অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોના સ્વાસ્થ્યની સંભાળ: પહેલા 1000 દિવસ

આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં એક કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.' આહારને જ ઔષધરૂપ બનાવો. સ્વસ્થ રહેવા માટે માણસે બની શકે એટલો સાત્વિક આહાર લેવો જોઈએ. લોકો જે સ્વાદિષ્ટ લાગે તે આરોગે પછી ભલે આજનું જંક ફૂડ કેમ ન હોય! પણ કુદરતે પેટ ને પણ ખૂબ ઇન્ટેલિજન્ટ બનાવ્યું છે. એ તો બધું અંદર સમાવી લ્યે છે ને પછી યોગ્ય સમય આવ્યે વેર જરૂર વાળે જ છે. શરીરમાં રોગ ઘર કરી જાય છે. આ સ્થિતિ માટે ઘણાં બધા કારણો જવાબદાર છેઃ ખોરાક-અનિંદ્રા-માનસિક બેચેની-સુવા-ઉઠવાની આદતો અને પર્યાવરણ. પણ એ બધામાં ખોરાક સૌથી મહત્ત્વનું પરિબળ છે.
સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન ખોરાક અને પોષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર 'નેશનલ ન્યુટ્રીશન વીક'ની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષે ન્યુટ્રીશન વીક ની થીમ બાળકોના સારા સ્વાસ્થ્ય માટે - પ્રથમ 1000 દીવસ દરમિયાન કુપોષણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા અને યોગ્ય માર્ગદર્શન આપવા પર છે.
આજે કુપોષણ એક જટિલ સમસ્યા બની ગઈ છે. તેનાથી બચવા માટે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ગર્ભવસ્થા દરમ્યાન પોષ્ટિક આહાર, આર્યનની ગોળીઓ, શુદ્ધ આહાર તેમજ રેગ્યુલર સ્વાસ્થ્ય ચેકઅપ જરૂરી છે. દેશમાં હવે સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનું સ્થાન હવે વિભક્ત કુટુંબ વ્યવસ્થાએ તરફ આગળ વધી રહ્યું છે. વડીલોની છત્રછાયાં તળે વટવૃક્ષ જેવા પરિવારોમાં ઉછરતા યુવાનોને માવતરનાં અનુભવનું ભાથુ કામ લાગતુ પરંતુ ધંધા રોજગારને કારણે નાનું કુટુંબ બનીને સ્વતંત્ર આવાસ સાથે જવાબદારી નિભાવતા નવયુવાન દંપતીને ઘરે જ્યારે પારણુ બંધાય ત્યારે વડીલનું માર્ગદર્શન ન મળે તો સગર્ભાવસ્થા અને સુવાવડ બાદ લેવાની કાળજી, સગર્ભા અને ધાત્રી માતાને કેવા પોષક આહાર આપવા તેની જાણકારીની મોટી ખોટ અનુભવાય એ સ્વાભાવિક છે. જીવનના પ્રથમ 1000 દિવસ - સ્ત્રીની સગર્ભાવસ્થા અને તેના બાળકના બીજા જન્મદિવસ વચ્ચેનો જીવનકાળ બાળકના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને વિકાસનો ખુબ મહત્વનો પાયો છે. બાળકને પોષણ મળવાની અને રોગપ્રતિકારક શક્તિ વિકસવાની શરૂઆત માતાની ગર્ભાવસ્થા દરમિયાન જ શરુ થઇ જાય છે. તે માટે માતાનું ગર્ભાવસ્થા દરમિયાન લીધેલો ખોરાક અને પોષણ તેમજ તે અંગે ની સાચી સમજણ હોવી એ અતિઆવશ્યક છે.
ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ માતાની પોષણની જરૂરિયાત સાધારણ અવસ્થા કરતા બમણી હોય છે જેથી માતા તેમજ પરિવારને ખોરાક અને પોષણની સાચી માહિતી હોવી એ બાળક ના વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. આવશ્યક પોષણ અને પોષક તત્વો જેમકે આયર્ન, કેલ્શિયમ, ફોલેટ, વિટામિન્સ વગેરેનું યોગ્ય યોગ્ય પ્રમાણ માતાને મળી રહેવા જોઈએ. બાળકની તંદુરસ્તી માટે તે જરૂરી છે કે તમે ગર્ભાવસ્થા દરમિયાન પોતાની સંભાળ રાખો. સુવાવડ વખતે જોઈતી શારીરિક તાકાત અને માનસિક તૈયારી માટે માતાનું સ્વાસ્થ્ય સારૂ હોય એ ખૂબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે પોષણયુક્ત આહાર, યોગ્ય આરામ, કસરત અને નિયમિત ગર્ભની તપાસ કરાવતા રહેવું જોઈએ. શારિરીક અને માનસિક સજ્જતા નોર્મલ ડિલિવરીનો રસ્તો આસાન કરી દેશે.
ગર્ભાવસ્થામાં પોષણયુક્ત આહાર: ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકનાં સારા સ્વાસ્થ્ય માટે સમતોલ અને વધું ખોરાકની જરૂર રહે છે. પોષણ દ્રવ્યો જેવા કે કાર્બોહાયડ્રેટસ, ચરબી, પ્રોટીન વિગેરેની વધુ પ્રમાણમાં જરૂરિયાત હોય છે, જ્યારે થોડા પોષક દ્રવ્યો જેવા કે વિટામિન, લોહતત્વો, કેલ્શિયમ, આયોડિન વિગેરેની નાના પ્રમાણમાં (સૂક્ષ્મ પોષક તત્વો) જરૂરિયાત હોય છે. પ્રોટીનયુક્ત ખોરાક ગર્ભના વિકાસ માટે જરૂરી છે. જો શક્ય હોય, તો સગર્ભા સ્ત્રીએ, દૂધ, ઇંડા, માછલી, માંસનો ખોરાક લેવો જોઈએ. જો તે શાકાહારી હોય તો, તેણે વિવિધ અનાજ, કઠોળ અને કાજુ-બદામનો ઉપયોગ કરવો. લોહતત્વ બાળકમાં લોહી બનાવવા અને પાંડુરોગને ટાળવા ખૂબ મહત્વનું છે. તેણે ખાંડના બદલે ગોળ લેવો જોઈએ. સગર્ભા માતાએ ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટો, વિવિધ ફળ, લીલા પાંદડાવાળા શાકભાજીનો વધું ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રીના ગર્ભાશયમાં બાળક એક તરલ પદાર્થથી ભરેલી થેલી એમ્નિયોટિક ફ્લયૂડમાં હોય છે. આ પ્રવાહીથી બાળકને ઉર્જા મળે છે. તેથી દરરોજ 10 થી 12 ગ્લાસ પાણી પીવું ખૂબ જરૂરી છે. તેનાથી શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહેશે. લોહતત્વ બાળકના લોહી બનાવવા અને પાંડુરોગને ટાળવા અથવા ઘટાડવા માટે ખૂબ મહત્વનું છે. તેણે ખાંડના બદલે ગોળ લેવું જોઈએ.
રાગી અને બાજરથી બનેલી વાનગીઓ, તલનાં બીજ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ.. કેલ્શિયમ બાળકના હાડકા અને દાંતના બંધારણ માટે જરૂરી છે. કેલ્શિયમનું શ્રેષ્ઠ સ્રોત દૂધ છે. વિટામિન ગર્ભવતી સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે. તેમાં વધુ માત્રામાં, શાકભાજી (ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી) અને ફળ જેમાં ખટાશવાળાં ફળનો પણ સમાવેશ થાય છે, તે ખાવા જોઈએ. ગર્ભાવસ્થામાં હાયપરટેન્શન કે પ્રી-એકલેમસિયાની હાજરીમાં સોજા ઘટાડવા કે અટકાવવા માટે ખાવામાં ઓછુ અથવા નહીવત મીઠું નાખવું. પ્રી-એકલેમસિયા માટે ઉચ્ચ પ્રોટીન આહાર, ખાસ કરીને જયારે પેશાબમાં એલ્બુમિન હોય તે માતાને પોતાના આહારમાં પ્રોટીનની માત્રા વધારવાનો આગ્રહ છે.
દરરોજ હળવી કસરત કરો: કસરત કરવાથી તમે મજબૂત બનો છો. ગર્ભાવસ્થા દરમિયાન તમારૂ વજન વધે છે અને તમારે પ્રસૂતિ વેદના માટે પણ તૈયાર રહેવાનું હોય છે. બાળકના જન્મ પછી પણ તમારા શરીરને ફરીથી સુડોળ બનાવવામાં કસરત મદદ કરે છે. ગર્ભાવસ્થામાં તમે ખોટા વિચારો કરતાં હો તો કસરત તમારી માનસિકતાને પણ તંદુરસ્ત કરે છે. કસરત કરવાથી તમે ફિટ રહેશો અને ડિલિવરી નોર્મલ થશે. બાગ-બગીચામાં ફરવા જાવ. શકય હોય તો ચાલીને જવું. હરવા-ફરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને મન-મગજને શાંતી મળે છે. જો કે લાંબી મુસાફરી ટાળવી જોઈએ. સગર્ભાવસ્થામાં મનગમતું સંગીત સાંભળવાથી પણ ઘણો ફાયદો થાય છે.
ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ માતાની પોષણની જરૂરિયાત સાધારણ અવસ્થા કરતા બમણી હોય છે જેથી માતા તેમજ પરિવારને ખોરાક અને પોષણની સાચી માહિતી હોવી એ બાળકના વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે

0-૬ મહિના સુધી ફકત સ્તનપાન:

  • ૬ મહિના સુધીના શિશુઓને ફકત સ્તનપાન આપો. એક દિવસમાં ઓછામાં ઓછું ૮ અથવા માંગે તેટલી વાર સ્તનપાન આપો. માતાના ધાવણમાં બાળકને 6 મહિના સુધી પોષણ પૂરું પાડવાની ક્ષમતા છે.
  • સ્તનપાન કરતાં બાળકોમાં અપૂરતા પોષણનું પ્રમાણ ઓછું હોય છે. તે ચોખ્ખું અને જંતુરહિત હોવાથી ચેપ સામે રક્ષણ આપે છે.
  • શિશુઓમાં કોલોસ્ટ્રમ (પ્રથમ ધાવણ ) પ્રથમ રસી તરીકે મદદ કરે છે.
  • સ્તનપાન, માતા અને બાળક વચ્ચેનું બંધન મજબૂત બનાવે છે.

૬-૧૨ મહિનાની ઉંમરે પૂરક પોષણ:

  • છ માસ પછી ધાવણ ઉપરાંતનો ઉપરી આહાર બાળકના ઝડપથી વધી રહેલા શારીરીક અને માનસિક વિકાસની જરુરી માંગને પૂરી કરવા ખૂબ જરુરી છે.
  • ઉપરી ખોરાક ચાલુ કરતી વખતે યાદ રાખો કે સ્તનપાન ચાલુ રાખીને ઉપરથી ખોરાક કે દૂધ આપવાનું છે. ઉપરી આહાર સામાન્યતઃ ½-1 વાટકી જેટલો આપવાનો છે. જે શિશુ સ્તનપાન ઉપર હોય તે બાળકને દિવસમાં ત્રણ વખત અને સ્તનપાન ચાલુ ન હોય તેને દિવસમાં પાંચ વખત આવો આહાર આપવો જોઈએ.
  • દિવસમાં 2-3 વાર 2 ચમચી જેટલું પાતળું પ્રવાહી જેમકે સફરજન અથવા દાડમનું જ્યુસ , મગ/દાળ નું પાણી, ભાત નું ઓસામણ વગેરે આપવાનું શરુ કરવું.
  • ઘરના રોજીંદા ખોરાકના મેનુ માંથી બાળક માટે ખોરાક પસંદ કરવાથી ધીરે-ધીરેબાળકને ભાણે બેસાડી એક જ થાળીમાંથી જમતુ કરવાના આપણો પ્રયાસ સરળ બને છે.
  • ઋતુવાર આવતા ફળો બાળક માટે હંમેશા તાજા વિટામીન અને મિનરલ થી ભરપૂર ઈશ્વરદત્તખજાનો છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. કેળા વિશે લોકોમાં ભાત-ભાતની ગેરમાન્યતાઓપ્રવર્તે છે અને શરદી થશે કે ભારે પડ્શે તેવી ખોટી ભ્રમણાથી બાળકોને આ ઉત્તમ કેલરીઅને કેલ્શયમ થી ભરપૂર ફળ થી દૂર રાખે છે જે તદ્દન ખોટુ છે.
  • પોપ્કોર્ન- મમરા-વેફર - ધાણી - બિસ્કીટ વિ. પદાર્થો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ તેમની અંદર યોગ્ય કેલરીનુ પ્રમાણ અન્ય ઘરેલુ ચીજો થી ઓછુ હોય છે એટલે જો બાળક આવો ખોરાકખાય તો પોષણ/ કેલરી ની ખામી સર્જાઈ શકે છે. વળી આ ચીજોનુ પાચન ઘણી વાર બાળકોમાંસમ્સ્યા સર્જતુ જોવા મળે છે.
  • ખવડાવતાં પહેલા હાથ બરાબર રીતે ધુઓ.
  • ખોરાકને બરાબર રીતે મસળી નાંખો અને તાજો જ બનાવીને આપો..

નીચે મુજબના વિકલ્પોમાંથી ઉપરી આહાર આપવો. વિકલ્પો બદલતા રહેવા. (1 વાટકી = 100 gm.)

  • 1/2 થી 1 વાટકી રાબ (બાલભોગ કે ઘઉં ના લોટમાં થી બનાવેલી ).
  • 1/2 થી 1 વાટકી જાડી દાળ માં ભાત ઘી નાખી અને મસળીને.
  • 1/2 થી 1 વાટકી દૂધમાં બનાવેલી ખીર.
  • 1/2 થી 1 વાટકી તાજા ફળ નો રસ.
  • 1/2 થી 1 વાટકી ગળ્યા દૂધમાં પલાળી રોટલી.
  • 1/2 થી 1 વાટકી શીરો (ઘઉંના લોટનો).
  • 1/2 થી 1 વાટકી ખિચડી + દહિં કે દૂધ કે ઘી .
  • 1/2 થી 1 વાટકી બાફેલુ બટેટુ ચોળીને (સ્વાદાનુસર તેલ – મીઠુ નાખી શકાય).
  • 1/2 થી 1 વાટકી તાજુ ફળ કેરી કે કેળુ કે ચીકુ ( પાકુ ) ચોળીને.

૧૨ મહિના થી ૨ વર્ષ :

  • બે વર્ષ કે તેથી વધુ ઉંમર સુધી સ્તનપાન ચાલુ રાખો..
  • ઘરે રાંધેલો ખોરાક દિવસમાં ચાર થી પાંચ વખત આપો. નીચે મુજબના વિકલ્પોમાંથી ઉપરી આહાર આપવો. વિકલ્પો બદલતા રહેવા. 1 વાટકી = 100 gm..
  • 1 થી 11/2 વાટકી રાબ (બાલભોગ કે ઘઉં ના લોટમાં થી બનાવેલી ).
  • 1 થી 11/2 વાટકી ઉપમા.1 વાટકી શીરો.1 થી 11/2 વાટકી તાજા ફળૉ ( કેરી – કેળુ –ચીકુ ).
  • 1 થી 11/2 કપ ગળ્યા દૂધ માં બોળી ભાખરી- રોટલી.
  • 1 થી 11/2 વાટકી ખિચડી + દહિં કે દૂધ + ઘી કે તેલ.
  • 1 થી 11/2 વાટકી રાંધેલા ભાતમાં દહિં નાખીને ( ખાંડ કે મીઠુ સ્વાદાનુસાર ).
  • 1/2 વાટકી(50 ગ્રામ) જેટલી સુખડી.
  • 1 થી 11/2 બાફેલી તુવેર દાળનું પુરણ ( ઘી અને ખાંડ કે ગોળ નાખીને).
  • 1 થી 2 નંગ સીંગ દાણા કે દાળિયાની દાળના લાડુ ( અંદાજે 100 ગ્રામ ).
  • 1 થી 2 નંગ સીંગ દાણા કે દાળિયાની દાળના લાડુ ( અંદાજે 100 ગ્રામ ).
  • 1 બાફેલુ ઈંડુ (ઘરેલુ આહાર પધ્ધતિ મુજબ).
  • બાળક એક- બે વર્ષનું થાય ત્યાં સુધી માં ઘરમાં બનતો વિવિધ ખોરાક તેને ચખાડી દેવો જોઈએ. ઘરના બીજા સભ્યો જમતા હોય ત્યારે સાથે જમવાનું આપવું જોઈએ. જમતી વખતે ટી.વી. અથવા મોબાઈલ ફોન બતાવાની આદત ખોટી છે, આના થી બાળકને ભૂખ સંતોષવાનો સંકેત મળતો નથી અને તે ભૂખ કરતા વધારે ખાઈ લે છે.

૨ વર્ષ થી વધુ:

  • બાળકો થોડી માત્રામાં ખાય છે તેથી તેઓને દિવસમાં પાંચ થી છ વખત રાંધેલો ખોરાક આપો.
  • દર ત્રણ મહિને બાળકનું વજન કરાવવું જોઇએ જેથી દરેક વય જુથ પ્રમાણે તેના વિકાસની ચકાસણી થઈ શકે..
  • નાસ્તો (દિવસમાં ત્રણ વાર કોઈપણ એક આઈટમ).
  • 1 વાટકી ફણગાવેલ કઠોળ ( તેલ-મીઠુ –લીંબુ નાખી સ્વાદાનુસાર).
  • 1 બાફેલુ ઈંડુ / આમલેટ ( ઘરેલુ આહાર પધ્ધતિ મુજબ).
  • 1 વાટકી દૂધપાક કે ખીર.
  • 2 વાટકી ઉપમા.
  • 200 ગ્રામ તાજા ફળૉ ( કેરી – કેળુ –ચીકુ ).
  • 2 નંગ સીંગ દાણા કે દાળિયાની દાળના લાડુ ( અંદાજે 100 ગ્રામ ).
  • એક ગ્લાસ દૂધ (200 મિલી)+ ભાખરી.
  • 1/2 વાટકી(50 ગ્રામ) જેટલી સુખડી.
  • 200 મિલી દૂધ+ 50 ગ્રામ કોર્ન ફ્લેક્સ.
  • જમવામાં (ઘરના મેનુ પ્રમાણે કોઈ પણ ત્રણ આઈટમ દિવસમાં ત્રણ વાર).
  • 3-4 નંગ રોટલી કે 1-2 ભાખરી કે 1 રોટલો.
  • 1/2 વાટકી(50 ગ્રામ) શાક કે દાળ ( જાડી દાળ).
  • 1/2 થી 1 વાટકી (100) ગ્રામ કઠોળ ( મગ-મઠ-ચણા) નું શાક.
  • 1 થી 11/2 વાટકી દહિં.
  • 1 થી 11/2 વાટકી ખિચડી + દહિં કે દૂધ + ઘી કે તેલ.
  • 1 થી 11/2 વાટકી રાંધેલા ભાતમાં દહિં નાખીને ( ખાંડ કે મીઠુ સ્વાદાનુસાર ).
  • 2 વાટકી દૂધ (ગળ્યુ) દૂધ.
  • 1 થી 11/2 વાટકી શીરો.
  • 50-100 ગ્રામ સલાડ (સ્વાદ અને ઉપલ્બ્ધિ અનુસાર) .

માંદગી દરમ્યાન ખોરાક :

  • માંદગી દરમ્યાન બાળકોમાં ખોરાક લેવાનું પ્રમાણ ઘટી જાય છે. તેઓને શક્તિની જરૂરિયાત વધુ હોય તેથી આવા બાળકોને કેટલો અને કેવો ખોરાક આપવો તે અગત્યનું છે.
  • માંદગી દરમિયાન પણ ખોરાક ચાલુ રાખવા માતા ને માર્ગદર્શન આપો.
  • ખોરાકનું પ્રમાણ ઓછું થઇ જાય તો થોડા પ્રમાણ વારંવાર ખોરાક આપવો.
  • સહેલાઇથી પચી જાય તેવો સાદો ઘરે બનાવેલો ખોરાક આપવો જોઈએ.
  • માંદગી દરમ્યાન માતાએ બાળકને વારંવાર સ્તનપાન આપવું.

પહેલી ભટ્ટ . સીનીયર ડાયેટિશિયન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate