অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

40 વર્ષથી વધારે વય ધરાવતાં આશરે નવ કરોડ લોકો ગ્લુકોમાથી પીડિત

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં આંકડા મુજબ, વૈશ્વિક સ્તરે ગ્લુકોમા (ઝામર) અંધત્વ માટેનું બીજું સૌથી મોટું કારણ છે. 40 વર્ષથી વધારે વય ધરાવતાં આશરે 90.8 મિલિયન લોકો ગ્લુકોમાથી પીડિત છે. વર્ષે આશરે 2.4 મિલિયન નવા કેસ ઊભા થાય છે અને 50 ટકા કેસમાં દર્દીઓનાં એનાં ચિહ્નોથી અજાણ હોય છે. ભારતમાં અંદાજે 13 ટકા લોકો આ રોગને કારણે અંધાપો અનુભવે છે.

તો ગ્લુકોમા એટલે શું? ગ્લુકોમાને ઘણી વખત “સ્નિક થીફ ઓફ સાઇટ” ગણવામાં આવે છે, કારણ કે કોઈ પણ પ્રકારનાં દુઃખાવા વિના ધીમે ધીમે દ્રષ્ટિ બદલાઈ થાય છે. ગ્લુકોમા આંખનો રોગ છે, જેની સારવાર કરાવવામાં ન આવે તો દ્રષ્ટિ ગુમાવવી પડે છે. જ્યારે આંખની અંદર પ્રવાહી યોગ્ય રીતે બહાર વહેતું નથી, ત્યારે ગ્લુકોમા થાય છે. આ કારણે આંખમાં દબાણ વધે છે, જેને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર (આઇઓપી) કહેવાય છે, જેનાથી દ્રષ્ટિને નુકસાન થઈ શકે છે. તમે ઊંચું આઇઓપી ન અનુભવો એ બની શકે છે, પણ આંખનાં પરીક્ષણ દરમિયાન આંખનાં ડૉક્ટર સરળતાથી માપી શકશે. જો દબાણ ઊંચું હોય, તો મોટાં ભાગનાં પરીક્ષણોમાં ગ્લુકોમાનું નિદાન થાય છે અને સારવારનો નિર્ણય લેવામાં આવે છે. દ્રષ્ટિ દ્રષ્ટિક્ષેત્રની બહારની ધારોમાંથી જાય છે (પેરિફેરલ વિઝન). એમાં કોઈ દુઃખાવો થતો નથી અને શરૂઆતમાં દ્રષ્ટિને થયેલું નુકસાન ધ્યાનમાં આવતું નથી. આ કારણે વહેલાસર ગ્લુકોમાનું નિદાન અને તેની સારવાર મહત્ત્વપૂર્ણ છે. એક વખત દ્રષ્ટિ ગુમાવ્યાં પછી એ પુનઃપ્રાપ્ત ન થઈ શકે. ગ્લુકોમા એક કે બંને આંખોમાં વિકસી શકે છે. લોકોને ગ્લુકોમાનો અનુભવ અલગઅલગ રીતે થઈ શકે છે. ગ્લુકોમા સૌપ્રથમ સાઇડ વિઝન (પેરિફરલ વિઝન)ને અસર કરે છે. પછી આગળ જતાં “ટનલ વિઝન”/સ્ટ્રેટ વિઝનને અસર કરી શકે છે. છેલ્લે આ અંધત્વ તરફ દોરી જાય છે. જોકે વહેલાસર નિદાન અને સારવાર સાથે કોઈ પણ વ્યક્તિને દ્રષ્ટિનાં ગંભીર નુકસાન સામે આંખોને રક્ષણ મળી શકે છે.

ગ્લુકોમાનાં જોખમકારક પરીબળો:

  • 40 વર્ષ કે વધારે
  • ગ્લુકોમાની ફેમિલી હિસ્ટ્રી
  • ડાયાબીટિસ અને /અથવા લો/હાઈ બ્લેડ પ્રેશર
  • સ્ટિરોઇડની કોઈ પણ સારવાર
  • હાઈ માયોપી (માઇનસ નંબર)
  • ધુમ્રપાન
  • અગાઉ લાગેલો આઘાત

સામાન્ય રીતે ઓપન-એંગલ ગ્લુકોમાનાં વહેલાસર કોઈ ચિહ્નો કે લક્ષણો જોવા મળતાં નથી. આ ધીમે ધીમે અને કેટલીક વાર ઘણાં વર્ષો સુધી દ્રષ્ટિને નુકસાન થઈ રહ્યું છે એનો ખ્યાલ આવ્યાં વિના વિકસે છે.

ઓપન એંગલ ગ્લુકોમાઃ

ઓપન-એંગલ ગ્લુકોમાથી પીડિત મોટાં ભાગનાં લોકો સારું અનુભવે છે અને સૌપ્રથમ તેમની દ્રષ્ટિમાં કોઈ ફેરફાર ધ્યાનમાં આવતો નથી, કારણ કે શરૂઆતમાં સાઇડમાંથી દ્રષ્ટિ કે પેરિફેરલ વિઝન જતી રહે છે. દર્દીને દ્રષ્ટિ જઈ રહી હોવાનો અહેસાસ થાય ત્યાં સુધીમાં સામાન્ય રીતે રોગ આગળ વધી જાય છે. ગ્લુકોમાને કારણે દ્રષ્ટિ ગુમાવવામાં આવી પછી સર્જરી કરાવો તો પણ પરત આવતી નથી.

એક્યુટ એંગલ-ક્લોઝર ગ્લુકોમાઃ

એંગલ-ક્લોઝર ગ્લુકોમામાં આંખમાં દબાણ વધે છે. આંખમાં દબાણમાં આ પ્રકારનો વધારો એકાએક થઈ શકે છે, જેને એક્યુટ એંગલ ક્લોઝર કહેવાય છે અથવા એ તબક્કાવાર કટોકટીજન્ય સ્થિતિ તરફ દોરી જાય છે.

એક્યુટ એંગલ-ક્લોઝર ગ્લુકોમાથી પીડિત લોકો ધૂંધળી દ્રષ્ટિ ધરાવે છે. ચમકદાર પ્રકાશની ફરતે ઇન્દ્રધનુષ રંગનાં વર્તુળો જોવા મળે છે. એક્યુટ એંગલ ગ્લુકોમા ધરાવતાં દર્દીઓ આંખ અને માથામાં દુઃખાવાની તીવ્ર ફરિયાદ પણ કરે છે, જેની સાથે ઊલટી-ઊબકા (આંખમાં તીવ્ર દુઃખાવા સાથે) થઈ શકે છે. અતિ ગંભીર કેસમાં એકાએક દ્રષ્ટિ જતી રહે છે.

ગ્લુકોમાનું નિવારણ:

આંખનું નિયમિત અને સંપૂર્ણ પરીક્ષણ કરાવીને વહેલાસર નિદાન ગ્લુકોમાથી તમારી દ્રષ્ટિને થતું નુકસાન અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. મૂળભૂત વાજબી પરીક્ષણ સાથે નિયમિતપણે તમારાં આંખોની ચકાસણી કરાવવી જરૂરી છેઃ

  • 40 વર્ષથી ઓછા વય ધરાવતા લોકોએ દર બેથી ચાર વર્ષે.
  • 40 વર્ષથી 54 વર્ષ ધરાવતાં લોકોએ દર ત્રણ વર્ષે એક વાર.
  • 55 વર્ષથી 64 વર્ષ ધરાવતાં લોકોએ દર બે વર્ષે એક વાર.
  • 65 વર્ષ પછી દર છથી 12 મહિને .

 

જ્યારે જાગૃતિ મહત્ત્વપૂર્ણ છે, ત્યારે કોઈ પણ વ્યક્તિએ અન્ય ચિહ્નોને ગ્લુકોમાનાં ચિહ્ન ન ગણવાં જોઈએ અને ખોટી સારવાર ન લેવી જોઈએ. નીચેનાં ચિહ્નો ગ્લુકોમા સૂચવતાં નથીઃ.

  • શુષ્ક આંખો.
  • ખંજવાળ અને પાણી આવવું.
  • રંગઅંધતા.
  • બાળપણમાં નબળી દ્રષ્ટિ.

સારવાર

નવી પદ્ધતિઓ અને સંશોધનને કારણે પ્રાથમિક તબક્કામાં ગ્લુકોમાની સારવાર આઇ ડ્રોપ્સ સાથે સરળતાથી થઈ શકશે. ગ્લુકોમાની સારવારમાં દવાઓ, લેસર સર્જરી અને સર્જરી સામેલ છે. ગુમાવેલી દ્રષ્ટિ પરત ન મળી શકે, પણ સારવાર બાકીનાં વિઝનનું નુકસાન અટકાવવામાં મદદ કરી શકે છે..

મેડિસિન, આઇડ્રોપ કે ગોળીઓ – ગ્લુકોમાની સૌથી સામાન્ય સારવાર છે. મેડિસિનથી આંખનું દબાણ ઘટાડવામાં મદદ મળે છે, જેમાં આંખમાં પ્રવાહી ઓછું જામવામાં મદદ મળે છે, અથવા આંખમાંથી પ્રવાહી વહેવામાં મદદ મળે છે. ગ્લુકોમાની કોઈ પણ સારવાર શરૂ કરતાં અગાઉ તમે જે સારવાર લેતાં હોય એ વિશે તમારાં આંખનાં ડૉક્ટરને જણાવો. યાદ રાખો કે જો તમારાં ડૉક્ટર ગ્લુકોમાની દવા પ્રીસ્ક્રાઇબ કરે છે, તો તમારે એ જ દવા લેવી જરૂરી છે. પછી તમને આંખમાં દબાણ ન પણ અનુભવાય, એટલે દવા લેવાનું સરળતાથી ભૂલાઈ જશે. ટ્રેકર કે કેલેન્ડર હાથવગું રાખો, જેથી તમે તમારી સારવાર પર નજર રાખી શકો..

લેસર સર્જરીનો ઉપયોગ આંખમાંથી પ્રવાહી વહેવામાં મદદ કરવા માટે થઈ શકશે. તમારાં આંખનાં ડૉક્ટરને આંખનાં દબાણને નિયંત્રણમાં લેવા માટે દવાઓ પર્યાપ્ત નહીં લાગે તો લેસર સર્જરી સૂચવશે. લેસર સર્જરી તમારાં ડૉક્ટરની ઓફિસ કે આઈ ક્લિનિકમાં થઈ શકશે. તમારાં ડૉક્ટર સર્જરી અગાઉ તમારી આંખોને સંવેદનશૂન્ય કરશે. લેસર સર્જરીમાં આંખમાંથી પ્રવાહ બહાર નીકળે એ માર્ગને ખોલવા માટે ઊંચી તીવ્રતા ધરાવતા બીમનો ઉપયોગ થાય છે. સર્જરી દરમિયાન તમે બ્રાઇટ ગ્રીન કે રેડ લાઇટની ફ્લેશ જોઈ શકો છો. તમારાં ડૉક્ટર તમને સર્જરી અગાઉ અને સર્જરી પછી કઈ દવાઓ લેવી કે બંધ કરવી એની સૂચના આપશે. તમારાં આંખનાં ડૉક્ટર સાથે તમારી ફોલો-અપ વિઝિટ લેતાં રહો.

તમારાં ડૉક્ટર આંખમાંથી પ્રવાહને બહાર નીકળવા માટે માર્ગ ખોલવા પરંપરાગત સર્જરી પસંદ કરી શકે છે. જો દવાઓ અને લેસર સર્જરી તમારી આંખનું દબાણ નિયંત્રણમાં ન લઈ શકે, તો તમારાં ડૉક્ટર પરંપરાગત સર્જરી સૂચવી શકે છે. સર્જરી આઈ ક્લિનિક કે હોસ્પિટલમાં હાથ ધરવામાં આવે છે. તમારાં ડૉક્ટર તમને સર્જરી અગાઉ રિલેક્સ થવા માટે દવા આપશે તથા આંખની આસપાસ નાનું ઇન્જેક્શન મારશે, જેથી એ બહેરું થઈ જાય. સર્જરીમાં આંખમાંથી પ્રવાહી વહે એ માટે જગ્યા કરવા માટે પેશીઓ દૂર કરવામાં આવે છે. .

આંખનું નિયમિત પરીક્ષણ, ડાયાબીટિસ અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં જાળવવું, ધુમ્રપાન છોડવું, નિયમિત કસરત કરવી વગેરે જેવાં પગલાં ગ્લુકોમાથી સુરક્ષિત રાખી શકે છે. ઉપરાંત દર્દીઓએ કોઈ પણ વ્યક્તિએ સૂચવેલી સારવાર કે એલર્જી માટેની દવાઓ ન લેવી જોઈએ, તેનાથી સ્ટિરોઇડ ગ્લુકોમામાં વધારો કરી શકશે.

ગ્લુકોમા “સારવાર ન થઈ શકે એવી સ્થિતિ” છે એટલે એનાં ચિહ્નોને અવગણવા ન જોઈએ. ગ્લુકોમાથી શ્રેષ્ઠ સુરક્ષા મેળવવા તમારી આંખોનું નિયમિતપણે પરીક્ષણ કરાવવું જોઈએ. જો તમારી આંખનું દબાણ ઊંચું હોય, તો તમારી આંખનાં ડૉક્ટર એને નિયંત્રણમાં લેવામાં મદદ કરી શકે છે. પરીક્ષણો ઝડપી અને પીડામુક્ત છે.

સ્ત્રોત : ડૉ ધવલ રાજપરા. ઓપ્થેલ્મોલોજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate