অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સર્વાઈકલ કેન્સર

સર્વાઈકલ કેન્સર

  1. સર્વાઇકલ કેન્સર શું છે?
  2. સર્વાઈકલ કેન્સર શેના કારણે થાય છે?
  3. સર્વાઈકલ સ્ક્રીનિંગ શું છે?
  4. હું સ્ક્રીનિંગ કરાવવાનું નક્કી કરું તો શું થશે?
  5. સર્વાઈકલ સ્ક્રીનિંગ કરાવવામાં કેવું લાગે છે?
  6. સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો
  7. સર્વાઈકલ સ્ક્રીનિંગનાં પરિણામો
  8. કોલપોસ્કોપી એટલે શું?
  9. કોલપોસ્કોપીનાં પરિણામો
  10. પસંદગી કરવી – સર્વાઈકલ સ્ક્રીનિંગના સંભવિત ફાયદા અને જોખમો
  11. સર્વાઈકલ સ્ક્રીનિંગના ફાયદા શું છે?
  12. સર્વાઈકલ સ્ક્રીનિંગનાં જોખમો શું છે?
  13. સર્વાઇકલ કેન્સરનાં ચિહ્નો શું છે?
  14. સર્વાઇકલ કેન્સર થવાની મારી સંભાવનાઓ પર શેની અસર થાય છે?
  15. સ્ક્રીનિંગ થઈ ગયા પછી મારા નમૂનાનું શું થાય છે?
  16. મારે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો હું કોનો સંપર્ક કરી શકું?

સર્વાઇકલ કેન્સર શું છે?

જ્યારે સર્વિક્સ (ગર્ભાશયના મુખ)માં કોષોનો વિકાસ અનિયંત્રિતપણે વધવા લાગે અને ગાંઠ બંધાઈ જાય (જેને ટ્યુમર પણ કહેવાય છે) ત્યારે સર્વાઈકલ કેન્સર થાય છે. જેમ જેમ આ ટ્યુમર વધે છે, તેમ તે કોષો છેવટે શરીરના બીજા ભાગોમાં પણ ફેલાય છે અને જીવલેણ બની જાય છે. તમારું સર્વિક્સ તમારા યુટ્રસ (અથવા ગર્ભાશય)ના સૌથી નીચેના ભાગમાં અને તમારા યોનિ માર્ગના સૌથી ઉપરના ભાગમાં આવેલું હોય છે.

સર્વાઈકલ કેન્સર શેના કારણે થાય છે?

લગભગ મોટા ભાગનાં સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાઈરસને કારણે થાય છે (અથવા ટૂંકમાં જેને એચ.પી.વી કહેવાય છે), એચ.પી.વી. ઘણો જ સાધારણ વાઈરસ છે – મોટાભાગનાં લોકોને તેમના જીવનકાળ દરમ્યાન ક્યારેક તેનો ચેપ લાગશે. પુરૂષ કે સ્ત્રી સાથેની કોઈ પણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ મારફતે તે એકબીજામાં પ્રસરી શકે છે. એચ.પી.વી ઘણા જુદા જુદા પ્રકારના હોય છે, પરંતુ તેમાંથી માત્ર અમુક જ પ્રકારથી કેન્સર થઈ શકે છે. સર્વાઈકલ કેન્સરનું કારણ બનતા એચ.પી.વી. કોઈ પણ પ્રકારનાં ચિહ્નો દેખાયા વગર તમારા સર્વિક્સને ચેપ લગાડી શકે છે. મોટા ભાગના કેસોમાં, તમારી રોગ પ્રતિકારક શક્તિ તમને ખબર પણ પડ્યા વગર આ વાઈરસનો નિકાલ કરી દે છે. પરંતુ કેટલીક વાર, એચ.પી.વી.નાં ઈન્સ્ટ્રકશનોને કારણે તમારા સર્વિક્સના કોષો અસાધારણ - એબનોર્મલ થઈ જાય છે. સામાન્ય રીતે, તમારું શરીર તે અસાધારણ કોષોનો નિકાલ કરી શકે છે અને તમારું સર્વિક્સ ફરી પાછું સાધારણ બની જાય છે. પરંતુ, કેટલીક વાર આવું બનતું નથી, અને તે અસાધારણ કોષો આગળ જતાં કેન્સરમાં ફેરવાઈ જઈ શકે છે.

સર્વાઈકલ સ્ક્રીનિંગ શું છે?

સર્વાઈકલ સ્ક્રીનિંગ (જે પહેલાં ‘સ્મીઅર ટેસ્ટ તરીકે ઓખળાતો હતો) તેમાં તમારા સર્વિક્સની દીવાલ પરથી કોષોનો એક નાનો નમૂનો લેવામાં આવે છે. તે નમૂનો લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેમાં કોઈ અસાધારણ કોષો છે કે નહિ તે જોવા માટે તેને માઈક્રોસ્કોપ નીચે તપાસવામાં આવે છે. અસાધારણ કોષો કેન્સર નથી, પરંતુ જો તેની સારવાર ન કરવામાં આવે તો તેમાંથી કેન્સર થઈ શકે છે. તમારી તપાસનું શું પરિણામ આવે છે તેના આધારે, સર્વાઇકલ કેન્સરનું કારણ બનતા હ્યુમન પેપિલોમા વાઈરસ (એચ.પી.વી.)ના પ્રકારો માટે તમારા નમૂનાની ચકાસણી કરવામાં આવી શકે. તેના હવે પછીના પગલા તરીકે, તમને બીજા ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે (જેને કોલપોસ્કોપી કહેવાય છે) જેથી તમારું સર્વિક્સ વધારે નજીકથી તપાસી શકાય. જો કોલ્પોસ્કોપી કરી રહેલ વ્યક્તિને અસાધારણ કોષો મળી આવશે, તો તેઓ તમને તે કોષો કઢાવી નાંખવાનું સૂચવશે, જે સામાન્ય રીતે બીજી કોલપોસ્કોપી દરમ્યાન કરવામાં આવશે. આ રીતે સ્ક્રીનિંગથી સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય છે.

હું સ્ક્રીનિંગ કરાવવાનું નક્કી કરું તો શું થશે?

તમારી અપોઈન્ટમેન્ટ પહેલા: સર્વાઈકલ સ્ક્રીનિંગ સામાન્ય રીતે મહિલા નર્સ અથવા ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. કોઈ મહિલા જ તમારો ટેસ્ટ કરે તેની તમે ખાતરી કરવા માગતા હો, તો તમારી અપોઈન્ટમેન્ટ કરો ત્યારે તે પૂછી શકો છો. તમારો માસિક સ્ત્રાવ (પીરીઅડ) ચાલુ ન હોય ત્યારે તમારી અપોઈન્ટમેન્ટ કરવી જોઈએ. જો તમારો માસિક સ્ત્રાવ ચાલુ ન હોય તો તમે કોઈ પણ સમયે તપાસ કરાવડાવી શકો છો ઢીલું સ્કર્ટ પહેરવાથી (પાટલૂન કે ટાઈટ સ્કર્ટ પહેરવાને બદલે) ટેસ્ટ માટે તૈયાર થવાનું વધારે સહેલું પડે એવું બને. મહેરબાની કરીને તમારો ટેસ્ટ કરાવવાનો હોય તેના 2 દિવસ અગાઉથી યોનિમાર્ગ માટેની કોઈ પણ દવાઓ, મલમ અથવા ક્રીમનો ઉપયોગ કરશો નહિ કારણ કે તેનાથી નર્સ અથવા ડોક્ટર તમારો જે નમૂનો લેશે તેને અસર થઈ શકે. જો તમે ગર્ભવતી હો, તમે હીસ્ટરેક્ટોમી કરાવેલ હોય, અથવા સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવાનું તમને મુશ્કેલ પડશે એવું લાગવા માટેનાં બીજાં કોઈ પણ કારણ હોય, તો મહેરબાની કરીને તમારી નર્સ અથવા ડોક્ટર સાથે વાત કરો. તે વિશે તમને હોય તેવા કોઈ પણ પ્રશ્નો અથવા ચિંતાઓના તેઓ જવાબ આપી શકશે, અને તમારા માટે યોગ્ય ગોઠવણો કરી આપશે. તમારી અપોઈન્ટમેન્ટ વખતેઃ નર્સ અથવા ડોક્ટર તમને કમરથી નીચેનાં કપડાં કાઢવાનું કહેશે અને તમને ખાટલા પર સૂઈને તમારા પગ ગોઠણમાંથી વાળીને પહોળા કરવાનું કહેશે. સ્પેક્યુલમ નામે ઓળખાતું એક સાધન તમારા યોનિમાર્ગમાં મૂકવામાં આવશે અને તે પછી તેની મદદથી યોનિમાર્ગ ધીમેથી ખોલવામાં આવશે. જેના વડે નર્સ અથવા ડોક્ટર તમારું સર્વિક્સ જોઈ શકે છે. તે પછી તેઓ એક નાનકડી પીંછી વડે તમારા સર્વિક્સની સપાટી પરથી એક નમૂનો લેશે. ખરેખરો ટેસ્ટ કરવામાં માત્ર એક કે બે જ મિનિટનો સમય લાગે છે. આખીયે અપોઈન્ટમેન્ટમાં સામાન્ય રીતે લગભગ 10 મિનિટ જેટલો સમય લાગે છે.

સર્વાઈકલ સ્ક્રીનિંગ કરાવવામાં કેવું લાગે છે?

તમને કદાચ થોડી તકલીફ થશે, પરંતુ તે બહુ ઝડપથી દૂર થઈ જશે. જો તેમાં દુ:ખાવો થાય તો તમારા નર્સ અથવા ડોક્ટરને કહો અને તેઓ તમારા માટે તેને વધારે આરામદાયક બનાવવાનો પ્રયાસ કરશે.

સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો

 

સર્વાઈકલ સ્ક્રીનિંગનાં પરિણામો

તમને ટેસ્ટ કરાવ્યાનાં 2 અઠવાડિયાની અંદર તેનું પરિણામ જણાવતો પત્ર મળવો જોઈએ.

મોટાભાગની સ્ત્રીઓનાં સાધારણ નોર્મલ પરિણામ આવશે :સર્વાઈકલ સ્ક્રીનિંગ કરાવનારી 100માંથી લગભગ 94નાં પરિણામ સાધારણ આવશે. જો તમારું પરિણામ સાધારણ આવ્યું હોય, તો તમારા હવે પછીના સ્ક્રીનિંગ ટેસ્ટ પહેલાં તમને સર્વાઈકલ કેન્સર થવાનું જોખમ ઘણું ઓછું છે.

કેટલીક સ્ત્રીઓના નમૂનામાં અસાધારણ કોષો હશે: સર્વાઈકલ સ્ક્રીનિંગ કરાવનારી 100માંથી લગભગ 6  સ્ત્રીઓના નમૂનામાં અસાધારણ કોષો હશે. અસાધારણ કોષો કેન્સર નથી, પરંતુ જો તેમની સારવાર કરવામાં ન આવે, તો આગળ જતાં તેમાંથી કેન્સર થઈ શકે છે. થોડા પ્રમાણમાં અસાધારણ કોષો અસાધારણ કોષો હોય તેવી માટાભાગની સ્ત્રીઓમાં માત્ર થોડા જ પ્રમાણમાં અસાધારણ કોષો હશે. અસાધારણ કોષો બે પ્રકારના હોય છે, જેમને બોર્ડરલાઈન ચેજીસ (નજીવા ફેરફારો) અને લો-ગ્રેડ (ઓછા દરજ્જાના) ડાયસ્કેરીઓસિસ તરીકે ઓળખાય છે. જો તમારામાં થોડાક પ્રમાણમાં અસાધારણ કોષો હશે. તો તમારો નમનો સર્વાઇકલ કેન્સરનું કારણ બનતાં હ્યુમન પેપિલોમા વાઈરસ (એચ.પી.વી) માટે ચકાસવામાં આવશે. જો તમને એચ.પી.વી.નું ઈન્ફકશન નહિ હોય, તો તમારા હવે પછીના સ્ક્રીનિંગ ટેસ્ટ પહેલાં તમને સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ ઓછું છે. આથી તમારી ઉંમર કેટલી છે તેના આધારે તમને સામાન્ય રીતે ફરીથી 3 અથવા 5 વર્ષે સ્ક્રીનિંગ માટે બોલાવવામાં આવશે. જો તમને એચ.પી.વી.નું ઈન્સ્ટ્રક્શન હશે, તો તમારા સર્વિક્સની વધારે નજીકથી તપાસ કરવા માટે (જેને કોલપોસ્કોપી કહેવાય છે) તમારો બીજો એક ટેસ્ટ કરવામાં આવશે. અત્યંત અસાધારણ કોષો નાની સંખ્યામાં સ્ત્રીઓના નમૂનામાં અત્યંત અસાધારણ કોષો દેખાશે. આને હાઈ-ગ્રેડ ડાયસ્કેરીઓસિસ કહેવાય છે. જો તમારામાં ખૂબ જ વધારે અસાધારણ કોષો હોય, તો તમારા સર્વિક્સની વધારે નજીકથી તપાસ કરવા માટે તમને કોલપોસ્કોપી કરી આપવામાં આવશે.

સ્ત્રીઓના નમૂનામાં સંભવિત કેન્સરના કોષો હોય એવું ભાગ્યે જ બને છે:જો તમારું પરિણામ આવું આવ્યું હોય તો તમને બને તેટલી વહેલી તકે નિષ્ણાતને મળવા બોલાવવામાં આવશે. આ લગભગ દર 1,00 માંથી 1.સ્ત્રીમાં બને છે.

કેટલીક સ્ત્રીઓને તેમનું પરિણામ મળતાં પહેલાં બીજો સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો પડશે.: કેટલીક વાર કેટલીક સ્ત્રીઓએ ફરીથી ટેસ્ટ કરાવવો પડે છે કારણ કે તેમના નમૂના બહ સ્પષ્ટ મળતા નથી. જો આવું થશે, તો તમને બીજો ટેસ્ટ કરાવવા બોલાવવામાં આવશે. આ દર 100 સ્ક્રીનિંગ ટેસ્ટમાંથી લગભગ 2 ટેસ્ટમાં થાય છે.

કોલપોસ્કોપી એટલે શું?

કોલપોસ્કોપી એક પ્રકારની તપાસ – ટેસ્ટ છે જેમાં જોવામાં આવે છે કે તમારા સર્વિક્સમાં કેટલા ભાગમાં અસાધારણ કોષો રહેલા છે અને તે કેટલા ગંભીર છે. સામાન્ય રીતે તે હોસ્પિટલના આઉટપેશન્ટ ક્લિનિકમાં કરવામાં આવે છે. એક નિષ્ણાત બિલોરી કાચ (મેગ્નીફાઈંગ ગ્લાસ) અને લાઈટ (જેને કોલપોસ્કોપ કહેવાય છે)નો ઉપયોગ કરીને તમારું સર્વિક્સ નજીકથી તપાસશે. તમારા સર્વિક્સનો જે કોઈ ભાગ અસાધારણ દેખાતો હોય તે તપાસવા માટે તેઓ ત્યાંથી એક નાનો નમૂનો (બાયોપ્સી) પણ કદાચ લે. જો અસાધારણ કોષો ગંભીર હશે, તો તે કોષો કાઢવા માટે તમારે સારવાર લેવાની જરૂર પડી શકે. આનાથી સર્વાઇકલ કેન્સર થતું  અટકાવવામાં મદદ મળે છે.

કોલપોસ્કોપીનાં પરિણામો

તમારા કોલપોસ્કોપીમાં કદાચ દેખાય કે તમારામાં એવા અસાધારણ કોષો છે જે કાઢી નાંખવા જોઈએ જો તમારામાં ગંભીર અસાધારણ કોષો હોવાનું મળી આવશે, તો તે દૂર કરી શકાય છે. સામાન્ય રીતે આ હોસ્પિટલમાં આઉટપેશન્ટ ક્લિનિકમાં કોલપોસ્કોપી દરમ્યાન જ કરવામાં આવે છે. કોલપોસ્કોપી કરવામાં આવતી લગભગ અડધા જેટલી સ્ત્રીઓમાં એવા અસાધારણ કોષો મળી આવે છે જે દૂર કરવા જરૂરી હોય છે. તમારા કોલપોસ્કોપીમાં તમને કેન્સર થયું હોવાનું કદાચ દેખાય ભાગ્યે જ એવું બને છે કે કોઈ સ્ત્રીઓને કેન્સર હોવાનું નિદાન સ્ક્રીનિંગ મારફતે કરવામાં આવે. સ્ક્રીનિંગ મારફતે નિદાન કરવામાં આવતાં કેન્સર સામાન્ય રીતે તેના વહેલા તબક્કામાં મળી આવે છે. જે સ્ત્રીઓને સર્વાઇકલ કેન્સરનો શરૂઆતનો તબક્કો હોય તેમના જીવવાની શક્યતાઓ, કેન્સરના પાછળના તબક્કામાં રહેલી સ્ત્રીઓ કરતાં વધારે છે.

પસંદગી કરવી – સર્વાઈકલ સ્ક્રીનિંગના સંભવિત ફાયદા અને જોખમો

તમારે સર્વાઈકલ સ્ક્રીનિંગ કરાવવું છે કે નહિ તેની પસંદગી તમારી છે. પોતે સ્ક્રીનિંગ કરાવવું કે નહિ તે નક્કી કરવા પાછળ સ્ત્રીઓનાં ઘણાં જુદાં જુદાં કારણો હોય છે. નક્કી કરવામાં તમને મદદ કરવા માટે, અમે તેના સંભવિત ફાયદા અને જોખમો વિશેની કેટલીક માહિતી આમાં આપેલી છે.

સર્વાઈકલ સ્ક્રીનિંગના ફાયદા શું છે?

સર્વાઈકલ સ્ક્રીનિંગથી સર્વાઇકલ કેન્સર થતું અટકાવામાં મદદ થાય છે. તેનાથી સ્ક્રીનિંગ કરવામાં આવેલી દરેક 100 સ્ત્રીઓમાંથી લગભગ 1 સ્ત્રીને સર્વાઇકલ કેન્સર થતું અટકે છે. સર્વાઈક સ્ક્રીનિંગને કારણે યુકેમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરથી લગભગ 5,000 જેટલાં જીવન બચાવી શકાય છે.

સર્વાઈકલ સ્ક્રીનિંગનાં જોખમો શું છે?

સર્વાઈકલ સ્ક્રીનિંગનું જોખમ, કોલપોસ્કોપી દરમ્યાન દૂર કરવામાં આવતાં અસાધારણ કોષોમાંથી ઊભું થાય છે, સ્ક્રીનિંગને કારણે નહિ. અસાધારણ કોષો કાઢવાને લીધે ક્યારેક ત્યાંથી લોહી વહે છે અથવા ઈફેક્શન થઈ શખે છે, અને તેનાથી ભવિષ્યની ગર્ભાવસ્થા પર પણ અસર પડી શકે છે. અસાધારણ કોષો કાઢી નાંખવામાં આવ્યા બાદ સગર્ભા બનતી સ્ત્રીઓને તેમનું બાળક 1 થી 2 મહિના વહેલું જન્મે તેવી શક્યતાઓ વધુ છે. અસાધારણ કોષો કાઢવામાં આવ્યા હોય તેવી દરેક સ્ત્રીને ભવિષ્યમાં કેન્સર થયું હોત તેવું બનતું નથી. પરંતુ જેમનામાં પણ ગંભીર અસાધારણ કોષો રહેલા હોય તે દરેકને તે દૂર કરવાની સારવાર આપવામાં આવે છે, કારણ કે તેમાંથી આગળ જતાં કોને સર્વાઇકલ કેન્સર થશે અને કોને નહિ થાય તે કહેવાનું શક્ય નથી.

સર્વાઇકલ કેન્સરનાં ચિહ્નો શું છે?

તમારા નિયમિત સ્ક્રીનિંગ ટેસ્ટની વચ્ચેના સમયમાં કેન્સર થઈ શકે છે. આથી, તમારા માટે કશું પણ અસામાન્ય જણાય તે માટે જોતા રહેવાનું અગત્યનું છે, ખાસ કરીને નીચેની બાબતોઃ

  • તમારા માસિક ચક્ર (પીરીઅડ)ની વચ્ચે. જાતીય સંભોગ બાદ અથવામાસિક ચક્ર બંધ થઈ ગયા બાદ (મોનોપોઝ બાદ) તમને લોહી વહે.
  • યોનિમાર્ગમાંથી પ્રવાહી નીકળે.
  • જાતીય સંભોગ દરમ્યાન દુખાવો કે અગવડ લાગે.

જો તમને આમાંથી કોઈ પણ ફેરફાર જણાય, તો શક્ય તેટલી વહેલી તકે ડોક્ટરને મળો. તમારી હવે પછીની સર્વાઈકલ સ્ક્રીનિંગની અપોઈન્ટમેન્ટની રાહ ન જોશો. સામાન્ય રીતે આ નિશાનીઓનો અર્થ એવો નથી કે તમને કેન્સર છે, પરંતુ જો તમને કેન્સર હોવાનું મળી આવશે, તો તેનું વહેલું નિદાન અને સારવાર કરાવવાને લીધે તમારું જીવન બચવાની શક્યતાઓ વધી જાય છે.

સર્વાઇકલ કેન્સર થવાની મારી સંભાવનાઓ પર શેની અસર થાય છે?

સર્વાઈકલ સ્ક્રીનિંગ કરાવવાથી તમને સર્વાઈકલ કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે. સર્વાઇકલ કેન્સરના લગભગ બધા જ કેસો એચ.પી.વી. ઈન્ફશનોને કારણે થાય છે. સ્ત્રી કે પુરૂષ સાથે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ મારફતે એચ.પી.વી. એકબીજામાં પ્રસરી શકે છે. જે સ્ત્રીઓ કે પુરૂષોને વધુ સંખ્યામાં જાતીય સાથીદારો હોય તેમને એચ. પી.વી. ઈન્ફશનો લાગવાની શક્યતાઓ વધારે છે. પરંતુ એચ.પી.વી. એટલો બધો સામાન્ય છે કે મોટા ભાગનાં લોકોને તેમના જીવનના કોઈને કોઈ તબક્કે તે વાઈરસ લાગશે. એચ.પી.વી સમગ્ર ગુપ્તાંગની આસપાસની ચામડી પરથી મળી આવે છે, અને તે કોઈ પણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ મારફતે ફેલાઈ શકે છે. એટલે કે નિરોધ (કોન્ડોમ) વાપરવાથી તમને એચ.પી.વી. ઈન્વેક્શન લાગવા સામે હંમેશાં રક્ષણ મળે છે એવું નથી. ધુમ્રપાનથી સર્વાઇકલ કેન્સરનું જોખમ વધે છે કારણ કે તેના લીધે તમારા શરીરને એચ.પીવી. ઈન્ફકશનોથી છૂટકારો મેળવાનું વધારે અઘરું પડે છે. હવેથી 12 થી 13 વર્ષની ઉંમરની છોકરીઓને સર્વાઇકલ કેન્સરનું કારણ બનતા એચ.પી.વી. વાઈરસના પ્રકારો સામે રક્ષણ આપવા માટેની રસી મૂકી આપવામાં આવે છે.

સ્ક્રીનિંગ થઈ ગયા પછી મારા નમૂનાનું શું થાય છે?

તમારા સ્ક્રીનિંગનો નમૂનો લેબોરેટરી દ્વારા ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી રાખી મૂકવામાં આવશે. તમારું પરિણામ પણ રાષ્ટ્રિય સુરક્ષિત કપ્યુટ સિસ્ટમ પર રાખી મૂકવામાં આવશે જેથી તમારાં પહેલાંના પરિણામો સાથે તમારું હાલનું પરિણામ એન.એચ.એસ. સરખાવી શકે. હેલ્થ સર્વિસમાં બીજા વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ તમારાં પરિણામો જુએ એવું બને, જેથી સેવાઓ બને તેટલી સારી છે તેની તેઓ ખાતરી કરી શકે તેમજ નિષ્ણાત કર્મચારીઓની કુશળતાઓમાં વધારો કરી શકે.

મારે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો હું કોનો સંપર્ક કરી શકું?

જો તમે સર્વાઈકલ સ્ક્રીનિંગ વિશે કોઈ પ્રશ્નો પૂછવા માગતા હો, તો તમે તમારા જીપી, પ્રેક્ટિસ નર્સ અથવા કોન્ટ્રાસેપ્ટીવ ક્લિનિક સાથે વાત કરી શકો છો. સર્વાઈકલ સ્ક્રીનિંગ વિશે વધારે વિગતવાર માહિતી તેમજ આ પત્રિકા લખવા માટે ઉપયોગમાં લેવાયેલા પુરાવા ક્યાંથી લેવામાં આવ્યા છે તેનાં મૂળસ્થાનોની વિગતો તમે અહીંથી મેળવી શકો છોઃ

  • એન.એચ.એસ. સર્વાઈકલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ www.cancerscreening.nhs.uk/cervical
  • કેન્સર સ્ક્રીનિંગ વિશે માહિતીપૂર્ણ પસંદગી www.informedchoiceaboutcancerscreening.org

તમને કદાચ નીચેની ચેરિટી સંસ્થાઓની વેબસાઈટો પરથી પણ સર્વાઈકલ સ્ક્રીનિંગ વિશે મદદરૂપ માહિતી મળી શકે.

  • કેન્સર રીસર્ચ યુકે www.cruk.org
  • જોઝ સર્વાઈકલ કેન્સર ટ્રસ્ટ www. jostrust.org.uk
  • હેલ્થ ટોક ઓનલાઈન www.healthtalkonline.org

સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો કે નહિ તેની પસંદગી તમારી છે. આ પત્રિકાનો ઉદ્દેશ નિર્ણય લેવામાં તમારી મદ કરવાનો છે. એન.એચ.એસ. શા માટે સર્વાઈકલ સ્ક્રીનિંગ કરી આપે છે? એન.એચ.એસ. દ્વારા કરી આપવામાં આવતા સર્વાઈકલ સ્ક્રીનિંગથી સર્વાઇકલ કેન્સર થતાં રોકવામાં મદદ મળે છે. તેના લીધે યુકેમાં લગભગ 5,000 જેટલી સ્ત્રીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવામાં આવે છે. મને સર્વાઈકલ સ્ક્રીનિંગ માટે કેમ બોલાવામાં આવી છે? 25થી 49 વર્ષની ઉમરની તમામ સ્ત્રીઓને એન.એચ.એસ. દર 3 વર્ષે અને 50થી 64 વર્ષની ઉંમરની સ્ત્રીઓને દર 5 વર્ષે સર્વાઈકલ સ્ક્રીનિંગ કરી આપે છે. આનું કારણ એ છે કે મોટા ભાગનાં સર્વાઇકલ કેન્સર 25થી 64 વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં થાય છે.

સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો કે નહિ તેની પસંદગી તમારી છે. આ પત્રિકાનો ઉદ્દેશ નિર્ણય લેવામાં તમારી મદ કરવાનો છે. એન.એચ.એસ. શા માટે સર્વાઈકલ સ્ક્રીનિંગ કરી આપે છે? એન.એચ.એસ. દ્વારા કરી આપવામાં આવતા સર્વાઈકલ સ્ક્રીનિંગથી સર્વાઇકલ કેન્સર થતાં રોકવામાં મદદ મળે છે. તેના લીધે યુકેમાં લગભગ 5,000 જેટલી સ્ત્રીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવામાં આવે છે. મને સર્વાઈકલ સ્ક્રીનિંગ માટે કેમ બોલાવામાં આવી છે? 25થી 49 વર્ષની ઉમરની તમામ સ્ત્રીઓને એન.એચ.એસ. દર 3 વર્ષે અને 50થી 64 વર્ષની ઉંમરની સ્ત્રીઓને દર 5 વર્ષે સર્વાઈકલ સ્ક્રીનિંગ કરી આપે છે. આનું કારણ એ છે કે મોટા ભાગનાં સર્વાઇકલ કેન્સર 25થી 64 વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં થાય છે.

સ્ત્રોત : એન.એચ.એસ. કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate