অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એલેક્સીથીમીયા- દુઃખાવાનો ડિસઓર્ડર

એલેક્સીથીમીયા- દુઃખાવાનો ડિસઓર્ડર

શૈલજાની શક્તિ આજે તો સાવ જ ખતમ થઇ ગઇ હોય એમ આંસૂઓના ઊભરા વચ્ચે સાગરને કહેવા લાગી, ‘અનિ તને કેવી રીતે સમજાવું ? ખરેખર મારું માથુ સખત ફાટે છે. હાથ-પગમાં કળતર થાય છે. ભલે તને બધા ડૉક્ટરો એવું કહેતા હોય કે “આ તો તમારા મનનો વહેમ છે.” પણ સાગર સાચું કહું છું. તું માન મારી વાત. મને ભયંકર પીડા થાય છે. તને લાગતું હોય કે આ બધી મારા મનની ઉપજ છે તો પછી કોઇ સાયકોલોજિસ્ટને બતાવ મને... પણ આ પેઇનના નર્કમાંથી છૂટવું છે.
આર્કિટેક્ટ થયેલી શૈલજા સારવાર માટે આવી ત્યારે સૌ પ્રથમ એની વિગતવાર હિસ્ટ્રી જાણવી બહુ જરૂરી હતી. સાગર સાથેના પંદર વર્ષના લગ્નજીવનમાં એને હસબન્ડ તરફથી કોઇ મેજર કંપલેઇન્સ જ નહોતી. સાગર શૈલજાને પાણી માગે તો દૂધ આપતો અને ડ્રેસ માગે તો સાથે ડાયમન્ડસ લઇ આપતો. રેગ્યુલર વેકેશન પર લઇ જતો. બંને જણાએ વીકમાં લગભગ રોજ રાત્રે રોમેન્ટિક રાઇડ માટે લોંગ ડ્રાઇવ પર જઇને આઇસ્ક્રીમ તો ખાવાનો જ એવો વણલખ્યો નિયમ.
પ્રેમાળ સાગર શૈલજા પર પઝેશન પણ રાખતો. અલબત્ત પ્રેમથી તરબોળ... પણ શૈલજાના અચેતન માનસમાં તો કોઇક બીજી જ વાત ઉછાળા મારી રહી હતી. હમણાં છેલ્લા દોઢેક વર્ષની એની લાઇફમાં એક ‘એક્સ ફેક્ટર' આવ્યું હતું. મતલબ કે પાસ્ટ પ્રેમીએ રિ-એન્ટ્રી કરી હતી. શરીર સૌષ્ઠવમાં આકર્ષક એવો બિઝનેસમેન તરૂણ શૈલજાનો સ્કૂલનો મિત્ર હતો. એણે ગમે તેમ કરીને શૈલજાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. કારણ એ જ કે તરૂણને શૈલજા પહેલેથી ગમતી પણ શૈલજાએ અભ્યાસને ખાતર એની પ્રપોઝલને રીજેક્ટ કરી હતી. પણ એ વખતે શૈલજાના મનમાં તરૂણે થોડી ગણી જગ્યા તો કરી જ લીધી હોવી જોઇએ તો જ વીસેક વર્ષો પછી ફિલ્મી સ્ટોરીની જેમ પ્રગટેલો ડિવોર્સી તરૂણ વોટ્સએપથી શૈલજા સાથે જોડાઇ ગયો હતો. છેક શારીરિક હદ સુધીનું ખેંચાણ અનુભવી રહેલી શૈલજા હવે તરૂણ અને સાગર વચ્ચે ઝોલા ખાઇ રહી હતી.
શૈલજાને પાપની લાગણી, અપરાધભાવના અને પોતાની જાત પરનો ગુસ્સો હવે શારીરિક ફરિયાદોના સ્વરૂપે પ્રગટ થઇ રહ્યા હતા. સાયકોએનાલીસીસ પ્રમાણે કોઇપણ દેખીતા શારીરિક દુઃખાવાના કારણો જ્યારે ગેરહાજર હોય ત્યારે એ દુખાવાનું કારણ વ્યક્તિ મનમાં રહેલા સંઘર્ષો હોય છે. જે લોકો પોતાની લાગણીઓને શબ્દો આપીને અભિવ્યક્ત કરી શકતા નથી તેવા લોકોની લાગણીઓ ક્યારેક શારીરિક દર્દની ભાષા બોલે છે. આ સમસ્યાને ‘એલેક્સીથીમીયા' કહે છે. ઘણા દર્દીઓ આ દુઃખાવાને સમજાવી ન શકાય તેવી ગૂઢ પીડા કે પછી પાપના પરિણામ તરીકે સ્વીકારે છે. અને એવું માને છે કે “સહન કરવું એ જ જીવન છે, મારા નસીબમાં આ પીડા લખી જ છે તો કોઇ કશું ન કરી શકે.” કેટલાકને વળી આ દુઃખાવાને લીધે લોકોની સહાનુભૂતિ કે પ્રેમ પણ મળતા હોય છે જેનાથી અચેતન સંતોષ અનુભવાતો હોય છે. એટલે વાસ્તવમાં તેઓ પોતે જ આવી ‘પેઇન પ્રિઝન' માંથી છૂટવા માગતા નથી હોતા. તો વળી આ દુઃખાવાને લીધે જ કેટલાક લોકો પોતાના સંબંધોની સચ્ચાઇ સાબિત કરી શકતા હોય છે. ‘મારા મુશ્કેલ સમયમાં કોણ મને સાચવે છે ?' એવા સવાલના જવાબો પણ જાણે-અજાણે મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.
વેલ, અહીં શૈલજાના મનનો સંઘર્ષ પાસ્ટના પ્રેમીમાંથી મુક્તિ અને સાગરના બેદાગ પતિપ્રેમ વચ્ચે ચાલતો હતો. એને સાયકોથેરપી દ્વારા દૂર કરવામાં આવ્યો..
આવા ‘પેઇન ડિસોર્ડર' માટે હિપ્નોસીસ એક સફળ સારવાર પદ્ધતિ છે. મનોદૈહિક રોગોમાં અચેતન મનની સારવાર ખૂબ સરસ પરિણામો આપે છે. આ માટે ધીરજ જરૂરી છે. શૈલજાને સિટિંગ્સ આપવામાં આવ્યા. આભાસી ભૂતકાળના ટેમ્પરરી પ્રેમમાંથી અને વાસ્તવિકતામાંથી શૈલજાએ હકિકતને પસંદ કરી. શૈલજાની શક્તિ પાછી આવી અને માથાના દુખાવાથી મુક્ત થઇ. ઉત્સવી સ્ત્રોત: ભીમાણી,સાયકોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate