অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમારા લિવર વિષે જાણો

જ્યાં સુધી લિવરને લગતાં રોગોના કારણો કે ચિન્હો, લક્ષણો જોવા મળતા નથી ત્યાં સુધી લિવર એકદમ સલામત છે. અન્યથા તેમાં સોજો આવવાથી તાવ, ભૂખ ઓછી લાગવી, વજન ઘટી જવું, કમળો (આંખો, પેશાબ પીળો થવો) આદી જેવા લક્ષણો જોવા મળે છે. અમુક દર્દીઓને ઉલટી, પેટમાં દુખાવો કે ખંજવાળ પણ થાય છે.
શું તમે જાણો છો કે કમળો એક રોગ નથી પણ લિવરની તકલીફ (લક્ષણ) છે જે લિવરનો સોજો આવવાથી થાય છે. તેના ઘણાં બધા કારણો હોઈ શકે છે જેમ કે, વાઈરસના ચેપના કારણે (ઝેરી કમળો, સાદો કમળો), દારૂ જેવા હાનિકારક નશીલા પદાર્થો અથવા અમુક પ્રકારની દવાની આડ અસરથી થાય છે. કમળાના બે પ્રકાર છે તીવ્ર (Acute) અને દીર્ધકાલિન ( Chronic છ મહિનાથી વધારે). ડાયાબિટીસ/મેદસ્વીતાના કારણે બિન નશીલા લોકોમાં ફેટી લિવર (NAFLD)ના રોગો થઈ શકે છે. આ પ્રકારના રોગોમાં લાંબા ગાળે (Cirrhosos) થવાથી લિવર ખરાબ થઈ શકે છે જેના લક્ષણોમાં પેટમાં પાણી ભરાઈ જવું, લોહીની ઉલટી થવી અથવા છેલ્લા સ્ટેજમાં બેભાન થઈ જવું જેને આપણી સાદી ભાષામાં ‘કમળી’ કહીએ છીએ. Liver Failure જેવા સંજોગોમાં દૂરબીનથી તપાસ (એન્ડોસ્કોપી)થી લોહીની ઉલટી બંધ કરી શકાય છે. વહેલાસરની કાળજી અને ઉપચારથી લિવરના રોગોને જલ્દીથી કાબુમાં કરી શકાય છે અને હવે તો લિવર ટ્રાન્સ્પ્લાન્ટેશન બદલીને પણ દર્દીનું જીવન બચાવી શકાય છે. કમળાની તપાસ લોહીના સામાન્ય રિપોર્ટથી અને સોનોગ્રાફીથી થઈ શકે છે. સાદો કમળો (Hapatits A & E) અસુરક્ષિત ખાવા-પીવાથી થાય છે જ્યારે ઝેરી કમળો (Hapatits B & C) અશુદ્વ લોહી, અસુરક્ષિત સમાગમ, ચેપગ્રસ્ત માતાને અથવા છુંદણું (Tattoo) કરાવવાની નિડલ, જૂના ઈન્ફેક્શન તથા રેઝર જેવા સાધનોના અસુરક્ષિત ઉપયોગથી થઈ શકે છે.
લિવર (યકૃત) મગજ પછીનું બીજા ક્રમનું શરીરનું સૌથી મોટું અવયવ (1.5 કિ.ગ્રા.) છે. તે શરીરની પાચનક્રિયા માટે અગ્રણી ખેલાડીનું કામ કરે છે. આપણે દવા સહિત જે કાંઈ પણ ખાઈએ, પીઈએ છીએ તે બધું જ લિવરમાંથી પસાર થાય છે. લિવર વગર જીવિત રહી શકવું અકલ્પ્ય છે. આ એક એવું અંગ છે કે જેની યોગ્ય દેખરેખ રાખવામાં ન આવે તો સરળતાથી ખરાબ થઈ શકે છે.

લિવર એ એક મલ્ટી ટાસ્કીંગ ઓર્ગન છે જેના મુખ્ય કાર્યો

  • બીમારી અને ચેપ સામે રક્ષણ આપવું
  • શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવા
  • કોલેસ્ટ્રોલનું નિયમન કરવું અને ચરબીનો સંગ્રહ કરવો
  • લોહીની ઘટતા (જાડાઈ)માં મદદ કરવી
  • પિત્તનો સ્ત્રાવ અને સંશ્લેષણ કરવું
  • રૂધિરરસીય પ્રોટીન (Albumin)નું નિર્માણ કરવું
  • લિવર વિટામીન A,D,E,K,B નો સંગ્રહ કરવો

લિવરની કાળજી માટેના સૂચનો

  • કમળા માટે સારી રસીકરણ કરાવો, હિપેટાઈટીસ એ અને બી બંનેની રસી ઉપલબ્ધ છે
  • વજનનું નિયમન કરો, ડાયાબિટીસને યોગ્ય રીતે કંટ્રોલમાં રાખીને લિવરના રોગ સામે રક્ષણ આપો
  • ચેપી રસાયણોને ધ્યાનપૂર્વક ગ્રહણ કરો. કોઈપણ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી
  • દારૂ, ધુમ્રપાન અને નશીલા પદાર્થોનું સેવન ટાળો
  • લસણ, દ્રાક્ષ, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, ઓલિવ ઓઈલ અને અખરોટ ખાઓ
  • ભોજનમાં હળદરનો ઉપયોગ કરો, લીંબુનો રસ અને ગ્રીન ટી પીઓ
  • તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરો અને નિયમીત વ્યાયામ કરો.
  • શુદ્વ અને સ્વચ્છ ખોરાક-પાણીનો જ આગ્રહ રાખો

સારવાર

  • કમળામાં ખોરાક વિશેની વિવિધ માન્યતાઓ વિશે જાણો
  • દૂધ, ઘી, તેલ ઓછું લેવું
  • ગ્લુકોઝ, ગોળ, શેરડી વધારે લેવું
  • મગનું પાણી, ચણા, ફળફળાદી વધારે માત્રામાં લેવું જોઈએ
  • આરામ કરવો, ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી અથવા જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ થઈને સંપૂર્ણ સારવાર કરવી

લેખક :ડો જિજ્ઞેશ પટેલ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate