હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / દંત સંભાળ / સુંદરતાની સાથે સ્વસ્થતા માટે પણ દાંત અને મોંની સ્વચ્છતા જરૂરી
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સુંદરતાની સાથે સ્વસ્થતા માટે પણ દાંત અને મોંની સ્વચ્છતા જરૂરી

સુંદરતાની સાથે સ્વસ્થતા માટે પણ દાંત અને મોંની સ્વચ્છતા જરૂરી

ચહેરાનો આકાર, દેખાવ, સ્મિત અને વ્યક્તિત્વનો આધાર એ દાંતની ગોઠવણી અને તેની માવજત પર છે. તંદુરસ્ત મોં એ તંદુરસ્ત શરીરનું પ્રવેશ દ્વાર છે અને તેથી જ જો મોંની કાળજી લેવામાં ન આવે તો આખું શરીર કેવી રીતે તંદુરસ્ત રહી શકે? અને એટલે જ ‘સારવાર કરતાં સંભાળ સારી.’
દાંત, પેઢાં, જીભ, તાળવુ એ મોંના મુખ્ય ભાગ છે. દાંત બે પ્રકારના હોય છે દૂધિયા અને કાયમી. દૂધિયા દાંત ૨૦ હોય છે અને કાયમી દાંત ૩૨ હોય છે. દાંત મુખ્યત્વે દેખાવ, બોલવા, ખાવા, રક્ષણ અને જડબાના વિકાસ માટે ઉપયોગી છે. પેઢા અને દાંતની જો યોગ્ય સફાઇ અને માવજત ના થાય તો તેના પર છારી બાજે છે. જો તેને સમયાંતરે દૂર કરવામાં ન આવે તો તે પેઢાના રોગોનું કારણ બની શકે છે. આ છારી (પ્લાક)માં અસંખ્ય જીવાણું હોય છે જે ખોરાકને એસિડમાં રૂપાંતર કરી દાંતના બંધારણને ઓગાળી નાંખે છે જેથી દાંતમાં સડો થાય છે. દાંતની કાળજી પ્રત્યેની ઊદાસીનતા અને જાગૃતતાનો અભાવ એ વિવિધ પ્રકારની સમસ્યાનું કારણ બની શકે છે.

દાંતની સમસ્યાના મુખ્ય લક્ષણો

 • દાંતમાં ખોરાક ભરાઇ જવો.
 • દાંતમાં કાળાશ પડતો સડો દેખાવો.
 • દાંતમાં કળતર તથા અસહય દુ:ખાવો થવો અને સોજો આવવો.

ઉપાય / સારવાર

 • ચાંદી અથવા દાંતના રંગ જેવા સિમેન્ટ ભરી શકાય.
 • જો સડો ઊંડો મુળ સુધી પહોંચેલ હોય તો મુળીયાની સારવાર (રૂટ કેનાલ ટ્રિટમેન્ટ) કરી દાંત ઉપર કેપ બેસાડી શકાય.

જો વાકાંચૂકા દાંત હોય તો ચહેરો અનાકર્ષક લાગવા સાથે દાંતમાં સડો તથા પેઢાના રોગોની સંભાવના વધી જાય છે. આથી વાકાંચૂકા દાંતની સારવાર અનિવાર્ય છે.

પેઢાની સમસ્યા (પાયોરિયા)ના મુખ્ય લક્ષણો

 • પેઢા ફૂલી અને લાલ રંગના થઇ જવા.
 • બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવું.
 • મોઢુ ચિકણું લાગવું
 • મોં માંથી દુર્ગંધ આવવી
 • પેઢા નીચે ઊતરી જવા

ઉપાય / સારવાર

 • દાંત તથા પેઢાની સફાઇ (Scaling)
 • પેઢાની સર્જરી (Flap Surgery)

જો પાયોરિયાની સમયસર સારવાર લેવામાં ન આવે તો તેના કારણે મધુપ્રમેહ (ડાયાબિટીસ)માં વધારો થાય છે. પાયોરિયામાં થતું પરૂ શરીરમાં જવાથી શરીરના અંગો જેવા કે ફેફસાં, કિડની અને હદયને નુકસાન પહોંચાડી શકે છે.

Scaling વિશેની પ્રવર્તમાન માન્યતાઓ જેવી કે દાંતની મજબૂતાઇ ઓછી થવી અને હલી જવા અથવા તો દાંતની વચ્ચે જગ્યા થવી તેમજ કળતર થવી વગેરે જેવી ખોટી માન્યતાઓ છે. હકીકતમાં Scalingથી દાંતની નીચે આવેલ હાંડકાનું પુન:નિર્માણ થાય છે. પાન-મસાલા, તંબાકૂ, ગૂટકા, બીડી, સિગારેટનું વ્યસન મોઢાના કેન્સરનું મુખ્ય કારણ છે અને તે બંધાણીને મોતની સીડી પર લઇ જાય છે. મોઢાના કેન્સરનાં લક્ષણો જેવાં કે, મોં માં સફેદ કે લાલ છાલા પડવા, તીખું ખાતી વખતે બળતરા થવી, મોં પુરૂ ન ખુલવું, કોઇપણ કારણ વગર પેઢામાંથી લોહી નિકળવું અને મોં માં પડેલુ અને લાંબા સમયથી ન રૂઝાતુ ચાંદુ (અલ્સર) હોય તો તેને અવગણ્યા વગર તાત્કાલિક નિષ્ણાત ડોકટરની મુલાકાત લેવી જોઇએ.

દાંતની માવજતના અગત્યના નિયમો

 • દિવસમાં બે વાર અને ઓછામાં ઓછી ત્રણ મિનિટ સુધી  બ્રશ કરવુ અને દર ત્રણ મહિને બ્રશ બદલવુ.
 • ખોરાક લીધા પછી દાંતની સફાઇ અથવા પાણીથી કોગળા કરવા.
 • ચોકલેટ, મીઠાઇ, ઠંડા પીણા વગેરે ટાળવા.
 • દર છ મહિને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી.

''હાસ્યની કોઇ ભાષા નથી હાસ્યની કોઇ સીમા નથી''હસવુ હોય જો જિંદગીભર તો દાંતની કાળજી વિના કોઇ વિકલ્પ નથી’’

ડૉ. ડોલી પટેલ (ડીન, AMC ડેન્ટલ કોલેજ)

3.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top