অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેનોપોઝ એટલે જીવનમાં પરિવર્તનનો તબક્કો

મેનોપોઝ એટલે જીવનમાં પરિવર્તનનો તબક્કો

મેનોપોઝ શબ્દનો અર્થ સ્ત્રી માટે ‘ઋતુઃસ્ત્રાવનો અંત’ એવો થાય છે, બીજા શબ્દોમાં તે જીવનનો એ તબક્કો છે જેમાં મહિલાનો માસિક ધર્મ બંધ થાય છે. મેનોપોઝને ‘જીવનમાં પરિવર્તન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે મેનોપોઝ પછી તમારા જીવનનો એકતૃતિયાંશ હિસ્સો વિતાવો છો.

તે ક્યારે શરૂ થાય છે?

મેનોપોઝ સામાન્ય રીતે ૪૫ વર્ષથી ૫૫ વર્ષની વય દરમિયાન શરૂ થાય છે, સરેરાશ ૫૦ વર્ષની વયે તે શરૂ થાય છે. મેનોપોઝ શરૂ થાય ત્યારે મોટાભાગની મહિલાઓના માસિક ધર્મમાં કેટલાક ફેરફાર જોવા મળે છે. પ્રિમેચ્યોર મેનોપોઝ (૪૦ વર્ષ અગાઉ) કુદરતી અથવા તો કેમોથેરાપી, રેડિયોથેરાપી કે સર્જરીના કારણે જોવા મળી શકે છે.

મેનોપોઝ થવાના કારણો કયા હોય છે?

કુદરતી રીતે મેનોપોઝ ત્યારે શરૂ થાય છે જ્યારે મહિલાના જીવનમાં દર મહિને અંડાશયમાંથી અંડકોષનું ઉત્પાદન બંધ થઈ જાય છે. ફિમેલ હોર્મોન એસ્ટ્રોજનનું પ્રમાણ અંડાશય કામ કરવાનું બંધ કરે ત્યારે ઘટે છે. એસ્ટ્રોજનના પ્રમાણમા આ ઘટાડાના કારણે મેનોપોઝના લક્ષણો જોવા મળે છે.

મેનોપોઝના લક્ષણો શું હોય છે?

મેનોપોઝ સંબંધિત અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે અને આ લક્ષણો દર્દીએ દર્દીએ અલગ હોય છે. કેટલીક મહિલાઓમાં માત્ર માસિક ધર્મ બંધ થવા સિવાય અન્ય કોઈ ફેરફાર જોવા મળતા નથી પરંતુ મોટાભાગની મહિલાઓમાં હોટ ફ્લશીસ(ખૂબ જ ગરમી નો અનુભવ થવો), નાઈટ સ્વેટ્સ(રાત્રે અચાનક ખૂબ પરસેવો વળવો), ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી, થાક લાગવો, ઊંઘમાં ખલેલ, ચિંતા અનુભવવી, અકળામણ થવી, યોનિમાં અસ્વસ્થતા અનુભવવી અને યુરિનરી સમસ્યાઓ જોવા મળે છે. તમામ લક્ષણો એસ્ટ્રોજનના અભાવના કારણે હોય છે.

મેનોપોઝના લક્ષણો કેટલા સમય સુધી જોવા મળે છે?

તેના લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી જોવા મળે છે. ૫ ટકા કિસ્સાઓમાં તે પાંચ વર્ષથી વધુ સમય માટે જોવા મળતા હોય છે.

એસ્ટ્રોજનની ઉણપ સંબંધિત લક્ષણો સિવાય પણ અન્ય સમસ્યાઓ થઈ શકે છે?

એસ્ટ્રોજનની ઉણપની લાંબા ગાળાની આડઅસરો જેમકે ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળા પડવા) અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (જેમકે સ્ટ્રોક કે કોરોનરી હાર્ટ એટેક) સામાન્ય છે. ચાલી રહેલા રિસર્ચ સૂચવે છે કે એસ્ટ્રોજનની ઉણપનો અલ્ઝાઈમર્સ રોગ સાથે કોઈક સંદર્ભ હોય શકે.

મેનોપોઝઃ જીવનની કુદરતી અને સન્માનભેર પ્રગતિ

મેનોપોઝને સંબંધિત ચોક્કસ સમસ્યાઓ અને તેના માટે શું કરી શકાય?

  • હોટ ફ્લશીસ અને નાઈટ સ્વેટ્સ: હોટ ફ્લશીસ દિવસમાં એક કે બે વખત થઈ શકે છે પણ ક્યારેક વારંવાર પણ થઈ શકે છે અને ફ્લશ થાય ત્યારે સાથળથી શરૂ થઈને ચહેરા સુધી અસહ્ય ગરમી ફેલાઈ શકે છે. આ માટેના સરળ ઉપાયોમાં ગરમ વસ્ત્રોથી દૂર રહેવું કે ગરમ સ્થળોથી દૂર રહેવું જોઈએ. ઠંડા પાણીના ફુવારાથી સ્નાન કરવાથી રાહત થાય છે. વધારે તીખો ખોરાક લેવાનુ ટાળવુ અને વજન વધારે હોય તો તેને નિયંત્રણ મા કરવુ જોઈએ.જો વધુ તકલીફ લાગે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
  • થાકની લાગણી: ૬૦ ટકા જેટલી મહિલાઓને થાકનો અનુભવ થતો હોય છે. આવું ઊંઘના અભાવથી અને ધ્યાન કેન્દ્રીત ન કરી શકવાથી અથવા તો કોઈ કારણ વિના પણ થઈ શકે છે.
  • યોનિની શુષ્કતા: આની શરૂઆત ધીમેથી થાય છે અને મેનોપોઝ પછીના વર્ષોમાં તે મુશ્કેલીદાયક સ્થિતિ બની શકે છે. જાતિય સંસર્ગની ક્રિયા વધુ પ્રતિકૂળ બને છે અથવા પીડાદાયક બને છે. સરળ લુબ્રિકન્ટ જેલી તેમાં મદદરૂપ થઈ શકે છે. આ માટે નિશ્ચિંત રહીને તમારા ડોક્ટર સાથે સમસ્યા અંગે વાત કરો.
  • યોનિમાં ચેપ: મેનોપોઝ પછી યોનિની લાઈનીંગ વધુ સંવેદનશીલ બને છે અને પરિણામે તેમાં ચેપ ઝડપથી લાગી શકે છે. જો મહિલાઓને યોનિમાં ખંજવાળ કે ડિસ્ચાર્જની સમસ્યા હોય તેમણે ડોક્ટરને જણાવવું જોઈએ.
  • યુરિનરી સમસ્યા: યોનિની શુષ્કતા/બળતરા યુરેથ્રા સુધી પહોંચી શકે છે અને યુરિન પસાર થતી વખતે પીડા થાય છે અને/અથવા તાત્કાલિક જવું પડે એવી સ્થિતિ અનુભવાય છે.
  • ઓસ્ટિયોપોરોસિસ: એસ્ટ્રોજન હાડકાંની મજબૂતી જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મેનોપોઝ પછી હાડકાં નબળા પડે છે અને તૂટી શકે છે અથવા ક્ષીણ થઈ જાય છે. કરોડરજ્જુ ક્ષીણ થઈ જવાથી વધુ વયની મહિલાઓમાં ઊંચાઈ ઘટે છે. ભારતમાં ફ્રેકચરનું જોખમ ૬૦ વર્ષની વયમાં દર ૪માંથી ૧ મહિલાને રહેલું છે અને ૭૦ વર્ષની વયની દર બેમાંથી ૧ મહિલાને રહેલું છે. હાડકાંને સ્વસ્થ રાખતા કોષોને માટે વિટામીન ડી (સૂર્યપ્રકાશ)ની અને કેલ્શિયમની જરૂર હોય છે, જેનાથી નવા હાડકાંનું ઉત્પાદન થતું હોય છે. વિટામીન ડી અને કેલ્શિયમ સ્વસ્થ હાડકાં માટે પણ મદદરૂપ બને છે. HRT-હોર્મોન રિપ્લેસ્મેન્ટ થેરાપીની ઓસ્ટિયોપોરોસિસ અટકાવવામાં મુખ્ય ભૂમિકા હોય છે. HRT સરળતાથી એસ્ટ્રોજનને હાડકાંની મજબૂતી જાળવવાની આવશ્યકતાને પરિપૂર્ણ કરે છે.
  • અલ્ઝાઈમર્સ: નવા પ્રમાણોથી જાણવા મળે છે કે  હોર્મોન રિપ્લેસ્મેન્ટ થેરાપી અલ્ઝાઈમર્સ રોગ થવાનુ જોખમ ઘટાડે છે.
  • કોન્ટ્રાસેપ્શન અને HRT: મહિલાઓ અચાનક ઈનફર્ટાઈલ(વંધ્યીકૃત) બનતી નથી. મહિલાઓ ૫૦ વર્ષથી વધુ વયની હોય તેમણે અસરકારક એવી ગર્ભનિરોધક પદ્ધતિઓ તેમના છેલ્લા માસિક ધર્મ પછી એક વર્ષ સુધી ચાલુ રાખવી જોઈએ અને ૫૦ વર્ષથી નીચેની વયમાં અંતિમ માસિક આવ્યું હોય તો તેમણે બે વર્ષ સુધી ગર્ભનિરોધક પદ્ધતિઓ ચાલુ રાખવી જોઈએ. જો મહિલાઓ તેના અંતિમ માસિક અગાઉ  જ HRT લેવાનું શરૂ કર્યુ હોય તો તેણે તેના ડોક્ટરની સલાહ લેવી જોઈએ કે તે ક્યારે ગર્ભનિરોધક પદ્ધતિ બંધ કરે. HRT ગર્ભનિરોધક નથી.
  • કોરોનરી હાર્ટ ડિસીસ: હૃદયરોગ અને સ્ટ્રોક અંગે કહેવાય છે કે તે ભારતીય મહિલાઓમાં ૨૦-૩૦ ટકા સુધી મૃત્યુનું કારણ બને છે. આ માટેના સરળ ઉપાયોમાં જીવનશૈલીમાં ફેરફાર, સ્વસ્થ આહાર, નિયમીત કસરત, ધ્યાન કરવુ સામેલ છે, જેના દ્વારા તેનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. હાલના અભ્યાસો દર્શાવે છે કે હૃદય રોગ અટકાવવામાં HRT નો રોલ વિવાદાસ્પદ છે.

મેનોપોઝ સંચાલનના કુદરતી ઉપાયો

  • તમારા જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખો.
  • આ સમયાંતરે તમે તમારી સામાજિક અને પારિવારિક જવાબદારીઓમાંથી દેખીતી રીતે મુક્ત હો છો તેથી તમે તમારી કાળજી લેવા માટે વધુ સમય ફાળવી શકો છો. ઓછામાં ઓછું ૩૦ મિનિટ સુધી શારીરિક કસરત દરરોજ કરો જેમકે ઝડપથી ચાલવું, યોગ વગેરે કરી શકાય.
  • આહારઃ તાજાં ફળો અને સલાડ ખાઓ. ચરબીયુક્ત ખોરાક ઓછો કરો. દરરોજ લૉ ફેટવાળું  ઓછા મા ઓછુ ૨૫૦ ml દૂધ પીઓ, જેથી તમને જરૂરી કેલ્શિયમ મળી રહે.
  • સોયાબીન્સમાંથી બનતી પ્રોડક્ટ્સ ખાઓ કેમકે તેમાં ફાયટોએસ્ટ્રોજન્સ હોય છે જેનાથી તમારા મેનોપોઝ સંબંધિત લક્ષણોનો સામનો કરવામાં મદદ મળે છે.
  • જો તમને મેનોપોઝ સંબંધિત અસહ્ય લક્ષણો અનુભવાય છે તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી માટે તમારા ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લો.
  • મેનોપોઝ બાદ દર ત્રણ વર્ષે  હેલ્થ ચેકઅપ જેમા CBC,લીપીડ પ્રોફાઈલ, ડાયાબિટીસ પ્રોફાઈલ, પેપ સ્મિયર અને સ્તન ની ચકાસણી એટલુ તો કરાવવુ જ અને મેનોપોઝ પછી પણ સ્વસ્થ અને આનંદમય જીવન સુનિશ્ચિત કરો.

જ્યારે ઈશ્વર એક દ્વાર બંધ કરે છે તો બીજું દ્વાર ખોલે પણ છે. મેનોપોઝ બાદ ખુદમાં નવી મહિલાનો અનુભવ કરો અને તમારા મેનોપોઝ વર્ષોનો સન્માનપૂર્વક આનંદ લો.

ડો. કેવલ એન પટેલ(યુરોઓન્કોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate