অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાયાબીટીસ

કઈ રીતે શરીર ખોરાકનું શક્તિમાં રૂપાંતર કરે છે તેની કુદરતી પ્રક્રિયા અને ડાયાબીટીસ થાય ત્યારે કેવા ફેરફારો થાય છે તે નીચે વર્ણવવામાં આવ્યું છે.

ખોરાક ગ્લુકોઝમાં ફેરવાય છે: આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને જઠર ગ્લુકોઝ નામના બળતણમાં ફેરવે છે. ગ્લુકોઝ શર્કરાનો એક પ્રકાર છે. તે રક્તપ્રવાહમાં ભળીને શરીરના કરોડો કોષો સુધી પહોંચે છે.

ગ્લુકોઝ કોષોમાં જાય છે: સ્વાદુપિંડ નામનું અંગ ઇન્સ્યુલિન નામનું રસાયણ બનાવે છે. ઇન્સ્યુલિન પણ રક્તપ્રવાહમાં ભળે છે અને કોષો સુધી મુસાફરી કરે છે. તે ગ્લુકોઝને મળે છે અને તેને કોષોમાં પ્રવેશ કરવા માટે સક્ષમ બનાવે છે.

કોષો ગ્લુકોઝને શક્તિમાં ફેરવે છે: કોષો ગ્લુકોઝનું દહન કરીને શરીરને શક્તિ આપે છે.

ડાયાબીટીસ થાય ત્યારે થતા ફેરફારો.

ડાયાબીટીસને કારણે શરીરને ખોરાકમાંથી શક્તિ મેળવવામાં મુશ્કેલી પડે છે.

ખોરાક ગ્લુકોઝમાં ફેરવાય છે: જઠર ખોરાકને ગ્લુકોઝમાં ફેરવે છે. ગ્લુકોઝ રક્તપ્રવાહમાં ભળે છે. પરંતુ મોટાભાગનો ગ્લુકોઝ કોષોમાં દાખલ થઈ શકતો નથી, કારણકે:

  1. ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ના પણ હોય.
  2. ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ તે રીસેપ્ટર્સને સક્રિય કરી શકતા નથી.
  3. તમામ ગ્લુકોઝને દાખલ થવા માટે પૂરતા રીસેપ્ટર્સ ના પણ હોય.

કોષો શક્તિ પેદા કરી શકતા નથી: મોટાભાગનો ગ્લુકોઝ રક્તપ્રવાહમાં રહે છે. તેને હાઇપરગ્લાઇસીમીયા કહે છે. (તે ઊંચી રક્ત શર્કરા અથવા ઊંચા રક્ત ગ્લુકોઝથી પણ ઓળખાય છે) કોષોમાં પૂરતા ગ્લુકોઝના અભાવને કારણે કોષો શરીરને સારી રીતે ચલાવવા જરૂરી શક્તિ કોષો બનાવી શકતા નથી.

ડાયાબીટીસના ચિહ્નો

ડાયાબીટીસ ધરાવતા લોકો વિવિધ લક્ષણો ધરાવતા હોય છે, તેમાંનાં કેટલાક નીચે પ્રમાણે છે,

  1. વારંવાર પેશાબ કરવા જવું (રાત્રે પણ)
  2. ચામડીમાં ખંજવાળ
  3. ધૂંધળી દ્રષ્ટિ
  4. થાકી જવું અને નબળાઈ લાગવી
  5. પગમાં બહેરાશ અને ઝણઝણાટી
  6. વધારે તરસ
  7. ઘા ચીરા જલ્દી ના રૂઝાય
  8. હંમેશાં અત્યંત ભૂખ લાગવી
  9. વજનમાં ઘટાડો
  10. ચામડીના ચેપો

આપણે શા માટે લોહીમાં શર્કરાના પ્રમાણને અંકુશમાં રાખવું જોઇએ

  • લાંબા ગાળા માટે રક્તમાં ગ્લુકોઝનું ઊંચુ પ્રમાણ ઝેરી છે.
  • સમય જતાં ગ્લુકોઝનું વધારે પ્રમાણ રક્તવાહિનીઓ, મૂત્રપિંડો, આંખો અને ચેતાઓને નુકસાન પહોંચાડે છે અને શરીરના મહત્વના અંગોમાં સમસ્યાઓ અને કાયમી નુકસાન સર્જાય છે.
  • ચેતાની સમસ્યાઓ (ન્યુરોપથી)ને કારણે વ્યક્તિ પગમાં કે શરીરના અન્ય ભાગમાં સંવેદનશીલતા ગુમાવી બેસે છે. રક્તવાહિનીઓનો રોગ (આર્ટીરીયોસ્ક્લેરોસિસ) હાર્ટ એટેક, સ્ટ્રોક અને રૂધિરાભિસરણની સમસ્યાઓ તરફ દોરી જાય છે.
  • આંખોની સમસ્યાઓમાં આંખની રક્તવાહિનીઓને નુકસાન (રેટિનોપથી), આંખમાં વધતું દબાણ (ઝામર) અને આંખના નેત્રમણિમાં ઝાંખપ વળવી (મોતીયો)નો સમાવેશ થાય છે.
  • મૂત્રપિંડ રોગ(નેફ્રોપથી)માં મૂત્રપિંડ લોહીના ઉત્સર્ગ દ્રવ્યોને સાફ કરતું અટકે છે. લોહીનું ઊંચુ દબાણ (હાઇપરટેન્શન) લોહીને ધકેલવા હ્રદયને વધારે કાર્ય કરવાની ફરજ પાડે છે.

લોહીના ઊંચા દબાણ અંગે વધુ જાણકારી

જ્યારે હ્રદય ધબકે છે, ત્યારે તે લોહીને રક્તવાહિનીઓમાં ધકેલે છે અને તેમના પર દબાણ સર્જે છે. વ્યક્તિ તંદુરસ્ત હોય તો, રક્તવાહિનીઓ સ્નાયુમય અને સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે હ્રદય તેમના દ્વારા લોહી ધકેલે છે ત્યારે તે ખેંચાય છે. સામાન્ય સંજોગોમાં હ્રદય એક મિનીટમાં 60થી 80 વખત ધબકે છે. દરેક ધબકારા સાથે રક્તચાપ વધે છે અને બે ધબકારા વચ્ચે હ્રદય શિથિલ થાય છે ત્યારે તે ઘટે છે. લોહીના દબાણમાં દર મિનીટે ફેરફાર થઈ શકે છે અને તે શરીરની સ્થિતિમાં થતા ફેરફાર, કસરત કે ઉંઘ દરમિયાન બદલાય છે, પરંતુ તે એક પુખ્ત વ્યક્તિ માટે 130\80 મિમિ પારાના દબાણ કરતા સામાન્યપણે ઓછું હોવું જોઇએ. આ સ્તરથી વધારે દબાણ ઊંચુ ગણાય.

સામાન્યપણે ઊંચા રક્તચાપના કોઇ લક્ષણો હોતા નથી. હકીકતમાં, ઘણા લોકો વર્ષો સુધી લોહીના દબાણ સાથે જીવતા હોય છે અને તેમને ખબર પણ હોતી નથી. તણાવગ્રસ્ત, વ્યાકુળ કે અતિસક્રિય હોવું એટલે લોહીનું ઊંચુ દબાણ ધરાવવું એવું પણ નથી. તમે શાંત, ચિંતામુક્ત વ્યક્તિ હો અને છતાં તમને લોહીનું દબાણ હોઈ શકે છે. નિરંકુશ લોહીનું દબાણ સ્ટ્રોક (બ્રેઇન એટેક), હાર્ટ એટેક, કન્જેસ્ટિવ હાર્ટ ફેઇલ્યોર કે મૂત્રપિંડ નિષ્ફળતા તરફ લઈ જઈ શકે છે. આ તમામ રોગો જીવલેણ છે. આથી, લોહીના ઊંચા દબાણને મોટેભાગે “મૂક હત્યારો” કહેવામાં આવે છે.

કોલેસ્ટેરોલ અંગે

શરીરમાં કોલેસ્ટેરોલનું વધારે પ્રમાણ હાર્ટ એટેકની શક્યતાઓ ચારગણી વધારે છે. રક્તપ્રવાહમાં વધારે કોલેસ્ટેરોલ ધમનીની દીવાલો પર છારી (જાડો, સખત થર) બનાવે છે. કોલેસ્ટેરોલ અથવા છારી બનવાથી ધમનીઓ વધારે જાડી, વધારે સખત અને ઓછી લચીલી બને છે. તેથી, લોહીનો પ્રવાહ ધીમો પડે છે અને ક્યારેક હ્રદય સુધી લોહી પહોંચતું નથી. જ્યારે રક્તપ્રવાહ અંકુશિત થાય છે ત્યારે છાતીમાં દુખાવો કે એન્જાઇના થઈ શકે છે. હ્રદય તરફ જતા લોહીના પ્રવાહમાં મોટો વિક્ષેપ પડે કે સંપૂર્ણપણે અટકી જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. લોહીના ઊંચા દબાણ અને ઊંચા કોલેસ્ટેરોલ સાથે જો ડાયાબીટીસ પણ હોય તો, સ્ટ્રોક (બ્રેઇન એટેક) અને હાર્ટ એટેકનું જોખમ સોળગણું વધી જાય છે.

ડાયાબીટીસનું સંચાલન કરવું

આહાર, કસરત, વ્યક્તિગત સુખાકારી અને સંભવિતપણે (ડૉક્ટરના સૂચનો પ્રમાણે) ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ અથવા મુખથી લેવાતી દવાઓ – આ કેટલાક માર્ગો ડાયાબીટીસની હાજરીને કારણે સર્જાતી સમસ્યાઓના નિવારણ માટે છે.

કસરત: કસરત લોહીમાં શર્કરાના પ્રમાણને ઘટાડે છે અને ગ્લુકોઝનો વપરાશ કરવાની શરીરની ક્ષમતામાં વધારો કરે છે. કલાકના છ કિમી ચાલવાથી 30 મિનીટમાં 135 કેલરીનું દહન થાય છે, જ્યારે સાઇકલ ચલાવવાથી લગભગ 200 કેલરીનું દહન થાય છે.

ડાયાબીટીસમાં ચામડીની સંભાળ: ડાયાબીટીસ ધરાવતા લોકોમાં ચામડીની સંભાળ મહત્વની છે. ગ્લુકોઝનું મોટું પ્રમાણ જીવાણુ અને ફુગની વૃદ્ધિની મોટી તકો પૂરી પાડે છે. રૂધિરાભિસરણ ધીમું હોવાથી શરીર નુકસાનકારક જીવાણુ સામે પોતાનું રક્ષણ કરવા સમર્થ હોતું નથી. શરીરના સંરક્ષક કોષો નુકસાનકારક જીવાણુનો નાશ કરી શકતા નથી. ગ્લુકોઝનું ઊંચુ પ્રમાણ ડીહાઇડ્રેશન, સૂકી ચામડી અને ખંજવાળ પેદા કરે છે.

શરીરની નિયમિતપણે ચકાસણી કરો અને નીચેની કોઇપણ બાબત અંગે ડૉક્ટરને જણાવો:

  • ચામડીના રંગ, ભાત કે જાડાઈમાં ફેરફાર
  • કોઈપણ ચાંદા કે ફોલ્લાં
  • જીવાણુના ચેપના પ્રારંભિક ચિહ્નો, જેવા કે લાલાશ, સોજો, ફોડકી અથવા અડવાથી ગરમ લાગતી ચામડી.
  • જંઘામૂળ, યોનિ કે ગુદાના ભાગમાં, બગલમાં કે સ્તનમાં અને અંગુઠાઓની વચ્ચે ખંજવાળ, જે ફુગના ચેપનો સંકેત આપતી હોય.
  • રૂઝાતો ના હોય તેવો ઘા.

ચામડીની યોગ્ય સંભાળ માટે સૂચનો:

  • નરમ સાબુ અને હુંફાળા પાણીથી નિયમિતપણે સ્નાન કરો
  • અત્યંત ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળો
  • સ્નાન કર્યા પછી બગલ, જાંઘ અને અંગુઠાની વચ્ચે જ્યાં વધારાનો ભેજ એકઠો થઈ શકે છે, તેવા ચામડીના ભાગો તરફ વિશેષ ધ્યાન આપીને શરીરને એકદમ સૂકું કરો.
  • ચામડી સૂકાઈ જતી અટકાવો. જ્યારે તમે સૂકી, ખંજવાળ ધરાવતી ચામડીને ખંજવાળો છો ત્યારે તમે ચામડીને ઇજા પહોંચાડી શકો છો અને જીવાણુઓ માટે માર્ગ મોકળો થઈ શકે છે.
  • ચામડીને ભીની રાખવા પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીણા લો.

ઘાની કાળજી: પ્રસંગોપાત થતા ચીરા કે ઉઝરડા લગભગ ટાળી શકાતા નથી. ડાયાબીટીસ ધરાવતા લોકોએ ચેપ લાગતો અટકાવવા નાના ઘા તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. નાના ચીરા અને કાપાનો નીચે પ્રમાણે તુરતજ ઇલાજ થવો જોઇએ.

  • બને તેટલું જલ્દી સાબુ અને હુંફાળા પાણીથી ધુઓ.
  • આયોડિન ધરાવતા દારૂ કે એન્ટિસેપ્ટિક્સ લગાવો નહીં, કેમકે તે ચામડીને આળી બનાવે છે.
  • કોઇપણ એન્ટિબાયોટિક ક્રીમનો ઉપયોગ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ કરો.
  • ઘાવાળા ભાગ પર બેન્ડ એઇડ જેવા સ્ટરાઇલ બેન્ડેજ અથવા ગોઝ લગાવીને તેનું રક્ષણ કરો.

નીચેની પરિસ્થિતિમાં ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો

  1. ગંભીર પ્રકારના ચીરા કે ફોલ્લા થવા.
  2. ચામડીમાં ક્યાંય પણ લાલાશ, સોજો, પરુ અથવા પીડા, જે જીવાણુનો ચેપ દર્શાવે છે.
  3. રિંગવર્મ, યોનિમાં ખંજવાળ અથવા ફુગના ચેપના અન્ય ચિહ્નો

ડાયાબીટીસમાં પગની કાળજી:
ડાયાબીટીસમાં તમારા લોહીમાં ગ્લુકોઝના અત્યંત ઊંચા પ્રમાણને કારણે ચેતાને નુકસાન થાય છે અને તેનાથી પગમાં સંવેદન કે લાગણીનો અભાવ સર્જાઈ શકે છે. પગની સંભાળ માટેના કેટલાક સરળ પગલાં અહીં આપ્યા છે

પગની નિયમિત તપાસ કરવી: રોજ પૂરતા પ્રકાશમાં પગનું નજીકથી અવલોકન કરો. ચામડી પર ચીરા અને ઉઝરડા, ચામડી છોલાઈ જાય, આંટણો, ફોલ્લા, લાલ ડાઘા અને સોજા છે કે નહીં તે જુઓ. અંગુઠા નીચે અને તેમની નીચે જોવાનું ભૂલશો નહીં.

પગને નિયમિતપણે ધુઓ: રોજ પગ નરમ સાબુ અને હુંફાળા પાણીથી ધુઓ.

પગના અંગુઠાના નખ નિયમિતપણે કાપો

યોગ્ય જુતા પહેરીને પગની રક્ષા કરો

મુખ આરોગ્ય

ઘરે રોજ વ્યવસ્થિત સંભાળ લેવાથી દાંત લાંબા સમય માટે તંદુરસ્ત રહી શકે છે.
બ્રશ કરવું: તમારું ટુથબ્રશ કેવું છે? કડક અને સખત છે? આવું બ્રશ પેઢામાં ચીરા પાડી નુકસાન પહોંચાડી શકે છે. કોમળ દાંતા ધરાવતા ટુથબ્રશનો તાત્કાલિક ઉપયોગ શરૂ કરી દો.

બ્રશ કરવાની ટેકનિકો:

  • રોજ બે વખત બ્રશ કરો
  • બ્રશ કરતી વખતે તેના દાંતા હળવે હળવે પેઢા અને દાંતની વચ્ચેની જગ્યામાં ફેરવો. તેનાથી એ જગ્યામાં રહેલા જીવાણુ દૂર થશે.
  • ત્યારબાદ, ગાલ. જીભ અને દાંતની ચાવવાની સપાટીના અંદરના ભાગમાં હળવેથી સ્ટ્રોક્સ મારીને સાફ કરો. પેઢાની પેશી અને દાંતને નુકસાન કરે તે રીતે ઘસવાની ક્રિયા ટાળો.
  • ટુથબ્રશના દાંતા પર જીવાણુ ઉછરે છે. દર ત્રણ મહિને અને માંદગી પછી તમારું ટુથબ્રશ બદલો.
  • દરેક ભોજન બાદ હળવેથી ફ્લોશિંગ કરવું એ દાંતને સ્વચ્છ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

નીચેની સ્થિતિમાં દાંતના ડૉક્ટરની સલાહ લો

  • તમે બ્રશ કરો કે ખાવ ત્યારે તમારા પેઢામાંથી લોહી નીકળે.
  • તમારા પેઢા લાલ, સૂઝેલા કે પોચા હોય.
  • તમારા પેઢા તમારા દાંત પરથી ઉતરી ગયા હોય.
  • જ્યારે પેઢાને અડવામાં આવે ત્યારે તમારા દાંત અને પેઢા વચ્ચે પરુ જોવા મળે.
  • દાંતના ચોકઠા જે રીતે બંધબેસતા હોય તેમાં ફેરફાર.
  • જ્યારે તમે બચકું ભરતા હો ત્યારે તમારા દાંત જે રીતે બંધબેસતા હોય તેમાં ફેરફાર.
  • સતત ખરાબ શ્વાસ અથવા તમારા મોંઢામાં ખરાબ સ્વાદ.

આંખની સંભાળ

ડાયાબીટીસ ધરાવતી વ્યક્તિને ડાયાબીટીસ વગરની વ્યક્તિ કરતા મોતિયો કે ઝામર થવાની બમણી શક્યતાઓ છે. લાંબા સમય સુધી લોહીમાં ગ્લુકોઝનું ઊંચુ પ્રમાણ આંખમાં સૂક્ષ્મ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે અને તે ડાયબિટિક રેટિનોપથીના નામથી ઓળખાતી સ્થિતિ સર્જી શકે છે. હકીકતમાં, ડાયાબિટિક

રેટિનોપથી ડાયાબીટીસ ધરાવતી વ્યક્તિઓમાં અંધાપા માટેનું મોટું કારણ છે.

એકવાર ડાયાબીટીસનું નિદાન થઈ જાય તે પછી દર વર્ષે આંખની સંપૂર્ણ તપાસ જરૂરી છે. નીચેના સંજોગોમાં ડૉક્ટરની સલાહ લો,

  • સમજાવી ના શકાય તેવી આંખોની સમસ્યાઓ જેવી કે,તમારા દ્રષ્ટિપથમાં ટપકાં, તરતા પદાર્થો કે કરોળિયાના જાળા જેવી સર્જાય, ઝાંખ વળે, વિકૃતિ, બ્લાઇન્ડ સ્પોટ્સ, આંખમાં દુખાવો અથવા કાયમી લાલાશ.
  • પુસ્તકો વાંચવામાં, ટ્રાફિક સિગ્નલો જોવામાં કે જાણીતા પદાર્થો પારખવામાં મુશ્કેલી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate