অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તનપાનનું મહત્વ, સમસ્યા અને ઉપચાર

સ્તનપાન નવજાત શિશુનાં આરોગ્ય અને પોષણ બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. માતાનાં સ્તન્યની પૌષ્ટિકતા કુદરતી રીતે વિકસિત થતાં બાળકની જરૂરિયાત મુજબ જળવાઈ રહે છે. જેવો ગર્ભવતી સ્ત્રી બાળકને જન્મ આપે છે કે, થોડા સમયગાળામાં જ નવજાતના પોષણની વ્યવસ્થા કુદરતી રીતે જ માતાનાં સ્તન્ય દ્વારા થઇ જાય છે ! ગર્ભાધાન, વિકાસ, જન્મ અને ત્યારબાદ માતાનાં શરીર દ્વારા જ બાળકનાં પોષણની વ્યવસ્થા! આ આખી પ્રક્રિયા વિજ્ઞાન ભલે અંત:સ્ત્રાવો, જૈવરાસાયણિક ક્રિયાઓની વિગતો દ્વારા સમજાવે, પરંતુ આપણી નજર સમક્ષ સતત ચાલતા કુદરતી ચમત્કારને ભાવનાત્મક દ્રષ્ટિથી અનુભવીએ તો કુદરતની વ્યવસ્થા શક્તિ અને અનુકૂલન વિશે આશ્ચર્ય થાય તેવી ઘટનાઓ છે.

આરોગ્ય અને પોષણનું સાયુજ્ય

માતાનાં ધાવણનાં શરૂઆતનાં તબક્કામાં બાળકને આરોગ્યનું રક્ષાકવચ મળે તેવા વિશિષ્ટ તત્વો હોય છે, તેવું સંશોધનો જણાવે છે. પ્રસૂતિ બાદ સ્તનસ્થિત મેમરીગ્લેંડમાંથી જે સ્ત્રાવ ઝરે છે તેને ‘કોલોસ્ટ્રમ' કહે છે. કોલોસ્ટ્રોમમાં બહુ જ માત્રામાં એન્ટીબોડીઝસિક્રીટરી ઇમ્યુનોગ્લોબ્યુલીન (IgA) હોય છે. જે નવજાતને આંતરડા, ગળુ, ફેફસાં જેવા અવયવોનાં સંક્રામક રોગ સામે રક્ષણ આપે છે. કોલોસ્ટ્રમનાં બંધારણમાં ભરપૂર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિપુલ માત્રામાં એન્ટીબોડીઝ અને લો ફેટ હોવાને કારણે કોલોસ્ટ્રમ ‘સુપરફુડ ફોર બેબી' કહે છે. માત્ર મનુષ્ય જ નહીં પશુઓ ખાસ કરીને તાજી જ વિયાંયેલી-વાછરડાને જન્મ આપેલી ગાયનું દૂધ-બોવાઈન કોલોસ્ટ્રમ પણ તેનાં ઔષધિયગુણોને કારણે આંતરડાનાં-હોજરીના સોજા, ચાંદાનાં રોગ માટે પરંપરાગત રીતે વપરાતું આવ્યું છે.

કોલોસ્ટ્રમમાં રહેલાં શરીરને મદદરૂપ બેક્ટેરીયા નવજાતનાં આંતરડામાં પાચન, શોષણ અને ઉત્સર્જન જેવી ક્રિયાઓમાં સરળતા આણે છે. કોલોસ્ટ્રમ પીવાને કારણે નવજાતે પ્રસૂતિ દરમ્યાન આંતરડામાં એકઠો કરેલો ઉત્સર્જનને લાયક પ્રવાહી, બિલિરૂબીન-મૃત રક્તકોષોનો નિકાલ થાય છે. નવજાતને જન્મ બાદ સૌ પ્રથમ વખત જે મળ આવે છે તેને ‘મેકોનિયમ' કહે છે જેને બહાર કાઢવા માટે જરૂરી રેચકક્રિયા કોલોસ્ટ્રમ દ્વારા થાય છે આમ સ્તન્યનો શરૂઆતનો સ્ત્રાવ નવજાતનાં આરોગ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે.આ ઉપરાંત માતાનાં સ્તન્યની પૌષ્ટિકતા બાળકનાં વિકાસ-પોષણ માટે આવશ્યકતાનુસાર હોય છે. અન્ય કોઇપણ પ્રાણીનાં દૂધ કરતાં માતાનું સ્તન્ય બાળક માટે વધુ ગુણકારી છે. આ ઉપરાંત સ્તનપાનમાં બોટલ, વાટકી-ચમચી જેવા માધ્યમો દ્વારા થતાં સંક્રમણની શક્યતા રહેતી નથી. બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે બાળકની આવશ્યકતા મુજબ માતાનું સ્તન્ય પી શકે છે. આમ સમય અને પ્રમાણ બંનેની અનુકૂળતા જળવાય છે.

થોડા દિવસો પહેલાં ઓસ્ટ્રેલિયન સેનેટર લેરિસા વોટર્સ નામની મહિલાએ પાર્લિયામેન્ટની કામગીરી નીભાવતા પોતાની બાળકીને સ્તનપાન કરાવવાવાળા સૌ પ્રથમ પાર્લામેન્ટમાં બ્રેસ્ટફીડ કરાવનાર મહિલા બન્યા. થયું એવું કે ઓસ્ટ્રેલિયન પાર્લિયામેન્ટમાં લેરિસા વોટર્સ બ્લેક લંગ ડિસિઝ કોલસાની ખાણમાં મજૂરી કરનારાનાં ફેફસાનાં રોગ વિષય પર ભાષણ કરી રહ્યાં હતા. તે સમયે જ તેમની બાળકી ભૂખી થતાં તેઓએ સ્તનપાન કરાવતાં-કરાવતાં તેમની કામગીરી નિભાવી અને સ્ત્રીઓની કર્તવ્ય પરાયણતા અને માતૃત્વનાં સાયુજ્યનું ઉત્તમ ઉદાહરણ બન્યા.

સ્તનપાનમાં થતી સમસ્યા

માતાના સ્તનમાંથી સ્ત્રવતા સ્તન્યની ગુણવત્તાનો આધાર માતાના આરોગ્ય, પોષણ, મનની સ્થિતિ અને આહાર પર આધાર રાખે છે. આથી જ સ્તનપાન કરાવતી માતાએ પૌષ્ટિક ખોરાક યોગ્ય સમયાંતરે લેવો જોઈએ, જેમાં દૂધ, ફળ, સૂકો મેવો, તાજાં શાકભાજી, સલાડ તથા પૂરતી માત્રામાં પાણી લેવું જોઈએ.

માતાને પ્રકૃતિગત કારણોસર આહારમાં ગેરરીતિ થતાં તેની આડઅસર સ્તન્ય પર થાય છે. આથી વાયુપ્રધાન ખોરાકથી વાયુપ્રકુપિત થતાં સ્તન્ય વાયડુ બને છે. પાણીમાં સ્તન્યનાં ટીપાં નાખવાથી પાણી પર તરે છે. જેના પાનથી બાળકને પાચન સબંધિત તકલીફ જેવી કે આફરો ચઢવો, મળ શુષ્ક થઇ જવો, પેટમાં ચૂંક આવવી થતી હોય છે. પિત્તથી દૂષિત થયેલું સ્તન્ય તીખું, ખારું, પીળાશયુક્ત રેસાવાળું બને છે. વધુ પડતાં ખાટા, તીખાં, આથાવાળા, અજીર્ણમાં વારંવાર ખાવાથી પિત્ત પ્રકૃતિની માતાઓના સ્તન્યને પણ આડઅસર થાય છે. આવું પિત્તથી દુષિત સ્તન્ય બાળકનાં આરોગ્ય પર આડઅસર કરે છે. જે સ્તન્ય પાણીમાં નાખવાથી તળિયે બેસી જાય, દૂધ જેવું ઘટ્ટ અને પરપોટાવાળુ હોય તેવું સ્તન્ય કફદોષથી દુષિત થયેલું હોય છે. કફકારક આહાર, કફ પ્રકુતિની માતા દ્વારા કરવામાં આવે ત્યારે સ્તન્યમાં કફદોષની આડઅસર થતી હોય છે. અહીં ખૂબ ટૂંકાણમાં માતાના આહારની સ્તન્ય પર થતી અસર વિશે જણાવ્યું છે. જેથી સ્તનપાન કરાવતી માતાઓએ પોતાને પ્રકૃતિગત આરોગ્ય જળવાય તેવો ખોરાક અને જીવનશૈલીનું મહત્વ જાણવું જોઈએ. બાળકનાં આરોગ્ય અને વિકાસને ધ્યાનમાં રાખી માતાએ પોતાનાં આરોગ્યને પણ મહત્વ આપી કાળજી લેવી જોઈએ.

અનુભવ સિદ્ધ :

સ્તનપાન કરાવતી માતાઓએ શતાવરી ચૂર્ણ, જીવંતી ચૂર્ણ અને સાકર નાંખીને ગાયનું દૂધ નિયમિત લેવું. મેથી, અળવીનની ભાજી સ્તન્ય વધારે છે. જમ્યા પછી પાનમાં સૂવા દાણા મૂકી ચાવીને ખાવાથી આહારથી દૂષિત થતાં સ્તન્યને સુધારી શકાય છે.

સ્તન્ય ઓછું આવતું હોય ત્યારે વિદારીકંદ, આસોંદ અસેળીયો, જીવંતી જેવી સ્તન્યવર્ધક ઔષધિ વૈદની સલાહનુસાર લેવી.

સ્ત્રોત : ડો યુવા ઐયર, ફેમિના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate