિલાઓને
  • અસ્થમા કે શ્વાસની બીમારી વાળા વ્યક્તિઓને
  • અન્ય કારણસર જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તેમને દા.ત. એઈડસ, કેન્સર વગેરે.
  • હોસ્પિટલમાં દર્દીઓ સાથે કામ કરતા કર્મચારીઓ જો સારવાર વખતે તેમની પોતાની કાળજી ન રાખે તો
  • અન્ય બીમારીઓ : સિકલ સેલ એનેમિયા,જન્મ જાત રદયની ખોડખાપણ, ડાયાબીટીસ, કિડનીની બીમારીઓ વગેરે.
  • સ્વાઈન ફ્લુના દર્દીના સીધા સમ્પર્કમાં આવતા વ્યક્તિઓ અને કુટુંબીજનો પોતાની સંભાળ ન રાખે તો

સ્વાઈન ફ્લુનો ચેપ કેવી રીતે ફેલાય છે?

  • સ્વાઈન ફ્લુનો ચેપ લાગેલા ભૂંડ પાસેથી અન્ય ભૂંડને અથવા માનવીને આ ચેપ ફેલાય છે.
  • એક વાર માનવીને ચેપ લાગ્યા પછી તેની છીંક કે ખાંસી ધ્વારા રોગના જંતુઓ હવામાં ફેલાય છે અને અન્ય વ્યક્તિના શરીરમાં નાક અને મ્હો ધ્વારા દાખલ થાય છે.

સ્વાઈન ફ્લુના ચિહ્નો

સ્વાઈન ફ્લુના જંતુઓ મનુષ્યના શરીરમાં પ્રવેશી અને તેમના શ્વસનતંત્રને નુકશાન કરે છે. પરિણામે ચેપ લાગ્યાના એક થી ચાર દિવસમાં નીચે મુજબ ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે.

  • તાવ આવે : આશરે ૧૦૦ ડીગ્રી ફેરન હીટ કે તેનાથી વધુ
  • નાકમાંથી પાણી વહે
  • માથું દુખે, ગાળામાં દુખે
  • અતિશય થાક લાગે
  • ખાંસી થાય, કાનમાંથી રસી આવે
  • શરીર ઉપર ઝીણા દાણા નીકળે
  • ઠંડી લાગે
  • ઉલ્ટી થાય અને ઉબકા આવે
  • ઝાડા થાય
  • ગંભીરતાના ચિહ્નો: વાઈરલ ન્યુમોનિયા, ખેંચ આવવી, હૃદય અને મગજ ઉપર સોજો આવવો વગેરે

સ્વાઈન ફ્લુનું નિદાન

  • લોહીની તપાસ : કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, એન/એલ રેસીઓ
  • છાતીનો એક્સ-રે
  • દર્દીના નાક અને ગળાના ભાગમાંથી પ્રવાહીનો નમુનો લઇ અને લેબોરેટરીમાં તપાસ કરી નિદાન કરવામાં આવે છે.

સ્વાઈન ફ્લુની સારવાર

  • જો સ્વાઈન ફ્લુની શંકા હોય  અથવા તેનું નિદાન થાય પછી દર્દીને જેમ બને તેમ જલ્દી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવે છે.
  • દર્દીને અન્ય દર્દીઓથી દુર માત્ર સ્વાઈન ફ્લુના દર્દીઓના વોર્ડમાં જ રાખવામાં આવે છે તેથી અન્ય દર્દીઓને ચેપ લાગતો અટકે.
  • નિદાન થયા બાદ સ્વાઈન ફ્લુ માટેની પ્રતિકારક દવાઓ શરુ કરવામાં આવે છે. આ સિવાય ચિહ્નો અને લક્ષણોની સારવાર કરવામાં આવે છે.
  • જો ગંભીર કિસ્સાઓમાં દર્દીનું શ્વસનતંત્ર નિષ્ફળ જાય તો દર્દીને કુત્રિમ શ્વાસોશ્વાસના મશીન (વેન્ટીલેટર ) રાખવામાં આવે છે.
  • દર્દીને સંપૂર્ણ આરામ આપવો, પાણી અને અન્ય પ્રવાહી જેવા કે ફ્રુટ જ્યુસ, સુપ વગેરે પુષ્કળ આપવા
  • તાવ અને દુખાવા માટે પેરાસીટામોલ જેવી દવા આપી શકાય
  • ગંભીરતાવાળા દર્દીઓને ડોક્ટરની સલાહ ધ્વારા ઓસેલ્ટામીવીર જેવી એન્ટીવાઈરલ દવાઓ અપાય છે.

સ્વાઈન ફ્લુના દર્દીને રાખવાની કાળજી

  • ઘરે તેમજ બહાર અન્ય વ્યક્તિઓના સમ્પર્ક થી દુર રહેવું.
  • બને ત્યાં સુધી ઘરે જ રહેવું અને બહાર શાળા, પ્રસંગો, શોપિંગ મોલ, નોકરી વગેરે જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.
  • વારંવાર પોતાના નાક, મ્હોં, આંખોને સ્પર્શવાનું ટાળવું
  • જો વધારે તકલીફ જણાય તો તરત જ હોસ્પિટલની સારવાર લેવી જોઈએ.
  • વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ જેથી અન્ય વ્યક્તિઓને ચેપ લાગતો અટકે.
  • પુરતી ઊંઘ અને પોષક આહાર લેવો
  • અન્ય વ્યક્તિઓ સાથે વાત કરવાની થાય તો મ્હો ઉપર રૂમાલ ઢાંકેલો રાખવો અથવા માસ્ક પહેરેલો રાખવો

સ્વાઈન ફ્લુના અટકાવ માટે રસી

હાલમાં ઉપલબ્ધ બધી ફ્લુ વેક્સીન સ્વાઈન ફ્લુ સામે રક્ષણ આપે છે, પરંતુ તેની મર્યાદિતતાના કારણે સમુહમાં કે બધાને રસી આપવાનું શક્ય નથી. તેથી જેમને સ્વાઈન ફ્લુનો ચેપ લાગવાનું જોખમ વધારે છે તેવા નીચે મુજબના લોકોને આ રસી લેવાની ભલામણ કરવામાં આવે છે.

  • ૬ માસથી ૨ વર્ષ સુધીના બાળકો અને ૬૫ વર્ષથી મોટી ઉમરના વ્યક્તિઓને
  • લાંબા સમયથી બીમાર વ્યક્તિઓ જેવા કે એઈડસ, એચ.આઈ.વીના દર્દીઓ
  • ખાસ કરીને જેમને શ્વસનતંત્રની કોઈ બીમારી હોય જેવી કે અસ્થમા, ન્યુમોનિયા વગેરે
  • હોસ્પિટલ અને આરોગ્યક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ જેવા કે ડોક્ટર્સ, નર્સીસ, લેબોરેટરી ટેકનીશીયન વગેરે
  • વારંવાર જોખમી જગ્યાઓએ મુસાફરી કરતા લોકોને

રાબેતા મુજબના સામાન્ય રસીકરણ માટે

  • ૬ માસથી ૯ વર્ષ સુધીના બાળકને પ્રથમ વાર – ૨ ડોઝ
  • ૯ વર્ષથી મોટા બાળકને પ્રથમ વાર – ૧ ડોઝ
  • ત્યાર બાદ પ્રતિ વર્ષ ૧ ડોઝ મુકાવવો
  • વર્ષા ઋતુના આગમન પહેલા રસીકરણ માટે સૌથી સારો સમય છે.

ડો.રશ્મિન આર સેસિલ(બાળ રોગ નિષ્ણાત)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate