অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગેરમાન્યતાઃકેન્સર એક વારસાગત રોગ છે

મોટાભાગે લોકોમાં એવી એક ગેરમાન્યતા છે કે કેન્સર એક વારસાગત રોગ છે અને ભાગ્ય અને જિનેટિક્સ નિર્ધારીત કરે છે કે કોઈને કેન્સર થવાની સંભાવના છે કે નહીં. પરંતુ, 90થી 95 ટકા કેન્સર જીવનશૈલીની અયોગ્ય પસંદગી અને દરરોજ ઘટતી શારીરિક કસરતને કારણે થાય છે જ્યારે માત્ર પાંચથી દસ ટકા કેન્સર જિનેટિક્સ મ્યૂટેશનના કારણે થાય છે.

વર્લ્ડ કેન્સર રિસર્ચ સોસાયટીના જણાવ્યા અનુસાર અંદાજે વીસ ટકા કેન્સરના રોગ કે જેમાં સ્તન, મોટું આંતરડું, ગર્ભાશય અને પ્રોસ્ટટનો સમાવેશ થાય છે, જેના મુખ્ય કારણોમાં મેદસ્વીતા, કસરતનો અભાવ, અસંતુલિત આહાર અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનો સમાવેશ થાય છે. કેન્સરના કારણોને રોકવા માટે સ્વાસ્થ્યપ્રદ આહાર અને આહારની આદતોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુદુરસ્ત જીવનશૈલીનું અનુકરણ કરવું દરેક માટે હિતાવહ છે. જો તમે કેન્સરને રોકવા ઈચ્છતા હોવ તો તમારી વર્તમાન જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને તમે આમૂલ પરિવર્તનનો અનુભવ કરી શકો છે સાથોસાથ જ નિમ્નલિખીત સૂચનો પણ ધ્યાનમાં રાખો.

તમાકુથી દૂર રહો: બિડી, સિગારેટ સહિત તમાકુના વિવિધ ઉત્પાદનોથી તમાકુ ઉત્પાદક સિવાય કોઈને લાભ થતો નથી. કોઈપણ પ્રકારના તમાકુના સેવનથી કેન્સર થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. ધુમ્રપાનથી ફેફસા, મોઢું, ગળું, સ્વરપેટી, યુરિનરી બ્લેડર અને અન્નનળીના કેન્સર થવાની સંભાવના છે. તમાકુ અને સોપારી ચાવવાથી મોઢાનું કેન્સર થવાની સંભાવના હોય છે. જો તમે તમાકુનો ઉપયોગ કરતા ન હોવ તો પણ નિષ્ક્રિય ધુમ્રપાન પણ તમારા ફેફસાના કેન્સરનું જોખમ વધારી શકે છે. તમાકુના ઉપયોગથી દૂર રહો. તમાકુના ઉપયોગને બંધ કરવાનો તમારો નિર્ણય કેન્સરને અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

સ્વાસ્થ્યપ્રદ આહાર

  • રોજિંદો આહાર: તમારા રોજિંદા આહારમાં વધુમાં વધુ તાજા ફળો અને લીલા શાકભાજી, આખા અનાજ સહિત કઠોળનો સમાવેશ કરો.
  • સ્થૂળતાને દૂર કરો: હળવો અને સ્વાસ્થ્યપ્રદ આહારનો ઉપયોગ વધારો સાથે જ વધુ કેલેરી યુક્ત આહાર જેવા કે, રિફાઈન્ડ ખાંડ તથા ચરબીયુક્ત ખોરાકનું સેવન ટાળો.
  • મધપાનના સેવનથી કેન્સરનું જોખમ: વધુ પડતાં મધપાનના ઉપયોગથી સ્તન, આંતરડા, ફેફસા, કિડની, સ્વાદુપિંડ અને યકૃતના કેન્સરનું જોખમ વધુ જાય છે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, વધુ માત્રામાં પ્રોસેસ્ડ ખોરાક અને માંસના ઉપયોગથી આંતરડા અને અન્નનળીના કેન્સરની શક્યતા વધી જાય છે.

તમારા વજનને નિયંત્રણમાં રાખવાથી સ્તન, પ્રોસ્ટેટ, ફેફસા, આંતરડા અને કિડની સહિતના વિવિધ કેન્સરનું જોખમ ઘટી જાય છે. શારીરિક પ્રવૃત્તિ મહત્વનો ભાગ ભજવે છે. કાબુમાં રહેલા વજનની સાથે જરૂરી શારીરિક શ્રમ સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરની સંભાવના ઓછી કરે છે. એક સપ્તાહમાં ઓછામાં ઓછું 150 મિનીટ ઝડપી ચાલવાનો ક્રમ બનાવો. તમારી દૈનિક દિનચર્યામાં 30 મિનીટ શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરો અને જો શક્ય બને તો તેમાં વધારો પણ કરી શકો છો.

મોડા લગ્ન અને મોડેથી સગર્ભા થવું: સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે સ્ત્રીઓ મોડેથી સગર્ભા થાય છે તેમનામાં સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે. આદર્શ રીતે મહિલાઓમાં 30 વર્ષની ઉંમર પહેલાં ગર્ભાવસ્થા સ્ત્રીઓ માટે સલામત છે. અપરિણીત, ક્યારેય ગર્ભ ધારણ કર્યો નથી અને ક્યારેય સ્તનપાન નથી કરાવ્યું તેવી સ્ત્રીઓમાં સ્તન કેન્સરની સંભાવનાઓ વધી જાય છે.

જોખમી વર્તણૂકને ટાળો જે કારણથી ચેપી રોગ કે કેન્સર થઈ શકે

  • અસુરક્ષિત યૌન સંબંધ: એકથી વધુ વ્યક્તિ સાથે યૌન સંબંધ ટાળો અથવા તો દરેક વખતે નિરોધનો ઉપયોગ કરો. એકથી વધુ વ્યક્તિ સાથે યૌન સંબંધ રાખવાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થયેલો ચેપ જેમ કે, એચઆઈવી અથવા એચપીવી થઈ શકે છે. એચઆઈવી અથવા એઈડ્સથી ચેપી વ્યક્તિઓને યકૃત, ફેફસા અને ગુદાના કેન્સર થવાની શક્યતા વધી જાય છે. એચપીવી મોટાભાગે સર્વાઈકલ કેન્સર સાથે સંકળાયેલું છે પરંતુ, ગુદા, શિષ્ન, ગળા અને યોનીના કેન્સરનું જોખમ પણ વધારે છે.
  • ઉપયોગમાં લીધેલી સોય કે જેનો ઉપયોગ નસમાં દવા આપવામાં થતો હોય અથવા તો એકથી વધુ શરીરમાં તેનો ઉપયોગ થયો હોય તેવી સોંયથી એચઆઈવી, હિપેટાઈટીસ-બી અને હિપેટાઈટીસ-સી થઈ શકે છે જેના કારણે યકૃતનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આવી પરિસ્થિતીમાં નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

રસી મૂકાવો

  • હિપેટાઈટીસ-બી થી યકૃતના કેન્સરનું જોખમ વધી જાય છે. હિપેટાઈટીસ-બીનું રસીકરણ એવા પુખ્તો માટે અનિવાર્ય છે જેઓ આરોગ્યની સારસંભાણ આપનારા હોય છે અને જે સંક્રમિત રક્ત અથવા શરીરના પ્રવાહીના સંપર્કના કારણે જોખમમાં હોય છે. એકથી વધુ વ્યક્તિ સાથે સક્રિય શારીરિક સંબંધ ધરાવનાર અથવા જે વ્યક્તિઓ નસ મારફતે નશો કરતા હોય અથવા સમલૈંગિક પુરૂષો માટે રસી હિતાવહ છે.

 

  • હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) અસુરક્ષિત યૌન સંબંધના ચેપના કારણે એકથી બીજા શરીરમાં ફેલાતો વાયરસ છે જેના કારણે સર્વાઈકલ અને જનેન્દ્રિય સંબંધિત કેન્સર અને મોઢા, ગળાનું કેન્સર થઈ શકે છે. એચપીવીનું રસીકરણ 11 અને 12 વર્ષના યુવાન-યુવતીઓ માટે ભલામણ કરે છે. યુએસએફડીએ તાજેતરમાં જ આ રસીના ઉપયોગને એચપીવી સામે રક્ષણ મેળવવા માટે મંજુરી આપી છે.

 

તમારી જાતને સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખો: ચામડીનું કેન્સર સૌથી સામાન્ય અને રોકી શકાય તેવું છે. તેને રોકવા માટે નિમ્નલિખીત સૂચનો અજમાવી જૂઓ

  • પોરે બહાર નિકળવાનું ટાળો, સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી સૂરજનો તડકો વધુ તેજ હોય છે. આ સમયે જરૂરી હોય તો જ બહાર નિકળો.
  • છાંયડામાં રહો. ટોપી અને ચશ્માનો ઉપયોગ કરો.
  • શરીરના ખુલ્લા ભાગને ઢાંકો
  • એસ.પી.એફ. 30થી વધુ હોય તેવા સનસ્કિનનો વ્યાપક ઉપયોગ કરો, દર બે કલાકે ફરી તેનો ફરીથી ઉપયોગ કરો.

નિયમીત તપાસ:

નિયમીત તપાસથી મોઢાના, સ્તન, પ્રોસ્ટેટ, આંતરડા, સર્વિક્સ અને ચામડીના કેન્સરનું ઝડપી નિદાન શક્ય બને છે જેના કારણે સારવાર વધુ અસરકારક બની શકે છે. તમારા ડોક્ટરના સંપર્કમાં રહો અને તપાસ માટે તમારા માટે સૌથી અનૂકુળ પ્રક્રિયા નક્કી કરો. જેમના પરિવારમાં ભૂતકાળમાં કેન્સર થયું હોય તેવા લોકોએ વેહેલામાં વહેલી ઉંમરે કેન્સરની તપાસ કરાવવી જોઈએ.

ઘરગથ્થુ ઉપચારને ટાળો જેના કારણે તમારા નિદાન અને સારવારમાં વિલંબ થઈ શકે છે, સાથે જ શરીરમાં દેખાતા ચેતવણીના ચિન્હો ને ઓળખી ઝડપથી નિષ્ણાંતની મદદ લો. નિષ્કર્ષ માટે ઈન્ટરનેટ પર શોધવાનું ટાળો અને પ્રમાણભૂત ન હોય એવા સોશિયલ મિડીયા પર આવતાં વિડીયોથી દૂર રહો.. કેન્સર અટકાવી શકાય તેવો તથા સારવાર થઈ શકે તેવો રોગ છે. કેન્સર આપણને હરાવે તે પહેલાં આપણે સૌ ભેગા મળી તેને હરાવીએ.

સ્ત્રોત : ડૉ.રાજેન્દ્ર ટોપરાની(હેડ & નેક ઓન્કો સર્જન- (સહયોગઃ ડો. નિકિત શાહ, રેસિડેન્ટ સર્જીકલ ઓન્કોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate