હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / આંખને સંબંધિત / ડાયાબિટીસથી આંખને થતા નુક્સાનને વહેલા નિદાન, સારવારથી અટકાવો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાયાબિટીસથી આંખને થતા નુક્સાનને વહેલા નિદાન, સારવારથી અટકાવો

ડાયાબિટીસથી આંખને થતા નુક્સાનને વહેલા નિદાન, સારવારથી અટકાવી શકાય

‘એ દિવસના વિચાર માત્રથી મને કંપવા છૂટી જાય છે' આ શબ્દો રાજકોટ શહેરમાં રહેતા 45 વર્ષીય શારદાબેન પટેલ (નામ બદલેલ છે) કહી રહ્યાં છે. શારદાબેનને લગભગ છેલ્લા 15 વર્ષથી ડાયાબિટીસ છે. 6 મહિના અગાઉ તેઓ ઘરે એકલા હતા અને ટીવી જોઈ રહ્યાં હતા ત્યારે અચાનક તેમને ડાબી આંખમાં વાળના ગુંછડા ફરતા હોય એમ લાગ્યું અને તેમની એક આંખ આગળ અંધારા આવી ગયા હતા. તેમને આ શું થયું? તે કશું જ સમજાતું નહોતું. શારદાબેને બુમો પાડી પાડોશમાંથી મંજૂબેનને બોલાવ્યા અને પતિ-દિકરાનો ફોન લગાવવા કહ્યું. જનકભાઈ અને પિન્ટુ તમામ કામ પડતા મૂકી દોડતા ઘરે આવ્યા અને જોયું તો શારદાબેન ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. શારદાબેનને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો ડૉક્ટરોએ તેમની ડાબી આંખની દૃષ્ટિ હાઈ ડાયાબિટીસના કારણે જતી રહી હોવાનું કહેતા પરિવારના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. આશરે એક અઠવાડિયા સુધી શારદાબેન ડાબી આંખે અંધ થઈ ગયા હતાં.
જુદાજુદા સંપર્કોના માધ્યમથી આ પરિવાર અમદાવાદ પરિમલ ગાર્ડન પાસે આવેલી નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઈ કેર હોસ્પિટલના ડૉ. પાર્થ રાણાને મળ્યા હતાં અને શારદાબનેની સારવાર શરૂ કરાવી હતી. નેત્રાલય હોસ્પિટલમાં તેમની ડાબી આંખની સોનોગ્રાફી (B-Scan) કરવામાં આવી તેમા તેમની આંખના પડદાની આગળના પ્રવાહીમાં લોહી (વિટ્રિયસ હેમરેજ) આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. દવાનો ટ્રાયલ આપ્યા બાદ વિટ્રેક્ટોમી સર્જરી (PPV) કરતા તેમની આંખના પડદામાં સોજો પણ આવ્યો હોવાનું નિદાન થયું હતું. શારદાબેનને AntiVEGFનું ઈન્જેક્શન આપ્યા બાદ સોજામાં સુધારો જણાતા લેસર ટ્રિટમેન્ટ અપાઈ હતી. જેના કારણે શારદાબેનની એક આંખની ગયેલી દૃષ્ટિ પાછી આવી હતી. શારદાબેન કહે છે કે ‘મને મારો પુનઃ જન્મ થયો હોય એવું લાગી રહ્યું છે. લોકો કહેતા હતા કે ડાયાબિટીસમાં એક વખત આંખ ગઈ તો ગઈ જ સમજો.... મેં આ રેટીના નિષ્ણાત ડૉક્ટર ઉપર ભરોસો મૂક્યો એટલે મને મારી દૃષ્ટિ પાછી મળી છે.' આવા જ એક બીજા દર્દી દિનકરભાઈ (નામ બદલેલ છે) તેમને લગભગ 7 વર્ષ પહેલા ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. તે મુળ મહેસાણા જિલ્લાના વતની છે. તેઓ બિઝનેસમેન હોવાથી કામની વ્યસ્તતાના કારણે તેમનો ડાયાબિટીસ અનિયંત્રિત રહેતો હતો. તણાવપૂર્ણ જીવનશૈલી અને અનિયમિત ખોરાકના કારણે તેમનો ડાયાબિટીસ વધતો ગયો હતો જેનો તેમને ખ્યાલ પણ રહ્યો નહોંતો. ચાર મહિના અગાઉથી તેમને આંખમાં ઝાંખુ દેખાવાની શરૂઆત થઈ હતી. તેમને હવે વાંચવા અને જોવામાં પણ તકલીફ થવા લાગી હતી. છેલ્લે તો તેમણે આ સમસ્યાના કારણે રાત્રે બહાર જવાનું પણ ટાળવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. દિનકરભાઈને મહેસાણામાંથી અમદાવાદની નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઈ કેર હોસ્પિટલનું સરનામુ મળ્યું હતું. નેત્રાલય હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો વડે દિનકરભાઈની OCT (પડદાની એડવાન્સ તપાસ) અને ફ્લોરેસિન એન્જિયોગ્રાફી (FFA) કરવામાં આવતા તેમની આંખના પડદામાં સોજો હોવાનું નિદાન થયું હતું. ડૉ. પાર્થ રાણાએ તેમને લેસર ટ્રિટમેન્ટ એડવાઈઝ કરી હતી. લેસર ટ્રિટમેન્ટની ત્રણ જ સિટિંગમાં દિનકરભાઈની આંખનું વિઝન સ્ટેબલ થઈ ગયું હતું. તેમને ડાયાબિટિક રેટિનોપથીના કારણે થતું આંખને નુક્સાન અટકી ગયું હતું. ડૉક્ટરની કુશળતા અને લેટેસ્ટ સાધનોની મદદથી દિનકરભાઈને પહેલાની જેમ નોર્મલ વિઝન મળી શક્યું છે.

ડાયાબિટિક રેટીનોપથી શું છે ?

આંખના નેત્રપટલમાં એનેક બારીક રક્તવાહિનીઓ હોય છે જે આંખમાં ઓક્સીજન અને પોષક તત્વો પહોંચાડવાનું કામ કરે છે. ડાયાબિટીસ થવાથી આ રક્તવાહિનીઓ ધીમેધીમે ક્ષીણ થતી જાય છે. આ સ્થિતિનું વહેલું નિદાન ન થાય તો આ ફેરફારો ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને તે નેત્રપટલને અસર કરતા વ્યક્તિને દૃષ્ટિનું નુક્સાન અથવા ગુમાવવી પડે છે. ઘણી વખત દવા અથવા ઈન્સ્યુલીન વડે ડાયાબિટીસ નિયંત્રિત હોય તો પણ ડાયાબિટિક રેટીનોપથી થવાનું જોખમ રહેલું છે. તેથી ડાયાબિટીસ ધરાવતા દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછી એક વખત આંખની તપાસ કરાવવી અનિવાર્ય છે. ડાયાબિટિક રેટીનોપથી એ લાંબા સમયથી રહેતા હાઈ ડાયાબિટીસની આંખ પરની આડ અસર છે. આંખની કીકીની પાછળનો ભાગ જે પ્રકાશનું ઈલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરે છે તે ડાયબિટીક રેટીનોપથીની સમસ્યાથી ડેમેજ થાય છે. આ સિગ્નલનું કામ આંખની દૃષ્ટિથી બનતી તમામ તસવીરોને મગજ સુધી પહોંચાડવાનું હોય છે. ડાયાબિટીસના કારણે આ મિકેનિઝમમાં વિક્ષેપ પડતો હોય છે.

પ્રિ-પ્રોલિફરેટીવ રેટીનોપથી

બેકગ્રાઉન્ડ રેટીનોપથી વડે થાય તેના કરતા વધુ વિસ્તૃત રીતે નેત્રપટલમાં ફેરફારો થાય ત્યારે પ્રિ-પ્રોલિફરેટિવ રેટીનોપથી થાય છે. પ્રિ-પ્રોલિફરેટિવ રેટીનોપથીમાં આંખની બારીકાઈથી તપાસ કરવાની જરૂર હોય છે. કારણે કે, ફેરફારો એક સ્તર કરતા વધે તો વ્યક્તિને દૃષ્ટિનું નુક્સાન થઈ શકે છે.

પ્રોલિફરેટીવ રેટીનોપથી

પ્રોલિફરેટીવ રેટીનોપથી એ વધુ ગંભીર છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિએ 100 ટકા દૃષ્ટિ ગુમાવવાનો વારો આવે છે. આંખમાં રેટીનોપથીનો વિકાસ થાય અને નેત્રપટલમાં મોટા વિસ્તારમાં યોગ્ય લોહી પુરવઠાની ખામી સર્જાય ત્યારે પ્રોલિફરેટીવ રેટીનોપથીની સ્થિતિ સર્જાય છે. દૃષ્ટિ ઉપર અસર થાય તે પહેલા પ્રોલિફરેટીવ રેટીનોપથીની સમયસર સારવાર કરવામાં આવે તો દૃષ્ટિ ગુમાવાનું જોખમ ઘટી શકે છે.

મેક્યુલોપથી

મેક્યુલા એ નેત્રપટલના કેન્દ્રમાં આવેલો નાનો ભાગ છે. વસ્તુને સ્પષ્ટ જોવા માટે આ ભાગનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. મેક્યુલામાં અથવા આજુબાજુમાં ડાયાબિટિક રેટીનોપથી થાય તેને મેક્યુલોપથી કહેવામાં આવે છે. વ્યક્તિને મેક્યુલોપથી સમસ્યા થઈ હોય તો આંખની વિસ્તૃત તપાસ કરાવવી અનિવાર્ય બને છે.

ડાયાબિટિક માટે કાળજી

 • વર્ષમાં ઓછામાં ઓછી એક વખત આંખની તપાસ કરાવવી, ડાયાબિટીસની સૌથી પહેલી આડઅસર આંખને થતી હોય છે.
 • જે ડૉક્ટર પાસે ડાયાબિટીસની તમારી દવા ચાલુ હોય તે ડૉક્ટરની સલાહ મુજબ તમારૂ બ્લડ સુગર (HbA1c) નિયંત્રણમાં રાખો.
 • બ્લડ સુગર વધતા આંખના પડદા પર થતી અસર તપાસવા આંખની નિયમિત તપાસ કરાવતા રહો, બ્લડ સુગર વધતુ જણાય તો ડૉક્ટર પાસે દવાનો ડોઝ પુનઃ સેટ કરાવો.
 • બ્લડ સુગરની સાથેસાથે કોલેસ્ટ્રોલની પણ નિયમિત તપાસ કરાવતા રહેવું જરૂરી છે.
 • આંખની દૃષ્ટિની સાથે શરીરમાં અન્ય કોઈ તકલીફ જણાય તો વિના વિલંબ ડૉક્ટરની સલાહ મેળવો. તમારી જાગ્રતતા ભવિષ્યમાં આવનારી મોટી મુસિબતથી તમને બચાવી શકે છે.
 • તંદુરસ્ત અને સંતુલિત આહાર લેવાનો આગ્રહ રાખો, બહારના ખોરાક, ધુમ્રપાન અને દારૂનું સેવન ટાળો.
 • શરીરનું વજન ન વધવા દો, નિયમિત વ્યાયામ કરવાથી વજન પણ ઘટે અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે.

ડાયાબિટિક રેટીનોપથી માટે સોફ્ટ ટાર્ગેટ કોણ?

 • ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ પૈકીના આશરે 50 ટકાને જીવનમાં એક વખત ડાયાબિટિક રેટીનોપથી થઈ શકે છે.
 • અનિયંત્રિત બ્લડ સુગર ડાયાબિટિક રેટીનોપથી થવાનું જોખમ વધારે છે.
 • દૃષ્ટિને લગતી તકલીફો માટે ડાયાબિટીસના દર્દીઓ 25 ટકા વધુ હાઈ રિસ્ક પર હોય છે.

સ્ત્રોત: ડૉ. પાર્થ રાણા, વીટ્રો-રેટીના એન્ડ ઓક્યુલર ટ્રોમા સર્જન.

3.07692307692
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top