অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતીય જળયોદ્ધાઓ : જેઓ જળ માટે બધું કરી છૂટ્યા

ભારતીય જળયોદ્ધાઓ : જેઓ જળ માટે બધું કરી છૂટ્યા

ગુજરાતના જળવીરોની વાતો તમે લોકસંવાદના માધ્યમથી જાણી હશે. સાથે જ, દેશના ખૂણે ખૂણે જળ માટે જિંદગીભર ઝઝૂમેલા અને ઝઝૂમી રહેલા જળયોદ્ધાઓને ઓળખવા જેવા છે. તિરંગાના રંગે રંગાયેલા આવા કેટલાક જળયોદ્ધાઓની નાનકડી ઝલક.

અનિલ અગ્રવાલ

જલસ્વરાજ આંદોલનનું નામ પડે અને આંખ સામે અનિલ અગ્રવાલનો ચહેરો અને તેમના વિચારો આવી જાય. જળસંચય માટે તેમણે આદરેલાં કામો આજે દિશારૂપ બની રહ્યાં છે. જળસંચયની પરંપરાગત પદ્ધતિઓને તેમણે સામાન્યજન માટે આવતીકાલ માટે પાણીની કાયમી ચાવી બનાવી. પીવાના પાણીના ક્ષેત્રે નવીનતાઓ અપનાવવામાં  તેમનો બહુ મોટો ફાળો છે.  આજે અનિલજી હયાત નથી પણ તેમણે કરેલાં કામોની સુગંધ દેશના ખૂણેખૂણે પ્રસરી રહી છે. તેઓ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટના સ્થાપક હતા.

અણ્ણા હજારે

આ નામને કોઈ ઓળખાણની જરૂર નથી. લશ્કરના જીપ ડ્રાઈવરથી માંડી મેગ્સેસ પુરસ્કાર વિજેતા સુધીની સફર ખેડી ચૂકેલા અણ્ણા હજારે ગ્રામીણ વિકાસના સ્વપ્નદ્ષ્ટા છે. લોકોની ભાગીદારી વડે ગ્રામીણ વિકાસનું બીજું નામ એટલે અણ્ણા હજારે. ગાંધીવાદી હજારે જળસંચય માટે ખૂબ જ ભાર મૂકે છે. શિક્ષણ અને મહિલાઓની ભાગીદારી થકી પાણી બાબતે જાગ્તિ આવશે એવું તેઓ માને છે. મહારાષ્ટ્રના રાલેગાન સિદ્ધિને એમણે જળ થકી વિકાસનો આદર્શ નમૂનો બનાવ્યો છે.

અનુપમ મિશ્રા

ગાંધીવાદી અને પર્યાવરણવાદી મિશ્રા દેશના ગણ્યાગાંઠ્યા નિષ્ણાતોમાંના એક છે. તેમણે હંમેશાં જળસંચયની પરંપરાગત પદ્ધતિઓને પ્રાધાન્ય આપ્યું છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમાં લોકોને પ્રોત્સાહિત કરી તેમણે જળસંચયની કામગીરીમાં લોકોને સામેલ કર્યા છે. તેઓ હંમેશાં ગ્રામીણ વિસ્તારોમાં ફરી લોકો પાસેથી જળસંચયની રીતો વિશે વાતો કરે છે અને તેને અમલમાં મૂકી લોકો દ્વારા જ તેને સફળ બનાવે છે.

પ્રોફસર એ. વિદ્યાનાથન

દક્ષિણ ભારતમાં પાણીની વાત આવે એટલે તરત જ પ્રોફેસર વિદ્યાનાથનનું નામ આવે. તેઓ જાણીતા કષિ વૈજ્ઞાનિક છે. હાલમાં તેઓ તમિલનાડુ યુનિટ ઓફ ધી નેશનલ વોટર હારવેસ્ટર્સ નેટવર્કના ચેરપર્સન છે. દક્ષિણ ભારતમાં પાણીની તંગી ભોગવતા લોકોએ કેવી રીતે સમસ્યામાંથી છુટકારો મેળવ્યો તે અંગે પ્રોફેસરે કરેલું સંશોધન દરેકને કામ આવે તેવું છે. તેમનો ફાળો નાનોસૂનો નથી.

અશ્વિની ભિન્ડે

૨૦૦૧માં નાગપુર જિલ્લાના લોકોએ સ્થાનિક તંત્ર સાથે હાથ મિલાવી ૧૧,૦૦૦ અબજ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કર્યો. એ પણ કોઈ કિંમત વગર. ત્રણ મહિના ભોગવવી પડતી પાણીની તંગી નિવારવાની કામગીરીની સફળતાનો શ્રેય જો કોઈને આપવો ઘટે તો તે છે, અશ્વિની ભિન્ડે. તેઓ આઈએએસ અધિકારી છે. એક સંસ્થાના સૂચનને મહત્ત્વનું ગણી તેમણે વરસાદી પાણી સંગ્રહને અભિયાનનું રૂપ આપી દીધું હતું. બંધ બનાવી વરસાદી પાણીને સંઘરવામાં આવ્યું હતું.

બી. બી. હરદીકર

આપણે બોરવેલ કરવાની કોઈ જ જરૂર નથી. આપણે વધુ ને વધુ આકાશી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આવું માનનાર ભીમા ભાટ હરદીકર કર્ણાટકના એક ખેડૂત છે. તેમણે ત્રણ વરસ વરસાદી પાણીના સંગ્રહ દ્વારા સાબિત કરી બતાવ્યું કે વરસાદી પાણીથી તમારી પાણીની દરેક જરૂરિયાતો સંતોષી શકાય છે. તેમણે પોતાના ખેતરમાં પાણી સંગ્રહ કરવાનું શરૂ કર્યું. નજીકના ખેતરોમાંથી પાણી તેમની તરફ આવે તેવું આયોજન કર્યું. આજે તેઓ વરસાદી ખેડૂત તરીકેની ઓળખ ધરાવે છે.

ભૂપાલ સિંહ

ઉત્તરાંચલના રાયપુર વિસ્તારના ભૂપાલસિંહે માઈનિંગ (ખાણ ખોદવાની) સામે જ જંગ નહોતો ચલાવ્યો પણ જળ અને જંગલના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ૮૦ના દાયકા સુધી આ વિસ્તારમાં પાણીની રેલમછેલ હતી પણ ધીરે ધીરે માઈનિંગના કારણે પાણીનાં સ્તર સતત નીચે જતાં ગયાં. જેની અસર જંગલ પર પણ દેખાવા લાગી.

બારેમાસ વહેતી નદી સૂકાવા લાગી. ગામલોકોને માઈનિંગમાં કામ મળતું હોવાથી ફરિયાદો પણ થતી નહોતી. પણ એક યુવાને આંદોલન આદર્યું જેમાં સુંદરલાલ બહુગુણાનો પણ ટેકો મળ્યો. આખરે અદાલતે માઈનિંગ કરવા સામે રોક લગાવી દીધી.

 

ચેવાંગ નોરફેલ

લદાખના ચેવાંગ નોરફેલ માને છે કે દરેક પ્રશ્નોનું મૂળ પાણીમાં હોય છે. ઘણાં સ્થળોએ પાણી ના હોવાના કારણે સમસ્યાઓ થાય છે અને ઘણી જગ્યાએ પાણીના બગાડના કારણે. લદાખમાં એવરેજ વરસાદ ૫૦ મિ.મી. પડે છે. પાણીનો સ્રોત માત્ર ગ્લેશિયર હોય છે. એ ક્યારે પીગળે અને ક્યારે પાણી ગામોમાં જાય. આ પાણીને સંઘરીને કામ ચલાવવું પડે. ચેવાંગે સૂચવ્યું કે કૃત્રિમ ગ્લેશિયર ઊભા કરવામાં આવે. ડેમ બનાવવામાં વધુ રકમ ખર્ચાઈ જાય છે. તેણે ગ્લેશિયરના પાણીના રૂટને એ રીતે બનાવ્યો કે તે સૂર્યપ્રકાશ ન પડતો હોય તેવી જગ્યાએ જમા થાય. પાઈપો ગોઠવી દીધી જેમાં પાણી જમા થાય અને બરફ થઈ જાય. જેના દ્વારા ગામલોકોને જરૂરિયાત મુજબ પાણી મળતું થઈ ગયું. તેઓ હાલમાં વોટરશેડ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે.

ગણેશન

મદુરાઈ જિલ્લાના એક નાનકડા ગામના પાણી પુરવઠાની જવાબદારી સંભાળે છે ગણેશન. એ માને છે કે પાણી વ્યવસ્થાપન સામાજિક જવાબદારી છે. તે બહુ સારી રીતે જાણે છે કે પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. ગામના દરેક જણને પૂરતાં પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા તેણે ઘણાં વરસોથી સફળ રીતે સંચાલિત કરી છે. આર્થિક રીતે નબળા હોવાના કારણે તે આ જવાબદારીની સામે ગામલોકો પાસેથી ભાત મેળવે છે. ગણેશન આજે ગામની મિલકત બની ગયા છે.

લક્ષ્મણસિંહ

જયપુર નજીકના એક ગામ લપોરીયાના વતની લક્ષ્મણસિંહે ગામમાં કાયમી જળ સલામતીની દિશામાં કામગીરી કરી છે. આ ગામમાં ચૌકા સિસ્ટમ જાણીતી બની છે જેમાં ખેતરમાં વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ઉનાળામાં પણ લીલોતરી જાળવી રાખી છે. ખેતરોમાં જમા થતું પાણી ઉભરાઈને નદીઓમાં પણ જાય છે જેના કારણે પાણીનાં તળ ઊંચાં આવ્યાં છે.

લેખન : દીપક જાદવ

સ્ત્રોત: જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate