অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણીનું આધ્યાત્મિક મૂલ્ય

પાણીનું આધ્યાત્મિક મૂલ્ય

પાણી એ વિકાસની ગુરુ ચાવી છે. વૈશ્વિકરણના આજના સમયમાં વિશ્વ સ્તરે આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાણીનું મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું છે, પણ દરેક માણસ પાણીનું મહત્ત્વ અને મૂલ્ય સમજે, સ્વીકારે અને વહેવારમાં તેનો અમલ કરે તે અતિ જરૂરી છે અને એ ત્યારે જ શકય બને કે પાણીનું ધાર્મિક- આધ્યાત્મિક મહત્ત્વ અને મૂલ્ય માણસ સમજતો-સ્વીકારતો થાય. અમૃતસમા આ પાણીની ઉત્પત્તિ, તેનું સ્વરૂપ, તેના ગુણધર્મો વગેરે વિગતો સમજીએ.

બ્રહ્મ સર્વ સમક્ષ સર્વત્ર વ્યાપ્ત છે

જલ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી એ મહાભૂતો, વિશાળ ધરતી, આ લોક-લોકાંતર, વન-પર્વત,વનસ્પતિ વગેરે બધા જ પાર્થિવ ભૂતો ઈશ્વરની વિદ્યમાનતા બતાવે છે. ઈશ્વર-બહ્મા સર્વત્ર, સર્વ સમયે, સર્વમાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ રૂપમાં રહેલ છે. તેમાંય જલ મહાભૂતમાં વિદ્યમાન રહેલ ઈશ્વર, બ્રહ્મને સમજવાનું સૌથી વધુ સરળ અને સહેલું છે અને એટલે જ પાણીને સૌથી વિશેષ મહત્ત્વ અપાય છે. આ જલ મહાભૂતની રચના પણ જાણવા જેવી છે.

 

જલ મહાભૂતનો રચના ક્રમ

જ્યારે આકાશી પરમાણુને મળે છે ત્યારે તેનામાં ગતિરૂપ ધર્મ પેદા થાય છે. પછી તે બન્ને પરમાણુઓ અગ્નિના પરમાણુને મળે છે ત્યારે ઉદ્યમ ગતિ પેદા થાય છે અને આ ત્રણેય પરમાણુઓ આકાશ મંડળમાં જલના પરમાણુને મળે છે ત્યારે ગુરુત્વ (ભાર) નો ધર્મ પેદા થાય છે અને આ ચારેયને પૃથ્વીના પરમાણુ મળે ત્યારે તે બધા નીચે આવી ધરતી પર સ્થિર થાય છે અને આ પાણીનું ભૌતિક રૂપ ધારણ કરે છે. પાંચ મહાભૂતોમાં સૌથી વિશિષ્ટ અને પ્રાણી માત્રના પ્રાણ ટકાવી રાખનાર અમૃત સમાં પાંચ સ્વરૂપો અને દશ ગુણધર્મોવાળું આ જલ મહાભૂત  એ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપાસનાનો પણ વિષય છે. પાણીના આ ગુણધર્મો કેવા છે તે જોઈએ.

 

પાણીનું પ્રથમ રૂપ

સૃષ્ટિની રચનામાં પાણી પૃથ્વીની પહેલાં ઉત્પન્ન થનાર ચોથા નંબરની પરિણામ અવસ્થા છે. પહેલાં અગ્નિ ઉત્પન્ન થયેલ છે, ગંધ અને રસ ઉપરાંત અગ્નિ, વાયુ અને આકાશનાં આ તત્ત્વો ઉત્પન્ન થયાં. પૃથ્વીનું સ્થૂલ સ્વરૂપ અત્યંત સ્થૂળ હતું. પૃથ્વીને કોઈપણ રૂપ આપી શકાતું. પણ પાણીને તો આધાર વગર ઉઠાવી પણ ન શકાતું. કળશ કે બાલ્ટી જેવા પાત્રથી જ પાણી ઉઠાવી શકાય છે. પૃથ્વી સ્થૂળ છે, પાણી સૂક્ષ્મ છે, પાણીની સૂક્ષ્મતાને કારણે પૃથ્વીના કણ કણ ભેગા થઈ,પૃથ્વીને આકારવાળી અને સર્વભોગ્ય બનાવી છે.

 

પાણીની સૂક્ષ્મતા

સૂક્ષ્મતા પાણીનો પહેલો ધર્મ છે, એથી પાણી પૃથ્વીમાં પ્રવેશી શકે છે. પાણી સૂક્ષ્મતાના કારણે જ ફળ, વનસ્પતિ, વેલીમાં પ્રવેશી એને સજીવ જેવી બનાવે છે. સૂક્ષ્મતાના કારણે પૃથ્વીમાં નદી, નાળાં,કૂવા, ઝરણાં, સ્ત્રોત વગેરેનું નિમિત્ત પાણી જ બને છે. સૂક્ષ્મતાના કારણે જ વસ્ત્રોના કણ-કણમાં પ્રવેશી મેલને દૂર કરે છે.

પાણીના સૂક્ષ્મતાના ગુણને કારણે જ તે વનસ્પતિ, જીવજંતુઓ અને મનુષ્યના શરીરમાં પહોંચી વાળથી પણ સૂક્ષ્મ નસો અને રોમ-રોમને જીવિત રાખે છે. માણસના શરીરના માંસ, કોષોમાં પ્રવેશી માનવ દેહને ઉજ્જ્વળ રાખે છે. સૂક્ષ્મતાના કારણે જ શરીરની બહાર પરસેવાના રૂપમાં નીકળે છે. સૂક્ષ્મતાના કારણે ઔષધિના સ્વરૂપે પાણી રોગીને સાજા કરે છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપે સમગ્ર બ્રહ્માંડમાં, કણ કણમાં જલ તત્વ વ્યાપેલ છે.

 

પાણીનો સ્નેહ ધર્મ

ઈશ્વરના સાંનિધ્યથી  ચેતનવંતા બનેલા જલમાં સ્નેહ ગુણ પ્રગટે છે. ભૂમિ અથવા એનાથી બનેલા પદાર્થોને ચીકણા કરવા, નરમ કરવા, એમની શુષ્કતાને ઘટાડવી કે સ્નિગ્ધતા ઉત્પન્ન કરવી એ જળનો ધર્મ છે. નદીના પાણીમાં ખડકાળ પથ્થર પાણીની સતત પછડાટ ખાઈને સુંદર બને છે. કાચ અને સંગેમરમરમાં પાણીના સ્નેહગુણની સ્નિગ્ધતા છે.

 

પાણીનો મૃદુતા ગુણ

પૃથ્વી અને એના પદાર્થમાં જે કોમળતા છે તે જળના મૃદુરૂપ ગુણના યોગથી આવી છે, નહીં તો પૃથ્વીનો સ્વાભાવિક ગુણ તો શુષ્કતા છે. કઠોરતાનો અભાવ કરી, મીઠાશ ઉત્પન્ન કરી, ધરતીમાં પજની યોગ્યતા સર્જે છે જળ. એ એટલું કોમળ છે કે ગમે તે વસ્તુમાં પ્રવેશી જાય છે, મોટામાં મોટા પથ્થરો કે પાતળામાં પાતળું તણખલું કેમ ન હોય. જે જોડાણ કરે તેમાં મૃદુતા હોવી જ જોઈએ. મૃદુતા વગર બે વસ્તુને જોડી ન શકાય.

એટલા માટે સૂકી અને ભૂખરી માટી પાણીમાં જતાં જ પાણીનો કોમળતાનો ગુણ ધારણ કરે છે. મીઠું અને ખાંડ પાણીની મૃદુતાને કારણે મૃદુ બની જાય છે ને પાણીનું રૂપ ધારણ કરે છે. આમ, પાણી બધે જ પહોંચી જાય છે.

 

પાણીની પ્રભા કેવી છે

જળનો મહત્ત્વનો ગુણ ચમક ઉત્પન્ન કરવાનો છે. મનુષ્ય, પશુ-પક્ષી વગેરે પાણીમાં સ્નાન કરે છે,તેથી તેમના શરીરમાં આભા ઉપસે છે. પર્વતો પર જોમેલા બરફ પર સૂર્યનાં કિરણો પડે તો તેની ચમક એટલી તીખી છે કે આપણી દૃષ્ટિ ટકી ન શકે. હિમાલયના બરફથી આચ્છાદિત પર્વતો એટલા માટે જ ચમકે છે. ધરતીમાં જેટલા ચમકીલા પદાર્થો છે તેમાં પાણીનો પણ સમાવેશ થાય છે. વનસ્પતિ, અન્ન, ઔષધ વગેરે વરસાદના કારણે લીલાં બને છે. જલની પ્રભા અગ્નિની પ્રભા કરતાં જુદી છે. જળની પ્રભા (ક્રાંતિ) આંખો અને હૃદયને શાંતિ આપે છે. ચંદ્રમાંની ચાંદનીમાં તો જળની પ્રભા અત્યંત પ્યારી અને મનોરમ્ય છે.

 

પાણીની શુભ્રતા (ધવલતા)

જળનો સ્વભાવ સફેદાઈ છે. પાણીનો નીલો રંગ, આકાશના પ્રતિબિંબથી જોવા મળે છે. જળ સફેદ હોવાને કારણે બધા મેલને ધોઈ નાંખે છે. અન્ય પાર્થી રંગોના મળવાથી પાણી તેના જેવા રંગનું બને છે અને અન્ય વસ્ત્રોને રંગવાના કામ આવે છે. જ્યારે સૂર્ય-કિરણો પાણી પર પડે છે ત્યારે તો સાત રંગ પોતાની અલગ આભા ઊભી કરે છે. પાણીની શુભ્રતાના કારણે જ વરસાદમાં જોવાનું બંધ થઈ શકતું નથી. આથી પાણીની શુભ્રતા એક વરદાન સિદ્ઘ થાય છે.

 

પાણીનો શીતળતાનો ગુણ

મનને શાંતિ આપે એવો પાણીનો એક ગુણ શીતળતા છે. પાણીની શીતળતા જીવન તત્ત્વની રક્ષિકા, પોષિકા છે. જો પાણીમાં શીતળતા ના હોત તો અગ્નિની ગરમી બધાં તત્વોને બાળીને ભસ્મીભૂત કરી દેત. પાણીની શીતળતા, બરફમાં પામીને પૂર્ણ રૂપમાં વિકસિત થયેલ છે. શીતળ જળ શરીરમાં પહોંચતાં જીવન સંચાર કરે છે ગમે તેવા ઠંડા પ્રદેશમાં પણ જીવન માટે પાણીની માંગ છે. ઠંડકમાં વસ્તુ બગડતી નથી. પાણીની ઠંડક જ માનવ, વનસ્પતિ વગેરેના અગ્નિદાહને અવરોધી જીવનનો સંચાર કરે છે.

 

પાણીનો સંમેલન ગુણ

સંમેલન ગુણ વિના પૃથ્વી સંધાન થઈ જ શકે નહીં. પાણી વિના રેતીના આકારમાં, કણ-કણમાં જ રહેત. જળનો સંધાનનો ગુણ પૃથ્વીના તત્ત્વોને જોડી રાખે છે. એથી જ પાણીનું સિંચન કરવાથી પૃથ્વી લીલીછમ બની રહે છે. જ્યાં વરસાદ નથી તે પ્રદેશ રણ કે મરૂભૂમિ બની રહે છે. પૃથ્વીને જીવતી રાખવામાં પાણીનો સંધાન ગુણ જ ઉપયોગી છે. જળના સંધાન ગુણથી જ આપણી ભૂમિ પર સમુદ્રો અને હિમાચ્છાદિત પર્વતો છે. બધા જ આકાર-પ્રકારનું ભાવિ અને વર્તમાન સૃષ્ટિનું જળ છે.

 

પાણીનો પવિત્રતાનો ગુણ

પાણીનો પવિત્રતાનો ગુણ એવો છે કે તમામને શુદ્ઘ કરે છે. વૃક્ષ, વનસ્પતિ, ઔષધિ, ફળ વગેરે વરસાદી પાણીથી ધોવાઈને શુદ્ઘ થાય છે. ઘરો, વૃક્ષો, પાત્રો વગેરેને પાણી દ્વારા જ શુદ્ઘ કરાય છે. જળની પવિત્રતા, અગ્નિની પવિત્રતાથી વિલક્ષણ છે. અગ્નિ કેવળ માટી, ધાતુને પવિત્ર કરે છે, પરંતુ સાથે સાથે કંઈકને બાળે છે. જ્યારે જળમાં ધોવાથી નથી કશું નીકળતું કે નથી ઉમેરાતું. વરસાદનું પાણી દરેક જગ્યાનો મેલ વહાવીને બહાર ફેંકે છે. શરીરમાં લોહી શુદ્ઘ કરવાનું પાણી દ્વારા શકય બને છે.

શરીરનો કચરો પરસેવા કે મૂત્ર દ્વારા જ બહાર નીકળે છે. પૃથ્વી પરની ગંદકી લઈને પાણી જમીનમાં જાય છે અને ફરી પવિત્ર બનીને પાણી કૂવા, ડંકી, બોર દ્વારા બહાર આવે છે કે આકાશમાં ઉડી વરસાદના રૂપમાં આવે છે. પાણી પોતે તો પવિત્ર છે, પણ બીજાને પવિત્ર બનાવે છે. ભારતમાં ગંગા, આરબમાં`આબે, ઈંગ્લેન્ડમાં ફાધર થોમ્સ, મિસરમાં નાઈલ, રશિયામાં વોલ્ગા નદીઓ દુનિયાની પવિત્ર નદીઓ ગણાય છે. માણસમાં જન્મથી મૃત્યુ પર્યંત સારા-નરસા દરેક પ્રસંગે પાણી અનિવાર્ય છે. ધાર્મિક ક્રિયાકાંડથી માંડીને યુદ્ઘોના મેદાનમાં પણ પાણીની હાજરી અતિ અનિવાર્ય છે.

 

પાણી દ્વારા સર્વ સમયેસર્વત્રસર્વની રક્ષા થાય છે

આ પાણી, પ્રાણીમાત્રની અનિવાર્ય જરૂરિયાત છે. બધાં પ્રાણીઓની તરસ  છિપાવી, જીવનની રક્ષા પાણી જ કરે છે અને તેથી જ “જળ એ જ જીવન” એમ કહેવાય છે. પૃથ્વી પર કૂવા, તળાવ, નદી,સમુદ્રના રૂપમાં રક્ષાનું સાધન બને છે. આકાશ દ્વારા વરસાદના રૂપમાં ઉપકારક બને છે.

 

જળ એ ઈશ્વરની વિશાળ મૂર્તિ છે

જળ એ જીવન  હોવાથી તથા પાણીનું આધ્યાત્મિક, ભૌતિક અને સામાજિક મહત્ત્વ જોતાં ભગવાનની વિશાળ, વ્યાપક, જીવંત મૂર્તિ અને મંદિર આ પાણી જ હોય તેવું નથી લાગતું?ભગવાનની સીમાને મંદિરમાં, મૂર્તિઓમાં, ગોમુખથી ગંગા સુધી, મસ્જિદોમાં અને ગીરજાઘરોમાં,ગુરૂદ્વારામાં અને ઉપાસનાલયોમાં જ સીમિત કરી દેવી ન જોઈએ. પ્રાર્થનાઓનાં જેટલાં પણ પ્રતીકો ગણાય છે એ બધાં તો  માનવીએ નિર્માણ કરેલાં છે.

એનાથી આગળ વિચારો, ઉપર ઊઠો. ભગવાને નિર્માણ કરેલ જલને કર્મ, જ્ઞાન અને ઉપાસનાનો વિષય બનાવીએ ત્યારે જ ભગવાનની મહાનતા અને અનંતતાનો ખ્યાલ આવી શકે. જલ મહાભૂતનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે.

 

જળ પ્રાણ તત્ત્વ છે:

રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ ૪૮ પ્રકારનાં પાણી છે. તેમાંથી નવ સ્થાયી રૂપે જગતમાં જોવા મળે છે. આપણા તમામ પૌરાણિક-ધાર્મિક ગ્રંથોમાં જળ પ્રાણ તત્વ તરીકે પૂજનીય લેખાયેલું છે. અથર્વવેદમાં કહ્યું છે કે, “જે પાણી રણ પ્રદેશમાં છે, જે પાણી તળાવોમાં હોય છે, જે પાણી ઘડામાં ભરીને લાવ્યા છીએ, જે જળ વરસાદથી પ્રાપ્ત થાય છે એ સર્વ જળ અમને કલ્યાણકારી બનો.”

કૂવાઓનાં જળ અમને સમૃદ્ઘિ આપો,

સંગ્રહિત જળ અમને સમૃદ્ઘિ આપો,

વર્ષના જળ અમને સમૃદ્ઘિ આપો

યજુર્વેદમાં કહ્યું છે કે, “હે જળ, તમો ચોક્કસ કલ્યાણકારી છો. બળની વૃદ્ઘિ માટે અમારું પાલન કરો. જગતને જીવસૃષ્ટિને આપ જે અંશથી તૃપ્ત કરો છો તે સંપૂર્ણ જળ અમને પ્રાપ્ત થાઓ અને તેને ભોગવવાની શક્તિ આપો.”

તમામ ધર્મો પાણીનું મહત્ત્વ સ્વીકારે છે

જગતના તમામ ધર્મો અને સંપ્રદાયોએ પાણીનું મહત્ત્વ અને અનિવાર્યતા સ્વીકાર્યા છે અને ધર્મગ્રંથો દ્વારા લોકોને તેનું મહત્ત્વ સમજાવવા સતત પ્રયત્નો કર્યા છે. બાઈબલમાં પાણીનું મહત્ત્વ સમજાવતાં લખ્યું છે કે “ઈશ્વરનો આત્મા તો પાણી પર બિરાજે છે, પાણી હોય તો જ જીવસૃષ્ટિ શકય છે. ભગવાન મહાવીરે કહ્યું હતું કે, “જળનો ઉપયોગ ઘીની જેમ જાળવીને કરજો. જેથી જીવહિંસા અટકે.” ગ્રંથ સાહેબમાં લખ્યું છે કે “જળ તો જીવન અર્પે છે, પણ તેને વિવેકપૂર્વક સાચવી ન શકીએ તો તે જીવનને ઝૂંટવી પણ લે છે.” ૧રમી સદીમાં લંકાના રાજા પરાક્રમ બાહુએ લખ્યું હતું કે, “પૃથ્વી પર તરનાર પાણીનું એકેય ટીપું માનવીની સેવા વગર દરિયામાં જવું ન જોઈએ.”

૧૬ મી સદીમાં મહાકવિ અબ્દુલ રહીમે પીવાના પાણીનું મહત્વ સમજાવતાં “બિન પાની સબ સૂના”વાળો પ્રસિદ્ઘ દુહો લખેલ ત્યારે કોઈને કલ્પના નહીં હોય કે એક દિવસ એ દુહાની પંક્તિઓ શબ્દશ: સાચી પડશે. હિન્દુઓમાં આજે પણ દર વર્ષે ભાદરવાની અમાસે પિતૃઓને પાણી રેડવાની પ્રથા છે. ભાદરવા મહિનાની સુદ એકાદશી એટલે “જલ ઝીલણી અગિયારસ” તરીકે જવાય છે, “ભગવાન શ્રીકૃષ્ણ હોડકામાં બેસીને, બન્ને હાથ ઊંચા કરીને વરસાદના પાણીને ઝીલતા હોય” એવી વિધિ હોય છે. વરસાદના પાણીને ઝીલવા, સંગ્રહવાનું કેવું મહત્ત્વ છે તે સમજાવવા ભગવાન શ્રીકૃષ્ણના આ પ્રસંગના દિવસને જલ ઝીલણી અગિયારસ તરીકે જવાય છે.

 

દરેક નાગરિકે પાણીના પ્રશ્ને ગંભીરતાથી વિચારવા જાગ્રત અને સક્રિય બનવાનો સમય પાકી ગયો છે. આપણે સૌએ વધુમાં વધુ વરસાદી પાણીને રોકવા, સંગ્રહવા અને ભૂતળમાં ઉતારવાની બાબતને મહત્ત્વ આપવું જોઈએ અને “જળ એ જીવન”ના સૂત્ર મુજબ જીવવાની ટેવ પાડવી પડશે. જેટલા વહેલા જાગીશું એટલું સારું. નહિતર પસ્તાવું પડશે તેમાં બે-મત નથી. “પાણી જ પરમેશ્વર”જેવું સૂત્ર ગાજતું કરવું જરૂરી છે.

લેખન શામજીભાઇ આંટાળા

સ્ત્રોત: જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate