অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોના વિકાસ માટે પોષણક્ષમ આહારનું મહત્વ

સંતાનના જન્મ સાથે આવતી સુખ અને સંતોષની લાગણી સાથોસાથ જવાબદારીની ભાવના પણ લાવતી હોય છે. વિભક્ત કુટુંબો, નોકરી-વ્યવસાયને કારણે એકલા હાથે બાળકને ઉછેરતા દંપતિઓ નવજાત શિશુની દેખરેખ અને યોગ્ય વિકાસ માટે ખૂબ ઉત્સુક અને ચિંતિત હોય છે. ચિંતિત રહેવું જરૂરી નથી, પરંતુ ઉત્સુકતા જરૂરી છે. કેમકે જન્મ પછીનો શરૂઆતનાં એક વર્ષ અને પાંચ વર્ષનો સમયગાળો બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે.

શું આપ જાણો છો ?

  • બાળકની લંબાઈ પહેલા પાંચ વર્ષમાં જન્મ સમયેની લંબાઈથી આશરે બે ગણી વધે છે.
  • એક વર્ષના બાળકનું વજન જન્મ સમયનાં વજનથી ત્રણગણું વધે છે. જે પાંચ વર્ષે આશરે પાંચગણું થાય છે.
  • નવજાતનો મગજનો વિકાસ પહેલા પાંચ વર્ષમાં ખૂબ ઝડપથી થાય છે. બ્રેઈન વેઈટ ઝડપથી વધે છે. આથી જ તરતનું જન્મેલું બાળક હેડબેલેન્સ જાળવી શકતું નથી. બાળકને ઊંચકતી વખતે માથાને હાથથી ટેકો આપવો જરૂરી હોય છે. શરીરની સરખામણીમાં મગજનું વજન-વિકાસ ખૂબ ઝડપી હોય છે. શરૂઆતના પાંચ વર્ષના સમયગાળામાં બાળક પોતાની ભૂખ-તરસ જેવા સંવેદનો, બહારના વાતાવરણને, અન્ય વ્યક્તિઓ દ્વારા મળતાં ભાવ-પ્રતિભાવ વગેરેને સંવેદી અને ક્રિયા-પ્રતિક્રિયા આપવા લાગે છે. ભાષા-સંવાદની સમજ, જણાવવાનો પ્રયત્ન વગેરેની શરૂઆત ખૂબ જ પ્રારંભિક અવસ્થામાં શીખવાની આતુરતા-ક્ષમતા નવજાતનાં પ્રારંભનાં મહિનાઓથી શરૂ કરી પાંચ વર્ષ સુધી મહત્તમ હોય છે.
  • મા-બાપ સાથે બેસીને જમતું બાળક ખૂબ ઝડપથી સામાન્ય ખોરાકમાં રસ-રૂચિ લેવા લાગે છે.

વિકાસ માટે જરૂરી ઈંધણ શી રીતે પુરું પાડશો ?

પોતાના પોષણ, રક્ષણ, વિકાસ માટે મા-બાપ, વડીલો પર પરવશ એવા બાળકનાં યોગ્ય વિકાસ માટે જાગ્રતતા જરૂરી છે. જન્મથી લઇ વિવિધ તબક્કે થતાં વિકાસનો આધાર મુખ્યત્વે ૧. બાળકનાં જનીન, ૨. અંત:સ્ત્રાવ અને ૩. પોષણ પર છે.

બાળકનાં ગર્ભસ્વરૂપમાં જ જનીન નિશ્ચિત હોય છે. શરીરનાં તબ્બકાવાર વિકાસની સાથે વિકસિત થતી હોર્મોનલ ગ્લેંન્ડસ અને વિકાસની પ્રક્રિયા માટે યોગ્ય પોષણ જરૂરી છે.

બાળકનો વિકાસ યોગ્ય રીતે થઇ રહ્યો છે કે નહીં તે માટે તેની લંબાઈ, વજન અને અમુક વયે તેનાં હાડકામાં થવા જોઈતા વિકાસથી જાણી શકાય છે. કિશોરાવસ્થામાં પ્રવેશતાં બાળકોમાં જાતિ આધારિત ખાસ શારીરિક ફેરફાર જેમકે કિશોરીમાં સ્તનનો વિકાસ, શરીરના અંગોમાં માર્દવતા, માસિકની શરૂઆત તો કિશોરોમાં દાઢી, મૂંછ, બગલમાં વાળ ઉગવાની શરૂઆત, અવાજ ભારે-ઊંડો થવો, ચરબીમાં ઘટાડો થઇ શરીર વધુ માંસલ બનવું વગેરે. સાહજિક રીતે ચાલ્યા કરતી જૈવરાસાયણિક ક્રિયાઓની યોગ્યતાનો મોટાભાગનો આધાર બાળકનાં પોષણ પર હોય છે. આથી જ તત્વો ધરાવતો ખોરાક નિયમિત અંતરાલે બાળકને આપવો જરૂરી છે.

બાળકને ખોરાક-પોષણનું મહત્વ શીખવો

બાળક જમતું નથી, જમવાનાં સમયે વધુ વાતો કરે છે, જમતાં જમતાં રમે છે, અમુક ખોરાક તો ખાતું જ નથી, શાક-દૂધ-ફ્રુટથી દૂર ભાગે છે – આવી અનેક ફરિયાદ બાળકોનાં મા-બાપ કરતાં હોય છે.

બાળકોનાં કૂમણા મનને ડરાવી-ગુસ્સો કરી લાલચ આપી જમાડવાને બદલે ખોરાક અને પોષણ વિશે તેમનાં કુતુહલ અને નવું જાણવાની આતુરતાથી છલકાતાં મનને પ્રોત્સાહન આપો. આ માટે બાળકનાં જમવાનાં સમયગાળાની લંબાઈ વધી શકે છે. બાળકને જમાડતી વખતે મમ્મી-પપ્પાએ ફોન ચેક કરવો, ટી.વી. જોવું, છાપું-મેગેઝિન વાંચવા જેવી પ્રવૃત્તિ ટાળવી. બાળકને એકચિત્તે આવશ્યક સંવાદ, ધીરજ અને અનુકંપાથી જમાડવું. બાળકનાં ટેસ્ટને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તેઓને પણ ભાવાભાવ હોય છે. આથી બાળકનાં ખોરાક રાંધતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવી. સામાન્ય રીતે લીલા શાકભાજી ન ખાતું બાળક સ્ટફ્ડ પરોઠામાં શાકભાજીનો વિરોધ નહીં કરે. ફ્રુટ ન ખાતાં બાળકને પરોઠા-થેપલાનો લોટ બાંધતી વખતે મોણને બદલે પાકું કેળું ભેળવી થેપલાં કે પરોઠામાં કેળું ભેળવી ખવડાવી શકાય છે. ડ્રાયફ્રૂટસ જેમકે બદામ, અખરોટ, કાજુ, એલચીને ઝીણો પાવડર કરી ખજૂર-અંજીર પલાળી પેસ્ટ બનાવેલા લીક્વીડમાં ભેળવી દુધ સાથે થોડો કોકો પાવડર ભેળવી ટેસ્ટી ડ્રિંક્સ બનાવી પીવડાવી શકાય છે. દૂધ ન પીતા બાળકોને રૂમ ટેમ્પરેચરનાં દહીંથી બનાવેલા દહીંભાત, રાયતું જેમાં દહીં સાથે બાફેલું બટેકું, ઝીણા ખમણેલા ગાજર-કાકડી, સિંઘવ-સાકર ઉમેરી ખવડાવી શકાય છે. આમ બાળકની રૂચિને અનુરૂપ ખોરાકનું આયોજન કરવું.

મા-બાપ સાથે બેસીને જમતું બાળક ખૂબ ઝડપથી સામાન્ય ખોરાકમાં રસ-રૂચિ લેવા લાગે છે.

પાચન શક્તિ – ઈમ્યુનીટી જાળવવા શું કરવું ?

  • સિઝનલ બિમારીઓ, ઇન્ફેકશન વગેરેથી બાળકો જલ્દી બીમાર થતાં હોય છે. આથી, .
  • ઘરની સફાઈ, બાળકોની ચીજવસ્તુઓની સફાઈ, બાળકનાં હાથ-નખની સફાઈની ચીવટ જરૂરી છે..
  • બાળકને ન્હાવડાવીને ભીના માથે હવા લાગે તે રીતે પંખા, એરકન્ડીશન મશીનની હવા ન લાગે તે જોવું..
  • બાળકોનાં દાંત-મ્હોંની સફાઈ સવારે-રાત્રે સૂતા પહેલા જરૂરી છે..
  • ભૂખ ન લાગી હોય, ખાવા તરફ અનિચ્છા કરતાં બાળકને પરાણે ન જમાડવા. અપચો-ઝાડા, તાવ, શરદી જેવી બિમારી દરમ્યાન પચવામાં સરળ હોય તેવી પ્રવાહી વાનગી જેમકે ફળનાં રસ, રાબ, દાળનું વઘારેલું પાણી, વેજી સૂપ આપવાથી પાચનશક્તિ વધશે. અજમો, જીરૂ, મરી, સંચળ, હિંગ, લવિંગ જેવા હાથવગા મસાલાનો પારંપરિક, સુઝથી વાનગીમાં ઉપયોગ કરવો.
  • વારંવાર કબજીયાત રહેતી હોય તેવા બાળકોને હરડે, દિવેલ, વૈદકિય સલાહથી આપવું. સૂકી કાળીદ્રાક્ષ, સૂકા જલદારૂ, કેળા, ચીકુ, પપૈયા જેવા ફળો તથા પાલક, મેથી જેવી ભાજીનાં પરોઠા, પૂરી ખવડાવી શકાય.
  • શારીરિક પ્રવૃત્તિ કરતાં, દોડા-દોડી કરતાં, રમતાં બાળકોને સમયાંતરે પાણી પીવાની ટેવ પાડો.
  • વાવડિંગ, સૂંઠ, હરડે, વિરીયાળી, કાંકચા જેવા સાદા ઔષધોથી નાની-મોટી બીમારીઓના ઉપચાર થઇ શકે છે. વારંવાર એન્ટીબાયોટિક, એન્ટીહિસ્ટામિનીક દવાઓનો જાતે જ ઉપયોગ કરવાથી બાળકની ઇમ્યુનિટી ઘટે છે. .

અનુભવ સિદ્ધ

  • તંદુરસ્ત સંતતિ ઈચ્છતા દંપતિઓએ ગર્ભાધાન પહેલાં જ હેલ્ધી લાઈફસ્ટાઈલ – ખોરાક અપનાવવો..
  • ગર્ભ રહ્યાં પછી પૌષ્ટિક તેમાં પણ લીલા શાકભાજી અને ફળોયુક્ત માઈક્રોન્યુટ્રિયન્સ યોગ્ય પ્રમાણમાં મળે તે રીતે આહાર લેતી માતાઓનાં બાળકની લંબાઈ, વજન અને હેડસર્કમ્ફરન્સ સામાન્યથી થોડા વધુ હોય છે તેવું સાબિત કરતાં અનેક સંશોધનો થયા છે. આયુર્વેદે આથી જ ગર્ભિણીનાં ખોરાક અને ચર્યા વિશે વિગતે જણાવ્યું છે. .
  • સંતાનના જન્મ સાથે આવતી સુખ અને સંતોષની લાગણી સાથોસાથ જવાબદારીની ભાવના પણ લાવતી હોય છે. વિભક્ત કુટુંબો, નોકરી-વ્યવસાયને કારણે એકલા હાથે બાળકને ઉછેરતા દંપતિઓ નવજાત શિશુની દેખરેખ અને યોગ્ય વિકાસ માટે ખૂબ ઉત્સુક અને ચિંતિત હોય છે. ચિંતિત રહેવું જરૂરી નથી, પરંતુ ઉત્સુકતા જરૂરી છે. કેમકે જન્મ પછીનો શરૂઆતનાં એક વર્ષ અને પાંચ વર્ષનો સમયગાળો બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે.

સ્ત્રોત : ફેમિના, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/22/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate