অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળવ્યવસ્થાપનમાં મહિલા ભાગીદારી

જળવ્યવસ્થાપનમાં મહિલા ભાગીદારી

સમજીએ અને સાંભળીએ પાણીના ખરા છેવટના વપરાશકારોને…

૮ માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન‘ તરીકે જવાય છે. ૧૮પ૩ની ૮ માર્ચે અમેરિકાની કાપડની સૂતર મિલોમાં કામ કરતી મજૂર મહિલાઓને તેમના કામના કલાકો ૧૬ થી ઘટાડીને ૧૦ કલાક કરવાની માંગણી માટે સંઘર્ષ છેડ્યો અને આ સંઘર્ષમાં તેમને સફળતા મળી. તેથી આ વિજયી સંઘર્ષની યાદ તાજી રાખવા ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે જાહેર કરાયો. મહત્વની વાત એ છે કે, આ વિજયી સંઘર્ષ કરનાર ઇતિહાસ ઘડનાર સ્ત્રીઓ ન હતી, પરંતુ રોજબરોજ મહેનત અને સંઘર્ષ કરતી ‘સામાન્ય’  સ્ત્રીઓ હતી. જ્યારે આપણે પીવાના પાણીના કાર્યક્રમોમાં લોકભાગીદારીની વાત કરીએ છીએ, ત્યારે ૮ માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે થોડી વિશેષ નજર લોકભાગીદારીમાં ‘મહિલા ભાગીદારી’ પર કરીએ.

સ્વજલધારા માર્ગદર્શિકા કહે છે કે, ‘સ્થાનિક સ્તરે સામાજિક-આર્થિક સાધન તરીકે વ્યવસ્થાપન કરવું અત્યંત અગત્યનું છે.’ સામાન્ય રીતે, યોજનાનું આયોજન અને અમલીકરણ કરવાના સમયે લોકોની માગ, પસંદગી ગણતરીમાં લેવાતી નથી. યોજનાના નબળા સંચાલન અને જાળવણીને લીધે હાલના અભિગમે સંખ્યાબંધ પાણી પુરવઠા યોજનાઓને નિષ્ફળ બનાવી છે. એટલે સ્વજલધારાના પાયાના અમુક સિદ્ધાંતોમાં `લોકોની સામૂહિક ભાગીદારી‘, `પંચાયતની સંપૂર્ણ માલિકી‘ અને આયોજનથી જાળવણીની સત્તાનો સ્વીકાર કરવામાં આવેલ છે.

જ્યારે `છેવટના વપરાશકાર‘ને કેન્દ્રમાં મૂકવાની વાત કરવામાં આવે, ત્યારે સવાલ એ થાય કે પાણીના છેવટના વપરાશકાર છે કોણ? આપણે એને કેન્દ્રમાં રાખીને એની ભાગીદારી નિશ્ચિત કરીએ છીએ કે કેમ? આપણે છેવટના વપરાશકાર તરીકે ઘરની ગણતરી કરીએ છીએ પરંતુ ખરેખર તો મહિલાઓનો પીવાના પાણી સાથેનો સંબંધ વધુ હોઈ છેવટના વપરાશકાર તરીકે તે સંબંધ સમજવો જરૂરી બની જાય છે.

મહિલા અને પાણીનો સંબંધ

આપણાં અનેક લોકગીતો પાણી સાથેના મહિલાના સંબંધોનો પડઘો પાડે છે. પાણીના સંબંધે કે કૂવે જતી મહિલાઓની વ્યથા લોકગીતોમાં સાહજીકતાથી વણાઈ ગઈ છે. આપણા સમાજે મહિલાઓ અને પુરુષો વચ્ચે કાર્યનું વિભાજન કર્યું છે. તેમાં ઘરની બહારનાં કાર્યો પુરુષના ભાગે, જ્યારે ઘરની અંદરનાં કાર્યો સ્ત્રીઓને ભાગે છે.

પીવાનું પાણી આ પ્રકારનાં કાર્યોમાંનું એક છે. પરિવારના તમામ સભ્યના સ્વાસ્થ્યની જાળવણી માટે પાયાની જરૂરિયાત એવું સ્વચ્છ, પીવાલાયક પાણી માથે બેડાંથી ભરવાની તથા તે પાણીને કરકસર રીતે વાપરવાની જવાબદારી લગભગ બધા સમુદાયમાં મહિલાને ભાગે છે. બાળકોને તેના વપરાશ માટે ટકોરથી માંડીને સ્વચ્છતા શીખવવાની એ તમામ જવાબદારી પણ મહિલાને માથે છે. આમ, મહિલા અને પાણીનો ખૂબ ઘનિષ્ટ નાતો છે.

ઘરવપરાશ માટે તથા ઘણી વાર ઢોરને માટે પાણી લાવવાની જવાબદારી પણ મહિલાની છે.

રાજકોટ જિલ્લાના બગસરા ગામમાં ઢોર માટે દિવસમાં બે વાર દસ-બાર બેડાં માથે ભરતાં તો – પાણી ગામમાં જ ઉપલબ્ધ હોય તો પણ – દિવસમાં ઘણો સમય વ્યતીત થઈ જાય અને શારીરિક હાલાકી ભોગવવી પડે તે જુદી. તેવી જ રીતે દાબખલ જેવાં ગામો હોય જેમાં પાણી તો મળી રહે, પણ રોજ પ૦૦ મીટરથી ૧ કિ.મી ટેકરી પર ચઢીને જવાનું હોય ત્યારે તેની મહિલાના સ્વાસ્થ્ય પર અવળી અસરોની તો કલ્પના કરવી જ ઘટે. આપણે ત્યાં પીવાનું પાણી સહુથી વધુ ભરનાર પણ મહિલા છે અને તેને લીધે પાણીની  અછતથી સહુથી વધુ ભોગ બનનાર પણ મહિલા છે. આમ, છેવટના વપરાશકાર- પાણીના અનુસંધાનમાં મહિલા છે. એથી પીવાના પાણીના કાર્યક્રમોમાં મહિલા ભાગીદારી અનિવાર્ય બની જાય.

સ્વજલધારા અંતર્ગત પાણી સમિતિમાં મહિલાઓ

પાણી સાથેના મહિલાના ઘનિષ્ટ સંબંધોને ધ્યાનમાં રાખીને સ્વજલધારા માર્ગદર્શન પણ સૂચવે છે કે `ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિમાં ઓછામાં ઓછા ૧/૩ સભ્યો મહિલાઓ હોવી જોઈશે‘ આ પાછળની સમજ એ છે કે સમિતિ મહિલા પ્રતિનિધિત્વ હોવાથી કાર્યક્રમને વિવિધ તબક્કે મહિલાઓની પસંદગી અને તેમનો અવાજ પાણી સમિતિ જેવા નિર્ણાયક માળખામાં આવી શકે. મહિલા પ્રતિનિધિ મારફત અન્ય મહિલાઓ સુધી વાત પ્રસરી શકે અને તેમના મુદ્દાઓ પણ પાણી સમિતિના ધ્યાન પર લાવી શકાય.

 

હમણાં રાજકોટ જિલ્લાનાં બે અને વલસાડ/નવસારી જિલ્લાનાં સ્વજલધારાનાં ત્રણ ગામની મુલાકાત દરમિયાન એ ધ્યાનમાં આવ્યું કે પાંચેય ગામમાં પાણી સમિતિમાં માત્ર ત્રીજા ભાગના સભ્યો મહિલા સભ્યો હતાં. માર્ગદર્શિકાના `ઓછામાં ઓછા ૧/૩‘ને આપણે `માત્ર ત્રીજા ભાગના‘માં રૂપાંતર કરી દીધું. વધુ આશ્ચર્યની બાબત એ હતી કે એ જ ગામોમાં ઘણાં સક્રિય મહિલા મંડળો, મહિલા સંચાલિત દૂધ મંડળી વગેરે કાર્યરત છે. જો આપણે એ સ્વીકારતાં હોઈએ કે પાણીનો છેવટનો વપરાશકાર મહિલા છે તો પાણી સમિતિ જેવા માળખામાં, જેના તમામ નિર્ણયો મહિલાઓને પ્રત્યેક દિન અસર કરવાના છે, તેમાં માત્ર ત્રીજા ભાગની જ મહિલાઓ શું કામ?

મહિલાઓને પાણી સાથે સીધો સંબંધ છે તેથી તેમને રસ છે કે પીવાના પાણીની યોજના તેમના ગામમાં આવે. એ માટે સામાન્ય રીતે આપણા ગામોમાં જે `ખરડો‘ પુરુષે કરે તે પણ તેમણે જાહેરમાં કરેલ છે. એમને એ પણ રસ છે કે થઈ રહેલ કામની ગુણવત્તાની જાણવણી થાય, કારણ કે લાંબાગાળા સુધી કામ ટકી રહેશે તો તેમને જ સીધો ફાયદો છે અને તેથી તેમનો સમય આપીને બાંધકામ ચાલતું હોય ત્યારે કે તેમનાં નાણાં જાળવણી માટે આપવાં એ પુરુષ કરતાં પહેલાં તૈયાર થાય છે.

આમ, ફાળો ઉઘરાવવાથી માંડીને બાંધકામ શરૂ થયા પછી તેના સુપરવિઝનમાં અને પાછળથી જાળવણીના સંદર્ભમાં મહિલા ભાગીદારી એ આ પાંચેય ગામમાં ધ્યાન આપ્યું પરંતુ, “કૂવામાં હોય તો હવાડામાં આવે” એ આપણી જૂની કહેવતને આપણે સહેજ યાદ કરવાની જરૂર છે તેવું પણ આ મુલાકાત પરથી લાગ્યું.

સ્વજલધારા નિર્ણયમાં મહિલા ભાગીદારી કયાં?

પાણી સમિતિમાં પુરુષો દ્વારા આયોજન બની જાય એ પછી ચોક્કસ મહિલાઓ ચિત્રમાં આવે છે પરંતુ ગામના પીવાના પાણીની સમસ્યા માટે કાર્ય વૈવિધ્યસભર, લાંબાગાળાના ઉકેલ લાવવા શું કરવું? કેવી રીતે કરવું? તેના પાયાના અયોજન અને નિર્ણયમાં મહિલાઓની ભાગીદારી આ પાંચેય ગામમાં કેટલી છે તે એક સવાલ છે. જે સમજથી સરકારે ગામલોકોને નિર્ણયમાં ભાગીદાર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે, એ જ અહીં લાગુ પડે છે. પાણી ભરનારને ખબર છે કે મુશ્કેલી કયાં છે તેથી પાણીનો છેવટનો વપરાશકાર મહિલા છે તો નિર્ણયમાં તેમની ભાગીદારી હોવી જરૂરી છે તેનાં અમુક તાદ્શ ઉદાહરણો પાંચ ગામની મુલાકાત દરમિયાન ધ્યાનમાં આવ્યાં.

 

  • એક ગામમાં જ્યાં અમુક ઘર કાયદેસર નથી તેમને માટે વ્યક્તિ ઘર કનેકશનને બદલે એક સામૂહિક સ્ટેન્ડપોસ્ટ બનાવવામાં આવ્યો છે. મહિલાઓનું સૂચન હતું કે એ સ્ટેન્ડપોસ્ટના ઉપરના પ્લેટફોર્મ પર `કુંડલી‘ (બેડું મૂકવાની અર્ધગોળાકાર ખોબા જેવી જગ્યા જેથી બેડું દડી ન જાય) મૂકવામાં આવે તો તેમને બાજુના નળવાળાં બહેન સાથે મુશ્કેલી ન થાય. લગભગ બધી બહેનો એક સાથે બે બેડાં ભરતી હોય છે. ત્યારે બીજું બેડું મૂકવું કયાં તેનો પ્રશ્ન થઈ જાય છે.
  • એ જ રીતે સ્ટેન્ડપોસ્ટની બાજુમાં કમરની ચાઈનું પ્લેટફોર્મ હોય તો તેમણે ઝૂકીને આંચકો મારીને બેડું માથે ચડાવવું ન પડે.
  • એક ગામમાં જ્યાં તળાવનું પાણી વિવિધ ઉપયોગોને લીધે પીવા માટે નથી વાપરી શકાતું ત્યાં તળાવના વપરાશ માટે બાજુનો હવેડો  રિપેર કરાવી સ્વજલધારામાં મંજૂર થયેલ હવાડો બીજી જગ્યાએ કરવાની વાત તેમણે કરી.
  • એક ગામના ફળિયામાં જ્યાં ઢાળને લીધે કૂવામાંથી પાણી પાઈપલાઈનમાં મોટર વગર ફોર્સથી આવે છે. ત્યાં હાલ સ્ટેન્ડ પોસ્ટ પર ર૪ કલાક પાણી ચાલુ રહે છે તેથી ફોર્સ ઓછો કરીને પાણીના વપરાશને અંકુશમાં રાખવા પાણી સમિતિએ સ્વજલધારા અંતર્ગત મોટી સ્ટોરેજ ટાંકી બનાવી જેમાંથી વાલ દ્વારા સવારે એક અને સાંજે એક કલાક પાણી છોડી શકાય અને પાણીનો બચાવ થાય.

મહિલાઓને આ ટાંકી બનાવવાનું તર્ક ખબર પડ્યા પછી આ વિશે મહિલાઓનું માનવું હતું કે પાણીની અસલામતીને લીધે મહિલાઓ પાણી ભરી રાખે છે જેનાથી પાણીનો વ્યય વધુ થાય છે. એના કરતાં જો પાણી ર૪ કલાક ચાલુ રહેવાનું છે તેવી ખબર હોય તો પાણી ભરીને ન રાખે સરવાળે પાણીનો વ્યય ઓછો થાય.

આમ મહિલાઓને આયોજનના પાયાના તબક્કે નિર્ણયમાં સામેલ નહીં કરીએ તો ઘણા ખર્ચે થયેલ આપણા ગમામાં પાણીનો પ્રશ્ન દેખીતી રીતે કદાચ હલ થઈ જશે પરંતુ તેની અસરકારક ડિઝાઈનના અભાવના કારણે મહિલાઓને નડતા અમુક પ્રશ્નો કદાચ એમને એમ જ રહેશે અને કદાચ લેવાયેલ નિર્ણયની ઊંધી અસર પણ મહિલાઓ ઉપર થશે.

તેથી આયોજનના અને નિર્ણયના દરેક તબક્કે માત્ર- પાછળથી નહીં- મહિલાઓની ભાગીદારી હોય, તે એટલું જ મહત્વનું છે. ઉપરોકત ઉદાહરણ સ્પષ્ટ દર્શાવે છે કે મહિલાઓ પાણી ભરે છે એટલે તેઓ તેમને નડતી સમસ્યાઓથી જ નહીં પરંતુ તેના શકય ઉકેલથી પણ વાકેફ છે. જરૂર છે આપણા પુરુષ પ્રધાન સમાજમાં તે માટે તેમને તક આપવાની તેમજ પોતાનું મંતવ્ય રજૂ કરી શકે તેવું વાતાવરણ સર્જવાની.

નિર્ણયના સ્તરે મહિલા ભાગીદારી કઈ રીતે વધાવી શકાય?

મુલાકાત દરમિયાન પાંચેય ગામોમાંથી કોઈ ને કોઈ કડીઓ મળી જે મહિલા ભાગીદારે નિર્ણાયક ભૂમિકામાં વધારવા માટે ટેકારૂપ બની રહે.

  • એક ગામમાં ચાર મહિલા મંડળ છે. ૮૦ સભ્ય બહેનો છે. આવાં ઘણાં મહિલા મંડળો ગામેગામ છે. તે જ રીતે ગામમાં ત્રણ મહિલા દૂધ મંડળીઓ છે. આપણે વધુ મહિલાઓ સુધી પહોંચવામાં અને આયોજન તેમજ અન્ય નિર્ણયોમાં તેમનો અવાજ પહોંચાડવામાં આવા પ્લેટર્ફોમને માધ્યમ બનાવી શકાય? એટલે કે જેમ બને તેમ આયોજન પહેલાંની વાતો વધુ ને વધુ બહેનો સુધી કેવી રીતે પહોંચે તે આપણો ધ્યેય હોવો જોઈએ.
  • એ જ રીતે ગ્રામ સભામાં પુરુષોની હાજરીથી મહિલા ભાગીદારીને અસર પડતી હોય તો શું એક મહિલાસભા શરૂઆતમાં અલગ થઈ શકે? જેમાં સ્વજલધારાની સંપૂર્ણ માહિતી, મહિલાઓ દ્વારા જ પાણી સમિતિના મહિલા સભ્યોનાં નામ અને પાયાના આયોજનલક્ષી નિર્ણયમાં તેમનાં સૂચન આવી શકે?
  • આદિવાસી વિસ્તારમાં જ્યાં ગામ ખૂબ મોટા ફેલાયલા અને સાથે ઢાળ-ઢોળાવવાળી જમીનને કારણે દૂર દૂરના ફળિયાઓમાં વહેંચાયેલાં છે, તેવાં ગામોમાં મુખ્ય પાણી સમિતિ ઉપરાંત ફળિયા દીઠ પેટા સમિતિની રચના કરવામાં આવે છે. તે પ્રક્રિયાના ફાયદા મહિલા જાગૃતિ પર સ્પષ્ટ દેખાયા છે. તેમ છતાં તે જ પ્રક્રિયા ઊંધી થઈ શકે?
  • સહુ પ્રથમ ફળિયાની પેટા સમિતિ બનાવવામાં આવે તો, ફળિયા મીટિંગને કારણે લોકોમાં જાગૃતિ વધુ આવી શકે.
  • દરેક ફળિયામાંથી મુખ્ય પાણી સમિતિમાં માત્ર એક વ્યક્તિને બદલે એક મહિલા અને એક પુરુષ હોય. આને કારણે મુખ્ય પાણી સમિતિની સભ્ય સંખ્યા ઘણી વઘી જાય પરંતુ આમ પણ જો આયોજનથી અમલીકરણ અને જાળવણીની જવાબદારી ફળિયાની જ હોય તો એક પુરુષ અને એક મહિલા સભ્યોનું પ્રમાણ એ મહિલા ભાગીદારી વધારશે અને લાંબા ગાળે વધુ અસરકારક બનશે.

 

સમાપનમાં એ કહી શકાય કે મુલાકાત આધારે સ્પષ્ટ દેખાય છે કે પીવાના પાણીના કાર્યક્રમની સીધી અસર મહિલાઓના જીવન પર થવાની. એ જ રીતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા થયેલ પ્રયાસને વધુ અસરકારક અને ટકાઉ બનાવવા મહિલાઓ જુદાજુદા સ્તરે ભાગીદાર થાય તે માટે ચોક્કસ પહેલ કરવી જરૂરી છે. સાથે જ પાયાના આયોજનના નિર્ણયમાં અને નિર્ણયની તમામ પ્રક્રિયાઓમાંથી તેઓ કયાંક બાદ ન થઈ જાય તે જોવું પણ એટલું જ જરૂરી છે.

મુલાકાત દર્શાવે છે કે નિર્ણયમાં મહિલાઓનો અવાજ હોય તો પીવાના પાણીના કાર્યક્રમની અસરકારકતા ઘણી વધી શકે તેવાં દ્ષ્ટાંતો મોજૂદ છે. સવાલ છે મહિલાઓની ભાગીદારી માટે એક સહિયારો પ્રયાસ કરવાનો અને એક યોગ્ય વાતાવરણ સર્જવાનો, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સ્ત્રી-પુરુષ સમાનતા સાથે પાણીની ટકાઉ યોજના માટે આપણે આપણા ગામ પૂરતું આ માટે વચનબદ્ધ નહીં થઈએ? ?

લેખન: શિલ્પા વસાવડા

સ્ત્રોત: જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate