অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિડનીનું સ્વાસ્થ્ય

કિડનીનું સ્વાસ્થ્ય

ઈશ્વરે માનવને આપેલ કિડનીની ભેટ અદભૂત વરદાન છે. આ વરદાન માણસને સ્વસ્થ રાખવામાં ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાંથી ઝેરી નકામા તત્વો તથા પ્રવાહીનો નિકાલ કરવો, બ્લડપ્રેશરનું નિયમન કરવું, હિમોગ્લોબીન બનાવવું, તથા હાડકાંને મજબૂત રાખવા જેવા કિડનીનું મુખ્ય કાર્ય છે. આ ઉપરાંત કિડની સતત ૨૪ કલાક કાર્ય કરીને માનવ શરીરમાં પાણી અને જરૂરી મિનરલ્સનું પ્રમાણ યોગ્ય માત્રામાં જાળવી રાખી લોહીના PHને જાળવવામાં મહત્વનો ભાજ ભજવે છે. કિડનીની યોગ્ય સંભાળ રાખવી એ માટે અગત્યની છે કારણ કે સામાન્યપણે કિડની ફેલ્યોરના કોઈ પણ ચિહ્નો દેખાય ત્યાં સુધી કિડની લગભગ ૯૦ ટકા સુધી ખરાબ થઈ ચૂકી હોય છે.

કિડનીના મુખ્ય કાર્યો.

  • યુરીન (પેશાબ) બનાવે.
  • શરીરમાંથી નકામા તત્વો, વધારાનું પ્રવાહી દૂર કરે.
  • રુધિરનું રાસાયણિક બંધારણ જાળવવામાં મદદરૂપ થાય.
  • બ્લડપ્રેશરનું નિયમન કરે.
  • હાડકાંને મજબૂત રાખવામાં મદદરૂપ થાય.
  • હિમોગ્લોબીન બનાવે.

કિડની ફેલ્યોરના મુખ્ય ચિન્હો

  • પગમાં સોજા આવે.
  • ભૂખ ઓછી લાગવી.
  • વધુ પડતો થાક લાગવો.
  • ફીણવાળુ પેશાબ અથવા પેશાબમાં લોહી આવે.
  • ઉલટી-ઉબકા આવે.

કિડની ફેલ્યોરનું નિદાન

  • નિયમિત પરિક્ષણના અભાવે મોટાભાગના લોકોકિડની ફેલ્યોરના શિકાર બને છે અને શરૂઆતના તબક્કામાં થતા નિદાનથી વંચિત રહી જાય છે. ‘વર્લ્ડ કિડની દિવસ' પર અમદાવાદની કિડની હોસ્પિટલનો પ્રયાસ લોકોને કિડની રોગ અને તેના કારણે થતા કોમ્પ્લિકેશન વિશે જાગૃત કરવાનો છે. ૪૦ વર્ષની દરેક વ્યક્તિ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કિડની સંબંધિત નિયમિત પ્રાથમિક તપાસ કરાવે અને કિડની રોગથી બચે તે સમજાવાનું છે. સીરમ ક્રિએટીનીન (S.Creatinine), બ્લડશુગર, યુરીયા, યુરીનની વગેરે તપાસના કારણે રોગનું નિદાન થઈ શકે છે. શરીરમાં રહેલા પ્રોટીનનું પ્રમાણ અને બ્લડપ્રેશરની તપાસનો પણ તેમા સમાવેશ થાય છે.

કિડનીને સ્વસ્થ રાખવા શું કરવું?

કિડની ફેલ્યોર જેને ‘સાયલન્ટ કિલર' તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિ વ્યક્તિના જીવનની ગુણવત્તાને ઘણીજ હદ સુધી અસર કરે છે. આ પરિસ્થિતિને અટકાવવા કિડનીની યોગ્ય કાળજી અને જાળવણી કરવી જરૂરી છે.

સ્વસ્થ અને એક્ટિવ રહો

દિવસની શરૂઆત પાણી પીવાથી, યોગ-પ્રાણાયમ અને ભારે નહીં પણ સામાન્ય વ્યાયામ કરવાથી કિડની તેમજ આખું શરીર સ્વસ્થ અને એક્ટિવ રહી શકે છે. વ્યાયામ શરીરના બ્લડપ્રેશરનું નિયમન કરે છે.

બ્લડશુગરની યોગ્ય માત્રા જાળવવી.

આશરે ૫૦ ટકા જેટલા ડાયાબિટીસના દર્દીઓમાં વહેલા-મોડા કિડની ફેલ્યોર થતું જોવા મળે છે. તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ બ્લડશુગરનું પ્રમાણ જાળવવું તેમજ સમયાંતરે કિડની ફંકશનની તપાસ કરાવતા રહેવું ખૂબ જરૂરી છે.

બ્લડપ્રેશરની નિયમિત તપાસ.

સતત ઊંચુ રહેતુ બ્લડપ્રેશર કિડની ફેલ્યોરના મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે. આ માટે બ્લડપ્રેશરની નિયમિત તપાસ અને તેનું યોગ્ય માત્રા પ્રમાણ (120/80) જાળવી રાખવું અતિ મહત્વનું છે.

સ્વાસ્થપૂર્ણ ખોરાકનું સેવન અને વજનનું નિયમન.

ખોરાકમાં મીઠા તથા પ્રોસેસ ફૂડ અને જંકફૂડનો ઓછો ઉપયોગ તેમજ સ્વસ્થ ખોરાકનું સેવન શરીરને નિરોગ રાખવા અને વજનનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે.

દરરોજ યોગ્ય માત્રામાં પ્રવાહીનું સેવન.

યોગ્ય માત્રામાં પ્રવાહીના સેવન દ્વારા કિડનીને શરીરમાંથી નકામા તત્વો બહાર કાઢવાની પ્રક્રિયામાં ઘણી જ મદદ મળે છે. આ માટે દિવસના ૧.૫ થી ૨ લીટર પ્રવાહીનું સેવન ખૂબ જ જરૂરી છે. આ સાથે કિડનીમાં પથરીની તકલીફવાળા દર્દીઓને દરરોજ ૨-૩ લીટર સુધી પ્રવાહી લેવું હિતાવહ છે.

ધુમ્રપાન નિષેધ.

ધુમ્રપાન કિડની તરફ જતા લોહીના પ્રવાહને અવરોધે છે. આ ઉપરાંત ધુમ્રપાનથી માનવ શરીરને થતા ઘણા ગેરફાયદાઓથી આપણે વાકેફ છીએ. ધુમ્રપાનના કારણે કિડનીનું કેન્સર થવા માટે ૫૦ ટકા સુધી જોખમ વધી શકે છે.

ડૉક્ટરની સલાહ વિના દવાનું સેવન ન કરવું.

ઘણી દવાઓ ખાસ કરીને પેઈનકિલર દવાઓથી કિડનીને નુકશાન થવાની સંભાવનાઓ ઘણી જ વધારે રહેલી છે. આથી ડૉક્ટરની સલાહ વીના જાતે દવાઓનું સેવન ટાળવું જોઈએ. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મેદસ્વીતા અથવા કુટુંબના કોઈ વ્યક્તિને કિડનીની બીમારી લાગુ થઈ હોય એવા લોકોએ કડિનીની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. ઉપરોક્ત ચાર પરિસ્થિત પૈકી એક અથવા તેથી વધુનું કોમ્બિનેશન વ્યક્તિને કિડની ફેલ્યોર થવા માટે હાઈ રિસ્ક પેશન્ટ ગણી શકાય છે. આ માટે જીવનના ચાર દાયકા પછી કિડની ફેલ્યોરથી બચવા વ્યક્તિએ વર્ષમાં નિયમિત એક વખત બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને પેશાબની તપાસ કરાવવી સલાહભરી છે.

ડૉ. વિવેક કુટે,નેફ્રોલોજિસ્ટ, નવુંગજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate